પ્રવાસ એટલે રોજબરોજની ઘટમાળમાંથી થોડો સમય કાઢીને કોઈ સ્થળને જાણવું, માણવું અને મનભરીને જીવી લેવું, નીરસ જીવનને ખુશનુમા અને જીવંત બનાવવા પ્રવાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ ચોમાસામાં જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય ત્યારે કુદરતના સાનિધ્યમાં નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યને માણવાની મજા જ અનેરી છે. ગુજરાતમાં એવી 49 ઇકો-ટુરિઝમ સાઇટ આવેલી છે જેમાંની એક છે તાપી જિલ્લામાં આવેલ ‘પદમડુંગરી’ (Padam Dungari) ઇકો-ટુરિઝમ પોઈન્ટ.
ઇકો-ટુરિઝમ એટલે શું ?
ઇકો-ટુરિઝમ એટલે વન સંપદાને નુકશાન પહોંચાડ્યા વગર પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે જાગૃતતા લાવવા ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવું. વન્યજીવન અંગે શિક્ષણ, અર્થઘટન અને તાલીમ આપવા માટે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય ચૂનંદા ગ્રુપને નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યની જાણકારી આપવામાં આવે છે. ઇકો-ટુરિઝમ કાર્યક્રમ જાહેર નાગરિકો માટે હોય છે.
Courtesy – fb/Padamdungari Eco Tourism
પદમડુંગરી (Padam Dungari) ક્યાં આવેલું છે ?
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારા તાલુકાની દક્ષિણે વહેતી અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાના સુંદર વનમાં પદમડુંગરી સ્થિત છે. વ્યારાથી 30 કિ.મી.ના અંતરે તેમજ ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત ઉનાઈથી 8 કિ.મી.ના અંતરે પદમડુંગરી આવેલું છે. વાપી-શામળાજી હાઇવે પર પાઠકવાડી સ્ટેન્ડથી પૂર્વ દિશામાં 9 કિ.મી. દૂર પદમડુંગરી ઇકો-ટુરિઝમ પોઈન્ટ તથા પ્રાકૃતિક શિક્ષણ શિબિર સ્થળનું ઉદ્ઘાટન 13 નવેમ્બર 2005 માં પદમડુંગરી નામક ગામના લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ઇકો ટુરિઝમ ડેવલમેન્ટ કમિટી દ્વારા પદમડુંગરી પ્રવાસન સ્થળ વિકસિત કરવામાં આવ્યું છે.
Courtesy – fb/Padamdungari Eco Tourism
‘પદમડુંગરી’ (Padam Dungari)કેમ નામ પડ્યું?
‘પદમડુંગરી’ શબ્દનું મૂળ પુરાણ કાળમાં હતું. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ડુંગરોની વચ્ચે એક ‘હાથિયોતળાવ’ હતું, આ તળાવમાં પદ્મ એટલે કે કમળના ફૂલ થતાં અને હાથીઓને પણ સ્નાન કરાવવામાં આવતું હોવાથી તેને પદમનગરી/પદમડુંગરી (Padam Dungari) કહેવામાં આવતું હતું.
Courtesy – fb/Padamdungari Eco Tourism
અહીં થતી એડવેન્ચર એક્ટિવિટી
અંબિકા નદી પર ઝીપ લાઈન કરી શકાય છે, જેનો ચાર્જ વ્યક્તિ દીઠ RS.100 છે
UTV બગી રાઇડ RS.150
તીરંદાજી (Archery) RS. 40
બોટિંગ ચાર્જીસ વ્યક્તિ દીઠ RS.50
અંબિકા નદીમાં રાફ્ટિંગ, ફ્લોટિંગ, ટ્યુબિંગ જેવી એક્ટિવિટીની પણ મજા માણી શકાય છે
આખો વિસ્તાર વન અને પર્વતથી ઘેરાયેલો હોવાથી ટ્રેકિંગ અને હિલ ક્લાઈમ્બિંગ માટે પણ શ્રેષ્ઠ છે
ઇકો કેમ્પ સાઇટમાં પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે
ઇકો કેમ્પ સાઇટને સ્વચ્છ અને પ્રદુષણમુક્ત રાખવા અને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે બધું જ પ્લાસ્ટિક એકઠું કર્યા બાદ કેન્ટીનમાં પ્લાસ્ટિકના રેપર્સવાળી વસ્તુના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ ફરમાવવમાં આવી છે. અહીં કાચની બોટલમાં અંબિકાનદીનું જ પાણી શુદ્ધ કરી વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે વોટર પ્યુરીફિકેશન પ્લાન્ટ કાર્યરત છે.
વિવિધ પક્ષીઓ, સરિસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જોવા મળે છે અહીં
અહીં સમૃદ્ધ લેન્ડસ્કેપ્સની સાથે – સાથે વિવિધ દીપડા, હરણ, વિવિધ વનસ્પતિઓમાં પતંગિયા, કરોળિયા, જીવજંતુ, ગરોળીઓ, દેડકાઓ, સાપની વિવિધ જાતિ, મોટી બિલાડી, લેસર કેનાઇન્સ, કોશી કોયલ (Drongo Cuckoo), ટપકીલી લલેડી (Puff throated Babbler) વગેરે જેવા પક્ષીઓ, સરિસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જોવા મળે છે. ઉપરાંત પતંગિયા સંવર્ધન માટે ખાસ પ્રકારના યજમાન વનસ્પતિઓ વાવીને પતંગિયા ઉદ્યાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
Courtesy – fb/Padamdungari Eco Tourism
જોવાલાયક અદ્ભુત નજીકના પર્યટક સ્થળ
પદમડુંગરીની (Padam Dungari) પાસે તમે ચાંદ-સૂર્ય, ઉનાઈમાં ગરમ પાણીના ઝરા અને આદિવાસીઓનું પ્રાચીન દેવસ્થાન ઘુસમાઈ મંદિર, વઘઈ બોટાનિકલ ગાર્ડન, વાંસદ નેશનલ પાર્ક, જાનકી વન, ઉનાઈ માતા મંદિર, ગિરા ધોધ, આંબલગઢ, શબરી ધામ, ઉકાઇ ડેમ, ધારેશ્વર, આંબપાની તેમજ કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વઘઈમાં જોવા મળતાં હોવાથી ટીમ્બર વર્કશોપની પણ મુલાકાત લઈ શકો છો.
નાગલીના બિસ્કીટ, નાગલીના ભૂંગળા સહીત ઘણી બધી ચીજ-વસ્તુઓ મળે છે અહીં
પદમડુંગરીમાં આદિજાતિ ગ્રામ્ય બજાર વેચાણ કેન્દ્ર છે જ્યાંથી નાગલીના બિસ્કીટ, નાગલીના ભૂંગળા, નાગલીના પાપડ, આયુર્વેદિક ઔષધી, મધ, દેશી ચોખા અને કઠોળ તેમજ વાંસની બનાવેલી વસ્તુઓ ખરીદી શકાય છે.
Courtesy – fb/Padamdungari Eco Tourism
અંબિકા નદીના કિનારે, સહ્યાદ્રીની રમણીય ગીરીમાળામાં આવેલું પદમડુંગરી, તાપી જિલ્લાનું ઝડપથી વિકાસ પામતું એકમાત્ર ઇકો-ટુરીઝમ સ્થળ છે. તાપી જિલ્લાની આગવી ઓળખસમું, પ્રકૃતિના સાનિધ્યમાં શાંતિનો અહેસાસ કરાવતું આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સપ્ટેમ્બર થી ફેબ્રુઆરીનો સમય અહીંની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ હોવાથી પદમડુંગરીની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
પ્રવેશ અને પાર્કિંગ ફી
પ્રવેશ ફી RS.20
પાર્કિંગ ચાર્જીસ બાઈક માટે RS.10, કાર માટે RS.30 અને બસ માટે RS.60
જામનગર એટલે છોટી કાશી તરીકે ઓળખાતું શહેર આ જામનગરની બરાબર વચ્ચે રાજાના સમયનું લાખોટા તળાવ (lakhota lake) આવેલું છે. જે જામનગરની શાન ગણવામાં આવે છે. આ લખોટા તળાવ વચ્ચે 184 વર્ષ પહેલાં લાખોટા કોઠાનું જામનગરના રાજવી જામ રણમલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. એક સમયે આ કોઠાનો ઉપયોગ શસ્ત્ર ભંડાર તરીકે થતો હતો. ત્યારબાદ 18 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરીને આ કોઠા અને મ્યુઝિયમને 2018માં લોકોને નિહાળવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાત્રીના સમયમાં રોશનીના અદ્ભુત દ્રશ્યો લોકોને મંત્રમુગ્ધ બનાવી દે છે.
Courtesy-jamnagar.nic.in
પ્રાચીન સમયનુંનવાનગર હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
જાડેજા રાજપૂત શાસક જામ રાવળે ઈ.સ. 1524-1548 સુધી કચ્છ પર શાસન કર્યું હતુ, ત્યારબાદ રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને 1540 એ.ડી.માં શ્રાવણ માસને સુદ સાતમે તેમના દ્વારા નવું નગર વસાવવામાં આવ્યું, જે પાછળથી ‘નવાનગર’ તરીકે જાણીતું થયું. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે. જામનગરમાં અનેક ઐતિહાસિક, પૌરાણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક સ્થળો આવેલા છે, શહેરની મધ્યમાં આવેલ ‘રણમલ તળાવ’ (લાખોટા તળાવ)ની (lakhota lake) વચ્ચે આવેલો જાજરમાન ઇતિહાસ ધરાવતો ‘લાખોટા પેલેસ’ અહીંયાનું આકર્ષણનું કેન્દ્ર છે. જે આજે રાજવી વિરાસતનું અતુલ્ય સંગ્રહાલય શહેરના રાજવીઓના ઇતિહાસની ઝાંખી કરાવે છે.
ઈ.સ.1834-35, 1839 અને 1846ના વર્ષમાં હાલાર પંથકમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ હોવાથી પ્રજાને રોજી-રોટી મળી રહે અને પાણીનો સંગ્રહ કરી શકાય એ હેતુથી જામ રણમલજી બીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વર્તુળાકાર તળાવ (lakhota lake) અંદાજે 5 લાખ ચોરસ મીટરનો ઘેરાવો ધરાવે છે. આ સાથે એ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. રંગમતી નદીથી 3 માઈલ લાંબી નહેર બનાવીને આ તળાવ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Courtesy-jamnagar.nic.in
તળાવની (lakhota lake) ફરતે નિર્મિત વાટિકાઓ, બુરજ, કલાત્મક ઝરૂખાઓ, મ્યુઝિકલ ફુવારા, વૉકિંગ ટ્રેક અને બગીચા જેવા વિશ્રામ સ્થાનો બનાવવામાં આવ્યા છે. જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. સહેલાણીઓ માટે તો એ ફરવાલાયક સ્થળ છે જ એ સાથે સાઇબિરીયા તરફથી ઊડી આવતા યાયાવર પક્ષીઓ માટે પણ આ તળાવ એક આદર્શ આશ્રય-સ્થાન પૂરૂં પાડે છે. તેમજ સિંગલ, કોર-મરચન્ટ, કોમ્બડક, સ્પોટબિલ્ડક, રૂપેરી પેણ, શ્વેતશિર, નીલ, ડક, ગ્રેહેરન, કાશ્મીરી વાબગલી, લેસરવિસ્ટિંગ, ગુલાબી પેણ, નાનો ગડેરો, જલ મૂર્ઘો, કુટ, નીલશિર, કાળિયો કોશી, સમડી, સાંગપર, વૈયા જેવા પક્ષીઓ જોવા મળે છે. અહીં 30-35થી વધુ વિદેશી પક્ષીઓ તળાવનું પ્રાકૃતિક સૌંદર્ય વધારે છે.
ઈ.સ. 1820-1852 દરમ્યાન જામ રણમલજી પહેલાએ પિતા લાખાજીની યાદમાં લાખોટા નામે કોઠો બંધાવ્યો હતો. પરંતુ એ કાર્ય અધૂરું રહેતા જામ રણમલજી બીજાએ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. રાજપૂત શૈલીમાં બનાવવામાં આવેલો અને ઈરાનિયન સ્થાપત્ય કલાનો પ્રભાવ ધરાવતો લાખોટા મહેલ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
Courtesy-yt/Gujarattourism
લોકવાયકા પ્રમાણે એ સમયે કોઠાનો નિર્માણ ખર્ચ ‘1 લાખ કોરિ’ (નવાનગરનું ચલણ) કરવામાં આવેલ હોવાથી ‘લાખેણું લાખોટા’ (lakhota lake) તરીકે પણ જાણીતું છે. પ્રાચીન સમયે લશ્કરનો દારૂગોળો અને તોપખાનું સલામત રીતે જળવાઈ રહે તે હેતુસર ચારેતરફ પાણી ભરીને કોઠો બાંધવામાં આવ્યો હતો. ચોતરફ પાણી હોવાથી આગ લાગવાનો ભય ઓછો રહે છે, જે રક્ષાત્મક વ્યૂહ દર્શાવે છે. તેમજ શાંતીના સમયમાં રાજવી પરિવાર તળાવમાં નૌકા વિહાર અને હવા ખાવાના સ્થળ તરીકે તળાવનો ઉપયોગ કરતા હતા. યુદ્ધના સમયમાં રાજવી પરિવારની સુરક્ષાના હેતુથી મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.
Courtesy-Gujarattourism.com
લાખોટા કોઠાના ચણતર સમયે મહેલ પડી જતો હતો પણ તેનું કારણ સમજાતું ન હતું. ત્યારે એક રાતે જામ રણમલજી બીજાને સ્વપ્નમાં લાખોટા પીરે દર્શન આપ્યાં અને કહ્યું કે જે જગ્યાએ મહેલનું નિર્માણ થાય છે તે મારું સ્થાન છે, આથી મહેલના બાંધકામ પહેલા મારું સ્થાન નિશ્ચિત કરો અને ત્યારબાદ મહેલની રચના કરો. આમ, લાખોટા પીરના જણાવ્યા અનુસાર જામ રણમલજી બીજાએ દરગાહ બનાવી ત્યારબાદ મહેલનું બાંધકામ આગળ વધ્યું હતું. વર્તમાન સમયમાં પણ મહેલમાં લાખોટા પીરની દરગાહ ઉપસ્થિત છે.
Courtesy-jamnagar.nic.inCourtesy-jamnagar.nic.in
મહેલમાં ત્રણ પ્રવેશદ્વાર છે. તેમાં પ્રવેશ કરતા જ રંગમંડપ અને રહેણાંક માટે સુંદર રૂમ આવેલા છે. મંડપ અને રૂમની ફરતે વર્તુળ આકારે અટારી આવેલી છે. અટારીની દીવાલમાં જરુખા અને બારી મૂકવામાં આવી છે, જેમાં બારીમાં તોપ ગોઠવેલી છે અને બંધુક રાખવા માટે ગોળાકાર દીવાલમાં નાણછા બનાવવામાં આવેલ છે. મહેલની છત કાષ્ઠની બનેલી છે તેમજ તેમાં એક પણ સાંધા જોવા મળતા નથી. તે આજે પણ અકબંધ છે.
1846 માં બનાવવામાં આવેલ લાખોટા કોઠાને 2001ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયેલ હોવાથી ગુજરાત રાજય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જીર્ણોદ્ધાર, રખરખાવ અને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 5 મે, 2018ના રોજ લાખોટા કોઠા અને પુનઃપ્રદર્શિત સંગ્રહાલયને જાહેર જનતાને ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક મહત્વ ધરાવતો લાખોટા કોઠો હાલ ગુજરાત રાજ્ય સરકાર હેઠળ સંરક્ષિત સ્મારક છે.
Courtesy-jamnagar.nic.in
પુરાતત્વીય સંગ્રહાલય
જામનગર જિલ્લાનો સંક્ષિપ્ત પરિચય કરતું સંગ્રહાલય ઓક્ટોબર 1946માં એજ્યુકેશન સેક્રેટરી શ્રી સુરસિંહજી જાડેજા અને સ્વ. શ્રી રંગીલદાસ માંકડનાં પ્રયત્નોથી બનાવવામાં આવ્યું. સંગ્રહાલયના પ્રવેશદ્વાર પાસે જામ રણજીતસિંહજીનું સ્ટેચ્યુ મૂકેલું છે અને તેમની ક્રિકેટ સિદ્ધિની તસવીરો મૂકવામાં આવી છે.
Courtesy-yt/Gujarattourism
સંગ્રહાલયમાં મુલાકાતીઓ લાખોટાના સ્થાપત્ય વૈભવને માણી શકે તેમજ કોઠાની સાંસ્કૃતિક ધરોહર તરીકે શિક્ષણ, અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થળ પૂરવાર કરવા માટે 2018 થી નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે. 9મી થી 19મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ઈતિહાસની ઝાંખી કરાવે છે.
Courtesy-yt/Gujarattourism
પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, તામ્રપત્ર, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, કાચનાં વાસણ, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે.
2018 માં લાખોટા કોઠાની પુનઃસ્થાપના, રખરખાવ અને સંરક્ષણ યોજના પછી, હવે પુરાતત્વીય સંગ્રહાલય 11 વિભાગોમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસને 321 કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા રજૂ કરે છે. જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃત અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે.
હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવ જ્યાં-જ્યાં સ્વયં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે એ 12 જગ્યાને જ્યોતિર્લિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે. જેમાં સૌપ્રથમ સ્થાને સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્ર એટલે કે જ્યાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે ત્યાં સોમનાથ (somnath) મહાદેવ બિરાજમાન છે.
