ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતનો આ કચ્છડો કદાચ તેના કાચબા જેવા આકારના કારણે જ કચ્છ નામ ધરાવતો હશે. કચ્છ આ સફેદ રણના કારણે આજે વિશ્વભરમાં ગુજરાતની એક આગવી ઓળખ છે ત્યારે “ધોળાવીરા” (Dholavira) વૈશ્વિક ધરોહર બનતા કચ્છમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.

UNESCOની વર્લ્ડ હેરિટેજ કમિટીએ તેમના 44મા સેશનમાં કચ્છના આ ધોળાવીરાને ભારતની 40 મી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. જે ગુજરાત માટે એક ગર્વની વાત છે. ધોળાવીરા ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રથમ સાઈટ છે જે પ્રતિષ્ઠિત સૂચિમાં શામેલ થઈ છે. આ સફળ નામાંકન સાથે, ભારતમાં હવે કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે.
હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર એટલે ધોળાવીરા (Dholavira)
ભુજથી 198 કી.મી દૂર ઉત્તરમાં ખદીરબેટ આવેલું છે. આ ખદીરબેટ પર ધોળાવીરા નામનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર આવેલું હતું. આ ધોળાવીરા રાપરથી આશરે 90 કી.મી અને ભચાઉથી આશરે 140 કી.મી દુર આવેલું છે. આમ તો આ વિસ્તારને ‘કોટડા ટિંબા’ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ સમય જતાં તે ધોળાવીરા તરીકે ઓળખાવા લાગ્યો. આ ધોળાવીરા આશરે 5000 વર્ષ પહેલાં વિશ્વનું પ્રાચીન મહાનગર હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ ખાસ કરીને ‘મોડર્ન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનાં શહેરો એમનાં સ્થાપત્યો, મકાનો, ગટરવ્યવસ્થા, અને જાહેર સ્થળો વગેરે માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. ધોળાવીરા રણપ્રદેશમાં વસેલું હોવા છતાં સિંધુ ખીણની સંસ્કૃતિનું મહાનગર સાથે અત્યંત સમૃદ્ધ નગર હતું.

ધોળાવીરા કર્કવૃત્ત પર સ્થાન ધરાવે છે. આ સાથે ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહ વચ્ચે સ્થિત છે. સામાન્ય રીતે નદીઓ અને પાણીના બારમાસી સ્ત્રોતોની નજીક આવેલા અન્ય હડપ્પાના પૂર્વવર્તી નગરોથી વિપરીત, ખદીરબેટમાં ધોળાવીરાનું સ્થાન છે. કોપર, શેલ, એગેટ-કાર્નેલીયન, સ્ટીટાઇટ, લીડ, બેન્ડ લાઈમસ્ટોન જેવી વિવિધ ખનિજ અને કાચા માલનો સ્રોત તરીકે ઉપયોગ કરવા માટે ધોળાવીરા એક આયોજનબદ્ધ સ્થળ હતું. આ ઉપરાંત ધોળાવીરા આધુનિક ઓમાન અને મેસોપોટેમીયાના પ્રદેશોમાં આંતરિક તેમજ બાહ્ય વેપારને સરળ બનાવ્યું હતું.

ધોળાવીરા (Dholavira) નામ કેવી રીતે પડ્યું?
એવું માનવામાં આવે છે કે ધોળાવીરા જ્યાં સ્થિત છે ત્યાં અંદાજે 500 થી 600 વર્ષ પહેલાં ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરડા( વીરા) વહેતા હતા. આ વીરડા (વીરા) પરથી આ ગામનું નામ પડ્યું હતું.
10 કી.મી દૂરથી પણ દેખાય છે કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ
ધોળાવીરામાં આવેલા કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ 10 કી.મી દૂરથી પણ દેખાય છે. આ કિલ્લાને ત્યાંના સ્થાનિક લોકો કોટડો (મહાદુર્ગ) કહે છે. ઉત્તરથી દક્ષિણ તરફનો ધોળાવીરાનો વિસ્તાર 600 મીટર જયારે પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો 775 મીટર છે. આ ધોળાવીરા શહેરના અવશેષો 100 હેક્ટર જમીનમાં ફેલાયેલા છે.

