હિન્દુ ધર્મમાં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ : સર્જક, સંભાળનાર અને વિનાશક તરીકે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુના અવતારના અનેક મંદિરો જોવા મળે છે. તેમજ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ તથા શિવાલયો પણ જોવા મળે છે. પરંતુ જ્યારે બ્રહ્માજીના મંદિરની વાત આવે ત્યારે આપણને ગણ્યાગાઠ્યા જ મંદિર યાદ આવે, જેમકે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળા નજીક સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં (Khedbrahma Brahma Temple) અને રાજસ્થાનના પુષ્કરમાં આવેલા મંદિર સદીઓ જૂના છે. જોકે વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં અમુક નવા મંદિરો બન્યા છે.
પુરાણો અનુસાર બ્રહ્માનો જન્મ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થયો છે. તેઓ વેદોનાં પિતા અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું છે. કમળ ખુલતા જ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં મસ્તક ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને “ચતુર્મુખ બ્રહ્મા” પણ કહેવામાં આવે છે. બ્રહ્માએ પૃથ્વી પર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ, પક્ષી વગેરે બનાવ્યા પછી મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ (મનથી જન્મેલો) પડ્યું. બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ પુરાણો અનુસાર, આપણે સહુ આ મનુનાં સંતાનો છીએ. આમ બ્રહ્મા “સૃષ્ટિસર્જક” તરીકે પણ ઓળખાય છે.
શિવજીના લગ્નમાં સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા એ પાપમાંથી મુક્ત થવા માટે આ સ્થળે બ્રહ્માજીએ યજ્ઞ કરેલો. ભગવાન વિશ્વકર્મા પાસે 16 દરવાજાવાળી સુંદર નગરી બંધાવી હતી. યજ્ઞ સમયે સાવિત્રી દેવી રિસાઈ ગયેલા એટલે દર્ભ કન્યાને ઉત્પન્ન કરી બ્રહ્માજી તેમની સાથે બેસીને યજ્ઞ કરેલો હતો. ત્યારબાદ સાવિત્રી દેવી આવ્યા જેથી બંનેની સાથે રહીને બ્રહ્માજી આ યજ્ઞ સંપન્ન કરેલો એટલા માટે ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા, સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. સમગ્ર ભારતભરમાં પુષ્કર અને ખેડબ્રહ્મા બે જ એવા સ્થળો છે જ્યાં બ્રહ્માજીના મંદિર હાલના સમયમાં અસ્તિત્વ ધરાવે છે અને આ મંદિરોમાં સેવા-પૂજા થાય છે. આ મંદિરના પરિસરમાં શિવ, નવગ્રહ અને હનુમાનજીની મૂર્તિઓ પણ આવેલી છે. જયારે મંદિરની કેટલીક મૂર્તિઓ ભૂતકાળમાં આક્રમણ સમયે ખંડિત થયેલી છે.
courtesy – Youtube/safar track
સાબરકાંઠાના ખેડબ્રહ્માનું (Khedbrahma Brahma Temple) બ્રહ્માજી મંદિર
આ મંદિર (Khedbrahma Brahma Temple) આશરે 1500 વર્ષ જૂનું છે. ગામનું નામ બ્રહ્માજીના નામ પરથી જ ખેડબ્રહ્મા પડ્યું છે. સતયુગમાં ખેડબ્રહ્મા બ્રમ્હપુર, દ્વાપરયુગમાં ત્રંબકપુર અને કળયુગમાં બ્રમ્હખેટક તરીકે જાણીતું છે. આ મંદિરમાં બ્રહ્માજીની પ્રતિમા આશરે 6 થી સાડા 6 ફૂટ ઊંચી છે. તેમના હાથમાં માળા, કમંડળ અને પુસ્તક છે. આજુ-બાજુ દેવી સાવિત્રી અને ગાયત્રીમાતા બિરાજમાન છે. મંદિરની બહારની બાજુએ ત્રણ દિશામાં બ્રહ્માજીની પ્રતિમા મૂકેલી છે જેનું રૂપ બિન્યાસ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ છે. મંદિરમાં તેમના વાહન નંદી, ઘોડો અને હંસ દર્શાવેલ છે. સામાન્ય રીતે ઘોડા કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી. પરંતુ ખેડબ્રહ્મામાં આ વિશેષતા જોવા મળે છે. સદીઓથી મંદિરમાં સેવા-પૂજા અને વહીવટ ખેડાવાળ સમાજના બ્રાહ્મણો દ્વારા જ કરવામાં આવે છે.
મંદિર પરિસરમાં આવેલી બ્રહ્મા વાવ છે 700-800 વર્ષ જૂની(Khedbrahma Brahma Temple)
મંદિરની નજીક લગભગ 700-800 વર્ષ જૂની બ્રહ્મા વાવ આવેલી છે. વાવમાં ખેડાવાળ બ્રાહ્મણ તથા હમ્મડ જૈન સમાજના કુલ 27 કલાત્મક ગોખ આવેલા છે. પરંતુ આ ગોખમાં કોઈ પ્રતિમા જોવા મળતી નથી. વાવ નંદા પ્રકારની (એટલે એક પ્રવેશદ્વાર ધરાવતી) તેમજ ચાર માળની છે. જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત છે. આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણ ઉત્પત્તિ માર્કંડ નામના ગ્રંથમાં થયો છે. તેમજ આ સ્થળનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ, માનસર, રૂપમંડળ, સમરાંગલ સૂત્રધાર જેવા પુસ્તકોમાં થયેલો જોવા મળે છે.
રાજકોટના ઠાકોર સાહેબ સ્વ.મનોહરસિંહજી જાડેજા સાહેબના પુત્ર માંધાતાસિંહ જાડેજા સાહેબની માલિકીના રણજીત વિલાસ પેલેસ એટલે કે રાજવી પરિવારના પેલેસના પ્રાંગણમાં આશરે 1000 કરતાં પણ વધારે વર્ષો જુનું એક ચમત્કારિક ઝાડ આવેલું છે. આ ચમત્કારિક ઝાડને “અમરઝાડ” (Rajkot Amarzad) તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1000 વર્ષ જૂના આ “અમરઝાડ” નીચે ભગવાન દત્તાત્રેયનું સ્થાનક આવેલું છે.
ક્યાં આવેલું છે આ અમરઝાડ (Rajkot Amarzad)?
રાજકોટમાં આવેલા પેલેસ રોડ પરનો ભવ્ય મહેલ એટલે, રણજીત વિલાસ પેલેસમાં રાજવી પરિવાર દ્વારા આ પ્રાચીન અમરઝાડ (Rajkot Amarzad) માટે 500 વાર જગ્યા ફાળવવામાં આવેલ છે. આમ તો રાજ પરિવારના ખાનગી માલિકીના રણજીત વિલાસ પેલેસની મુલાકાત જાહેર જનતા માટે પ્રતિબંધિત છે. પરંતુ તેમના દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા પર રાજવી પરિવારની પરવાનગીથી લોકો દર્શનાર્થે આવી શકે છે. આ અમરઝાડને તેના થડના આકાર અને 1000 વર્ષના આયુષ્યના કારણે “ગાંડુઝાડ” પણ કહેવામાં આવે છે.