પ્રજાપતિ દક્ષને 27 કન્યાઓ હતી. જેમના વિવાહ અત્રિ અને અનસૂયાના પુત્ર સોમ(ચંદ્ર) સાથે થયા હતા. 27 કન્યાઓમાં રોહિણી સુંદર સને ગુણવાન હતી આથી ચંદ્રને વધુ પ્રિય હતી. જેના કારણે અન્ય પત્નીઓ નારાજ થઈને પિતા દક્ષને પતિ દ્વારા થતા પક્ષપાતની ફરિયાદ કરી. દક્ષે સૌપ્રથમ ચંદ્રને દરેક પત્ની સાથે સમાન વર્તન કરવા સમજાવ્યા પણ પરિણામ શૂન્ય આવતા પ્રજાપતિ દક્ષ ક્રોધે ભરાઈને ચંદ્રને ક્ષય રોગ થવાનો શાપ આપ્યો હતો. જેના કારણે ચંદ્ર પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યા. જેનું નિવારણ આપતાં બ્રહ્માએ ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું. આથી પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્ર અને રોહિણી દ્વારા મંદિરની સ્થાપના કરી ભગવાન શિવનું ધ્યાન અને તપસ્યા કરી હતી. તેમના આ તપથી પ્રસન્ન થયેલા ભગવાન શિવના અનુગ્રહથી પ્રજાપતિ દક્ષ દ્વારા ચંદ્રને આપાયેલા શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો હતો. એવું માનવામાં આવે છે કે ત્યારથી જ ભગવાન શિવની કૃપાથી 15 દિવસ સુધી ચંદ્ર વધે છે (સૂદ) અને પછી 15 દિવસ ચંદ્ર ઘટે (વદ) છે. ત્યારબાદ આ જ્યોતિર્મય લિંગ સોમનાથ નામથી પ્રસિદ્ધ થયું. લોકવાયકા મુજબ ચંદ્રએ સોનાનું, દશાનન રાવણએ ચાંદીનું, શ્રી કૃષ્ણએ ચંદનકાષ્ઠનું મંદિર બનાવ્યુ હતુ.
Courtesy – www.gujarattourism.com
સોમનાથ(somnath) મંદિરનું બાંધકામ
નાગર શૈલીમાં બંધાયેલું છે આ મંદિર
ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, સભામંડપ અને નૃત્યમંડપ ધરાવે છે આ મંદિર
સાત માળ ધરાવતું 155 ફૂટ ઊંચુ શિખર છે
31 ફૂટ ઊંચો ધ્વજદંડ છે આ શિખર પર
મંદિર પરની ધજા દિવસમાં ત્રણ વાર બદલાવવામાં આવે છે
Courtesy – www.gujarattourism.com
મંદિર અંતર્ગત કાર્યક્રમ અને સુવિધા
દરરોજ રાત્રે 8:00 થી 9:00 દરમિયાન સાઉન્ડ એન્ડ લાઇટ શો “જય સોમનાથ”નું આયોજન થાય છે
યાત્રાળુઓને ભવ્ય સોમનાથ મંદિરની પૃષ્ઠભૂમિ અને મહાસાગરના પવિત્ર તરંગના અવાજોનો અનુભવ આપે છે આ શો
યાત્રાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટદ્વારા ગેસ્ટ હાઉસની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે અહીં VIP ગેસ્ટહાઉસથી લઈને સામૂહિક શયનખંડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં
મંદિર પરિસરમાં z+ સિક્યોરિટીના કારણે મોબાઇલ, કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોની સાથે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી
ફ્રી લોકર તેમજ ડિજિટલ લોકરની સુવિધા ઉપલબ્ધ છે અહીં
વૃદ્ધ કે વિકલાંગ વ્યક્તિ માટે વ્હીલ ચેરની સુવિધા પણ છે અહીં
મંદિરનાં પટાંગણમાં દક્ષિણ દિશામાં એક મોટો સ્તંભ મુકવામાં આવ્યો છે
આ સ્તંભ પર પૃથ્વીનો ગોળો બેસાડવામાં આવ્યો છે
આ પૃથ્વીના ગોળાને ચીરતું એક દિશાસુચક તીર મુકવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત જળમાર્ગ છે
Courtesy – www.gujarattourism.com
જેનો મતલબ એવો થાય છે કે અરબ સાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ક્યાંય જમીન આવતી નથી
સોમનાથ મંદિરની આજુબાજુ જોવાલાયક અન્ય સ્થળો
મંદિરમાં વલ્લભઘાટ ઉપરાંત શ્રી કપાર્ડી વિનાયક અને શ્રી હનુમાન મંદિર છે
વલ્લભઘાટ એક સુંદર સનસેટ પોઈન્ટ છે
પાંડવ ગુફા
કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ
ગોલોક ધામ, ગીતા મંદિર
1783માં રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા મૂળ મંદિર દેવની પ્રતિષ્ઠાન યોગ્ય ન હોવાથી મૂળ મંદિરથી થોડી દૂર પૂજા અર્ચના કરવા માટે બીજું મંદિર બનાવવામાં આવ્યું
આ મંદિર સ્થાપિત કરીને તેમણે સોમનાથની પૂજાની પ્રાચીન પરંપરા જાળવી રાખી હતી, જે વર્તમાન સમયમાં પણ છે ત્યાં સ્થિત
ભાલકા તીર્થ : શ્રીકૃષ્ણ પીપળાના ઝાડ નીચે ધ્યાન મુદ્રામાં આરામ કરી રહ્યા હતા ત્યારે શિકારીનુ બાણ શ્રીકૃષ્ણને વાગ્યુ હતુ. ભગવાન શ્રીકૃષ્ણની આ દિવ્ય લીલા એક સુંદર મંદિર અને પ્રાચીન પીપળાના વૃક્ષ દ્વારા અમર છે. આ પવિત્ર તીર્થ પ્રભાસ વેરાવળ હાઇવે પર 5 કિ.મી. દૂર સ્થિત છે.
Courtesy – wikipedia.org/wiki/Somnath_temple
વર્તમાન મંદિરનો ઈતિહાસ
Courtesy – wikipedia.org/wiki/Somnath_temple
ઐતિહાસિક ઘટનાઓના આધારે કહી શકાય કે સોમનાથ મંદિર આશરે 17 વખત નષ્ટ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પહેલી વખત ક્યારે બન્યું એ બાબતે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી, પરંતુ ઈ.સ.1947માં ભારત આઝાદ થયું ત્યારબાદ 12 નવેમ્બર, 1947ના રોજ ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની મુલાકાત લીધી. મંદિરની જીર્ણશીર્ણ દશા જોઈને સરદાર પટેલે હાથમાં સમુદ્રનું પાણી લઈને મંદિરના નવનિર્માણની પ્રતિજ્ઞા લીધી. મંદિરની પુનઃરચનાનું મૂર્ત સ્વરૂપ આપવાની સંપૂર્ણ જવાબદારી પટેલે કનૈયાલાલ માણેકલાલ મુનશીને સોપી. આ સાથે ગાંધીજીની સલાહથી સોમનાથ ટ્રસ્ટની પણ સ્થાપના કરવામાં આવી.
Courtesy – wikipedia.org/wiki/Somnath_temple
1948માં સોલંકી શૈલીથી (ચાલુક્ય શૈલી) બાંધેલુ આજનું સોમનાથ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર”ના નિમાર્ણ માટે વાસ્તુકલા અને શિવપ્રસાદ નિર્માણ કળામાં પારંગત શ્રી પ્રભાશંકર ઓ. સોમપુરાને સ્થપતિ નીમવામાં આવ્યા. ચાલુક્ય શૈલીથી બાંધવામાંઆવેલું “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારના મંદિરનું નિર્માણ થયું નથી. 11 મે, 1951 માં ભારતના તત્કાલ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે સોમનાથના શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 108 તીર્થસ્થળ અને 7 સાગરના પાણી વડે પ્રભુનો અભિષેક કરીને મહાપુજા કરવામાં આવી હતી. તેમજ નૌકાદળ દ્વારા સાગરમાંથી 101 તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ હેઠળ થયું છે. હાલ આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
સરદાર પટેલના સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સ્વપ્નના સાક્ષી કનૈયાલાલ મુનશીએ સાચું જ કહ્યું છે કે, ” જો સરદાર આપણને મળ્યાં ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત.” મંદિરના પુનઃનિર્માણના પ્રણેતા સરદાર પટેલની સ્મૃતિમાં તેમના પ્રતિક સમાન કાંસ્ય પ્રતિમા આજે પણ ત્યાં સ્થાપિત છે.
સમય
સોમનાથ મંદિરમાં દર્શન માટેનો સમય : સવારે 6:00 થી 10:00 વાગ્યા સુધી
આરતીનો સમય : સવારે 7:00, બપોરે 12:00 અને સાંજે 7:00 વાગ્યે
કાર્તિકી પૂર્ણિમાનો મેળો
અહીં દર વર્ષે કારતક માસમાં તેરસ, ચૌદશ અને પૂનમ એમ ત્રણ દિવસ મેળો ભરાય છે. જેમાં લાખો ભાવિકો ભાગ લે છે. સૌરાષ્ટ્રના આ મેળાનું આગવુ મહત્વ છે. પૂનમની રાત્રે બાર વાગ્યે ચંદ્ર સોમનાથ મંદિરના શિખરની બરાબર ટોચ ઉપર જોવા મળે છે. જે જાણે સોમનાથ નામને સાર્થક કરતા હોય એવું લાગે છે. મહાભારત અને અન્ય પુરાણો અનુસાર ભગવાન શિવએ કાર્તિકી પૂનમના દિવસે ત્રિપુર નામના અસુરનો સંહાર કરીને ત્રણ લોકના કષ્ટ દૂર કર્યા હતા. આથી તેની યાદમાં 1955થી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મંદિરનો ધ્વંસ અને નવનિર્માણ
ઐતિહાસિક ઘટનાઓના આધારે કહી શકાય કે સોમનાથ મંદિર 17 વખત નષ્ટ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પહેલી વખત ક્યારે બન્યું એ બાબતે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી. પરંતુ પ્રાપ્ત થતી માહિતી મુજબ મૈત્રક વંશના સેનાપતિ ભટાર્કના નેતૃત્ત્વ હેઠળ આશરે ઈ.સ. 470 માં સૌરાષ્ટ્ર ગુપ્ત વંશના શાસનથી અલગ પડ્યું હતું. જેથી વલ્લભીપુર સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું. ઈ.સ.649 માં વલ્લભીપુરના મૈત્રક રાજાઓ દ્વારા આ મંદિર ફરી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈ. સ. 725 માં આરબ સરદાર અલ જુનૈદ દ્વારા આ મંદિરને ધ્વંસ કરવામાં આવ્યું હતું. ઈ. સ. 815માં ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટે દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવામાં આવ્યું હતું.
મંદિરની કીર્તિ, યશ અને સમૃદ્ધિની ચર્ચા દૂર દૂર સુધી થતી, તેમજ મંદિર તેના ધન અને સંપતિના કારણે પ્રસિદ્ધ હતું, ઇતિહાસકાર ઈબ્નઅસિર તેના ગ્રંથ ‘અલ કામિલ ફિત તારીખ’ માં લખે છે કે, મંદિરના 56 સ્તંભ કિંમતી રત્નજડિત હતાં. ઈ.સ. 1024-25 માં મહમદ ગઝનવીએ 5000 સૈનિકો સાથે મંદિર પણ આક્રમણ કર્યું અને મંદિરની સંપતિ લૂંટી ગયો જેમાં 70,000 જેટલા યોદ્ધાઓએ પ્રાણાપર્ણ કર્યું હતું. માળવાના રાજા ભોજ અને અણહિલવાડ પાટણના ચાલુક્ય રાજા ભીમદેવ પહેલા દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. ઈ.સ. 1093માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા પણ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં સહયોગ આપવામાં આવેલો હતો.
દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ નુસરત ખાં એ 1297 માં ગુજરાત પર હુમલો કરી શિવલિંગ ખંડિત કરીને મંદિરને નષ્ટ કર્યું. ઈ.સ. 1308 માં જુનાગઢના ચૂડાસમા શાસક મહિપાલદેવે નવનિર્માણ કરાવ્યું તેમજ તેમના પુત્ર રા’ ખેંગારે 1325 થી 1351 ના પોતાના રાજ્યકાળ દરમિયાન મંદિરમાં લિંગની પ્રતિષ્ઠા કરાવી.
ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહે ઈ.સ. 1395 ની સાલમાં લૂંટ્યું તેમજ 1413 માં તેના પુત્ર અહમદશાહે પણ એ જ કર્યું. ઈ.સ. 1469 માં અમદાવાદના સુલતાન મહંમદ બેગડાએ મંદિરનો ધ્વંસ કર્યો, જેમાં અરઠીલા-લાઠીના ગોહિલ રાજા ભીમજીના સૌથી નાના પુત્ર હમીરજી ગોહિલ અને વેગડોભીલ વિધર્મી સેના સામે લડતા-લડતા વીરગતિ પામ્યા. અમરવીર હમીરજીનો પાળિયો આજે પણ તેમના શૌર્ય અને અમર શહીદીની શાખ પુરે છે અને મંદિરની બહાર વીર વેગડાની ખાંભી પૂજાય છે.
ઈ.સ. 1560 માં મંદિરનો પુનરુદ્ધાર કરવાનો પ્રયાસ થયો પરંતુ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા 2 વાર સોમનાથ મંદિર તોડવામાં આવ્યું. પહેલી વખત 1665 માં મંદિર તોડ્યા બાદ ઔરંગઝેબે જોયું કે ફરી મંદિરમાં ભક્તો દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે એટલે 1706 માં ફરી મંદિર પર હુમલો કરવામાં આવ્યો.
Courtesy – www.gujarattourism.com
પ્રસાદ યોજના હેઠળ 100 કરોડના ત્રણ પ્રોજેક્ટનું નિર્માણ
પર્યટન મંત્રાલય દ્વારા સ્થાનિક પ્રવાસન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનનું મહત્વ વધારવા માટે 2014-15 થી પ્રસાદ યોજના એટલે કે Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive (PRASAD) શરૂ કરવામા આવી હતી. જેના હેઠળ “આઇકોનીક પ્લેસ” અને “સ્વદેશ દર્શનમાં” સોમનાથ મંદિરનો સમાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રસાદ યોજના હેઠળ 100 કરોડના ત્રણ પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ ખાતે સમુદ્ર-દર્શન વૉક વે, અહલ્યાબાઈ દ્વારા નિર્મિત જૂનું સોમનાથ મંદિર અને સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ રૂ.30 કરોડના ખર્ચે બંધાનાર પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ મંદિરની નજીકના દરિયાકિનારે રૂ.45 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથે 1.48 કિ.મી. લંબાઈનો વોક-વે તૈયાર થઇ ગયો છે. 1.48 કિ.મી. લંબાઈનો આ વોક-વેનું સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ બનાવવા પાછળનો મુખ્ય હેતુ મંદિર તરફ આવતા દરિયાનું પાણી અટકાવવાનો તેમજ મંદિરની દીવાલને રક્ષણ આપવાનો છે. આ વોક-વેનો દરિયા તરફની સાઈડે ધોવાણ થતું અટકાવવા માટે ટેટ્રાપોડ ગોઠવવામાં આવ્યા છે. દરિયા તરફ વોક-વે પર યાત્રિકોને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વોક-વેમાં અંદર અને બહાર નીકળવાની બંને જગ્યાએ CCTVથી સજ્જ કેબીન બનાવવામાં આવેલી છે.
વોક-વેમાં થોડા-થોડા અંતરે લાઇટના પોલ ગોઠવવામાં આવ્યા છે. સોમનાથ આવતા યાત્રીકો સમુદ્રનો નજારો માણી શકે એ માટે દૂરબીન, સાયકલીંક, બેસવાની સુવિઘા, ફૂડ કોર્ટ ઉપરાંત પ્રવાસીઓ ભારતની સંસ્કૃતિને લગતાં ચિત્રો નિહાળી શકશે, અહીં ગેલરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદૃશ્ય કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. વોક વેની સુંદરતામાં વધારો કરવા માટે રાત્રિના સમયે મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સ ગોઠવવામાં આવી છે. પ્રોમોનેડ વોક-વેમાં પ્રવેશ માટે રૂ. 05 ની ટીકીટ રાખવામાં આવી છે. અહીં 10 વર્ષથી નીચેની ઉમરનાને ફ્રી પ્રવેશ આપવામાં આવશે. આ ટીકીટનો સમય 02 કલાકનો રહશે એટલે કે આ ટીકીટ 2 કલાક માટે માન્ય રહેશે.
સોમનાથ મંદિરના હજારો વર્ષના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળશે કે મંદિરના વિધ્વંસ અને પૂનઃ નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી રહી છે. આ વિસ્તારમાંથી પ્રાપ્ત થતાં શિલ્પોમાંથી જોવા મળશે કે સોમનાથ મંદિરની ભવ્યતા કેવી હતી. ઇ.સ. 11-12 મી સદી અને તેની પહેલા પ્રાપ્ત મંદિરોના અવશેષોનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ કરી મંદિર તેમજ સ્થાપત્યની ઝલક આપતા મ્યુઝિયમનું (Somnath Exhibition Centre)નિર્માણ કરવામાં આવ્યુ છે. ભૂતકાળના મંદિરોના અવશેષો દ્વારા સોમનાથ મંદિરના ઇતિહાસની તમામ વિગતો યાત્રાળુઓના પીરસવા માટે, સાથે જ ભારતનાં મંદિરોમાં રહેલી શિલ્પ અને સ્થાપત્યની અનેક વિશેષતાઓ રજૂ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર, શિલ્પ અને સ્થાપત્યના વિષય પર આ અનોખા મ્યુઝિયમની ગોઠવણ કરી છે. આ મ્યુઝિયમના નિર્માણનો ખર્ચ રૂપીયા 1.30 કરોડ થયો છે.