1989–93માં પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે કર્યું હતું ઉત્ખનન
1967-1968માં ભારતના પુરાતત્ત્વવિદ્ જગતપતિ જોષીએ કોટડાની (હાલમાં ધોળાવીરાની) મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પુરાતત્વવિદ ડૉ. સુમન પંડ્યાએ જાતે ધોળાવીરામાં રહીને તેનું નિરીક્ષણ કરીને તેનું મહત્વ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું. પરિણામસ્વરૂપે ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે 1989–93માં મર્યાદિત ઉત્ખનન કર્યું હતું. આ ઉત્ખનન દરમ્યાન મળેલા અવશેષોના આધારે આ શહેરને સિંધુ સંસ્કૃતિ પૂર્વેનો સમય, સિંધુ સંસ્કૃતિનો સમય અને ઉત્તર સિંધુકાલીન સમય એમ ત્રણ કાળમાં વર્ગીકરણ કરવામાં આવેલું.

અહીંથી કયાં-કયાં અવશેષો મળી આવ્યા છે?
આ જગ્યાએથી સિંધુ સંસ્કૃતિના શહેરી અવશેષો મળી આવ્યા છે, જેમાં ચર્ટ પથ્થરનાં પાનાં, તોલમાપનાં વજનો, મુદ્રાઓ, મુદ્રાંકનો, કંપાસ, અનેક પ્રકારના મણકા, સોના, રૂપા, તાંબા તથા સીસાનાં ઘરેણાં, બંગડીઓ, અર્ધકીમતી પથ્થરોના મણકા અને દાગીના મળ્યાં છે. આ ઉપરાંત માટીની પકવેલી થેપલીઓ, ગોફણના ગોળા, બગ્ગીઓ, રમકડાંનાં ગાડાં, શંખની બંગડીઓ, કડછીઓ, આચમનીઓ અને જડતરના દાગીના પણ અહીંથી મળ્યા છે.



મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું ધોળાવીરા નગર (Dholavira)

ધોળાવીરા નગર (Dholavira) મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. જેમાં સૌથી પહેલાં “અપર ટાઉન” આવતું જેને “સિટાડેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં શાસકોના એટલે કે રજવાડી કુટુંબના નિવાસસ્થાન આવેલા હતા. આ સિટાડેલ વિસ્તારને લંબચોરસ કિલ્લેબંધીવાળું બાંધકામ છે. આ સાથે તેના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ પડે છે. આ બંને ભાગોની દીવાલો વચ્ચે 55 મીટરની પહોળાઈ ધરાવતી શેરી છે. બંને વિભાગોને જોડતા પગથિયાંવાળા ઊંચા અને વિશાળ દરવાજા આવેલાં છે. તેની એકદમ પાછળ પશ્ચિમ દિશામાં આવેલાં વિસ્તારને “બૈલી” તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં રજવાડી કુટુંબ માટે સિટાડેલમાં કામ કરતાં લોકોને રહેવા માટેની સગવડતા હતી.


સિટાડેલની ઉત્તરના ભાગમાં ધોળાવીરા નગરનો બીજો ભાગ એટલે કે “મિડલ ટાઉન” (મધ્ય નગર) આવેલું હતું. આ મધ્ય નગર ભાગમાં પથ્થરથી ચણેલાં મકાનોના અવશેષો જોવા મળે છે. તદુપરાંત ત્યાં જોવા મળતા વધારે જગ્યા ધરાવતાં ઘરોના સુઆયોજનના પુરાવા પરથી ખબર પડે છે કે ત્યાં જરૂર સારા વર્ગના લોકો રહેતાં હશે. આ બાંધકામનો ઉત્તરદિશાનો દરવાજો શહેરના મુખ્ય રસ્તે ખૂલે છે. આ દરવાજાની બંને બાજુએ ચોકીદારોને બેસવા માટેની જગ્યા આવેલી છે.

આ નગરનો ત્રીજો ભાગ “લોઅર ટાઉન” (નીચલું નગર) તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યાં ખેડૂતો, કુંભારો જેવા સામન્ય લોકો વસવાટ કરતાં હતા.
ધોળાવીરાની (Dholavira) પાણીની સંચાલન પદ્ધતિ છે અજોડ
આ પ્રાચીન વસાહતની અજોડ બાબત અહીંની પાણીની સંચાલન પદ્ધતિ હતી. ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહની વચ્ચેના ભાગમાં આવેલું છે. જેથી આ બંને નદીના પાણીનો ઉપયોગ જળ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો.