આ અમરઝાડ (Rajkot Amarzad) વિશેની માહિતી મેળવવા માટે traveltoculture.com દ્વારા આ મંદિરના પૂજારી જયેશભાઈ ભટ્ટ સાથે વાત કરતાં જયેશભાઈએ જણાવ્યું કે, આશરે એમની સાત પેઢીથી અહીં સેવા-પૂજા કરવામાં આવે છે.
આ અમરઝાડ (Rajkot Amarzad) અને અહીં આવેલા ભગવાન દત્તાત્રેયના સ્થાનકના ઈતિહાસ અને એની સાથે જોડાયેલી આસ્થા વિશે જયેશભાઈએ જણાવ્યું કે અહીં આવેલા આ અમરઝાડની નાના બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોને થતી મોટી ઉધરસ જેવી બીમારી માટે માનતા રાખવામાં આવે છે. માનતા પૂરી કરવા માટે લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ધરાવવામાં આવેલો ગાંઠિયાનો પ્રસાદ આ જગ્યા પર જ બેસીને આરોગવાની અહીંયા પરંપરા છે. અહીં ધરાવવામાં આવેલો પ્રસાદ ઘરે લઈ જવામાં આવતો નથી પરંતુ જેને માનતા રાખેલી હોઈ એમના દ્વારા જ આ પ્રસાદ અહીંયા બેસીને આરોગવામાં આવે છે. આ માટે આ ઝાડ નીચે બેસવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ભાવિકો શાંતિથી બેસીને પોતે ધરાવેલી પ્રસાદી ગ્રહણ કરી શકે છે.
શા માટે અહીં ધરાવવામાં આવે છે ફક્ત ગાંઠિયાનો જ પ્રસાદ?
જેમને માનતા રાખેલી છે એમના દ્વારા જ અહીં બેસીને ગાંઠિયાનો પ્રસાદ આરોગવાની અજીબ પરંપરા પાછળનું કારણ જાણવા માટે જયેશભાઈને પૂછતાં જાણવા મળ્યું કે, અહીં એવી પરંપરા છે કે જે પણ માનતા પૂરી કરવા માટે આવે છે અને એમના દ્વારા જે પ્રસાદ ધરાવવામાં આવે છે. એ પ્રસાદ એમના દ્વારા જ અહીં બેસીને આરોગીને પૂર્ણ કરીને જવાનો હોય છે. ગાંઠિયા ત્યાં જ બેસીને ખવાઈ જાય અને બગાડ ન થાય એ કારણથી જ અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં ગાંઠિયાની સાથે દાળિયા કે ચણાના લોટમાંથી બનેલી કોઈપણ વાનગી, ફળ કે શ્રીફળ પણ ધરાવીને માનતા પૂરી કરી શકાય છે. પરંતુ ત્યાં જ બેસીને ધરાવેલો પ્રસાદ આરોગીને પૂર્ણ કરીને જવાની માન્યતાના કારણે મોટા ભાગના લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ જ ધરાવે છે. આ જ કારણના લીધે વર્ષોથી અહીં માનતા પૂરી કરવા માટે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની એક પરંપરા બની ગઈ છે.
ઝાડની (Rajkot Amarzad) જાણવા જેવી માહિતી
પુજારી જયેશભાઈના જણાવ્યા મુજબ આ ઝાડ છે ગોરખ આંબલીનું
આ ઝાડનું આયુષ્ય આશરે 1000 વર્ષ
10 થી 15 લોકોના બાથમાં (બે હાથ પહોળા કરતાં તેમાં સમાય એટલું) આવે એટલો મોટો આ ઝાડના થડનો ઘેરાવો
ઋતુ પ્રમાણે ફળ-ફૂલ આવે છે આ અમરઝાડ પર
પાનખરમાં પાન ખરે પણ છે અને વસંત ઋતુમાં ત્રણ, પાંચ અને સાતની સંખ્યામાં નવા પાન પણ આવતાં મળે છે જોવા
અહીં વિશાળ ઝાડ નીચે બિરાજમાન છે ગુરુ દત્તાત્રેયનું સ્થાનક
આ અમરઝાડ પર વસે છે 5 થી 10 હજાર ચામાચીડિયાનો સમૂહ
આ પવિત્ર જગ્યાના ચામાચીડિયાઓ પણ છે શાકાહારી, માત્ર ફળોને જ બનાવ્યો છે પોતાનો ખોરાક
કેન્સર જેવા રોગોમાંથી પણ લોકો થયા છે મુક્ત
આ તમામ માહિતી આપવાની સાથે જયેશભાઈ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અહીંયા માત્ર મોટી ઉધરસ જ નહીં પરંતુ સાચી શ્રદ્ધા સાથે માનતા રાખવામાં આવે તો કેન્સર સુધીના રોગોમાંથી લોકો મુક્ત થયા છે. આ સાથે અહીં લોકો દ્વારા બાળક બોલતું ન હોય, ધંધા-રોજગારની સમસ્યા, નિ:સંતાનપણું, કોઈ મોટી બીમારી વગેરે જેવી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માનતા માનવામાં આવે છે.
માનતા પૂરી કરવા આવેલા લોકોએ traveltoculture.com સાથે વાત કરતાં જણાવ્યું કે, જો શ્રદ્ધાપૂર્વક માનતા માનવામાં આવે તો તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે જે અમે જાતે અનુભવ કરેલો છે. દિવસ દરમ્યાન ઘણાં ભાવિકો અહીં માનતા પૂરી કરવા માટે આવે છે અને પોતાના રોગો, સમસ્યાઓમાંથી છુટકારો મેળવે છે. લોકો જણાવે છે અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેય પરની અપાર આસ્થાના કારણે ભાવિકો આ અમરઝાડની માનતા રાખીને પોતાની સમસ્યાઓમાંથી મુક્ત થાય છે.
અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયનો ઈતિહાસ
અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયના સ્થાનક વિશે પૂછતાં પૂજારી જયેશભાઈ ભટ્ટએ જણાવ્યું કે એમના પૂર્વજોના કહેવા અનુસાર આશરે 1000 વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેયના કોઈ શિષ્ય ભ્રમણ કરતાં-કરતાં આ જગ્યા પર આવ્યા હતા અને આ ઝાડ નીચે ગુરુ દત્તાત્રેયના મૂર્તિની સ્થાપના કરી હતી. આ સાથે આ સ્થાનક પર ગુરુ દત્તાત્રેયના શિષ્ય દ્વારા સાધના અને તપ કરીને આ જગ્યાને પાવન કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યાનું ધાર્મિક મહત્વ વધતું ગયું અને આજે આ જગ્યાના ઓરાથી (aura) લોકો માનસિક શાંતિ અનુભવે છે.