ઈંદોરના રાણી અહલ્યાબાઇ દ્વારા બનવવામાં આવેલા જૂના સોમનાથ મંદિર પરિસર ખાતે આવેલ પરિસરના વિકાસનું કામ કરવામાં આવેલુ હતું. જેના નિર્માણનો કુલ વિસ્તાર 1800 ચો.મી. જેટલો થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફસ્ટ ફ્લોર એમ ટોટલ 2 માળ છે. બહારથી અંદર પ્રવેશતા જ ગ્રાઉન્ડ ફ્લોરમાં જવા માટેનો રેમ્પ(ઢાળ) આવેલો છે. રેમ્પમાંથી નીચે ઉતરતા વિશાળ 270 ચો.મી.નો કોર્ટયાર્ડ આવેલો છે. જેમાં યાત્રિકોને બેસવા માટેની સગવડ કરેલી છે. આ સાથે આ કોર્ટયાર્ડની બંને બાજુમાં કુલ 15 દુકાનો આવેલી છે.જે યાત્રિકો માટે પ્રસાદ, બીલીપત્ર, કૂલહાર, જેવી પૂજાની સામગ્રીના વેચાણ માટે છે. તે ઉપરાંત એક લીફ્ટ શાફ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેથી ભવિષ્યમાં જરૂર જણાય તો ફર્સ્ટ ક્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર માટે લીફ્ટ સ્થાપિત કરી શકાય.
ફસ્ટ ફ્લોર પર બંને બાજુ 155 ચો.મી.ના બે મોટા હોલ બનાવેલા છે. કોર્ટયાર્ડમાં માતો શ્રી અહલ્યાબાઈ હોલ્કરની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે. માતો શ્રી અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિરના પરિસરના નિર્માણ માટે 3.5 કરોડનો ખર્ચે થયેલો છે.
શ્રી પાર્વતી મંદિર
સોમનાથના મુખ્ય મંદિરના પ્રાંગણમાં શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિરના બાંધકામનો કુલ વિસ્તાર આશરે 1650 ચો.મી. જેટલો છે. આ મંદિર અંબાજીના આરસમાંથી બનાવવામાં આવશે.
નૂતન પાર્વતી મંદિર માટે ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરીવાર તરફથી દાન મળેલું છે. આ પાર્વતી મંદિરમાં કુલ 44 સ્તંભ બનશે. જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરીને મઢવામાં આવશે.આ મંદિર સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. મંદિરના ગર્ભગૃહનો એરિયા આશરે 380 ચો.મી. જેટલો છે. તેમજ નૃત્ય મંડપનો વિસ્તાર આશરે 1250 ચો.મી. છે. આ મંદિરનું નૃત્ય મંડપ તેમજ મુખ્ય મંદિરનું નૃત્યમંડપ બંને એક જ સપાટીએ આવશે. શ્રી પાર્વતી મંદિર મંદિર નિર્માણનો ટોટલ ખર્ચ આશરે રૂ. 30 કરોડ જેટલો થશે.
દિવસે ને દિવસે મોબાઈલ ફોન સ્માર્ટ અને દુનિયા ડીજીટલ થઇ રહી છે. આધુનિક દુનિયાના આ વ્યસ્ત જીવન વચ્ચે મોટાભાગના માતાપિતાને પોતાના બાળકો માટે પણ સમય નથી. બાળકોને સાચી કેળવણી આપવાને બદલે બાળક તેમને હેરાન ન કરે અને બાળકને ચુપ કરાવવા માટે હાથમાં મોબાઈલ થમાવી દેવામાં આવે છે. જેથી બાળકો મોબાઈલના વ્યસની બન્યા છે. પરંતુ બાળકોને મોબાઈલ દ્વારા કેદ કરવામાં આવેલા તેમના બાળપણમાંથી મુક્ત કરાવવા અને બાળપણથી તેમણે સાચી કેળવણી મળે એ માટે અમદાવાદના ત્રણ મિત્રોએ પોતાની આગવી સુઝબુઝથી શરુ કરી “ડાઈસ ક્યુબ” (DiceCube) નામની ગેમ્સ બનાવતી એવી કંપની જે બાળકોનું જીવન બદલાવવાની ક્ષમતા ધરાવે છે.
કોણ છે આ અમદાવાદના ત્રણ મિત્રો અને કેવી રીતે આવ્યો આ “ડાઈસ ક્યુબ”નો (DiceCube)યુનિક આઈડિયાનો વિચાર?
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા મિલન સરવૈયા, સમીર સરવૈયા અને દિવ્યેશ સુદાણી ત્રણેય મિત્રો સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થયેલા છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મિલન રેડિયોમાં કોપી રાઈટર તરીકે કામ કરતા, સમીર એક પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા અને દિવ્યેશ તેમના પપ્પાના ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જયારે તેમને આ યુનિક આઈડિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે traveltoculture.com સાથે વાત કરતાં મિલન સરવૈયા કહે છે કે, એકવાર મારે એક ફેમિલી ફંક્શનમાં જવાનું થયું ત્યારે મેં અને સમીરે ત્યાં આવેલા બાળકોને જોયા. અમારા જ પરિવારના આ ભત્રીજા અને ભત્રીજી તેમના માતા-પિતાના ફોનમાં એટલા મશગુલ હતા કે આજુબાજુની એમણે કશી ખબર જ નહતી. ફની વિડીયો જોવા અને ગેમ્સ રમવા સિવાય તે બાળકોને એ પણ ખ્યાલ ન્હોતો કે તે કયા કારણે અને કોના પ્રસંગમાં આવ્યા છે. એ તો બસ પોતાના મોબાઈલની દુનિયામાં જ ખોવાયેલા હતા. મને અને સમીરને આશ્ચર્ય તો ત્યારે થયું જયારે અમે એમને એમના પરિણામ વિશે પૂછ્યું. આ સાથે અમને વધુ ચોંકાવનારી બાબત એ લાગી કે તેમાંથી ત્રણ બાળકો તો એવા હતા જે બોર્ડની તૈયારી કરી રહ્યા હતા. આ બધું જોઇને અને જાણીને અમને એ ખ્યાલ આવી ગયો કે આ બાળકો પર તેમના માતા-પિતાનો કોઈ પણ પ્રકારનો અંકુશ રહ્યો નથી.
હાલની જનરેશન મોબાઈલની દુનિયામાં ખોવાયેલી રહેશે તો તેનું પરિણામ ઘણું ગંભીર આવશે
આ ડીજીટલ યુગમાં મોબાઈલ જેટલો ફાયદાકારક સાબિત થયો છે એટલા એના ગેરફાયદા પણ છે. જો આ જ રીતે અત્યારની જનરેશન મોબાઈલની દુનિયામાં ખોવાયેલી રહેશે તો આનું પરિણામ ઘણું ગંભીર આવશે. આ વિષય પર વાત કરતાં અમે નક્કી કર્યું કે, આપણી સિસ્ટમ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે આ શિક્ષણ વ્યવસ્થાને આપણે શું નવું આપી શકીએ? એના પર વિચારવાની શરૂઆત કરી. આ સાથે પ્રસંગ દરમ્યાન બનેલી આ સમગ્ર ઘટનાની વેદના મેં મારા અન્ય મિત્ર દિવ્યેશને જણાવી. સાથે જ આ સમસ્યાને દુર કરવા માટે થઈને આપણે શું કરવું જોઈએ અને આપણી પાસે એના માટે શું વિકલ્પ છે તેની પણ ચર્ચા કરી અને બસ ત્યાંથી શરુ થઈ અમારા ત્રણેય મિત્રોની સફર…પ્રસંગમાં બનેલી આ ઘટનાએ આ ત્રણેય મિત્રોને નવો રાહ બતાવ્યો. ત્યારબાદ ઘરના લોકો સમાજના લોકો શું કહેશે? શું વિચારશે? અને એને શું એને સમજાવી શકીશું? આ બધા પ્રશ્નો મગજમાં સતત ચાલતા હોવાની વચ્ચે મિલન અને સમીરે સારી એવી સેલેરીવાળી જોબ મૂકી દીધી. તેમને પોતાનું ભવિષ્ય શું હશે એનો ખ્યાલ નહોતો પરંતુ આવનારી પેઢીનું ભવિષ્ય કઈ રીતે બદલવું તે જ માત્ર ત્રણેય મિત્રોનો ધ્યેય છે.
2018માં રીસર્ચ કરવાની કરી શરૂઆત
સમીરે બહારના દેશોની શિક્ષણ વ્યવસ્થા કયા પ્રકારે ચાલે છે તેના વિશે રીસર્ચ કરવાનું શરુ કર્યું. બીજી બાજુ મિલન અને દિવ્યેશ શાળાઓમાં જઈ ત્યાંના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને મળી બાળકો પર થોડું રીસર્ચ કરવા માટેની મંજુરી માંગતા. ઘણી મહેનત બાદ એક શાળામાં તેમને મંજુરી મળી. 2018માં રીસર્ચ કરવાની શરૂઆત થઇ. સૌપ્રથમ એમણે શાળાના એક રૂમને બાળકો માટેના ગેમઝોનમાં તબદીલ કર્યો અને તેમાં બાળકો માટેની વિવિધ બોર્ડ ગેમ્સ, કાર્ડ ગેમ્સ, સાયન્સ મોડેલ બહારથી લાવીને મુક્યા. બાળકો તે ગેમઝોનમાં રમવા આવતા અને રમતા-રમતા ઘણું બધું શીખતા.
આ પરથી તેઓ એક તારણ પર આવ્યા કે બાળક રમતા-રમતા ઘણું બધું શીખે છે. સાથે એ પણ જાણ્યું કે બાળકોની સૌથી વધુ રૂચી રમવામાં છે. તેથી જ તેમણે નક્કી કર્યું કે આપણે બાળકોને તેમના ભણવાના વિષયો સાથે-સાથે મોરલ વેલ્યુઝ (નૈતિક મુલ્યો) અને સંસ્કાર-સંસ્કૃતિ પણ શીખવાડીશું. જેના કારણે તે આદર્શ બાળક અને આવતીકાલનો સારો નાગરિક બને. આ બધું જ કરવા માટે ત્રણેય મિત્રો એ પોતાની પાસે રહેલ બચતનો ઉપયોગ કર્યો. સતત બે વર્ષના રીસર્ચ બાદ તેમના મૂળ વિચારને કેન્દ્રમાં રાખી તેમણે બાળકો માટે ખાસ રમતની સાથે જ્ઞાન એટલે કે જ્ઞાન સાથે ગમ્મત નહી પરંતુ ગમ્મત થકી જ્ઞાન મળે એ માટેનો રસ્તો શોધી કાઢ્યો. આ માટે તેમણે બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સ બનાવવાનું નક્કી કર્યું, જેથી બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે અને તેમને બાળપણથી જ સાચી દિશા તરફ વાળી શકાય.
માતૃભાષામાં ગેમ્સ બનાવી ગુજરાતની તમામ શાળામાં ગેમ્સ આપવાનું છે ધ્યેય
બાળકોને સાચી દિશા તરફ વાળવા માટે આ ત્રણેય મિત્રોએ રસ્તો તો શોધી લીધો હતો. પરંતુ તેમની સાચી સફર તો હવે શરુ થઈ. બે વર્ષના રીસર્ચમાં તેઓએ પોતાની પાસે રહેલા તમામ નાણાંનો ઉપયોગ કરી લીધો હતો. પરંતુ આગળ પૈસા ક્યાંથી લાવવા? એ મોટો પ્રશ્ન હતો. ત્રણેય મિત્રોના પરિવાર પણ સામાન્ય પરિસ્થિતિના હતા. એટલે પરિવાર સપોર્ટ કરે એ પણ શક્ય નહતું. સાથે હવે બહારથી ગેમ લાવીને શાળામાં મૂકવાને બદલે પોતાની માતૃભાષામાં જ જાતે ગેમ્સ બનાવી ગુજરાતની તમામ શાળામાં આ ગેમ્સ આપવાનું ધ્યેય નક્કી કર્યું હતું. પરંતુ આ સપનાને પૂર્ણ કરવા અને બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે હજુ તો આ શરૂઆત હતી. આ પ્રકારનું કામ કરવા માટે એક ઓફિસ અને સારા લોકોની ટીમ પણ ઉભી કરવાની હતી. આથી જ સમીરે વિચાર્યું કે આપણે આપણા આ યુનિક વિચારને સ્ટાર્ટઅપ તરીકે રજુ કરીએ અને સ્ટાર્ટઅપ માટે કામ કરતા પ્રાઇવેટ કે ગવર્મેન્ટ દ્વારા ચાલતા કોઈ પ્રોગ્રામમાં લઇ જઈએ.
લોકડાઉનની આફ્તને અવસરમાં બદલી ગેમ્સના100 થી વધુ કોન્સેપ્ટ કર્યા રેડી
એક બાજુ નાણાની કટોકટી, બીજી બાજુ પરિવારનું પ્રેશર. આ બધી તકલીફોની વચ્ચે સમગ્ર દુનિયામાં આવી કોરોનાની મહામારી. તેઓ પોતાના આ પ્રોજેક્ટને કોઈ મોટી કે સરકારી સંસ્થા સુધી લઇ જાય તે પહેલા જ તેમને કોરોનાનું ગ્રહણ લાગ્યું. પરંતુ ત્રણેય મિત્રો અડગ રહ્યા. મિલન અને સમીર બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સનો કોન્સેપ્ટ તો ડેવલોપ કરી લીધો, પરંતુ તેને ડીઝાઇન કઈ રીતે કરાવવા? દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હતું પણ અડગ મનના માનવીને પર્વત પણ ના નડે એ વ્યાખ્યા અહીંયા સાબિત થઇ. મિલને એક સારા ગ્રાફિક ડીઝાઈનરને શોધી લીધો જે તેમના આ પ્રોજેક્ટ માટે કામ કરવા માટે તૈયાર થયો. આ સાથે જ લોકડાઉન ખુલે ત્યાં સુધીમાં તેમણે 100થી વધુ ગેમ્સના કોન્સેપ્ટ રેડી કરી દીધા હતા. હવે તેના સેમ્પલ બનાવવાના હતા, તેમાં દિવ્યેશ લાગી પડ્યો. લોકડાઉન ખુલતા જ તેમને વધુ એક સારા સમાચાર મળ્યા. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિની ઘોષણા કરવામાં આવી. જેમાં બાળક રમતા-રમતા કઈ રીતે ભણી શકે છે તે માટે ગેમ્સ અને ટોયઝ પર વધુ ભાર મુકવામાં આવ્યો. આ જાણી ત્રણેય મિત્રોને થયું કે આપણે બે વર્ષમાં જે રીસર્ચ કર્યું તે આ જ દિશામાં કર્યું છે.
GUSECના સપોર્ટથી “ડાઈસ ક્યુબ” (DiceCube) કંપનીની થઇ સ્થાપના
2021માં તેમણે ગુજરાત યુનિવર્સીટી દ્વારા ચાલતા GUSEC પ્રોગ્રામમાં એપ્લીકેશન સબમિટ કરી. તેમના આ ગેમીફાઈડ એજ્યુકેશનના પ્રોજેક્ટને જોઈ GUSECદ્વારા તેમને ત્રણ મહિનાના પ્રિ-ઇન્કયુબેશનમાં પ્રવેશ મળી ગયો. ત્યાં તેમને બધા જ પ્રકારનો સપોર્ટ મળવાનો શરુ થઇ ગયો. આટલેથી ન અટકતા તેમની કંપની “ડાઈસ ક્યુબ”ને (DiceCube) ગ્રાન્ટ પણ મળી. જેમાંથી તેઓ હાલ ઘણી નવી ગેમ્સ બનાવી રહ્યા છે. અમદાવાદના આ ત્રણેય ભાઈબંધ પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતથી પ્રિ-ઇન્કયુબેશનમાંથી ઇન્કયુબેશન પીરીયડમાં આવી ગયા.
આ ઉપરાંત ડાઈસ ક્યુબને (DiceCube) સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત DIPP સર્ટીફીકેટ મળેલ છે. આ DIPP સર્ટીફીકેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત સ્ટાર્ટઅપને આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દ્વારા જે તે ફંડિંગ સ્કીમનો લાભ લઈ શકાય છે.
માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલવાથી નાગરિક નથી બદલાઈ જતા
હાલ તેમની પહેલી કાર્ડ ગેમ “કિબો” બાળકો માટે માર્કેટમાં આવી ગઈ છે. જેવું અનોખું નામ છે તેવી જ અનોખી આ ગેમ છે. ગુજરાતી મૂળાક્ષરો સાથે-સાથે બાળકને સ્વસ્થ અને સમતોલ આહારની સમજણ કેળવાય તે આ ગેમ બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે. તેઓ આ પ્રોજેક્ટને અને તેમની ગેમ્સને સમગ્ર દેશના બાળકો સુધી લઇ જવા માંગે છે. તેઓ એ પણ ઈચ્છે છે કે તેમના આ પ્રોજેક્ટમાં એવા જ લોકો ઇન્વેસ્ટ કરે જે ડાઈસ ક્યુબની વિચારધારાને સમજે છે. મિલન દ્રઢપણે માને છે કે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલવાથી નાગરિક નથી બદલાઈ જતા. જો નાનપણથી જ સામાજિક મુલ્યોની સમજણ સમજાય તો જ એક આદર્શ સમાજ અને સમૃદ્ધ દેશ બની શકે.
આ સાથે અન્ય ગેમ વિશે મિલન થોડી માહિતી આપતા જણાવે છે,
વસુધૈવ કુટુંબકમ
આ ગેમ બનાવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વ સ્તરે માનવ દ્વારા સર્જેલી સમસ્યાઓ કઈ-કઈ છે અને આ સમસ્યાઓ બધા ભેગા મળીને કઈ રીતે દૂર કરી શકે તેવો છે. આ એક અદ્ભૂત અને રોમાંચક સફર હશે. જેમાં આઠ વર્ષના બાળકથી લઈને વૃધ્ધ વ્યક્તિને પણ રસ પડે અને અંત સુધી જકડી રાખે તેવી રમત છે.