ધોળાવીરાની (Dholavira) એક વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો પણ છે. આ જળાશયોમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. ધોળાવીરા નગર ઉતરથી દક્ષિણ દિશા તરફ ઢાળ ધરાવે છે. જેથી ચોમાસા દરમ્યાન મનહર નદીમાંથી પાણી આવતું, જે મુખ્ય જળાશય ભરાયા બાદ નહેરની મારફતે બીજાં જળાશયમાં જતું હતું. આ વિશાળ જળાશયોમાં અંદર ઊતરવા માટે પગથિયાંની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ સુઆયોજનના મળતાં પુરાવાઓ પરથી ચોક્કસ એવું કહી શકાય કે ધોળાવીરાના લોકો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની ખૂબ જ સારી તકનિકોના જાણકાર હતા.

બૌદ્ધ સ્તૂપોના અવશેષો પણ મળી આવ્યા છે અહીંથી
અહીં બે બહુહેતુક મેદાનો પણ આવેલાં હતા. જેમાંથી એક મેદાનનો તહેવારો માટે જયારે બીજાનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો. અનન્ય ડિઝાઇન ધરાવતા નવ દરવાજા પણ આવેલા હતા. ભારતમાં બૌદ્ધ ધર્મના ધોળાવીરાના સમયમાં પણ જોવા મળે છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક બૌદ્ધ સ્તૂપો આવેલાં છે. જેમાંથી બે બૌદ્ધ સ્તૂપો જેવી ગોળાર્ધ રચનાઓ ધરાવતા સ્મશાનના અવશેષો મળી આવ્યા હતા.

ધોળાવીરા (Dholavira) વેપાર-વાણિજ્યનું હતું મોટું કેન્દ્ર
ધોળાવીરા દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી વસાહતોમાં સ્થાન પામે છે. આ સભ્યતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 1500 થી ઈ.સ.પૂર્વે 3000 સુધીનો માનવામાં આવે છે. ઈ.સ.પૂર્વે 2500ની આસપાસ દક્ષિણ એશિયાના પશ્ચિમ ભાગમાં એટલે વર્તમાનનું પાકિસ્તાન અને પશ્ચિમ ભારત તે મૂળભૂત રીતે એક શહેરી સંસ્કૃતિ હતી અને લોકો સુઆયોજિત અને સુવ્યવસ્થિત નગરોમાં રહેતા હતા. જે વેપારના કેન્દ્રો પણ હતા. અહીં મળેલી વસાહત પરથી કહી શકાય કે ધોળાવીરા વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હશે.


ધોળાવીરાના (Dholavira) પુરાતત્વીય પુરાવાઓ
- અહીં મળી આવેલી કલાકૃતિઓમાં ટેરાકોટા માટીના વાસણ, ગુલાબી રંગના મણકા, માળા, સોના અને તાંબાના આભૂષણો, મહોર, માછલી પકડવાની કાંટાવાળી આંકડી, પ્રાણીઓની મૂર્તિઓ, સાધનો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી વાસણોનો થાય છે સમાવેશ

- તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો દર્શાવે છે કે ધોળાવીરામાં રહેતા લોકો ધાતુશાસ્ત્ર હતા જાણકાર
- એવું માનવામાં આવે છે કે ધોળાવીરાના વેપારીઓ હાલના રાજસ્થાન, ઓમાન અને યુએઈમાંથી તાંબા અયસ્કનો સ્ત્રોત લેતા હતા અને તૈયાર ઉત્પાદનોની કરતા હતા નિકાસ
- ધોળાવીરા અકીક, શંખ અને અર્ધ કીમતી પથ્થરોથી બનેલા દાગીનાના ઉત્પાદનનું હતું કેન્દ્ર
- અહીંથી મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે
- લાકડાની નિકાસ પણ કરવામાં આવતી હતી અહીં