ગુરુ દત્તાત્રેયની ગણના ભારતીય ઈતિહાસના એક મહાન ઋષિ તરીકે કરવામાં આવે છે. ત્રિમુખી ભગવાન ગુરુ દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર છે. પુરાણો અનુસાર ઋષિ અત્રિ અને અનસૂયાને ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ અને ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્ત શબ્દનો અર્થ થાય છે “આપેલું”. અત્રિ ઋષિ અને ઋષિપત્ની અનુસુયાને વરદાનરૂપે ત્રિદેવ અવતર્યા હતા. જેથી તેમને “દત્તાત્રેય” કહેવાય છે. તેઓ અત્રિ ઋષિના પુત્ર હોવાથી “અત્રેય” નામે પણ ઓળખાય છે. અવધૂત પુરાણ અનુસાર પૃથ્વી, ચંદ્ર, હરણ, કબૂતર, પિંગળા ગણિકા, કુંવારિકા, આકાશ, અગ્નિ, વાયુ, ગજ, શરકૃત, અભર્ક, ટીટોડી, મીન, મધમાખી, પતંગિયું, ભમરો, મકડી, સમુદ્ર, સૂર્ય, જળ, સાપ, ભમરી, અજગર જેવા 24 ગુરુ પાસેથી ગુરુ દત્તાત્રેય દ્વારા શિક્ષા લેવામાં આવી હતી. અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાનજી, વિભીષણ અને પરશુરામની જેમ ગુરુ દત્તાત્રેય પણ ચિરંજીવી છે. જુનાગઢમાં આવેલ ગિરનારએ ગુરુ દત્તાત્રેયની સિદ્ધપીઠ છે.
ભગવાન પરનો ભરોસો હંમેશા કોઈ ચમત્કાર સર્જે છે. ઘણા લોકો આ ચમત્કારના સાક્ષી બન્યા છે. સાચી શ્રદ્ધા સાથે માનવામાં આવેલી માનતાનું અહીં ચોક્કસ પરિણામ મળ્યું છે. જો તમે ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવો છો અને 1000 વર્ષ જુના મહાકાય અમરઝાડને જોવાની ઈચ્છા ધરાવો છો તો એકવાર આ જગ્યાની અચૂક મુલાકાત લેવા જેવી છે.
ચોમાસાની શરૂઆત થતાં જ નદી નાળામાં નવા નીરની આવક થવા લાગે છે અને ઠેર-ઠેર નાના-મોટા ઝરણાં જોવા મળે છે. જે આંખોને ઠંડક અને દિલને આહ્લાદક અનુભવ કરાવે છે. આજે એવા જ એક મનમોહક ધોધની વાત કરવાની છે. જેનું નામ છે ગીરા ધોધ, (Gira Waterfall)દક્ષિણ ગુજરાતનો આ ધોધ મનમોહક પ્રવાસન સ્થળોની યાદીમાં મોખરે છે.
www.gujarattourism.com
ચોમાસું આવે એટલે કુદરતના સાનિધ્યમાં જવાની મજા જ કંઇક અલગ હોય છે. એમાં પણ પહાડોમાં ફરવા માટે આપણે તલ-પાપડ થતાં હોઈએ છીએ. ગુજરાતની બહાર તો આપણે ફરીએ જ છીએ પણ ગુજરાતમાં પણ ઘણા સુંદર રમણીય સ્થળ છે. તેમાં પણ ગુજરાત તેમજ દેશ-વિદેશના લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે ખાસ ચોમાસાની રાહ જોતા હોય છે. ડાંગમાં આવેલ આ ગીરા ધોધ પણ ચોમાસામાં સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ઉઠે છે. લોકો આ ધોધની મુલાકાત લેવા માટે ગીરા ધોધ (Gira Waterfall) પર ઉમટી પડે છે.
www.gujarattourism.com
ગીરા ધોધ (Gira Waterfall)ક્યાં આવેલો છે?
ગીરા ધોધ વઘઇથી માત્ર 4 કિ.મી. દૂર આવેલો છે. વઘઇથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું અંતર કાપતાં સાઈડમાં ગીરા ધોધ (Gira Waterfall) તરફ જવાનો રસ્તો આવે છે. આ સાઈડના રસ્તે વધુ 2 કિ.મી. આગળ જતાં અંબિકા નદીના કિનારે પહોંચી શકાય છે. આ કિનારાથી પણ ધોધને જોઈ શકાય છે. ગીરા નદી ધોધ સ્વરૂપે પડ્યા પછી અંબિકા નદીમાં સમાઈને વળાંક લે છે. કિનારાથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પત્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની નજીક પહોંચી શકાય છે. અહીં ખડકો પર જ ઉભા રહીને ધોધ જોવાનો અને ધોધની ગર્જના સાંભળવાનો લહાવો અચૂક લેવા જેવો છે.
www.gujarattourism.com
ગીરાધોધની (Gira Waterfall)ગર્જના સાંભળવાનો લ્હાવો છે અચૂક લેવા જેવો
હા, આ ધોધને ફક્ત જોઈને એની ગર્જના સાંભળવાનો જ લ્હાવો લેવાનો છે. કારણ કે, ત્યાં પાણીમાં ઉતરીને ધોધ નીચે જવાનું કે નાહવાનું શક્ય નથી. કારણ કે ત્યાં વરસાદની સીઝનમાં પાણી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પાણીના વધુ પ્રવાહના કારણે જો તેમાં ઉતરો તો ડૂબી જવાની કે નદીમાં ખેંચાઈ જવાની શક્યતાઓ છે. આથી ધોધનું પાણી જે જગ્યાએ પડે છે, ત્યાં સુધી જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. ધોધ પળવાથી ઉઠતા પાણીના ફોરાં અને ધુમ્મસ છેક આપણા સુધી આવીને આપણને સહેજ ભીંજવે છે. આ જોઇને એવું લાગે કે જાણે કુદરત આપણા પર અમીવર્ષા કરતું હોય એટલે અહીંયા આ સહેજ ભીંજાવાનો પણ એક અનેરો આનંદ છે.
www.gujarattourism.com
ચોમાસામાં ગીરા ધોધનું જોવા મળે છે રૌદ્ર અને જાજરમાન સ્વરૂપ
ચોમાસામાં જ્યારે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થાય ત્યારે ગીરા ધોધનું સ્વરૂપ રૌદ્ર અને જાજરમાન લાગે છે. આશરે 300 મીટરની પહોળાઈ ધરાવતી આ નદી જયારે 25 થી 30 મીટરની ઉંચાઈથી પડે છે ત્યારે નયનરમ્ય અને અદભુત દ્રશ્ય સર્જાય છે. આ ધોધ નદી અને વરસાદ ઉપર આધારિત હોવાથી કોઈ વખત સળંગ દેખાય છે અને જ્યારે પાણીની અછત હોય ત્યારે નાના-નાના ધોધમાં વહેંચાઈ જાય છે. પરંતુ તે આ બંને રૂપમાં ખૂબ જ સુંદર અને આહ્લાદક લાગે છે.
www.gujarattourism.com
આ ધોધનું નામ ગીરા કેમ પડ્યું?