આ ગેમને રસપ્રદ બનાવે છે તેના મુખ્ય 7 સુપર હીરો. આ હીરોની ભૂમિકા ગેમ રમનાર વ્યકતિ પોતે જ નિભાવશે. આ દરેક સુપર હીરો પાસે સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ રહેલી છે. આ શક્તિનો ઉપયોગ કરીને જે તે ખંડમાં ચાલતી સમસ્યાઓને નાશ કરવાનો છે. આ બધા જ સુપરહીરો ભેગા મળીને કેટલું સરસ કામ કરે છે તે અનુભવ શીખવા જેવો છે. આ પરથી તમને એટલી માહિતી તો મળી જ ગઈ હશે કે એક સમય પર એક સાથે 7 વ્યક્તિઓ આ ગેમ રમી શકે છે.
સંતુલન
સંતુલન એટલે તમારી પાસે રહેલ દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં હોવી. આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે કે પછી શારીરિક રીતે તમને જે કઈ પણ પદાર્થો મળ્યા છે તે એક યોગ્ય પ્રમાણમાં હોય તો જીવનનું સંતુલન બન્યું કહેવાય. કોઈ પણ વસ્તુ વધુ કે ઓછા પ્રમાણમાં ન હોવી એ આ રમતનો મુખ્ય ધ્યેય છે.
કારકિર્દી
આ રમત બાળકોને અલગ-અલગ કારકિર્દી એટલે કે તેમના ભવિષ્યના કરિયરમાં શું બની શકાય તેની સમજુતી આપે છે. આ રમત બે પ્લેયરથી લઇ વધુમાં વધુ 6 પ્લેયર એક સાથે રમી શકે છે.
સમીર (DiceCube) કંપનીના ધ્યેયને સમજાવતા કહે છે કે “અમે આંગણવાડીથી માંડી પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમને બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સમાં તબદીલ કરી બાળકોને રમતા-રમતા ભણાવી કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસી આધીન દેશની પહેલી “ગેમીફાઈડ એજ્યુકેશન સિસ્ટમ” ગુજરાતમાં સ્થાપિત કરવા માંગીએ છીએ.” હાલમાં જ તેઓ તેમના આ પ્રોજેક્ટને ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસે અવલોકન માટે લઇ ગયા હતા.
મૂળ અભ્યાસક્રમને સંપૂર્ણ રીતે ગેમીફાઈડ કરવામાં આવે તો બાળકો રમતા-રમતા મૂળ પાયો મજબુત કરી શકે
દિવ્યેશ આગળ વાત કરતા કહે છે કે “મૂળ અભ્યાસક્રમને સંપૂર્ણ રીતે ગેમીફાઈડ કરવામાં આવે તો બાળકો રમતા-રમતા મૂળ પાયો મજબુત કરી શકે છે. સાથે જ આ ગેમ્સ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા વાંચતા, લખતા અને બોલતા પણ શીખી શકે છે. ગાણિતિક સમજુતી માટેની સરળ ગેમ્સ અને પ્રવૃતિઓ દ્વારા બાળકને તેમનું બાળપણ પાછું આપવા માટેની આ એક ઝુંબેશ છે. ત્રણ ભાષા, સમતોલ આહાર અને સ્વસ્થ બાળપણ, વૈજ્ઞાનિક શોધખોળ અને સંશોધન, ભારતીય ઈતિહાસ, સામાજિક નૈતિક મુલ્યો અને સંસ્કૃતિ, ડિજિટલાઇઝેશન, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, કારકિર્દી માર્ગદર્શન, લીડરશીપ, ભારતીય વિચારધારા… વગેરે જેવા વિષયોને આ બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સમાં આવરી લેવામાં આવ્યા છે.”
આ ઉપરાંત જયારે અમારા દ્વારા તેમને પુછવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કરેલા રીસર્ચના આધારે તમારા મત મુજબ બાળકોમાં આ ગેમ્સ રમતા-રમતા કેટલા લક્ષણો આવી શકે છે? ત્યારે મિલન જણાવે છે કે, આ ગેમ્સના મધ્યમથી બાળકોમાં આ પ્રકારના લક્ષણો આવી શકે છે.
21મી સદીમાં સાક્ષરતા માટે જોઈતું યોગ્ય પ્રમાણ વિચારવું / ઉકેલવું (ક્રિટિકલ થિંકિંગ / પ્રોબ્લેમ સોલ્વિંગ) પારખવાની, સમજવાની, વિશ્લેષણ કરવાની અને સાથે જ નવા વિચારો રજૂ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા
સર્જન કરવું (ક્રિએટિવિટી) સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અવનવા વિચારો કરવા, સવાલોના જવાબ આપવા, જ્ઞાનને બીજી અલગ રીતે દર્શાવવું અને હાવભાવ દ્વારા જણાવવું
ભળી જવું (કોમ્યુનિકેશન) સાંભળવાની, સમજવાની, બોલવાની અને સાથે જ જાણકારીઓને લખીને કે પછી બીજી કોઈ રીતે સમજાવી લોકો સાથે ભળી જવાની ક્ષમતા
ફાળો આપવો (કોલોબ્રેશન) બધા લોકો સાથે ટીમમાં કઈ રીતે કામ કરવું અને કોઈ મુશ્કેલી આવી પડે તો તેનું સમાધાન કઈ રીતે કરવું તેની સમજણ
21મી સદીના બાળકમાં રહેલી ગુણવત્તાઓ, જિજ્ઞાસાવૃત્તિ (ક્યુરોસિટી) સવાલો કરવાની વૃત્તિ હોવી જોઈએ અને સાથે જ કંઈક નવું જાણવા માટે આતુરતાથી રાહ જોતા હોવા જોઈએ
ઉત્સાહી (ઇનિશિએટ) કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા માટેની યોગ્ય સમજણ શક્તિ અને મગજને સદાય ખુલ્લી રાખે તેવી ક્ષમતા
ગ્રહણશક્તિ (ઍડપ્ટબીલીટી) નવી જાણકારીઓ પ્રાપ્ત કરતી વખતે આયોજન કે પછી પદ્ધતિ બદલી નાખવાની કે પછી નવી કોઈ પદ્ધતિ શોધવા માટેની અને પોતાનો અભિપ્રાય આપવાની ક્ષમતા
નેતૃત્વ (લીડરશીપ) બીજાને પ્રોત્સાહિત કરવાની આવડત તથા ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા
સામાજિક અને સાંસ્કૃતિક સમજણ ( સોશિયલ ઍન્ડ ક્લચરલ અવેરનેસ) યોગ્ય સમજણ દ્વારા, સામાજિક રીતે અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બીજા લોકો સાથે વાત કરવાની ક્ષમતા
ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની મિત્રતા આજે રજ-રજમાં વ્યાપી ગઈ છે. મૂળ રૂપે આ ટેકનોલજીના લાભો ઘણા છે પરંતુ આ લાભોની સામે બીજા દસ ગણા ગેરલાભો છે. માત્ર યુવાની જ નહીં હવે તો બાળપણ મોબાઈલની સ્ક્રીન સાઈઝ જેટલું થઇ ગયું છે. વિશ્વના જાગૃત લોકોને આ વાતનો ચિતાર આવી ગયો છે તેથી જ તેમાંથી બચવાની યુક્તિ તે શોધી રહ્યો છે, ત્યારે ગુજરાતના આ ત્રણેય મિત્રોના આ યુનિક વિચાર સાથે બનાવેલા કોન્સેપ્ટ માટે અમે ગર્વ અનુભવીએ છીએ અને તેમના આ યુનિક કોન્સેપ્ટ માટે traveltoculture.com તેમને “વાહ રે! ગુજરાતી” કહીને સંબોધે છે. આ સાથે “ડાઈસ ક્યુબ” (DiceCube) કંપનીના ત્રણેય મિત્રો ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે અને નવગુજરાત અને નવભારતનું નિર્માણ કરે સાથે જ આજની અને આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું બનાવે એ માટે શુભેચ્છા પાઠવે છે.
જો આપ પણ ડાઈસ ક્યુબની ગેમ્સ વિશે વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો અહીં આપેલા તેમના ફેસબુક (fb/Dice Cube) અને ઈન્સ્ટાગ્રામના (insta/DiceCube) એકાઉન્ટની લીંક પર ક્લિક કરીને વીઝીટ કરી શકો છો.
બાળકો ભગવાનનું સ્વરૂપ છે આવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. આ જ ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી બેઠા છે જામનગરમાં રહેતા કિરીટ ગોસ્વામી જે વ્યવસાયે શિક્ષક છે . પરંતુ આજના ડીજીટલ યુગમાં જયારે બાળગીતો વિસરાઈ રહ્યાં છે અને બાળકોનું બાળપણ મોબાઈલની પાછળ વેડફાઈ રહ્યું છે ત્યારે કિરીટ ગોસ્વામીએ (Kirit Goswami) પોતાનું જીવન બાળગીતો લખવામાં અને બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન આપવા માટે અર્પણ કર્યું છે.
કિરીટ ગોસ્વામીનું (Kirit Goswami) જીવન અને કવન
કિરીટ ગોસ્વામીનો જન્મ 4 ઑગસ્ટ,1975 ના રોજ જામનગરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ચેલા તાલુકા શાળા અને માધ્યમિક શિક્ષણ દેવરાજ દેપાળ હાઇસ્કૂલ, જામનગરથી લીધેલું છે. તેમજ તેમણે પોતાનું ગ્રેજ્યુએશન આર્ટસમાં ડીકેવી કૉલેજ, જામનગર ખાતેથી કરેલું છે. આ સાથે જ એમણે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી એમ.એ.નો અભ્યાસ કરેલો છે. ફક્ત એટલું જ નહીં આ ઉપરાંત કિરીટ ગોસ્વામી પાસે બી.એડ.ની પણ ડીગ્રી છે જે ડીજીટી કૉલેજ, અલીયાબાડાથી પ્રાપ્ત કરેલ છે. આટલો અભ્યાસ કર્યા બાદ કિરીટ ગોસ્વામીના મગજમાં આવેલા એક સુવિચારે તેમનું જીવન પરીવર્તીત કરી દીધું અને આજે લોકો એમને શ્રેષ્ઠ બાળગીતકારના નામથી ઓળખે છે.
કિરીટ ગોસ્વામી ગુજરાતના સુપ્રસિદ્ધ બાળગીતકાર છે. અત્યારસુધીમાં એમના દ્વારા અસંખ્ય બાળગીતોની રચના કરવામાં આવી છે. જયારે કિરીટ ગોસ્વામીને બાળગીત લખવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે traveltoculture.com સાથે વાત કરતાં કિરીટ ગોસ્વામીએ કહ્યું કે “બાળગીત એટલા માટે લખું છું કારણ કે એ રીતે બચપણને હંમેશા તાજું રાખી શકાય છે. આ સાથે જ ફરીથી બાળક બનીને જીવન જીવવાનો અદ્ભુત લહાવો પણ લઇ શકાય છે.” કિરીટ ગોસ્વામી જણાવે છે કે બાળગીત લખવાની શરૂઆત આમ તો લગભગ કૉલેજકાળથી જ કરી હતી પરંતુ ત્યારબાદ 2000 ના વર્ષથી બાળગીત પર વધારે ફોકસ કર્યુ અને નક્કી કર્યું કે હવે મારું આ જીવન બાળકો માટે અર્પણ કરીશ.
આજ સુધીના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારની યાદીમાં કિરીટ ગોસ્વામીનું નામ તો અવશ્ય લેવું જ પડે
ડીજીટલ યુગના આ સમયમાં કિરીટ ગોસ્વામીની કલમે કમાલ કરી બતાવી છે. એમની કલમથી એવા બાળગીતોની રચના થઈ છે જેના કારણે દલપતરામથી લઈને આજ સુધીના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારની યાદી બનાવવામાં આવે તો સુપ્રસિદ્ધ બાળગીતકાર કિરીટ ગોસ્વામીનું નામ તો અવશ્ય લેવું જ પડે. કિરીટ ગોસ્વામીના બાળગીતોની ખાસિયત એમની નાની રચનાઓને અને એમાં પણ ખાસ એની નાની પંક્તિઓ છે. હાથીભાઈ, ખિસકોલી, બિલાડી, કીડીબાઈ અને લાડુ જેવા બાળકોને ગમતા પાત્રો પર તદન નવીન રીતે કિરીટ ગોસ્વામીએ બાળગીતો લખ્યા છે. જે બાળગીતો બાળકોની સાથે એમના માતા-પિતા અને મોટાઓને પણ મનગમતા બન્યા છે. હાલના ડીજીટલ યુગને ધ્યાનમાં લઈને કીડીબાઈનું કમ્પ્યુટર જેવાં વિષયો પર પણ એમણે રચના કરેલી છે.
છેલ્લા 20 વર્ષથી જામનગરમાં એકાકી જીવન પસાર કરે છે કિરીટ ગોસ્વામી(Kirit Goswami)
હાલમાં કિરીટ ગોસ્વામી જામનગર ખાતે હાઇસ્કુલમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કિરીટ ગોસ્વામી માતા-પિતાના અવસાન બાદ છેલ્લા 20 વર્ષથી જામનગરમાં એકાકી જીવન પસાર કરે છે. હાલ પરિવારમાં એક બહેન છે જે લગ્ન કરીને સાસરે છે. જયારે અમારા દ્વારા કિરીટ ગોસ્વામીને લગ્ન ન કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યુ ત્યારે એમણે કહ્યું કે પહેલા શોખ ખાતર બાળગીતો લખતો હતો. ત્યારબાદ એ વિષયમાં વધારે રૂચી પડતા તેના પર વિશેષ ધ્યાન આપવા લાગ્યો અને એ મારા માટે ક્યારે એક ધ્યેય બની ગયું એનો મને પણ ખ્યાલ નથી. બસ આ જ કારણસર મેં નક્કી કર્યું કે, ભગવાન દ્વારા મળેલો આ જન્મ તો માત્ર ને માત્ર બાળકો માટે જ સમર્પિત છે. એટલા માટે જ મેં લગ્ન ન કર્યા અને આજીવન બાળકો માટે જીવવાનું અને લખવાનું નક્કી કર્યું.
450 થી વધારે બાળગીતો લખ્યા છે કિરીટ ગોસ્વામી(Kirit Goswami)
અત્યાર સુધીમાં કિરીટ ગોસ્વામીએ 450 થી વધારે બાળગીતો લખ્યા છે. આ સાથે કિશોર કથા, વિદ્યાર્થીલક્ષી સંવેદન કથાઓની પણ એમના દ્વારા રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતભરની શાળાઓમાં આશરે 120 જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ પણ એમના દ્વારા કરવામાં આવ્યા છે. માત્ર અહીંથી કિરીટ ગોસ્વામી અટકતા નથી માતૃભાષા અભિયાન દ્વારા જામનગર ખાતે દર મહિને બે વખત બાળકો માટે એક વિશિષ્ટ ‘બાળસભા’નું આયોજન અને સંચાલન પણ એમના દ્વારા કરવામાં આવે છે. આ સાથે કિરીટ ગોસ્વામી કહે છે કે ભવિષ્યમાં બાળગીત અને બાળસાહિત્યમાં યાદગાર કૃતિઓનું સર્જન કરવું એ જ મારું ધ્યેય છે. બાળકો માટે બાળગીતો લખતો હતો, હાલ પણ લખું છું અને આજીવન લખતો રહીશ એ જ મારું જીવન સૂત્ર છે.
કિરીટ ગોસ્વામીની વિશેષ વિગત
મોરારી બાપુ પ્રેરિત અસ્મિતા પર્વ – 2007 માં કાવ્યપાઠ
સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર દ્વારા એક ગઝલ સ્વરબધ્ધ કરીને ગાવામાં આવે છે (પ્રેમ કયાં પંડિતાઇ માગે છે)
જિલ્લાથી રાજ્ય કક્ષાની વિવિધ સાંસ્કૃતિક/લેખન વિષયક હરિફાઈમાં નિર્ણાયક
કિરીટ ગોસ્વામી દ્વારા રચાયેલા બાળગીતનાં સંગ્રહો
એક એક ડાળખી નિશાળ – (2009)
ખિસકોલી ને કમ્પ્યુટર છે લેવું! – (2016)
એક બિલાડી બાંડી – (2018)
ગોળ ગોળ લાડુ – (2019)
કીડીબાઇનું કમ્પ્યૂટર – (2021)
કિરીટ ગોસ્વામીના કામની ગુંજ દુર-દુર સુધી ગુંજી રહે છે. સમાચારપત્રો, મેગેઝીનો, રેડિયો, ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી બધાએ એમના આ ઉમદા કામની નોંધ લીધી છે. આ જ કારણે આજે એ સેલીબ્રીટી બાળગીતકાર બની ગયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે 2019-20માં એક વિધાર્થીએ ગુજરાતી વિષયમાં પોતાની એમ.ફિલ.ની પદવી માટે લઘુશોધનિબંધ તરીકે “કિરીટ ગોસ્વામીની બાળકવિતાઓ : એક અભ્યાસને” રજુ કર્યો હતો. પોતાના કામની જેમ એમનો પ્રેમાળ, વિનમ્ર અને દયાળુ સ્વભાવ લોકોને એમના તરફ આકર્ષિત કરે છે.
કિરીટ ગોસ્વામીના પ્રકાશિત બાળકાવ્યસંગ્રહો અને તેને મળેલા પારિતોષિકની વિગત
એક એક ડાળખી નિશાળ (2009) ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું! (2016 ) અંજુ નરશી પ્રથમ પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદનું બાળ-કિશોર સાહિત્ય પારિતોષિક
એક બિલાડી બાંડી (2018) સ્વ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર અંજુ નરશી પ્રથમ પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
ગોળ ગોળ લાડુ (2019) ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
કિરીટ ગોસ્વામી દ્વારા 2010 માં એક નાગાટોળી નામની કિશોર કથાની પણ રચના કરવામાં આવી છે. આ સાથે કિરીટ ગોસ્વામી દ્વારા રચિત કૃતિઓની ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની પાઠયપુસ્તકમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિરીટ ગોસ્વામીને એમના દ્વારા કરવામાં આવતા આ કાર્ય માટે અન્ય એવાર્ડ મળેલા છે.