- ધોળાવીરાના પ્રવેશદ્વાર પાસે 10 અક્ષરનું મળી આવેલું છે સાઈન બોર્ડ
- આ સાઈન બોર્ડમાં લખેલી લિપિ માત્ર ધોળાવીરામાં જ મળી છે
- આ સાઈન બોર્ડમાં લખેલી લિપિના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે
- આ સાઈન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ કહી શકાય, પરંતુ હજુ સુધી તેને નથી ઉકેલી શકાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાના માપદંડો
કોઈપણ દેશ દ્વારા સૌપ્રથમ પોતાના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે કોઈપણ દેશ એવી કોઈપણ સંપદાને નોમિનેટ ન કરી શકે જેનું નામ એ લિસ્ટ પહેલાંથી શામેલ ન હોય. આ સાથે જ આ લિસ્ટ સમયાંતરે અપડેટ પણ કરવામાં આવે છે. 2004 સુધી સાંસ્કૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 6 માપદંડ અને પ્રાકૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 4 માપદંડ હતા. જે વર્ષ 2005માં બદલીને કુલ મળીને 10 માપદંડ કરી નાખવામાં આવેલાં. જે 10 માપદંડો આ મુજબ છે.
- જે તે સ્થળ કે વસ્તુ માનવ સર્જનાત્મકતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠતમ નમૂનો હોવો જોઈએ
- જે તે સાંસ્કૃતિક જગ્યામાં તે સમયગાળા દરમિયાનના સ્થાપત્ય, ટેકનોલોજી, કળા, નગર આયોજન અને તેની સંરચના જેવા અગત્યના માનવમૂલ્યોની આપ-લે થયેલી હોવી જોઈએ
- જે તે સ્થળે રહેતા અથવા રહી ચૂકેલા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાઓ અથવા પરંપરાઓના પુરાવા હોવા જોઈએ
- જે તે સ્થળ ઉપર કોઈ પ્રકારની એવી ઐતિહાસિક ઇમારત, સ્થાપત્ય અથવા ટેક્નોલોજિકલ ચીજવસ્તુ હોવી જોઈએ જે માનવ ઇતિહાસમાં કોઈ એક સમયે ખૂબ મહત્વનું સ્થાન ભોગવતી હોય
- જે તે સ્થળ ઐતિહાસિક રીતે માનવ સભ્યતાએ ઉપયોગ કરેલ જમીન અથવા દરિયાઈ વસાહતનો શ્રેષ્ઠ નમૂનો હોવી જોઈએ. આ સ્થળ મનુષ્યોએ સ્થાનિક પર્યાવરણ સાથે કઈ રીતે પરસ્પર જોડાણ કર્યું હતું તેનું ઉત્તમ ઉદાહરણ હોવું જોઈએ
- જે તે સ્થળ વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી કળાઓ, સાહિત્યિક મૂલ્યો, વિચારો, આસ્થાઓ, અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલું હોવું જરૂરી
- જે તે સ્થળ ઉપર અદભૂત કહી શકે એવી કુદરતી ઘટનાઓ બનતી હોય અથવા જે વિસ્તારોમાં અસાધારણ રીતે કુદરતી સુંદરતા આવેલી હોય અને જેનું સૌદર્યનું દ્રષ્ટિએ આગવું મહત્વ હોય
- પૃથ્વીના ઇતિહાસના મહત્વના તબક્કાઓ જે તે સ્થળ ઉપર પસાર થયા હોય, અલગ-અલગ સજીવોના જીવનના પુરાવા હોય, હાલ એ ધરતી ઉપર મહત્વના ભૂવિજ્ઞાનિક ફેરફારો થઈ રહ્યા હોય અથવા તેની ચોક્કસ ભૌતિક વિશેષતાઓ હોય
- જીવવિજ્ઞાનના ક્ષેત્રે જે તે સ્થળે એવી અતિમહત્વની ઘટનાઓ બની હોય જે ઘટનાઓ ભવિષ્યમાં સજીવો, ચોખ્ખું પાણી, દરિયાઈ જીવ સૃષ્ટિ, ઝાડ-પાન અને પશુઓના ઉદ્ભવ, વિકાસ અને તેમની ઉત્ક્રાંતિ માટે જવાબદાર હોય
- જૈવ વિવિધતા જાળવી રાખવા માટે જે તે સ્થળ ત્યાંની સ્થાનિક જીવ સૃષ્ટિ, ખાસ કરીને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પ્રજાતિઓને એક કાયમી અને સુરક્ષિત આવાસ આપતું હોય જેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું સંરક્ષણ થઈ શકે
ધોળાવીરાને (Dholavira) વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે સૌપ્રથમ 2018માં કરવામાં આવી હતી રજૂઆત
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે સૌપ્રથમ 2018માં ડોઝિયર મોકલ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકારે ધોળાવીરાની સાઇટનો વિકાસ કરવા ખાસ સમિતિઓની રચના કરી હતી. ત્યારબાદ પણ સતત તેના સમાવેશ માટે યુનેસ્કોને રજૂઆતો કરવામાં આવતી રહેતી અને છેવટે 2021માં કચ્છના આ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યું. ધોળાવીરાના સમાવેશ સાથે હવે ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. જેમાં ધોળાવીરા (2021) સહિત પાવાગઢ સ્થિત ચાંપાનેર (2004), પાટણમાં આવેલી રાણ કી વાવ (2014) અને અમદાવાદ શહેર (2017)નો સમાવેશ થાય છે.