મહારાષ્ટ્રના જંગલોમાંથી વહીને પર્વતોને ચીરતી ગીરા નદી ડાંગ જિલ્લા સુધી પહોંચે છે. ડાંગમાં આંબાપાડા ગામ નજીક એક ઊંચા ખડક પરથી ગીરા નદી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. આમ ગીરા નદીના નામ પરથી જ ધોધનું નામ ગીરા ધોધ પડ્યું છે. અહીંથી અંબિકા નદી પોતાનામાં અનેક નાની-મોટી નદીઓ સમાવીને અંતે બીલીમોરા પાસે આવેલા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.
www.gujarattourism.com
ગીરા ધોધ જ્યાં આવેલો છે એ ડાંગ પ્રદેશ વાંસના જંગલોથી ઘેરાયેલો છે. ગિરા ધોધની આસ-પાસ પણ પુષ્કળ પ્રમાણમાં વાંસ ઉગે છે. જેથી ત્યાં વાંસથી બનેલી હેંડીક્રાફટ વસ્તુઓ બનાવવામાં આવે છે. અહીંયા આવતા પર્યટકો આ વાંસથી બનેલી હેંડીક્રાફટ વસ્તુઓની અવશ્ય ખરીદી કરે છે.
કોઈપણ ધર્મમાં ભગવાનને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે જ ભક્તો ભગવાનના દર્શનાર્થે જતા હોય છે, પણ અષાઢી બીજ એક એવો દિવસ છે કે જ્યારે ખુદ જગતનો નાથ ભકતોને દર્શન આપવા સામેથી તેમની પાસે જાય છે એટલે કે નગરચર્યા કરે છે. ઓડિશાના જગન્નાથપુરીની સાથે-સાથે અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાનું પણ આગવુ મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા (Jagannath Rath Yatra Ahmedabad) પુરી પછીની બીજા નંબરની સૌથી મોટી અને મહત્વની રથયાત્રા છે. અમદાવાદનું આ જગન્નાથ મંદિર વર્તમાન સમયમાં સમૃદ્ધ મંદિરોમાં સ્થાન પામે છે.
મનુષ્યના શરીરની સરખામણી રથ સાથે કરવામાં આવે છે. આપણા રથરૂપી શરીરમાં આત્મારૂપી ભગવાન બિરાજમાન હોય છે. આમ રથયાત્રા શરીર અને આત્માના કલ્યાણ તરફ સંકેત કરે છે. આજ કારણના લીધે લોકો પ્રભુનો રથ ખેંચીને ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે રથ ખેંચવાથી મનની મનોકામના પૂરી થાય છે. આ સાથે ભગવાનને નજીકથી નિહાળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.
www.jagannathjiahd.org
રથયાત્રામાં ભગવાન ગણેશના પ્રતિક સમાન ગજરાજ સૌપ્રથમ જોડાય છે.
ગજરાજનો સુંદર શણગાર કરીને તેમનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થાય છે.
www.jagannathjiahd.orgwww.jagannathjiahd.org
રથમાં બિરાજમાન પ્રભુ જગન્નાથના સૌ પ્રથમ દર્શન ગજરાજ કરે છે આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થાય છે.
રથ તૈયાર થયા બાદ તેની પૂજા કરવા માટે પુરીમાં ગજપતિ રાજાની પાલકી આવે છે.
જે રથની વિધિવત પૂજા કરે છે અને સોનાના ઝાડૂથી મંડપ અને રસ્તાને સાફ કરે છે.
આ પૂજા પ્રતિષ્ઠા “છેરા પહેરા” અથવા “પહિંદ વિધિ” તરીકે ઓળખવામાં આવે છે.
અમદાવાદમાં રથયાત્રમાં 1990ના વર્ષથી પહિંદ વિધિ થાય છે, જે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.
www.jagannathjiahd.orgwww.jagannathjiahd.org
પ્રભુ જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મામાના ઘરે જાય છે. જ્યાં તેઓ ખૂબ જાંબુ અને કેરી ખાય છે. જેથી ભગવાનને આંખો આવે છે અને આંખો આવવાના કારણે તેમને મગ ધરવામાં આવે છે.
રથયાત્રામાં પણ પ્રસાદ તરીકે મગ આપવામાં આવે છે, કારણકે રથયાત્રા આશરે 22 કિમી જેટલું લાંબી પગપાળા યાત્રા છે આથી મગ શક્તિવર્ધક હોવાથી મગના પ્રસાદથી શ્રદ્ધાળુઓને થાક લાગતો નથી.
રથનો મહિમા (Jagannath Rath Yatra Ahmedabad)
રથયાત્રામાં ત્રણ રથ હોય છે.
જેમાં સૌથી આગળ તાલવનનાં દેવતા દ્વારા આપેલ રથ “તાલધ્વજ” પર શ્રી બલરામ, તેમની પાછળ “પદ્મધ્વજ” રથ પર બહેન સુભદ્રા અને સૌથી પાછળ ઇન્દ્ર દ્વારા આપેલ રથ “નંદીઘોષ” પર ભગવાન જગન્નાથ બિરાજે છે.
પ્રભુ જગન્નાથનો રથ, બલરામ અને સુભદ્રાના રથથી મોટો હોય છે.
નાળિયેરનું લાકડું હળવું હોવાથી તેમાંથી આ રથ બનાવવામાં આવે છે.
ભગવાન જગન્નાથના રથનો લાલ અને પીળો કલરનો ઉપરાંત બાકી રથોની સરખામણીએ વિશેષ આકારનો હોય છે.
રથની ખાસિયત એ છે કે રથમાં એકપણ ચૂક કે કાંટાનો પ્રયોગ કરવામાં આવતો નથી.
માત્ર એટલું જ નહિ પણ આ રથ બનાવવા માટે કોઈ ધાતુનો પણ ઉપયોગમાં કરવામાં આવતો નથી.
રથના લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસે થાય છે.
રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે.
દર વર્ષે રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવે છે.
બલરામનો રથ 43 ફૂટ ઉંચો અને તેમાં 14 પૈડા હોય છે.
તેને લાલ, લીલા અને આસમાની રંગથી સજાવવામાં આવે છે.
આ રથની ધજાને “ઉનાની” કહેવાય છે.
જે દોરડાથી તેને ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહેવાય છે.
બહેન સુભદ્રાનો રથ 42 ફૂટ ઉંચો અને તેમાં 12 પૈડા હોય છે.
લાલ અને કાળા રંગથી આ રથને શણગારવામાં આવે છે.
તેમાં “નંદ્વિકા” નામની ધજા લહેરાય છે.
આ રથને ખેંચવામાં આવતા દોરડાને સ્વર્ણચુડા નાગ કહેવાય છે.
પ્રભુ જગન્નાથનો રથ 45 ફૂટ ઉંચો અને તેમાં 16 પૈડા હોય છે જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે.
રથને લાલ અને પીલા રંગથી સજાવવામાં આવે છે.