કિરીટ ગોસ્વામીની પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ કૃતિઓ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 4 ના ગુજરાતી (દ્વિતીય ભાષા)ના પાઠયપુસ્તકમાં બાળકાવ્ય ” વાંદરા કરતા હૂપાહૂપ ” સમાવિષ્ટ
મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધોરણ – 6 ( બાલભારતી) માં ‘તારી મોજે’ કાવ્યનો સમાવેશ
મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક ધોરણ -5 ( સાહિત્ય પરિચય) માં ‘હાથીભાઇને મોજ’ કાવ્યનો સમાવેશ
ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ – (2016)
સેતુ જામનગર દ્વારા નગર રત્ન એવોર્ડ – (2016)
ભારતીય વિદ્યા ભવન દ્વારા બાળસાહિત્યકાર સન્માન – (2017-18)
માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2013)
વિદ્યા ગુરુ સાંદીપનિ એવોર્ડ – (2015)
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ – (2001)
યશસ્વિતા એવોર્ડ – (2019)
ગુજરાત રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2020)
‘અચલા’ એજ્યુકેશન ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2021)
સમગ્ર બાળસાહિત્ય સર્જન યાત્રા માટે અંજુ નરશી ગુર્જર બાળસાહિત્ય વૈભવ પુરસ્કાર – (2021)
46 વર્ષના કિરીટ ગોસ્વામીએ અત્યાર સુધીમાં બાળકો માટે જે કામ કરેલું છે એને કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. એમના આ કાર્યની સફર જોઇને એમના માટે અમને અને તમને પણ ચોક્કસથી એમના પર ગર્વ થશે. આગળ હજુ કિરીટ ગોસ્વામી નવું શું-શું કરશે એ જાણવાનો પણ એટલો જ ઉત્સાહ રહેશે. એમના દ્વારા કરવામાં આવતા આ ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય માટે traveltoculture.comકિરીટ ગોસ્વામીને“Amazing ગુજરાતી” કહીને બિરદાવે છે.
ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતનો આ કચ્છડો કદાચ તેના કાચબા જેવા આકારના કારણે જ કચ્છ નામ ધરાવતો હશે. કચ્છ આ સફેદ રણના કારણે આજે વિશ્વભરમાં ગુજરાતની એક આગવી ઓળખ છે ત્યારે “ધોળાવીરા” (Dholavira) વૈશ્વિક ધરોહર બનતા કચ્છમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.
Mitesh Dayani (Archaeologist)
UNESCOની વર્લ્ડ હેરિટેજ કમિટીએ તેમના 44મા સેશનમાં કચ્છના આ ધોળાવીરાને ભારતની 40 મી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. જે ગુજરાત માટે એક ગર્વની વાત છે. ધોળાવીરા ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રથમ સાઈટ છે જે પ્રતિષ્ઠિત સૂચિમાં શામેલ થઈ છે. આ સફળ નામાંકન સાથે, ભારતમાં હવે કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે.
હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર એટલે ધોળાવીરા(Dholavira)
ભુજથી 198 કી.મી દૂર ઉત્તરમાં ખદીરબેટ આવેલું છે. આ ખદીરબેટ પર ધોળાવીરા નામનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર આવેલું હતું. આ ધોળાવીરા રાપરથી આશરે 90 કી.મી અને ભચાઉથી આશરે 140 કી.મી દુર આવેલું છે. આમ તો આ વિસ્તારને ‘કોટડા ટિંબા’ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ સમય જતાં તે ધોળાવીરા તરીકે ઓળખાવા લાગ્યો. આ ધોળાવીરા આશરે 5000 વર્ષ પહેલાં વિશ્વનું પ્રાચીન મહાનગર હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ ખાસ કરીને ‘મોડર્ન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનાં શહેરો એમનાં સ્થાપત્યો, મકાનો, ગટરવ્યવસ્થા, અને જાહેર સ્થળો વગેરે માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. ધોળાવીરા રણપ્રદેશમાં વસેલું હોવા છતાં સિંધુ ખીણની સંસ્કૃતિનું મહાનગર સાથે અત્યંત સમૃદ્ધ નગર હતું.
Mitesh Dayani (Archaeologist)
ધોળાવીરા કર્કવૃત્ત પર સ્થાન ધરાવે છે. આ સાથે ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહ વચ્ચે સ્થિત છે. સામાન્ય રીતે નદીઓ અને પાણીના બારમાસી સ્ત્રોતોની નજીક આવેલા અન્ય હડપ્પાના પૂર્વવર્તી નગરોથી વિપરીત, ખદીરબેટમાં ધોળાવીરાનું સ્થાન છે. કોપર, શેલ, એગેટ-કાર્નેલીયન, સ્ટીટાઇટ, લીડ, બેન્ડ લાઈમસ્ટોન જેવી વિવિધ ખનિજ અને કાચા માલનો સ્રોત તરીકે ઉપયોગ કરવા માટે ધોળાવીરા એક આયોજનબદ્ધ સ્થળ હતું. આ ઉપરાંત ધોળાવીરા આધુનિક ઓમાન અને મેસોપોટેમીયાના પ્રદેશોમાં આંતરિક તેમજ બાહ્ય વેપારને સરળ બનાવ્યું હતું.
Mitesh Dayani (Archaeologist)
ધોળાવીરા (Dholavira) નામ કેવીરીતે પડ્યું?
એવું માનવામાં આવે છે કે ધોળાવીરા જ્યાં સ્થિત છે ત્યાં અંદાજે 500 થી 600 વર્ષ પહેલાં ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરડા( વીરા) વહેતા હતા. આ વીરડા (વીરા) પરથી આ ગામનું નામ પડ્યું હતું.
10 કી.મી દૂરથી પણ દેખાય છે કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ
ધોળાવીરામાં આવેલા કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ 10 કી.મી દૂરથી પણ દેખાય છે. આ કિલ્લાને ત્યાંના સ્થાનિક લોકો કોટડો (મહાદુર્ગ) કહે છે. ઉત્તરથી દક્ષિણ તરફનો ધોળાવીરાનો વિસ્તાર 600 મીટર જયારે પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો 775 મીટર છે. આ ધોળાવીરા શહેરના અવશેષો 100 હેક્ટર જમીનમાં ફેલાયેલા છે.
Mitesh Dayani (Archaeologist)
1989–93માં પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તેકર્યું હતું ઉત્ખનન
1967-1968માં ભારતના પુરાતત્ત્વવિદ્ જગતપતિ જોષીએ કોટડાની (હાલમાં ધોળાવીરાની) મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પુરાતત્વવિદ ડૉ. સુમન પંડ્યાએ જાતે ધોળાવીરામાં રહીને તેનું નિરીક્ષણ કરીને તેનું મહત્વ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું. પરિણામસ્વરૂપે ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે 1989–93માં મર્યાદિત ઉત્ખનન કર્યું હતું. આ ઉત્ખનન દરમ્યાન મળેલા અવશેષોના આધારે આ શહેરને સિંધુ સંસ્કૃતિ પૂર્વેનો સમય, સિંધુ સંસ્કૃતિનો સમય અને ઉત્તર સિંધુકાલીન સમય એમ ત્રણ કાળમાં વર્ગીકરણ કરવામાં આવેલું.
Mitesh Dayani (Archaeologist)
અહીંથી કયાં-કયાં અવશેષો મળી આવ્યા છે?
આ જગ્યાએથી સિંધુ સંસ્કૃતિના શહેરી અવશેષો મળી આવ્યા છે, જેમાં ચર્ટ પથ્થરનાં પાનાં, તોલમાપનાં વજનો, મુદ્રાઓ, મુદ્રાંકનો, કંપાસ, અનેક પ્રકારના મણકા, સોના, રૂપા, તાંબા તથા સીસાનાં ઘરેણાં, બંગડીઓ, અર્ધકીમતી પથ્થરોના મણકા અને દાગીના મળ્યાં છે. આ ઉપરાંત માટીની પકવેલી થેપલીઓ, ગોફણના ગોળા, બગ્ગીઓ, રમકડાંનાં ગાડાં, શંખની બંગડીઓ, કડછીઓ, આચમનીઓ અને જડતરના દાગીના પણ અહીંથી મળ્યા છે.
મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું ધોળાવીરા નગર(Dholavira)
Screen Grab/youtube/gujarattourism
ધોળાવીરા નગર (Dholavira) મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. જેમાં સૌથી પહેલાં “અપર ટાઉન” આવતું જેને “સિટાડેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં શાસકોના એટલે કે રજવાડી કુટુંબના નિવાસસ્થાન આવેલા હતા. આ સિટાડેલ વિસ્તારને લંબચોરસ કિલ્લેબંધીવાળું બાંધકામ છે. આ સાથે તેના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ પડે છે. આ બંને ભાગોની દીવાલો વચ્ચે 55 મીટરની પહોળાઈ ધરાવતી શેરી છે. બંને વિભાગોને જોડતા પગથિયાંવાળા ઊંચા અને વિશાળ દરવાજા આવેલાં છે. તેની એકદમ પાછળ પશ્ચિમ દિશામાં આવેલાં વિસ્તારને “બૈલી” તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં રજવાડી કુટુંબ માટે સિટાડેલમાં કામ કરતાં લોકોને રહેવા માટેની સગવડતા હતી.
સિટાડેલની ઉત્તરના ભાગમાં ધોળાવીરા નગરનો બીજો ભાગ એટલે કે “મિડલ ટાઉન” (મધ્ય નગર) આવેલું હતું. આ મધ્ય નગર ભાગમાં પથ્થરથી ચણેલાં મકાનોના અવશેષો જોવા મળે છે. તદુપરાંત ત્યાં જોવા મળતા વધારે જગ્યા ધરાવતાં ઘરોના સુઆયોજનના પુરાવા પરથી ખબર પડે છે કે ત્યાં જરૂર સારા વર્ગના લોકો રહેતાં હશે. આ બાંધકામનો ઉત્તરદિશાનો દરવાજો શહેરના મુખ્ય રસ્તે ખૂલે છે. આ દરવાજાની બંને બાજુએ ચોકીદારોને બેસવા માટેની જગ્યા આવેલી છે.
Screen Grab/youtube/gujarattourism
આ નગરનો ત્રીજો ભાગ “લોઅર ટાઉન” (નીચલું નગર) તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યાં ખેડૂતો, કુંભારો જેવા સામન્ય લોકો વસવાટ કરતાં હતા.
ધોળાવીરાની (Dholavira) પાણીની સંચાલન પદ્ધતિ છે અજોડ
આ પ્રાચીન વસાહતની અજોડ બાબત અહીંની પાણીની સંચાલન પદ્ધતિ હતી. ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહની વચ્ચેના ભાગમાં આવેલું છે. જેથી આ બંને નદીના પાણીનો ઉપયોગ જળ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો.
Screen Grab/youtube/gujarattourism
ધોળાવીરાની (Dholavira) એક વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો પણ છે. આ જળાશયોમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. ધોળાવીરા નગર ઉતરથી દક્ષિણ દિશા તરફ ઢાળ ધરાવે છે. જેથી ચોમાસા દરમ્યાન મનહર નદીમાંથી પાણી આવતું, જે મુખ્ય જળાશય ભરાયા બાદ નહેરની મારફતે બીજાં જળાશયમાં જતું હતું. આ વિશાળ જળાશયોમાં અંદર ઊતરવા માટે પગથિયાંની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ સુઆયોજનના મળતાં પુરાવાઓ પરથી ચોક્કસ એવું કહી શકાય કે ધોળાવીરાના લોકો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની ખૂબ જ સારી તકનિકોના જાણકાર હતા.
Mitesh Dayani (Archaeologist)
બૌદ્ધ સ્તૂપોના અવશેષો પણમળી આવ્યા છે અહીંથી
અહીં બે બહુહેતુક મેદાનો પણ આવેલાં હતા. જેમાંથી એક મેદાનનો તહેવારો માટે જયારે બીજાનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો. અનન્ય ડિઝાઇન ધરાવતા નવ દરવાજા પણ આવેલા હતા. ભારતમાં બૌદ્ધ ધર્મના ધોળાવીરાના સમયમાં પણ જોવા મળે છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક બૌદ્ધ સ્તૂપો આવેલાં છે. જેમાંથી બે બૌદ્ધ સ્તૂપો જેવી ગોળાર્ધ રચનાઓ ધરાવતા સ્મશાનના અવશેષો મળી આવ્યા હતા.
Mitesh Dayani (Archaeologist)
ધોળાવીરા (Dholavira) વેપાર-વાણિજ્યનું હતું મોટું કેન્દ્ર
ધોળાવીરા દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી વસાહતોમાં સ્થાન પામે છે. આ સભ્યતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 1500 થી ઈ.સ.પૂર્વે 3000 સુધીનો માનવામાં આવે છે. ઈ.સ.પૂર્વે 2500ની આસપાસ દક્ષિણ એશિયાના પશ્ચિમ ભાગમાં એટલે વર્તમાનનું પાકિસ્તાન અને પશ્ચિમ ભારત તે મૂળભૂત રીતે એક શહેરી સંસ્કૃતિ હતી અને લોકો સુઆયોજિત અને સુવ્યવસ્થિત નગરોમાં રહેતા હતા. જે વેપારના કેન્દ્રો પણ હતા. અહીં મળેલી વસાહત પરથી કહી શકાય કે ધોળાવીરા વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હશે.
અહીં મળી આવેલી કલાકૃતિઓમાં ટેરાકોટા માટીના વાસણ, ગુલાબી રંગના મણકા, માળા, સોના અને તાંબાના આભૂષણો, મહોર, માછલી પકડવાની કાંટાવાળી આંકડી, પ્રાણીઓની મૂર્તિઓ, સાધનો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી વાસણોનો થાય છે સમાવેશ
www.gujarattourism.com
તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો દર્શાવે છે કે ધોળાવીરામાં રહેતા લોકો ધાતુશાસ્ત્ર હતા જાણકાર
એવું માનવામાં આવે છે કે ધોળાવીરાના વેપારીઓ હાલના રાજસ્થાન, ઓમાન અને યુએઈમાંથી તાંબા અયસ્કનો સ્ત્રોત લેતા હતા અને તૈયાર ઉત્પાદનોની કરતા હતા નિકાસ
ધોળાવીરા અકીક, શંખ અને અર્ધ કીમતી પથ્થરોથી બનેલા દાગીનાના ઉત્પાદનનું હતું કેન્દ્ર
અહીંથી મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે
લાકડાની નિકાસ પણ કરવામાં આવતી હતી અહીં
Screen Grab/youtube/gujarattourism
ધોળાવીરાના પ્રવેશદ્વાર પાસે 10 અક્ષરનું મળી આવેલું છે સાઈન બોર્ડ
આ સાઈન બોર્ડમાં લખેલી લિપિ માત્ર ધોળાવીરામાં જ મળી છે
આ સાઈન બોર્ડમાં લખેલી લિપિના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે
આ સાઈન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ કહી શકાય, પરંતુ હજુ સુધી તેને નથી ઉકેલી શકાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાના માપદંડો
કોઈપણ દેશ દ્વારા સૌપ્રથમ પોતાના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે કોઈપણ દેશ એવી કોઈપણ સંપદાને નોમિનેટ ન કરી શકે જેનું નામ એ લિસ્ટ પહેલાંથી શામેલ ન હોય. આ સાથે જ આ લિસ્ટ સમયાંતરે અપડેટ પણ કરવામાં આવે છે. 2004 સુધી સાંસ્કૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 6 માપદંડ અને પ્રાકૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 4 માપદંડ હતા. જે વર્ષ 2005માં બદલીને કુલ મળીને 10 માપદંડ કરી નાખવામાં આવેલાં. જે 10 માપદંડો આ મુજબ છે.