વિશ્વના 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સાઇટો જેમાથી ભારતમાં કુલ 40 વૈશ્વિક ઐતિહાસિક સ્થળો
વિશ્વભરમાં (જુલાઈ, 2021 સુધીમાં) 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સ્થળો આવેલા છે. જેમાં 897 સાંસ્કૃતિક, 218 પ્રાકૃતિક અને 39 મિશ્રિત સ્થળ છે. સૌથી વધારે હેરિટેજ સ્થળો ધરાવતા લિસ્ટમાં ઈટલીનો પ્રથમ સ્થાને આવે છે. જ્યાં 55 વૈશ્વિક સ્તરના ઐતિહાસિક સ્થળો આવેલાં છે. જયારે બીજા નંબરે ચીન ( 55 ઐતિહાસિક સ્થળો ), ત્રીજા નંબરે સ્પેન (48 ઐતિહાસિક સ્થળો ), ચોથા નંબરે જર્મની (46 ઐતિહાસિક સ્થળો) અને પાંચમાં નંબરે ફ્રાંસનો (45 વૈશ્વિક ધરોહર સ્થળો) સમાવેશ થાય છે.

આ સાથે આ યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. હાલ (જુલાઈ, 2021) સુધીમાં ભારતમાં કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે. જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને 1 મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આ ઐતિહાસિક ધરોહરની લિસ્ટમાં સૌથી પહેલા નંબરે સાત અજાયબીમાનો એક “તાજમહેલ” છે. 1983માં સૌપ્રથમવાર સાંસ્કૃતિક મહત્તવ ધરાવતા સ્થળ તરીકે તાજમહેલ, અજંતા-ઈલોરાની ગુફાઓ, કોર્ણાકનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો, કુતુબમિનાર, લાલકિલ્લો, જંતર-મંતર સામેલ છે. ત્યારબાદ 1985માં સૌપ્રથમવાર પ્રાકૃતિક સ્થળોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, જે અંતર્ગત કાજીરંગા નેશનલ પાર્ક કેઓલાદેવ નેશનલ પાર્ક, માનસ વાઇલ્ડલાઈફ સેન્ચુરી, સહિત કુલ 40 સ્મારકો, ઈમારતો અને સ્થળો છે. જેમાં તેલંગાણામાં આવેલું રામપ્પા મંદિર ભારતની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ગુજરાતમાં આવેલી ધોળાવીરાને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળતાં શું લાભ મળે?