રથની ધજાને “ત્રૈલોક્યમોહની” કહે છે અને જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તેને શંખચુડા કહેવાય છે.
www.jagannathjiahd.org
ભગવાનની અર્ધનિર્મિત મૂર્તિ અંગેની માહિતી
ધ્યાનથી જોઈએ તો આ ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ અને મૂર્તિનો ઉપરનો ભાગ અધૂરો દેખાય છે. એક કથા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક દિવસ રાજાને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવીને મંદિર સ્થાપવાનો વિચાર આવે છે. આ વિચાર પરિપૂર્ણ કરવા માટે એવું કહેવાય છે કે પ્રભુ જગન્નાથએ દેવતાઓના શિલ્પી તરીકે જાણીતા વિશ્વકર્માને રૂપ બદલીને રાજા પાસે મોકલ્યા હતા. તેમણે મૂર્તિ બનાવવા રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈએ બાધારૂપ ન બનવું. રાજાએ આ શરત સ્વીકારી, ઘણાં દિવસો સુધી કામ ચાલ્યું પણ અંતે રાજાની ધીરજ ખૂટતાં તેમને ઓરડાના દ્વાર ખોલી નાખ્યા જેથી વિશ્વકર્મા અલોપ થઈ ગયા, પરંતુ તેમના દ્વારા બનાવેલી અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. અંતે આજ મૂર્તિ મંદિરમાં સ્થાપીને મંદિર બનાવવામાં આવ્યું.
puri.nic.inodishatourism.gov.in
જગન્નાથપુરી મંદિરની જાણી-અજાણી માહિતી
ઓડિશા રાજ્યમાં આવેલું આ મંદિર આશરે 800 વર્ષ જૂનું છે.
મંદિરની ઊંચાઈ 214 ફૂટ તેમજ મંદિર આશરે 4 લાખ વર્ગફૂટનો વિસ્તાર ધરાવે છે. જેથી મંદિરની નજીક ઊભા રહીને તેનો ગુંબજ જોવો અસંભવ છે.
આ ગુંબજનો પડછાયો દિવસ દરમ્યાન જમીન પર પડતો નથી આથી કહી શકાય કે મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.
જગન્નાથ મંદિરને દરિયાએ 3 વખત ક્ષતિ પહોંચાડી હતી આથી પ્રભુ જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. પરંતુ હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા અને પાછળ દરિયો નગરમાં પ્રવેશ કરી જતો હતો. આથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. એટલા માટે ત્યાં આવેલું બેડી હનુમાનજીનું પ્રખ્યાત પ્રાચીન મંદિર છે.
આ મંદિરને સાઉન્ડ પ્રૂફ પણ કહી શકાય, કારણકે મંદિર દરિયાકાંઠાથી નજીક હોવા છતાં પણ મંદિરની અંદર મોજાનો અવાજ સંભળાતો નથી.
અહીં મંદિરમાં વિશ્વનું સૌથી મોટું ભોજનાલય છે.
અહીં ભક્તો માટે ભોજન તૈયાર કરવા માટે સાત વાસણ એક બીજાની ઉપર મૂકીને પ્રસાદ તૈયાર થાય છે.
જેમાં સૌથી ઉપર મુકેલા વાસણમાં પહેલાં પ્રસાદ તૈયાર થઈ જાય છે.
પુરી મંદિરની ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. તેમજ સુદર્શન ચક્ર પણ ખૂબ ચમત્કારિક છે.
આ સુદર્શન ચક્ર વિશે એવું કહેવાય છે કે તેને કોઈપણ દિશાથી જોતા તમને ચક્રનો ચહેરો તમારી તરફ છે એવું દેખાશે.
પુરી મંદિરમાં માત્ર ભારતીય હિન્દુઓને જ દર્શનાર્થે પ્રવેશ મળે છે. બાકીના લોકો માટે પ્રતિબંધ છે.
અહીં મંદિરના શિખર પર ક્યારેય કોઈ પક્ષી બેસેલું જોવા મળતું નથી તેમજ મંદિર ઉપરથી કોઈ પ્લેન પણ ઉડતું નથી.
અહીં દર 12 વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે. તેમજ મંદિરની ધજા રોજ બદલવામા આવે છે, જો બદલવામા ન આવે તો આવતા 18 વર્ષમાં મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.
ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન જગન્નાથ મામા ઘરે સરસપુર પહોંચી બપોરે આરામ કરીને સાંજે નીજ મંદિરમાં પરત ફરે છે.
મંદિરના મહંત મહારાજ નરસિંહદાસજી દ્વારા ભૂખ્યા માટે અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું.
વર્તમાન સમયમાં રોજના બે હજાર જેટલા ગરીબ, ભિખારી તેમજ જરૂરીયાતમંદ લોકોને ભોજન મળે છે.
www.jagannathjiahd.org
આ ઉપરાતં અહીં ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર, રોગગ્રસ્ત લોકોની સારવારાર્થે કાર્યરત છે.
1878માં શરૂ કરવામાં આવેલી રથયાત્રા હાલ અમદાવાદની ઓળખ બની છે.
જય રણછોડ, માખણચોરના નાદ સાથે શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે.
www.jagannathjiahd.org
આ સાથે ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકોટ અને વડોદરામાં પણ પરંપરાગત રથયાત્રા યોજાવામાં આવે છે. પરંતુ અમદાવાદની રથયાત્રાનું અનેરું મહત્વ છે. જીવનમાં એકવાર અવશ્ય આ અમદાવાદની રથયાત્રાના (Jagannath Rath Yatra Ahmedabad)દર્શન કરવાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવવા જેવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામે વડનું એક વિશાળ વૃક્ષ આવેલું છે. વડના આ વિશાળ વૃક્ષના કારણે કંથારપુરા ગામ ગુજરાતભરમાં પ્રસિધ્ધી પામી રહ્યું છે. જેના કારણે કંથારપુરા ગામ પ્રવાસીઓ માટેની પસંદ બની રહ્યું છે.
અમદાવાદથી 51 કિમી. અને ગાંધીનગરથી 30 કિમી. દુર આવેલું કંથારપુરા ગામ તેના 500 વર્ષ જુના વડના કારણે ગુજરાતભરમાં જાણીતું બન્યું છે. 2006 પહેલાં કંથારપુરાની આજુ-બાજુના લોકો જ તેનાથી માહિતગાર હતા. પરંતુ 2006ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કંથારપુરાને પ્રાકૃતિક પ્રવાસ ધામ તરીકે વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધીરે-ધીરે આ જગ્યાની લોકપ્રિયતા વધવા લાગી અને હાલ ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો આ વિશાળ અને રહસ્યમય વટવૃક્ષની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો તો એક દિવસના પિકનિક માટે આ એક પરફેક્ટ જગ્યા છે.