જે તે સ્થળ કે વસ્તુ માનવ સર્જનાત્મકતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠતમ નમૂનો હોવો જોઈએ
જે તે સાંસ્કૃતિક જગ્યામાં તે સમયગાળા દરમિયાનના સ્થાપત્ય, ટેકનોલોજી, કળા, નગર આયોજન અને તેની સંરચના જેવા અગત્યના માનવમૂલ્યોની આપ-લે થયેલી હોવી જોઈએ
જે તે સ્થળે રહેતા અથવા રહી ચૂકેલા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાઓ અથવા પરંપરાઓના પુરાવા હોવા જોઈએ
જે તે સ્થળ ઉપર કોઈ પ્રકારની એવી ઐતિહાસિક ઇમારત, સ્થાપત્ય અથવા ટેક્નોલોજિકલ ચીજવસ્તુ હોવી જોઈએ જે માનવ ઇતિહાસમાં કોઈ એક સમયે ખૂબ મહત્વનું સ્થાન ભોગવતી હોય
જે તે સ્થળ ઐતિહાસિક રીતે માનવ સભ્યતાએ ઉપયોગ કરેલ જમીન અથવા દરિયાઈ વસાહતનો શ્રેષ્ઠ નમૂનો હોવી જોઈએ. આ સ્થળ મનુષ્યોએ સ્થાનિક પર્યાવરણ સાથે કઈ રીતે પરસ્પર જોડાણ કર્યું હતું તેનું ઉત્તમ ઉદાહરણ હોવું જોઈએ
જે તે સ્થળ વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી કળાઓ, સાહિત્યિક મૂલ્યો, વિચારો, આસ્થાઓ, અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલું હોવું જરૂરી
જે તે સ્થળ ઉપર અદભૂત કહી શકે એવી કુદરતી ઘટનાઓ બનતી હોય અથવા જે વિસ્તારોમાં અસાધારણ રીતે કુદરતી સુંદરતા આવેલી હોય અને જેનું સૌદર્યનું દ્રષ્ટિએ આગવું મહત્વ હોય
પૃથ્વીના ઇતિહાસના મહત્વના તબક્કાઓ જે તે સ્થળ ઉપર પસાર થયા હોય, અલગ-અલગ સજીવોના જીવનના પુરાવા હોય, હાલ એ ધરતી ઉપર મહત્વના ભૂવિજ્ઞાનિક ફેરફારો થઈ રહ્યા હોય અથવા તેની ચોક્કસ ભૌતિક વિશેષતાઓ હોય
જીવવિજ્ઞાનના ક્ષેત્રે જે તે સ્થળે એવી અતિમહત્વની ઘટનાઓ બની હોય જે ઘટનાઓ ભવિષ્યમાં સજીવો, ચોખ્ખું પાણી, દરિયાઈ જીવ સૃષ્ટિ, ઝાડ-પાન અને પશુઓના ઉદ્ભવ, વિકાસ અને તેમની ઉત્ક્રાંતિ માટે જવાબદાર હોય
જૈવ વિવિધતા જાળવી રાખવા માટે જે તે સ્થળ ત્યાંની સ્થાનિક જીવ સૃષ્ટિ, ખાસ કરીને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પ્રજાતિઓને એક કાયમી અને સુરક્ષિત આવાસ આપતું હોય જેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું સંરક્ષણ થઈ શકે
ધોળાવીરાને (Dholavira) વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે સૌપ્રથમ 2018માં કરવામાં આવી હતી રજૂઆત
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે સૌપ્રથમ 2018માં ડોઝિયર મોકલ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકારે ધોળાવીરાની સાઇટનો વિકાસ કરવા ખાસ સમિતિઓની રચના કરી હતી. ત્યારબાદ પણ સતત તેના સમાવેશ માટે યુનેસ્કોને રજૂઆતો કરવામાં આવતી રહેતી અને છેવટે 2021માં કચ્છના આ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યું. ધોળાવીરાના સમાવેશ સાથે હવે ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. જેમાં ધોળાવીરા (2021) સહિત પાવાગઢ સ્થિત ચાંપાનેર (2004), પાટણમાં આવેલી રાણ કી વાવ (2014) અને અમદાવાદ શહેર (2017)નો સમાવેશ થાય છે.
www.gujarattourism.com
વિશ્વના 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સાઇટો જેમાથી ભારતમાં કુલ 40 વૈશ્વિક ઐતિહાસિક સ્થળો
વિશ્વભરમાં (જુલાઈ, 2021 સુધીમાં) 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સ્થળો આવેલા છે. જેમાં 897 સાંસ્કૃતિક, 218 પ્રાકૃતિક અને 39 મિશ્રિત સ્થળ છે. સૌથી વધારે હેરિટેજ સ્થળો ધરાવતા લિસ્ટમાં ઈટલીનો પ્રથમ સ્થાને આવે છે. જ્યાં 55 વૈશ્વિક સ્તરના ઐતિહાસિક સ્થળો આવેલાં છે. જયારે બીજા નંબરે ચીન ( 55 ઐતિહાસિક સ્થળો ), ત્રીજા નંબરે સ્પેન (48 ઐતિહાસિક સ્થળો ), ચોથા નંબરે જર્મની (46 ઐતિહાસિક સ્થળો) અને પાંચમાં નંબરે ફ્રાંસનો (45 વૈશ્વિક ધરોહર સ્થળો) સમાવેશ થાય છે.
en.wikipedia.org/wiki/Taj_Mahal
આ સાથે આ યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. હાલ (જુલાઈ, 2021) સુધીમાં ભારતમાં કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે. જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને 1 મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આ ઐતિહાસિક ધરોહરની લિસ્ટમાં સૌથી પહેલા નંબરે સાત અજાયબીમાનો એક “તાજમહેલ” છે. 1983માં સૌપ્રથમવાર સાંસ્કૃતિક મહત્તવ ધરાવતા સ્થળ તરીકે તાજમહેલ, અજંતા-ઈલોરાની ગુફાઓ, કોર્ણાકનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો, કુતુબમિનાર, લાલકિલ્લો, જંતર-મંતર સામેલ છે. ત્યારબાદ 1985માં સૌપ્રથમવાર પ્રાકૃતિક સ્થળોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, જે અંતર્ગત કાજીરંગા નેશનલ પાર્ક કેઓલાદેવ નેશનલ પાર્ક, માનસ વાઇલ્ડલાઈફ સેન્ચુરી, સહિત કુલ 40 સ્મારકો, ઈમારતો અને સ્થળો છે. જેમાં તેલંગાણામાં આવેલું રામપ્પા મંદિર ભારતની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ગુજરાતમાં આવેલી ધોળાવીરાને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
en.wikipedia.org/wiki/Ramappa_Temple
UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળતાં શું લાભ મળે?
whc.unesco.org/en/list/
લોકપ્રિયતા, પ્રવાસન, રોજગારી અને આર્થિક લાભ
કોઈપણ સ્થળને જયારે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે સૌથી મોટો ફાયદો તેના ટૂરિઝમ, એટલે કે પ્રવાસનને મળે છે. કોઈપણ સાઇટને વર્લ્ડ હેરિટેજની માન્યતા મળ્યા બાદ ત્યાં ટુરિસ્ટોનો ખાસ ઘસારો જોવા મળે છે. આ સાથે જ દેશ-વિદેશમાં આ પ્રકારના સ્થળો આકર્ષણનું એક કેન્દ્ર બની જાય છે. આ સાથે લોકલ મીડિયાથી લઈને દેશ-વિદેશના મીડિયા, તેમજ ટ્રાવેલર, યુટ્યુબરો એને વ્લોગર તેની લોકપ્રિયતામાં વધારો થાય એ હેતુથી તેના વિડીયો અને લેખો બનાવી તેનો પ્રચાર-પ્રસાર કરે છે. આવું કરવાથી એ હેરિટેજ સાઇટની લોકપ્રિયતામાં વધારો થાય છે. આ સાથે જ પ્રવાસન સ્થળ ઉભું કરીને રોજગારી સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે.
સંરક્ષણ માટે ભંડોળ મળવાને પાત્ર
વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારી જગ્યા સંરક્ષણ માટે ભંડોળ મેળવવાને પાત્ર બની જાય છે. આવી અમુલ્ય જગ્યાઓનું સંરક્ષણ કરવું એ એક જવાબદારી બની જાય છે. આવા કારણથી જો સાઇટના વૈશ્વિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંસાધનો માટે મેન્ટેનન્સની જરૂર હોય કે પછી જો સાઇટના રક્ષણ માટે પણ કોઈ જરૂરીયાત હોય તો તેના માટે ભંડોળની ખાસ વ્યવસ્થા હોય છે.
યુદ્ધ જેવી સ્થિતિ વખતે ખાસ સંરક્ષણ અને નુકસાન થાય તો ફંડની મદદ
વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં સ્થાન મળ્યા બાદ જે-તે સ્થળનું સંરક્ષણકરવું ખુબ જ જરૂરી અર્થાત એક જવાબદારી બની જાય છે. આ ઉપરાંત ખાસ કરીને યુદ્ધ જેવી પરીસ્થિતિ વખતે જીનિવા કન્વેન્શન અંતર્ગત આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ખાસરૂપે ધ્યાન આપવામાં આવે છે. ધ્યાન રાખવા છતાંપણ યુદ્ધ દરમિયાન તેને કોઈ નુકશાન થાય તો તેને ફરીવાર જે સ્વરૂપમાં હતું એ જ સ્વરૂપ આપવામાં આવે છે. ભુતકાળમાં (2001માં) તાલિબાનીઓ દ્વારા 6ઠ્ઠી સેન્ચુરીમાં બનેલી 150 ફૂટની બુદ્ધ પ્રતિમા કે જે અફઘાનિસ્તાનના બામિયાન વેલીમાં આવેલી છે, જેને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જેને પહેલાં જેવું સ્વરૂપ આપવા માટે યુનેસ્કો દ્વારા 4 મિલિયન ડોલરની મદદ કરવામાં આવી હતી.
ધોળાવીરાના નાશ માટે અલગ-અલગ મતો પ્રવર્તે છે. જેમાં એક મત મુજબ ધોળાવીરા આબોહવા પરિવર્તન અને સરસ્વતી નદી સુકાવાને કારણે તીવ્ર શુષ્કતાના તબક્કામાં પ્રવેશ કર્યો. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, જેના પગલે લોકોએ ગંગા ખીણ અથવા દક્ષિણ ગુજરાત તરફ અને મહારાષ્ટ્રમાં આગળ વધવાનું શરૂ કર્યું હશે એવું માનવામાં આવે છે. ત્યારબાદ ખદીર ટાપુ પર સ્થિત કચ્છનું રણ જેના પર ધોળાવીરા સ્થિત છે, તે નૌકાવિહાર માટે વપરાતું હતું. પરંતુ દરિયો ધીમે-ધીમે ઘટતો ગયો અને રણ કાદવની સપાટી બની ગયો. આ રીતે ધોળાવીરાનો નાશ થયો હોય એવું માનવામાં આવે છે.
www.gujarattourism.com
આ સાથે બીજા મત મુજબ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી’ આ સંસ્કૃતિના પતન માટે પાણીને જવાબદાર ગણાવે છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરેલા સંશોધન મુજબ એવા સંકેતો પ્રાપ્ત થયાં છે કે કચ્છના દરિયાકિનારે આવેલી ભયંકર સુનામીના કારણે ધોળાવીરાનો નાશ થયો હશે.
જુનાગઢ શહેરનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. આ સાથે આ પ્રદેશ તેના સમયના ઘણા શાસકોનો પરિચય પણ આપે છે. આથી જ જુનાગઢની સંસ્કૃતિ અને ત્યાંની કહાનીઓ રસપ્રદ છે. આ સંસ્કૃતિનો પ્રભાવ તેનાં આર્કીટેક્ચર, તહેવારો, રિવાજો, કળાઓ તેમજ તેમની હસ્તકળામાં સ્પષ્ટ દેખાય છે. આવા જ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપતો ઉપરકોટનો કિલ્લો (Uparkot Fort Junagadh) જૂનાગઢની એક આગવી ઓળખ છે. આ કિલ્લો પ્રાચીન તો છે જ પરંતુ સાથે એટલું જ ઐતિહાસીક મહત્વ પણ ધરાવે છે. તેના પ્રવેશદ્વાર પરથી જ કિલ્લાની ભવ્યતાનો અંદાજો લગાવી શકાય છે. ઉપરકોટનો આ કિલ્લો ગુજરાતના નવાબ મહંમદ બેગડા અને ચુડાસમા શાસક યુગના પ્રતિક સમાન છે.
www.gujarattourism.com
ઉપેરકોટ (Uparkot Fort Junagadh)અને વિવિધ શાસકો
રૈવત કે રૈવતક એટલે કે ગિરનાર, ગિરનારની તળેટીમાં આ કિલ્લો આવેલ છે. આશરે આજથી 5000 વર્ષ પહેલાં યાદવ કુળનાં મથુરાના રાજા ઉગ્રસેન (કંસના પિતા) દ્વારા પર્વત કાપીને કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ. તે સમયે કિલ્લાને “રૈવતનગર” નામ આપવામાં આવ્યું હતુ. આમ ઉગ્રસેન દ્વારા ઉપરકોટના પાયા નખાયા હોવાની જાણકારી મળે છે. પરંતુ ત્યારબાદ રાજપૂત વંશ શાસનમાં આવતા ગિરનારના ગઢ પરથી આ જગ્યાને જુનાગઢ નામ આપવામાં આવ્યું. હાલમાં કિલ્લો 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી આ કિલ્લો “ઉપરકોટ”ના (Uparkot Fort Junagadh) નામે ઓળખાય છે.
www.gujarattourism.com
ઉપરકોટનું બાંધકામ મૌર્ય યુગમાં ઈ.સ. પૂર્વે 319માં મૌર્ય શાસક, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુપ્તયુગ પછી સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાતા વિસરી ગયો હતો. ત્યારબાદ 10મી સદીની આસપાસ ચુડાસમા શાસકના સમયમાં આ કિલ્લાને ફરી શોધવામાં આવ્યો હતો.
એવું પણ કહેવાય છે કે ચુડાસમા વંશના રાજા રા’ખેંગાર એ પાટણ પર આક્રમણ કર્યું હતુ. તે સમયે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા સાથે યુદ્ધ કરવા ગયા હતા. પરંતુ મીનળદેવી અને પાટણના મંત્રી શાંતુની કુશળતાથી રા’ખેંગાર ખાલી હાથે પાછો ફર્યો. માળવા જીતીને આવતા આ આક્રમણની જાણ થતાં અને કિલ્લા પર આધિપત્ય મેળવવા માટે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહએ ઉપરકોટને 12 વર્ષના સમયગાળા માટે ઘેરી લીધો હતો પરંતુ કિલ્લો ભેદી શકાયો નહી.
www.gujarattourism.com
રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળે જ કર્યો હતો સગા મામા સાથે દગો
આ કિલ્લામાં આવેલાં અનાજભંડારના ગોડાઉનમાં 13 વર્ષે સુધી ખાવા માટે આનાજનો સંગ્રહ કરી શકાય એવી સગવડતા હતી. પરંતુ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ કિલ્લામાં પ્રવેશ ન કરી શકે એ માટે 12 વર્ષ સુધી આ કિલ્લાનો મુખ્ય દ્વાર બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ અનાજ પૂરું થઈ જતાં રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળ અનાજ લેવા માટે બહાર ગયા હતા. ત્યારે દેશળ અને વિશળને સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે જો તે બંને તેમને કિલ્લામાં પ્રવેશ કરવામાં મદદ કરશે તો રાણકદેવીને બાદ કરતાં જુનાગઢનું રાજ્ય તેમને આપવામાં આવશે. ગાદીની લાલચમાં આવીને દેશળ-વિશળે મામા સાથે દગો કર્યો અને અનાજના બદલે કોથળામાં સિદ્ધરાજ જયસિંહનું સૈન્ય કિલ્લામાં પ્રવેશવા લાગ્યું ત્યારે મુખ્ય દ્વાર બેસતાં ચોકીદારોએ વિચાર કર્યો કે આ કોથળામાં ભાલો મારશું અને જો અનાજ હશે તો અનાજની ઢગલી થશે અને કોઈ વ્યક્તિ હશે તો લોહી નીકળશે. ત્યારબાદ કોથળામાં ભાલો મારતાં લોહી નીકળ્યું અને ત્યાંથી યુદ્ધની શરૂઆત થઇ. અને સૈન્ય ગઢમાં પ્રવેશી ગયું અને યુદ્ધમાં રા’ખેંગારનું મૃત્યુ થયું અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદી નજીક સતી થયા. એકમાત્ર મહંમદ શાહ બેગડા સિવાય અન્ય કોઈ દ્વારા આ કિલ્લો (Uparkot Fort Junagadh) ભેદી શકાયો નથી.
en.wikipedia.org/wiki/Uparkot_Fort
મહેમદાબાદના નવાબ મહંમદ શાહ બેગડાએ 24 કલાકમાં જુનાગઢ પર કર્યો હતો કબજો
અમદાવાદ પાસે આવેલ મહેમદાબાદના નવાબ મહંમદ શાહએ 24 કલાકની અંદર જ જુનાગઢ અને પાવાગઢ પર કબજો કર્યો હતો. આ બેગઢોને જીતવાને કારણે મહંમદ શાહને “બેગડો” (બેગઢો અપભ્રંશ થતાં બેગડો થયું) કહેવામાં આવતો હતો. આ સિવાય મહંમદ શાહને “બેગડો” કહેવાનો બીજું પણ કારણ છે. બેગઢોનો મૂળ શબ્દ “બીઘરો” (એટલે સોરઠી ભાષામાં કહીએ તો વગડો) એટલે કે સીધાં લાંબા શીંગળાવાળો બળદ. મહંમદ શાહ દેખાવે લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને ‘બીઘરા’ બળદનું બિરૂદ પણ આપવામાં આવ્યું હતુ. મહંમદ શાહ બેગડાને “ગુજરાતના અકબર” તરીકે પણ ઓળખવામાં આવે છે. મહંમદ બેગડાએ જુનાગઢને “મુસ્તુફાબાદ” નામ આપ્યું હતું.
en.wikipedia.org/wiki/Uparkot_Fort
કિલ્લો 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી નામ પડ્યું ઉપરકોટ(Uparkot Fort Junagadh)
કિલ્લો જમીન સપાટીથી આશરે 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી “ઉપરકોટ”નામ પડ્યું છે. આશરે 850 વર્ષ જૂનો આ કિલ્લો (Uparkot Fort Junagadh) અભેદ હોવાનું કારણ તેના ફરતે બાંધવામાં આવેલી 9 કિમી. લાંબી, 150 ફૂટ ઊંચી તથા અંદાજીત 10 ફૂટ જાડી દીવાલ છે. આ ઉપરાંત કિલ્લાની સુરક્ષા માટે સમગ્ર કિલ્લાની બહારની બાજુએ 150 ફૂટ ઊંડી ખાડી બનાવવામાં આવી હતી. આ ખાડીમાં પાણી ભરીને તેમાં ઝેરી જાનવર અને મગર નાખવામાં આવતાં હતા. જેથી મુખ્ય પ્રવેશદ્વાર સિવાય દુશ્મનો અન્ય કોઈપણ જગ્યાએથી કિલ્લામાં પ્રવેશ કરી શકે નહી.
en.wikipedia.org/wiki/Uparkot_Fort
કહેવાય છે શહેરની ફરતે 7 દરવાજાઓ આવેલા છે. આ 7 દરવાજાઓ જોડતી દીવાલથી કિલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવાયેલો હોવાનું માનવામાં આવે છે. તેમજ કિલ્લામાં પ્રજા રહેતી અને તેના ઉપર આવેલા ઉપરકોટમાં રાજા રહેતા અને પ્રજાનું રક્ષણ કરતા. અમુક નિશ્ચિત સમય માટે જ કિલ્લાના દરવાજા ખોલવામાં આવતાં હતા. આ કિલ્લા પર અંદાજે 16 વખત ઘેરાબંધી કરવામાં આવી હતી.