- લોકપ્રિયતા, પ્રવાસન, રોજગારી અને આર્થિક લાભ
કોઈપણ સ્થળને જયારે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે સૌથી મોટો ફાયદો તેના ટૂરિઝમ, એટલે કે પ્રવાસનને મળે છે. કોઈપણ સાઇટને વર્લ્ડ હેરિટેજની માન્યતા મળ્યા બાદ ત્યાં ટુરિસ્ટોનો ખાસ ઘસારો જોવા મળે છે. આ સાથે જ દેશ-વિદેશમાં આ પ્રકારના સ્થળો આકર્ષણનું એક કેન્દ્ર બની જાય છે. આ સાથે લોકલ મીડિયાથી લઈને દેશ-વિદેશના મીડિયા, તેમજ ટ્રાવેલર, યુટ્યુબરો એને વ્લોગર તેની લોકપ્રિયતામાં વધારો થાય એ હેતુથી તેના વિડીયો અને લેખો બનાવી તેનો પ્રચાર-પ્રસાર કરે છે. આવું કરવાથી એ હેરિટેજ સાઇટની લોકપ્રિયતામાં વધારો થાય છે. આ સાથે જ પ્રવાસન સ્થળ ઉભું કરીને રોજગારી સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે.
- સંરક્ષણ માટે ભંડોળ મળવાને પાત્ર
વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારી જગ્યા સંરક્ષણ માટે ભંડોળ મેળવવાને પાત્ર બની જાય છે. આવી અમુલ્ય જગ્યાઓનું સંરક્ષણ કરવું એ એક જવાબદારી બની જાય છે. આવા કારણથી જો સાઇટના વૈશ્વિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંસાધનો માટે મેન્ટેનન્સની જરૂર હોય કે પછી જો સાઇટના રક્ષણ માટે પણ કોઈ જરૂરીયાત હોય તો તેના માટે ભંડોળની ખાસ વ્યવસ્થા હોય છે.
- યુદ્ધ જેવી સ્થિતિ વખતે ખાસ સંરક્ષણ અને નુકસાન થાય તો ફંડની મદદ
વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં સ્થાન મળ્યા બાદ જે-તે સ્થળનું સંરક્ષણકરવું ખુબ જ જરૂરી અર્થાત એક જવાબદારી બની જાય છે. આ ઉપરાંત ખાસ કરીને યુદ્ધ જેવી પરીસ્થિતિ વખતે જીનિવા કન્વેન્શન અંતર્ગત આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ખાસરૂપે ધ્યાન આપવામાં આવે છે. ધ્યાન રાખવા છતાંપણ યુદ્ધ દરમિયાન તેને કોઈ નુકશાન થાય તો તેને ફરીવાર જે સ્વરૂપમાં હતું એ જ સ્વરૂપ આપવામાં આવે છે. ભુતકાળમાં (2001માં) તાલિબાનીઓ દ્વારા 6ઠ્ઠી સેન્ચુરીમાં બનેલી 150 ફૂટની બુદ્ધ પ્રતિમા કે જે અફઘાનિસ્તાનના બામિયાન વેલીમાં આવેલી છે, જેને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જેને પહેલાં જેવું સ્વરૂપ આપવા માટે યુનેસ્કો દ્વારા 4 મિલિયન ડોલરની મદદ કરવામાં આવી હતી.
Read Also
મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર
ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત
ધોળાવીરાનો નાશ થવાનું કારણ

ધોળાવીરાના નાશ માટે અલગ-અલગ મતો પ્રવર્તે છે. જેમાં એક મત મુજબ ધોળાવીરા આબોહવા પરિવર્તન અને સરસ્વતી નદી સુકાવાને કારણે તીવ્ર શુષ્કતાના તબક્કામાં પ્રવેશ કર્યો. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, જેના પગલે લોકોએ ગંગા ખીણ અથવા દક્ષિણ ગુજરાત તરફ અને મહારાષ્ટ્રમાં આગળ વધવાનું શરૂ કર્યું હશે એવું માનવામાં આવે છે. ત્યારબાદ ખદીર ટાપુ પર સ્થિત કચ્છનું રણ જેના પર ધોળાવીરા સ્થિત છે, તે નૌકાવિહાર માટે વપરાતું હતું. પરંતુ દરિયો ધીમે-ધીમે ઘટતો ગયો અને રણ કાદવની સપાટી બની ગયો. આ રીતે ધોળાવીરાનો નાશ થયો હોય એવું માનવામાં આવે છે.

આ સાથે બીજા મત મુજબ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી’ આ સંસ્કૃતિના પતન માટે પાણીને જવાબદાર ગણાવે છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરેલા સંશોધન મુજબ એવા સંકેતો પ્રાપ્ત થયાં છે કે કચ્છના દરિયાકિનારે આવેલી ભયંકર સુનામીના કારણે ધોળાવીરાનો નાશ થયો હશે.

- ધોળાવીરા – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 358 km.) – Rs.8500 – 11000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.2500 – 4000
- જમવાનો ખર્ચ – Rs.2000 – 2500
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
- કુલ – આશરે 14,500 થી 19,500/—
- અંતર (Distance)
- અમદાવાદથી – 358 km.
- વડોદરાથી – 467 km.
- સુરતથી – 619 km.
- રાજકોટથી – 259 km.
- કચ્છથી – 283 km.
જાણીતી હોટલો – Rann Resort Dholavira
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક : ખદીરબેટ બસ સ્ટોપ, ભુજ રેલ્વે સ્ટેશન, ભુજ એરપોર્ટ