કંથારપુરામાં (Kantharpura Mahakali Vad)આવેલા વડની જાણવા જેવી બાબતો
ગુજરાતના વિશાળ વૃક્ષમાં કબીરવડ પછી કરવામાં આવે છે કંથારપુરાના (Kantharpura Mahakali Vad) વડની ગણતરી
આ વડનું વૃક્ષ 40 મીટર ઊંચું અને અડધા એકરથી વધુ એટલે કે કુલ 2.5 વિઘા જમીનમાં છે પથરાયેલું
વડનું વૃક્ષ બારેમાસ રહે છે લીલુંછમ
માન્યતા મુજબ આ વડના વૃક્ષનું આયુષ્ય છે 500 વર્ષ
આ વડના મુખ્ય થડમાં આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર
અહીંની લોકવાયકા અનુસાર આ વડની નીચે આવેલી છે પુરાતન વાવ
હાલના સમયમાં આ વાવના એકપણ પુરાવા મળેલા નથી
નવરાત્રીના સમયમાં અહીં ભરાઈ છે લોકમેળો
આજુ-બાજુના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક આવીને કરે છે મહાકાળી માતાજીના દર્શન
આ વડ પર કાયમીપણે વાંદરાઓનું મોટું ટોળુ કરે છે વસવાટ
આશરે 50 થી પણ વધારે વાંદરાઓ પોતાના પરિવાર સાથે કરે છે વસવાટ
500 વર્ષ જુનું આ વડનું વૃક્ષ છે પક્ષીઓનુ રહેણાંક સ્થળ
સવાર થતાં જ સાંભળવા મળે છે પક્ષીઓનો કલરવ
વડના વૃક્ષની વિશાળતા આવનાર સૌને કરી દે છે મંત્રમુગ્ધ
અહીં મુલાકાતે આવતા જ દુરથી વિશાળ છત્રાકાર આકાર પડે છે નજરે
કોઈપણ વ્યક્તિ વડને (Kantharpura Mahakali Vad) નુકશાન પહોંચાડવાની કે કાપવાની નથી કરતુ હિંમત
આ વડ દિવસે ને દિવસે જમીનમાં ચારેય દિશામાં આગળ ને આગળ વધતું જઈ રહ્યું છે. કંથારપુરા ગામના ખેડૂતોની જમીનના વીઘાનો ભાવ લાખોમાં છે. તેમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને કારણે લાખોની જમીન વડ માટે જતી કરે છે અને મંદિરને દાનમાં આપી દે છે. આ વડ જમીનમાં ફેલાતું જઈ રહ્યું છે એની પાછળ ધાર્મિક આસ્થા તો જવાબદાર છે પણ સાથે સ્થાનિકોનું એવું પણ માનવું છે કે જો કોઈ વ્યક્તિ વડને નુકસાન પહોંચાડે છે તો એ વ્યક્તિને પણ નુકશાન પહોંચે છે. આ કારણના લીધે કોઈપણ વ્યક્તિ વડને નુકશાન પહોંચાડવાની કે કાપવાની હિંમત કરતું નથી. આમ કોઈ આસ્થાના લીધે પોતાની જમીન મંદિરને દાનમાં આપી દે છે તો કોઈ નુકશાન થવાના ડરે વડને કાપતા નથી અને ખેતરમાં ફેલાવા દે છે. આ બંને કારણોના લીધે આજના સમયની વાત કરીએ તો આ વડ અડધા એકર કરતા પણ વધારે જમીનમાં ફેલાઈ ગયું છે.
આ વિશાળ વડને કારણે કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામમાં વિકસ્યું છે પ્રવાસન
ગુજરાતના વટવૃક્ષમાં કબીરવડ પછી કંથારપુરાના વડની ગણતરી થાય છે. આ વડ પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ તો ધરાવે જ છે. પરંતુ આ વડને કારણે કંથારપુરા ગામમાં પ્રવાસન પણ વિકસ્યું છે જેના લીધે સ્થાનિકોને રોજગારી મળતી થઈ છે. વડની આજુ-બાજુ કુલ 25 કરતાં વધારે નાની-મોટી દુકાનોની સાથે પાથરણાં આવેલા છે, આ દુકાનો અને પાથરણાંના કારણે 35 થી 40 પરિવારોનું ગુજરાન ચાલે છે. આ પરિવારો દ્વારા પૂજાનો સામાન, બાળકો માટે રમકડાંઓ અને ખાણી-પીણીની વસ્તુઓ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.
આડા દિવસે તો મહાકાળી માતાજીના મંદિરમાં લોકો દર્શન માટે આવે જ છે. પરંતુ ખાસ કરીને પૂનમ તેમજ તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે અહીં આવતાં હોય છે. જયારે નવરાત્રીના સમયમાં યોજાતા મેળામાં પણ લોકોની ખાસ ભીડ જોવા મળે છે. આ સાથે ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ અથવા તો કોઈ બીજા માધ્યમથી આવડા મોટા વડની વાત સાંભળીને લોકો કુતૂહલવશ થઈને આ વડને જોવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી કંથારપુરા ગામની મુલાકાતે આવે છે. આમ હાલમાં કંથારપુરા ગામ આ વડનાં કારણે પીકનીક સ્પોટ પણ બની ગયું છે.
મહાકાળી માતાજીના મંદિરમાં આવેલી છે માતાજીની 2 મૂર્તિ
અહીં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની બે મૂર્તિ છે. સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે એક મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલી છે જયારે બીજી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. અહીંયા રોજે સવાર-સાંજ માતાજીની આરતી થાય છે. જેમાં માતાજીના બંને મૂર્તિની વિશેષરૂપે પુજા કરવામાં આવે છે. જેમાં માતાજીનો શણગાર કરવામાં આવે છે. મંદિરમાં ઘીનો એક અખંડ દીવ પ્રગટે છે, મહાકાળી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
વડની જાણવા જેવી માહિતી
વડના વૃક્ષને ભારતનાં “રાષ્ટ્રીય વૃક્ષ” તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. વડનું વૃક્ષ ઘટાદાર અને મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. વર્ષો પુરાણા અને મોટા વડની ડાળીઓમાંથી નવાં મૂળ ફુટે છે જેને “વડવાઇ” કહેવાય છે. આ વડવાઇઓ સમય જતાં વધતી જાય છે અને ત્યારબાદ જમીનમાં રોપાઈ જાય છે. આ રીતે વૃક્ષનો વિસ્તાર વધતો જાય છે અને વૃક્ષ ફેલાતું જાય છે. ઘણીવાર એવું બને છે કે આવા ઘનઘોર વૃક્ષના મૂળ થડની માહિતી જ નથી મળી શકતી. આવું જ એક વૃક્ષ ગુજરાતના નર્મદા કિનારે આવેલું કબીરવડ છે. જે અંદાજે 300 વર્ષથી વધારે જુનું છે. એવું કહેવાય છે આ વૃક્ષ એટલું મોટું છે કે એના નીચે 5000 કરતા વધારે લોકો આરામ કરી શકે છે.