જુનાગઢમાં આવેલો આ કિલ્લો હિન્દુ, બૌદ્ધ, જૈન, બ્રિટિશ કોલોની, ઇસ્લામી હુમલા અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. લગભગ બીજી સદીની બૌદ્ધ ગુફાઓ તેમજ મુસ્લિમ શાસકો દ્વારા અહીં મસ્જીદ પણ બનાવેલી છે. 20 મીટર ઊંચી દીવાલો, વિશિષ્ઠ પ્રવેશદ્વાર, વિખ્યાત ખાપરા, કોડિયાના ભોંયરા તરીકે ઓળખાતા સ્થાનો અહીં છે. અહીંથી ખોદકામ કરતા જુના કોર્ટની દીવાલો, કોઠારો, કોઠીઓ, ગુપ્ત લિપિ કોતરેલી શિલાઓ, જૂની મૂર્તિઓ, પાત્રો તથા બૌદ્ધકાલિન અવશેષો મળી આવ્યા છે.
કિલ્લામાં આવેલી તોપ અંગેની માહિતી
www.gujarattourism.com
વર્તમાન સમયમાં સરકાર દ્વારા કિલ્લાના પ્રવેશદ્વાર નજીક લોકો નિહાળી શકે તે માટે 2 ઐતિહાસિક તોપ પણ મૂકવામાં આવી છે. જેમાંથી એક “નીલમ” નામની મોટી તોપ 17.5 ફૂટ લાંબી છે. તે 4 કિમી.ની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે. તેમજ બીજી “માણેક” નામની તોપ 7.5 ફૂટ લાંબી છે. જે 2 કિમી.ની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે. આ બંને તોપને ઈરાની શૈલીની પંચ ધાતુ લોખંડ, પીતળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવેલી હોવાથી આ તોપને કાટ લાગતો નથી. આ તોપ તુર્કી શાસક દ્વારા ઈ.સ. 1538 માં દીવમાં થયેલા પોર્ટુગીઝ સામેના યુદ્ધમાં વાપરવામાં આવી હતી. મહંમદ શાહ બેગડા દ્વારા આ તોપ ઉપરકોટમાં લાવવામાં આવી હતી. આ નીલમ તોપ પર તેની યાદમાં અરબી ભાષામાં “સુલતાન મહંમદ શાહ બેગડો” પણ લખેલું છે.
www.gujarattourism.comwww.gujarattourism.com
ઉપરકોટમાં કુલ 8 સ્મારક આવેલા છે. જેમાં અડી-કડીની વાવ, બુદ્ધ ગુફાઓ, નવઘણ કૂવો, રાણકદેવી મહેલ, વોચ ટાવર, તોપ, કિલ્લાની સુરક્ષા કરતી કિલ્લાની ફરતે બનાવેલી ખાડી, અનાજના ભંડાર જે વર્તમાન સમયમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ ઉપરકોટની એક તરફ લીલાછમ પર્વત અને બીજી તરફ સમગ્ર શહેરનો અદ્ભૂત નજારો જોવા મળે છે. જેથી અહીંયા ફોટોગ્રાફી માટે પણ સારું લોકેશન મળી રહે છે.
ભારત અને ગુજરાતના ઘણાં મંદિરો તેની પૌરાણિક કથા અને તેની માન્યતાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ ભરુચનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર (Stambheshwar Mahadev Temple) અચાનક ગાયબ થઇ જવાના કારણે સમગ્ર ભારતમાં જાણીતું છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવનું એક એવું મંદિર છે કે જેનો જળાભિષેક સમુદ્ર પોતે દિવસમાં 2 વાર કરે છે. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવેલો છે.
Photo : www.stambheshwarmahadev.com
કાવી-કંબોઈ ગામમાં આવેલું છે આ પૌરાણિક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર(Stambheshwar Mahadev Temple)
સ્તંભેશ્વર મહાદેવનું (Stambheshwar Mahadev Temple) આ ઐતિહાસિક શિવ મંદિર ગુજરાતના વડોદરાથી 75 કિમી. દૂર ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં અરબ સાગરના કિનારે આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ભગવાન શિવપુત્ર કાર્તિકેયના પ્રાયશ્ચિતના પરિણામરુપે નિર્માણ કરવામાં આવેલું છે. અરબ સમુદ્ર અને ખંભાતના અખાતની વચ્ચે સ્થિત આ મંદિર દરિયામાં ભરતી દરમ્યાન પાણીમાં સમાઈ જાય છે અને પાણી ઓસર્યા બાદ ફરી ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાય છે. જયારે મંદિર ભરતીના સમયે સમુદ્રમાં સમાઈ જાય ત્યારે એવું લાગે કે જાણે અહીંયા કોઈ મંદિર જ નથી. આ ચમત્કારના કારણે મહાદેવજીના ભક્તોમાં આ મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. કુદરતનો આ અદ્ભુત નજારો જોવા માટે દુર-દુરથી ભક્તોની ભીડ અહીં ઉમટી પડે છે.
Photo : www.stambheshwarmahadev.com
સ્તંભેશ્વર મહાદેવના મંદિરની (Stambheshwar Mahadev Temple)સ્થાપના અને ઈતિહાસ
સ્તંભેશ્વર મહાદેવના આ તીર્થસ્થળનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણમાં રૂદ્રસહિતાં ભાગ –2, અધ્યાય–11 માં પાન નં. 358 ઉપર તથા અઢાર પુરાણોમાંના સૌથી મોટા સ્કંદ મહાપુરાણમાં કુમારીકા ખંડમાં 72માં પાનાથી 189 નંબરના પાના સુધી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની શોધ આશરે 200 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ મંદિરનું શિવલિંગ 4 ફૂટની ઊંચાઈ અને 2 ફૂટનો વ્યાસ ધરાવે છે.
Photo : www.stambheshwarmahadev.com
સ્કંદ મહાપુરાણમાં વર્ણવેલ કથા અનુસાર તાડકાસુર નામના એક શિવભક્ત રાક્ષસે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ફળસ્વરૂપે ભગવાન શિવે તાડકાસુરને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તાડકાસુરે ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું કે તેને કોઈ મારી ન શકે જેના બદલામાં ભગવાને કહ્યું કે આ તો અસંભવ છે. ત્યારે તાડકાસુરે એવું વરદાન માંગ્યું કે તેને માત્ર શિવપુત્ર જ મારી શકે કે જેની ઉંમર માત્ર 6 દિવસની જ હોય (આવું વરદાન માંગવા પાછળનું કારણ એવું હતું કે તાડકાસુર જાણતો હતો કે શિવ ભગવાન વૈરાગી છે એટલે એમના લગ્ન-સંસાર અને બાળકનો પ્રશ્ન જ ઉભો નહી થાય અને તેને કોઈ મારી જ નહી શકે). આ સાંભળીને ભગવાન શિવે તાડકાસુરને આ વરદાન આપી દીધું. આ વરદાન મળતાની સાથે જ તાડકાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. તેનાથી હેરાન-પરેશાન થઈને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાન શિવ પાસે ગયા અને ભોળાનાથને તાડકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આજીજી કરી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શિવ-શક્તિના તેજથી શ્વેત પર્વતના કુંડમાં કાર્તિકેય ઉત્પન્ન થયા. આ શિવપુત્ર કાર્તિકેયને 6 માથા, 4 આંખો અને 12 હાથ હતા. આમ આ 6 દિવસના કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો અને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓને તાડકાસુરના આતંકમાંથી મુક્ત કર્યા. પરંતુ ત્યારબાદ કાર્તિકેયને ખબર પડી કે તે અસુર તાડકાસુર શિવભક્ત હતો જેથી તેઓને ખુબ દુ:ખ થયું. તેઓ પિતાના પરમભક્તની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. જેથી તેમણે દેવતાઓના માર્ગદર્શન હેઠળ મહીસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી અને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં ત્યાં બિરાજમાન થયા હતા. ત્યારથી જ આ વિશ્વનંદક સ્તંભના નામથી આ જગ્યાનું નામ સ્તંભેશ્વર પડ્યું.
કહેવાય છે કે અહીં પવિત્ર નદી મહિસાગરનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જેથી તેને “સંગમેશ્વર તીર્થ”, “સંગમ તિર્થ” કે પછી “ગુપ્ત તિર્થ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર સ્થળ પર શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોકામના પૂર્ણ થાય છે અને ઈચ્છા મુજબનું ફળ પણ પ્રાપ્ત થાય છે.
મહાશિવરાત્રિ તેમજ અમાસના દિવસે અહીં થાય છે મેળાનું આયોજન
સ્તંભેશ્વર મંદિરે (Stambheshwar Mahadev Temple) મહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. તેમજ દર અમાસે અહીં મેળો ભરાય છે. ભગવાન ભોળાનાથના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે ચારે પ્રહર સુધી અહીં મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત પૂનમ તેમજ અગિયારસની રાત્રે પણ હજારો ભક્તો સમગ્ર રાત્રી દરમ્યાન ભગવાન શિવની વિશેષ પૂજાનો લાભ લે છે.
Photo : www.stambheshwarmahadev.com
શ્રદ્ધાળુઓને ભરતી અને ઓટનો સમય ખબર રહે એ માટે ખાસઅહીં આપવામાં આવે છે પેમ્પલેટ
અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓને ખાસ પેમ્પલેટ આપવામાં આવે છે. જેમાં દરિયામાં ભરતી અને ઓટનો સમય લખેલો હોય છે. જેથી ભરતી દરમ્યાન મંદિરના પરિસરને ખાલી કરવામાં શ્રદ્ધાળુઓનો સહકાર મળે અને અહીં આવનારા લોકોને શિવજીના દર્શન કરવા માટે હેરાન પણ ન થવું પડે.
Photo : www.stambheshwarmahadev.com
શ્રાવણ મહિનામાં અહીં લોકોની સંખ્યા હજારોમાં હોય છે. તેમજ લાખોની સંખ્યામાં બીલીપત્રો સ્તંભેશ્વર મહાદેવ પર ચઢાવવામાં આવે છે. આ સાથે હજારો લીટર દૂધ અને શેરડીના રસથી મહાદેવ પર અભિષેક કરવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવના મંદિરની આરતી શંખ, નગારા, ઘંટ જેવા અલગ-અલગ વાજિંત્રો વગાડીને કરવામાં આવે છે. અહીંનું પુણ્ય લાખો ગણું છે. જે પુણ્યના ભાગીદાર બનવા માટે શ્રાવણ મહિનામાં દેશભરમાંથી લોકો અહીં આવે છે.
આ અલૌકિક પવિત્ર તીર્થધામના દર્શન કરી ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે. આ સાથે શિવલિંગનું સમુદ્ર દ્વારા કરવામાં આવતા જળાભિષેકની પ્રાકૃતિક ઘટનાના આ અલૌલિક દ્રશ્યને નિહાળવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. જો હજુ સુધી આ ચમત્કારિક શિવાલયના તમે દર્શન ન કર્યા હોય તો એકવાર આ સ્તંભેશ્વર મહાદેવના મંદિરની અવશ્ય મુલાકાત લેજો.
એવું કહેવામાં આવે કે ઉંમરમાં 3 વર્ષ કરતા પણ નાની બાળકી કલર, ગુજરાતી બારાક્ષરી, આલ્ફાબેટ્સ, સંગીત, શ્લોક, વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, સર્કીટ અને સાથે-સાથે html કોડીંગ જેવી બાબતો ઓળખી બતાવે છે… તો કદાચ માનવામાં નહીં આવે પરંતુ વાત ખરેખર સાચી છે. રંગીલા રાજકોટની હજુ સરખુ બોલતા પણ નહીં શીખેલી “યામી સુરતી” (Yami Surti) આવી તમામ બાબતો ઓળખી બતાવે છે.
મહાભારતના યુદ્ધનો સૌથી નાની ઉંમરનો યોદ્ધો એટલે અભિમન્યુ. મહાભારતકાળથી જ એટલે કે અર્જુન પુત્ર અભિમન્યુના સમયથી જ ભારતમાં ગર્ભસંસ્કારનું વિજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે. અભિમન્યુ, માતા સુભદ્રાની કૂખમાં જ ભગવાન કૃષ્ણના મુખે સાત કોઠાઓનું યુદ્ધ શીખ્યો હતો. જે ગર્ભસંસ્કારનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. વર્તમાન સમયમાં પણ ગર્ભસંસ્કાર પ્રક્રિયા દ્વારા ગર્ભસ્થ શિશુમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું મહત્ત્વ
ઉત્તમ મનુષ્યના નિર્માણ પર ભારતીય સંસ્કૃતિ વધુ ભાર મુકે છે. આથી જ જ્યારે શિશુ ગર્ભમાં હોય ત્યારથી જ સંસ્કાર પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જીવનની વિવિધ અવસ્થા દરમ્યાન વ્યક્તિમાં સંસ્કારનું સિંચન થતું રહે તે હેતુથી છેક જીવનપર્યંત વિવિધ તબક્કે તેનું સંવર્ધન થતું રહે તે માટે જીવનભર ચાલતી આ સંસ્કાર ઘડતરની પ્રક્રિયાને “સોળ સંસ્કાર”ની પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેધ, ઉપનયન, વિદ્યારંભ, વેદારંભ, કેશાન્ત, સમાવર્તન, વિવાહ, અંત્યેષ્ટિનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 12 જેટલા સંસ્કાર તો બાળકને 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં જ મળી જાય છે. આથી જ માતાને ગર્ભાવસ્થા દરમ્યાન સદવાંચન, સદવિચાર અને સત્સંગ કરવાનું કહેવામાં આવે છે. જે બાળકના ઉત્તમ ઘડતરમાં પાયારૂપ બાબત છે.
ગર્ભાવસ્થા દરમ્યાન યામીને આપવામાં આવેલગર્ભસંસ્કારના કારણે આજે યામી (Yami Surti) બીજા બાળકો કરતાં અલગ
કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીના ઘરે 25 માર્ચ 2019ના દિવસે ફૂલ જેવી દીકરીનો જન્મ થયો. આ ફૂલ જેવી દીકરીનું નામ યામી રાખવામાં આવ્યું. માતા અલ્પાબેન સુરતીએ ગર્ભાવસ્થા દરમ્યાન અનુકરણ કરેલા તમામ પાસાઓ આબેહુબ આ બાળકીમાં દેખાવા લાગ્યા. કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીનું આ બાળક બીજા તમામ બાળકો કરતાં તદન અલગ છે. જેની પાછળનું કારણ માતા અલ્પાબેન દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન યામીને આપવામાં આવેલ ગર્ભસંસ્કાર છે. અલ્પાબેનનું દ્રઢ પણે માનવું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન આપવામાં આવેલાં સંસ્કારો બાળકમાં ચોક્કસપણે અવતરે છે. હાલ યામી સુરતી તેનું એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
હાલમાં યામીની ઉંમર 2 વર્ષ અને 5 મહિનાની (8/8/2021 ના રોજ) છે. આટલી નાની ઉંમરમાં સરખું બોલતાં પણ ન શીખેલી યામી મોટા લોકોએ પણ શરમાવે એવી બુદ્ધી અને સમજણ શક્તિ ધરાવે છે. યામી હાલમાં વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, તમામ ગ્રહો, ગુજરાતી બારાક્ષરી, આલ્ફાબેટ્સ, મ્યુઝિક, શ્લોક, ભારતના વિવિધ રાજ્યોનો નકશા, સર્કિટ અને બેટરી, કમ્પ્યુટર હાર્ડવેર અને સાથે કોમ્પ્યુટર સોફ્ટવેરની ફિલ્ડ સાથે જોડાયેલાં પિતા પાસેથી html કોડીંગ જેવી અનેક બાબતો કોઈપણ જાતના પ્રેશર વગર ઓળખી શકે છે. આ સાથે યામી અલગ-અલગ કઠોળને તેના અવાજના આધારે પણ ઓળખી બતાવવાની અજબ શક્તિ ધરાવે છે.
યામી છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ(Yami Surti)
17 નવેમ્બર 2020ના દિવસે 1 વર્ષ, 7 મહિના અને 19 દિવસની યામીએ (Yami Surti) આવર્ત કોષ્ટકના 42 તત્વોને માત્ર 3 મિનિટ 33 સેકન્ડમાં જ ઓળખીને માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત સહીત ભારતને ગર્વ થાય એવું કામ કરી બતાવ્યું. 2 વર્ષ કરતાં પણ નાની ઉંમરમાં આવર્ત કોષ્ટકના વિષયમાં યામી સૌથી ઓછાં સમયમાં 42 તત્વોને ઓળખનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ છે. જેના માટે યામીને (Yami Surti) ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળેલ છે.
આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજાને પણ પ્રેરણા મળે અને યામીના બાળપણના સંભારણા પણ સચવાયેલા રહે એ હેતુથી પિતા કલ્પેશભાઈ દ્વારા Fun and Learn with Yami નામની Youtube ચેનલ પણ બનવવામાં આવી છે. જેના પર યામીના (Yami Surti) આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં વિડીયો અપલોડ કરવામાં આવે છે.
આ સાથે જ યામીના ભવિષ્યના ઘડતરને ધ્યાનમાં લઈને રોજના માત્ર 3 થી 4 કલાક સુધી માતા-પિતા દ્વારા યામીને આ પ્રકારની અને બીજી નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવતી વખતે યામી પર કોઈપણ જાતનું પ્રેશર ન આવે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પોતાની ઈચ્છા મુજબ યામી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે અને ભવિષ્યમાં એક ઉત્તમ અને આદર્શ વ્યક્તિ બને એવું કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીનું સપનું છે.