વડનાં આ વૃક્ષ પર લાલ રંગનાં નાનાં-નાનાં ફળ આવે છે. જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. વડનાં આ ફળને “ટેટા” કહેવાય છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં આ ફળ જુદાં-જુદાં નામથી ઓળખાય છે. આ સાથે વડનું વૃક્ષ પૂજનીય માનવામાં આવે છે. કુમારિકાઓ વડ સાવિત્રીના વ્રત વખતે વડના વૃક્ષની પૂજા કરે છે. તેમજ વડનું વૃક્ષ કુદરતી ઓક્સિજનની ખાણ માનવામાં આવે છે. આ ઉપરાંત વડનું વૃક્ષ આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. ઘણા બધા રોગોમાં વડનું વૃક્ષ એક ઔષધિ તરીકે પણ કામ કરે છે.
ઉનાળાના આકરા અને અસહ્ય તાપથી કંટાળી ગયા છો?, તો ચોમાસાની સિઝનમાં શરીર સાથે આંખને ઠંડક આપવા માટે તૈયાર થઇ જાઓ. traveltoculture.com તમારી વર્ષાઋતુ વ્યર્થ ન જાય એ માટે આજે તમને ઝરવાણી ધોધની (Zarwani Waterfall) શાબ્દિક સફરે લઈ જશે.
વર્ષાઋતુનું આગમન થાય ત્યારે કવિઓ અને કુદરત પ્રેમીઓ માટે તો જાણે અનેરો અવસર… એમાં પણ આ સમય દરમ્યાન જો નદી, તળાવ કે ધોધની મુલાકાત ન લઈએ તો વર્ષાઋતુ અધૂરી જ ગણાય… તો રાહ શેની જુઓ છો તૈયાર થઇ જાઓ ઝરવાણી ધોધ (Zarwani Waterfall) જવા માટે પણ એ પહેલા ત્યાં કઈ રીતે જવું?, ક્યાં રહેવું?, અને ત્યાં શું-શું જોવા માટે આ આર્ટીકલ વાંચી લો.
www.gujarattourism.com
ઝરવાણી ધોધ ક્યાં આવેલો છે?(Zarwani Waterfall)
ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં, નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિ.મી.ના અંતરે, થાવડીયા ચેકપોસ્ટથી 7 કિ.મી.ના અંતરે અને શૂરપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આ નયનરમ્ય સ્થળ આવેલું છે. આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને વન્યજીવો જોવા મળે છે. સાતપુડાની પર્વતમાળામાં આવેલી આ જગ્યા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, પક્ષીઓનો કલરવ અને ખળખળ વહેતા ઝરણાં મનને પ્રફુલિત અને તાજગીમય બનાવે છે.
www.gujarattourism.com
આમ તો ઝરવાણી ધોધ (Zarwani Waterfall) ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણ સુધીના નદીના પાણીમાં આશરે 500 મીટર સુધી ટ્રેકિંગ કરીને જવુ પડે છે. જે રોમાંચની અનુભૂતિ કરાવે છે તેમજ આ જગ્યા એડવેન્ચર એક્ટિવિટી માટે પણ લોકપ્રિય છે. ઝરવાણી ધોધથી ઉપર તરફ જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પર્વત પર જાય છે. ત્યાં વન વિભાગ દ્વારા તૈયાર કરેલું એક રેસ્ટ હાઉસ પણ આવેલું છે. તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો નેકલેસ પોઇન્ટ જોવાની મજા જ કંઈક ઔર છે. તેમજ પ્રિવેડિંગ ફોટોશૂટ માટે પણ અહીં બેસ્ટ લોકેશન મળી રહે છે. પરંતુ એના માટે ફોરેસ્ટ વિભાગની પરમિશન અચૂક લઈ લેવી. ક્યારેક એવું પણ બને છે કે ઝરવાણી ધોધ જવા માટે પણ પરમિશનની જરૂર પડતી હોય છે. તો જયારે પણ ઝરવાણી ધોધ (Zarwani Waterfall) જવાનો પ્લાન કરો ત્યારે આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી અને ત્યાં જાવ તો પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે એ પાછું ભૂલી ન જતાં.
www.gujarattourism.com
ભવિષ્યમાં શરુ થનારી એડવેન્ચર એક્ટિવિટી
ઝરવાણી ધોધ ખાતે વન વિભાગ ગોરા રેન્જ દ્વારા પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ, સ્વદેશી બનાવટોનું સ્પા, પેરાગ્લાઇડિંગ, બંજી જમ્પિંગ, રૉક ક્લાઇમ્બિંગ, હાઈ જમ્પ, ઝીપ લાઈન સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવશે. કદાચ એવું પણ બની શકે કે જયારે તમે આ આર્ટીકલ વાંચતા હશો ત્યારે આ સુવિધાનો લાભ મળવાનું શરુ પણ થઇ ગયું હોય.
એક દિવસના ગાઇડેડ ટુરનું પણ કરી શકો છો આયોજન
વર્તમાન સમયમાં ઝરવાણી ધોધ ઇકો કેમ્પસાઈટ તરીકે પણ વિકાસ પામ્યો છે. વન વિભાગની મદદથી આસપાસની પ્રકૃતિ અને પ્રાણીઓને નિહાળવા માટે એક દિવસીય ગાઇડેડ ટુરનું આયોજન પણ કરી શકાય છે. જેમાં દીપડા, રીંછ, વિવિધ જાતિના હરણ અને જંગલી કૂતરા, વાનરો જેવા વન્યજીવની સાથે-સાથે નજીકનાં જોવાલાયક સ્થળોમાં શૂરપાણેશ્વર મંદિર અને ગીર ખાડીનો સમાવેશ કરી શકાય છે. તેમજ ઇકો ટૂરિઝમ કમિટી દ્વારા માર્ગદર્શન કેન્દ્ર, કોટેજ, ડોરમેટરી, કેમ્પ ફાયર અને ભોજન જેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
www.gujarattourism.comwww.gujarattourism.com
સાતપુડા અને વિંધ્યાચલની પર્વતમાળા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે, આ સાથે ઝરવાણી ધોધ એક નેચરલ વોટરપાર્કની પણ અનુભૂતિ કરાવે છે. જો તમે હરવા-ફરવાના શોખીન છો અને પ્રકૃતિપ્રેમી છો તો તમારે ચોમાસામાં ખાસ આ ધોધની મુલાકાત લેવી જોઈએ.
એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.200 – 1000
જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 2000
કુલ – આશરે 7,600 થી 12,000/—
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.
અંતર (Distance)
સુરતથી – 153 km.
વડોદરાથી – 96 km.
અમદાવાદથી – 204 km.
રાજકોટથી – 385 km.
કચ્છ – 600 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કેવડીયા બસ સ્ટોપ, કેવડિયા રેલ્વે સ્ટેશન, વડોદરા એરપોર્ટ
પોરબંદરના બરડા ડુંગરની ગોદમાં અનેક પ્રવાસન સ્થળો વિકાસ પામ્યા છે. બરડા ડુંગરમાં રાણાવાવ નજીક આવેલી આ જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત છે. આ ગુફા શિવભક્તો, પ્રવાસીઓ તેમજ ઇતિહાસકારોને આકર્ષે છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ કુદરતી રીતે શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં… ગુફામાં ટપકતાં પાણીથી રચાતા અનેક સ્વયંભૂ શિવલિંગ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.