20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલાં છે કલ્પેશભાઈ
20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલાં કલ્પેશભાઈને યામીની આ કુશળતા વિશે traveltoculture.com પૂછતાં એ જણાવે છે કે, હું છેલ્લાં 20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું. આ દરમ્યાન મેં અવલોકન કર્યું કે આજકાલના બાળકો મોબાઈલ ફોન, ટીવી જેવા ગેજેટના વ્યસની થઇ ગયા છે. આવું અમારા બાળક સાથે ન થાય એ વાતને ધ્યાનમાં લઈને અમે નક્કી કરેલું કે અમારા બાળકના જન્મ બાદ અમે એને અમુક ખાસ પ્રકારની પ્રવૃતિઓ કરાવશું. જેનાથી એના મગજનો વિકાસ પણ થશે અને એ આજકાલના બાળકોની જેમ મોબાઈલ ફોન, ટીવી જેવા ગેજેટના વ્યસની પણ નહી બને. કલ્પેશભાઈનું કહેવું છે બાળકને 3 વર્ષની ઉંમર સુધી જે ઈનપુટ આપવામાં આવે એ ભવિષ્યમાં એ બાળકના આઉટપુટ તરીકે જોવા મળે છે. આ જ તમામ બાબતને ધ્યાનમાં રાખીને અલ્પાબેનના ગર્ભાવસ્થા દરમ્યાન કરવવામાં આવેલી પ્રવૃત્તિઓ આજે યામીમાં જોવા મળી રહી છે.
ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હર્ષદ શાહનું માનવું છેકે માતાની કૂખ બાળક માટે ગર્ભખંડ છે
વાઈસ ચાન્સેલર હર્ષદ શાહનું માનવું છે કે કોઈપણ સ્ત્રી જીવન દરમ્યાન ક્યારેક તો માતા બને જ છે તેમજ માતૃત્વ એ એક અમુલ્ય વરદાન છે. જેથી ગર્ભસ્થ શિશુને ગર્ભમાં જ સંસ્કારીત તેમજ શિક્ષીત કરવું ખુબ જ જરુરી છે. ગર્ભસ્થ શિશુને ગર્ભમાં આપવામાં સંસ્કાર એ 280 દિવસની એક પાઠશાળા છે. જેમ વર્ગખંડ હોય એમ માતાની કૂખ બાળક માટે ગર્ભખંડ છે. ગર્ભસ્થ શિશુને જે જ્ઞાન માતાના કરોડો કોષોથી મળે છે તે અમુલ્ય હોય છે. આપણે સૌ ગર્ભ વિજ્ઞાનના પ્રાચીન વારસાથી પરિચિત છીએ. આ માટે માતાએ વિશેષ પ્રકિયા કરવાની જરૂરત હોય છે જેથી માતા જેવું ઈચ્છે એવા બાળકને જન્મ આપી શકે છે અને તેનું માતૃત્વ સાર્થક કરી શકે છે.
આ સાથે અલ્પાબેન બીજા બાળકો કરતાં યામી અલગ હોવા પાછળ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રને પણ જવાબદાર ગણાવે છે. અલ્પાબેન જણાવે છે અમે જે પ્રકારના બાળકની કલ્પના કરતાં હતા. એવું બાળક બનવવા પાછળ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રનું ખાસ યોગદાન છે. ગર્ભાવસ્થા દરમ્યાન આ ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રના મટીરીયલનો કરવામાં આવેલો ઉપયોગ હાલ યામીમાં સંસ્કાર તરીકે જોવા મળે છે.
ગુજરાતના ગાંધીનગર શહેરમાં વિશ્વની એકમાત્ર અને અનોખી યુનિવર્સિટી જે બાળકના સર્વાંગી વિકાસ માટે છે કાર્યરત
“તેજસ્વી બાળક, તેજસ્વી ભારત”ના સૂત્રને સાકાર કરવા માટે કાર્યરત છે આ યુનિવર્સિટી
આ યુનિવર્સિટી ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના વિકાસ માટે ચલાવે છે તપોવન કેન્દ્ર
બાળકના સર્વતોમુખી વિકાસ માટે ચલાવવામાં આવે છે વિદ્યાનિકેતન કેન્દ્ર
આ સંસ્થા શીખવે છે ગર્ભાવસ્થા દરમ્યાન અલગ-અલગ મહિને બાળકના મગજનો કેવી રીતે કરવો વિકાસ
ગર્ભાવસ્થા દરમ્યાન સંસ્થા દ્વારા અલગ-અલગ મહિને ખોરાક બાબતે, સંગીત સંભાળવા બાબતે, પુસ્તક વાંચવા બાબતે, સુગંધ કે સ્પર્શ જેવી બાબતો અંગે પણ આપવામાં આવે છે જાણકારી
આર્ટ, પેઇન્ટિંગ, મ્યુઝિક, ક્રાફટ, શ્લોક, વિજ્ઞાન, કમ્પ્યુટર, ભાષા જેવા અનેક વિષયોનું જ્ઞાન બાળક મેળવે છે માતાના ગર્ભમાં
આ વિષયોનું પ્રશિક્ષણ આપે છે સંસ્થાના નિષ્ણાંતો
આ તૈયારી થાય છે ગર્ભાવસ્થા દરમ્યાન જેથી બાળક પર નાની ઉંમરમાં કોઈ પ્રેશર રહેતું નથી અને બાળકના મગજનો થાય છે કુદરતી રીતે વિકાસ
ગુજરાત સરકારના આ અભિગમ દ્વારા આ હરીફાઈના યુગમાં બાળકનો સર્વાંગી વિકાસ બાળક પર કોઈપણ જાતના માનસિક તણાવ વગર થાય એ હવે શક્ય છે. સગર્ભા માતા આ સમય દરમ્યાન પોતાના આહાર, વિહાર અને વિચારો દ્વારા યામી જેવા બાળકને જન્મ આપીને માતૃત્વ સાર્થક કરી શકે છે. નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મેળવી ચુકેલી યામી ભવિષ્યમાં ભારત સહીત વિશ્વભરમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડે તો એમાં કોઈ નવી નવાઈ નહીં.
બોરડી આ નામ સાંભળતા જ તમને એના ખાટા મીઠા બોર યાદ આવી જાય, આ ખાટા મીઠા બોર જે બોરડી આપે છે એ જ બોરડીમાં તીક્ષ્ણ કાંટાઓ પણ આવેલા હોય છે. પરંતુ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં એક એવી પ્રાચીન બોરડી આવેલી છે કે જે બોરડીમાં કાંટા જ નથી (Rajkot Prasadini Bordi), જાણીને નવાઈ લાગશે પરંતું આ સનાતન સત્ય છે.
સ્વયં ભગવાન સ્વામિનારાયણના હસ્તે નિર્માણ પામેલા મુખ્ય છ ધામમાં પ્રભુ શ્રી હરિએ પોતે જ મુર્તિઓ સ્થાપિત કરી હતી. જેમાં અમદાવાદ (શ્રી નરનારાયણ દેવ), ભુજ (શ્રી નરનારાયણ દેવ), વડતાલ (શ્રી લક્ષ્મીનારાયણ દેવ), ધોલેરા (શ્રી મદનમોહન દેવ), જૂનાગઢ (શ્રી રાધારમણ દેવ), ગઢપુર (શ્રી ગોપીનાથજી મહારાજ)નો સમાવેશ થાય છે. પરંતુ આજથી આશરે 191 વર્ષ પહેલાં બનેલી એક ચમત્કારિક દૈવી ઘટના અને તેની સ્મૃતિને સંઘરીને બેઠેલા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરનો મહિમા કાંટા વિનાની બોરડીને કારણે આ બધા મંદિરો કરતાં વિશેષ રહ્યો છે.
દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને આ મંદિર માટે જગ્યા ખરીદી હતી
રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પદરજથી પાવન થઈ છે. નિજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા, શ્રી ઘનશ્યામજી મહારાજ બિરાજમાન છે. મેંગણીના દરબાર અભેસિંહજી દ્વારા આ મંદિર માટેની જગ્યા ખરીદવામાં આવી હતી. એ સમયમાં દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને ભૂપેન્દ્ર રોડ પર સ્થિત મંદિર માટે જગ્યા ખરીદી હતી. ત્યારબાદ સ્વામિનારાયણની છત્રી બનાવી હતી. હાલ આ જ મંદિરના પ્રાંગણમાં આ પ્રસાદીની બોરડી સ્થિત છે.
પ્રસાદીની બોરડીનો (Rajkot Prasadini Bordi)મહિમા
આ પૃથ્વી પર અનેક વૃક્ષો આવેલાં છે. પરંતુ મંદિરના પટાંગણમાં આવેલી બોરડી (Rajkot Prasadini Bordi) વિશ્વનું એક એવું વૃક્ષ છે કે જેણે એક સંતના વચનના કારણે અનાદિકાળનો ક્યારેય ન બદલાય એવો કાંટાળો સ્વભાવ છોડી દીધો હતો. અંગ્રેજ સલ્તનત મુંબઈ ઇલાકાના ગવર્નર સર જ્હૉન માલકમના આમંત્રણને માન આપીને ભગવાન શ્રી હરિ સવંત 1886 ના ફાગણ સુદ – 5 એટલે કે તા. 26-02-1830 ના રોજ રાજકોટ પધાર્યા હતા. ત્યારે આ બોરડીની બાજુમાં સંતો અને હરિભકતોની સભા કરીને બિરાજમાન હતા. આ સમયે યોગીરાજ સદ્. ગોપાળાનંદ સ્વામી આ બોરડીની નીચેથી પસાર થયા અને બોરડીના કાંટા સ્વામીજીના રૂમાલ (પાઘ)માં ભરાયા તેથી સ્વામીજીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડ્યા, “અરે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમનારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહિ” ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતાં જ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને આ બદરીવૃક્ષ નિસ્કંટક (Rajkot Prasadini Bordi) બન્યું. જે આજે પણ ઇતિહાસનું સાક્ષી બનીને ઉભુ છે.
આશરે 191 વર્ષથી આ સ્થાને અડીખમ ઉભું છે બોરડીનું વૃક્ષ
આ વિશાળ બોરડીના વૃક્ષમાં નથી એક પણ કાંટો
વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી છે વિપરીત
વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી ઉપજાવે છે અચંબો
પ્રસાદીની બોરડીમાં બારેમાસ આવે છે બોર
ખાસ મંગળવાર અને શનિવારે અહીં ગોળ અથવા બોરની માનવામાં આવે છે માનતા
આ પ્રસાદીની બોરડીની પરિક્રમા કરવાથી ભક્તોના સાકાર થાય છે સંકલ્પો
અહીં ભક્તો દ્વારા બોરડીનું એક પણ પાન નથી આવતું તોડવામાં
બોરડીની નીચે પડેલા પાનને જ લેવામાં આવે છે પ્રસાદી તરીકે
આ જ બોરડીના બોરને કોઈ વાવે તો તેમાં આવે છે કાંટા પરંતુ આ બોરડી વર્તમાન સમયમાં પણ છે કાંટા વિનાની
પ્રસાદીની બોરડીનો બદરીવંદન મહોત્સવ
ફાગણ સુદ પાંચમના રોજ બોરડીની ચમત્કારિક દૈવી ઘટના ઘટી હોવાથી બોરડીનો બદરીવંદન મહોત્સવ દર વર્ષે ફાગણ સુદ 5 ના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં પ્રસાદીની બોરડીની ભગવાનની જેમ જ પૂજા અર્ચના કરી, શોડાત્સવ અને અન્નકૂટ કરવામાં આવે છે.
વનસ્પતિ શાસ્ત્રના નિયમ મુજબ કાંટાળી પ્રકૃતિ ધરાવતા વૃક્ષનું કાંટા વગર જીવિત રહેવું અશક્ય બાબત છે જેથી આ બાબતના તથ્યો શોધવા પ્રસાદીની આ અનોખી બોરડીમાં વનસ્પતિશાસ્ત્રીઓ આજદિન સુધી સંશોધન કરે છે. આશરે 191 વર્ષ જેટલા પુરાતન આ વૃક્ષને (Rajkot Prasadini Bordi) ગુજરાત સરકાર દ્વારા “હેરિટેજ ટ્રી” (ઐતિહાસીક વૃક્ષ) જાહેર કરાયું છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાણકારી
ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ સોમવાર, 2 એપ્રિલ 1781 ના રોજ સંવત 1837 ના રામનવમીના રોજ ઉત્તરપ્રદેશના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિમાતાના ઘરે થયો હતો. રામપ્રતાપજી અને ઇચ્છારામજી તેમના ભાઈ છે. ભગવાન તેમના બાળપણમાં “ઘનશ્યામ”(ભક્તિ-માતા દ્વારા આપવામાં આવેલ) નામે અને ત્યારબાદ “નીલકંઠ વર્ણી” (છપૈયામાં માર્કંડે ઋષિ દ્વારા આપેલું), “હરિ કૃષ્ણ”, “સહજાનંદ સ્વામી”, “નારાયણ મુનિ” (પિપ્લાનામાં રામાનંદ સ્વામી દ્વારા આપવામાં આવેલ), “શ્રીજી મહારાજ” (તેમના ભક્તો દ્વારા આપવામાં આવેલ) નામે જાણીતા છે. ઘનશ્યામજી મહારાજની 11 વર્ષની ઉંમરે તેમના માતા-પિતા પંચમહાભૂતમાં વિલિન થયા હતા. ત્યારબાદ તેમને ઘર છોડીને ભારત ભ્રમણની શરૂઆત કરી અને રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા હતા. 7 વર્ષ, 1 મહિનો અને 11 દિવસની મુસાફરી બાદ તેઓ ગુજરાત પહોંચ્યા અને વૈદિક ધર્મ, વૈરાગ્ય અને ધર્મદર્શન અને તેના મહત્વને તેઓએ વાસ્તવિક અર્થમાં સમજાવ્યું હતુ. શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો, ધાર્મિક પુસ્તકો, આચાર્યો અને સંતો માટે સારી વ્યવસ્થા સ્થાપિત કરી હતી, જેથી આવનાર પેઢી માટે ભવિષ્યમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા કરવામાં આવેલી કામગીરી
સ્વામિનારાયણ ભગવાન દ્વારા એકાંતિક ધર્મની સ્થાપના કરવામાં આવી હતી
તેમના દ્વારા 2000 થી વધુ સાધુઓને અને 500 જેટલા પરમહંસ તરીકે દીક્ષા આપવામાં આવી હતી
તેઓએ સાધુઓ દ્વારા લખાયેલા શાસ્ત્રો અને પ્રમાણિત પ્રાચીન શાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં આપ્યો છે
તેમના દ્વારા સતી પ્રથા, સ્ત્રી બાળ હત્યા અને પ્રાણીઓની બલીની પ્રથા નાબુદ કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા
મહિલાઓને શિક્ષીત કરવા માટે ભકતોને પ્રોત્સાહિત કર્યા હતા
બોમ્બેના રાજ્યપાલ સર જોન માલ્કમને ઘનશ્યામજી મહારાજે સ્વયં પોતાના હસ્તે શિક્ષાપત્રી આપી હતી
જો કે હાલ આ શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુકેમાં બોડેલીયિન લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે
ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર અંગે માહિતી
વિક્રમ સવંત 2009 ના માગશર સુદ આઠમ તા. 6 નવેમ્બર, 1951 ના દિવસે આ મંદિરની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા
સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શ્રી કૃષ્ણવલ્લભાચાર્યની પ્રાર્થનાથી વડતાલ ગાદીપતિ પ.પૂ.આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજના કર કર્મોથી કરવામાં આવી હતી મંદિરમાં ભગવાનના સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા
બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને પોતાના સામાજિક કાર્યો માટે આવતા લોકો માટે મંદિરમાં ભોજન અને રહેવા માટે 50 જેટલા રૂમ છે અહીં
વિચરણ કરતાં સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા
એકસાથે 1000 જેટલા ભક્તો ભોજન લઈ શકે એટલું વિશાળ ભોજનાલય છે અહીં
“ગાયોનું જતન એટલે સંસ્કૃતિનું જતન” આ સૂત્ર સાથે અહી ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે અહીં
ઐતિહાસીક ઘટનાનું સાક્ષી આ મંદિર “ગુજરાતના બદરીધામ” તરીકે જાણીતું
2500 જેટલા ભક્તો કથા-વાર્તા સંભાળી શકે એ માટે એસી.ની સુવિધા ધરાવતો શ્રી ઘનશ્યામ સત્સંગ હોલ છે અહીં
ઉદ્ધવજીનો અવતાર શ્રી રામાનંદ સ્વામીના ચરણોથી આ ભૂમિ પાવન થયેલી છે
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં આવેલી વસ્તુઓને કહેવામાં આવે છે પ્રસાદીની વસ્તુઓ
આથી જ આ બોરડીને પણ કહેવામાં આવે છે પ્રસાદીની બોરડી
સવારે 3:30 થી રાતના 10:00 વાગ્યા સુધી હરિભકતોની ધમધમતું હોય છે આ મંદિર
“જો સાધના કોઈ કરે, તોય જાતિ સ્વભાવ ન જાય | પણ સંત વચન જો ઉર ધરે, તો એ બદરી સમ થાય ||”
આ ઉક્તિને આ નિસ્કંટક બોરડીએ સિદ્ધ કરી છે. આજે માણસ પોતાના દુર્ગૂણ છોડી શકતો નથી પરંતુ આ બોરડીએ પોતાનો સ્વભાવ છોડી દીધો.
આ બોરડી માટે એક સરસ મજાના કીર્તનની રચના થયેલી છે જેના બોલ આ પ્રકારના છે
બોરડી બોરડી રે જુવો કાંટા વિનાની આ બોરડી…
જો તમે હરિભક્ત હોય કે ન હોય પરંતુ જીવનમાં એકવાર તો આ બોરડીના દર્શન અવશ્ય કરવા જ જોઈએ.