જાંબુવત કોણ હતા?
પરશુરામ અને હનુમાનજી સિવાય રીંછરાજ જાંબુવત જ એક એવા દિવ્ય પુરુષ છે જે ભગવાન વિષ્ણુના બંને અવતાર એવા શ્રીરામ અને શ્રીકૃષ્ણના કાળમાં પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. કહેવાય છે કે ખુદ બ્રહ્માએ જાંબુવતને આ ધરતી પર મોકલ્યા હતા.
જાંબુવત અને ભગવાન શ્રીકૃષ્ણના યુદ્ધની કથા/ઈતિહાસ
ભાગવતપુરાણ અનુસાર યાદવોના આગેવાન સત્રજીતએ સૂર્યદેવની ઉપાસના કરીને સ્યમંતક નામની મણી પ્રાપ્ત કરી હતી. કહેવાય છે કે આ મણી રોજ 8 ભાર જેટલું સોનુ આપતી હતી. આથી સત્રજીતે તેને પૂજાસ્થાને મૂકી હતી. જેથી તેની સંપત્તિમાં વૃદ્ધિ થવા લાગી. શ્રીકૃષ્ણએ સત્રજીતને આ મણી ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો નહી. ત્યારબાદ એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર આ મણી લઈને શિકાર કરવા ગયો હતો. જ્યાં તે પોતે સિંહનો શિકાર બન્યો અને મણી પણ સિંહના પેટમાં પહોંચી. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવતે કર્યો. આમ સ્યમંતક મણી જાંબુવતને મળી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણી ચોરવાનો ખોટો આરોપ લાગ્યો.
આથી ભગવાન શ્રીકૃષ્ણ એ મણીની શોધમાં નીકળતા મણી જાંબુવત પાસે હોવાની તેમને જાણકારી મળી, આમ જ્યારે શ્રીકૃષ્ણ મણી લેવા જાંબુવત પાસે પહોંચ્યા તો જાંબુવત ભગવાનને ઓળખી શક્યા નહિ અને તેમની વચ્ચે લગભગ 28 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ પણ છે. આ યુદ્ધના અંતિમ દિવસે જાંબુવતને આ વાતનો અહેસાસ થયો કે શ્રીકૃષ્ણ સ્વયં પ્રભુ શ્રીરામના જ અવતાર છે. આથી જાંબુવતએ હાર સ્વીકારીને યુદ્ધ અટકાવ્યું અને તેમના પુત્રી જાંબુવંતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે આ ગુફામાં (Jambuvanti Caves) કરાવ્યા. આમ આ ગુફાને જાંબુવંતીની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જાંબુવત સ્યમંતક મણી અને પુત્રી જાંબુવંતીને ભગવાનને અર્પણ કરતો ફોટો, સ્વયંભૂ જલધારા અને દક્ષિણાભિમુખ શંખ આ ગુફામાં હાલ દર્શનાર્થે રાખેલા છે.
જાંબુવંતી ગુફા (Jambuvanti Caves)વિશે જાણવા જેવી બાબતો
ગુફા ચુનાનાં ખડકોમાં આવેલી હોવાથી ઉનાળાના ભયંકર તાપમાં પણ આ ગુફામાં રહે છે ઠંડક
ગુફાનું મુખ કૂવા કે વાવ જેટલું નાનું છે, તેનો પ્રવેશદ્વાર પણ સાંકડો છે, પરંતુ બહારથી સાંકડી લાગતી આ ગુફા અંદરથી છે લાંબી અને પહોળી
ગુફાની અંદર આવેલી માટીને પ્રકાશમાં જોવામાં આવે તો તેમાં સોનાની જેમ ચમકતા અબરખનું મિશ્રણ મળે છે જોવા
સોનાની જેમ ચમકતી હોવાને કારણે આ માટીને કહેવાય છે “સોનાની માટી”
સોના જેવી ચમકતી માટી જોઇને ઘણાં લોકો મૂઠી ભરીને એ માટી પોતાની સાથે લઇ જાય છે પણ આવું કરવાથી ઘરમાં નુકનાશ થાય છે એવી ગુફામાં લગાડવામાં આવી છે નોટીસ
અહીં લોકમાન્યતા પ્રમાણે કહેવાય છે કે ગુફામાં મહંતના આશીર્વાદથી માનસિક રીતે બિમાર લોકો માટે જો આ જગ્યાની માનતા માનવામાં આવે તો દૂર થાય છે બિમારી
ત્યાંના મહંતને ઘડીયાળ અતિપ્રિય હોવાથી માનતા પૂરી કરવા માટે લોકો ચડાવે છે ઘડિયાળ
ત્યાંની કોઈ ઘડિયાળ પસંદ આવી જાય તો તેમાં લાગેલા પ્રાઈઝ ટેગ જોઈને ખરીદી શકો છો ઘડિયાળ
અન્ય એક માન્યતા અનુસાર આ ભોંયરાનો એક માર્ગ કૃષ્ણનગરી દ્વારકા અને બીજો માર્ગ ખૂલે છે જૂનાગઢ તરફ
ગુફામાં પ્રવેશતા લોકોને અંધારું ન લાગે તે માટે અહીં લાઇટની પણ કરવામાં આવી છે વ્યવસ્થા
સ્વયંભુ શિવલિંગોની રચના કેવી રીતે થઇ?
ચુનાનાં ખડકમાં ગુફા આવેલી હોવાથી તેની છતમાંથી હજારો વર્ષથી સતત પાણી ટપકતું હોવાથી શિવલિંગોનું સર્જન થાય છે. આ પ્રકારના ચુનાનાં પત્થર જાંબુવંતીની ગુફા (Jambuvanti Caves) ઉપરાંત બરડા ડુંગરમાં આલોચ,ગોપ અને કેલિફોર્નિયામાં જોવા મળે છે. આમ આ ગુફા હજારો વર્ષ જૂની હોવાના પુરાવા આ શિવલિંગો આપે છે. શિવલિંગો બનવા પાછળનું રહસ્ય ચુનાનાં ખડક છે પણ તેમ છતાં લોકો તેને ચમત્કાર માને છે અને લાખોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે.
એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3000
જમવાનો ખર્ચ – Rs.1800 – 2500
સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
કુલ – આશરે 13,800 થી 18,500/—
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.
જેવી ગૌમાતાની સ્થિતિ એવી આપણી સ્થિતિ. જે હકીકતમાં આપણો દેશ આજે ભોગવી રહ્યો છે. જેટલી ગાયની આપણે ઉપેક્ષા કરી છે એટલી આપણી તકલીફો વધી છે. આવું મક્કમપણે માનવું છે ભારત સરકાર દ્વારા 2017 માં કામધેનુ પુરસ્કાર આપીને દેશની નંબર 1 ગૌશાળાની ઘોષણા કરવામાં આવેલ બંસી ગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું
ગોપાલભાઈ કોણ છે?(Gopalbhai Sutariya Bansi Gir Gaushala)
ગોપાલભાઇ સુતરીયા બંસી ગીર ગૌશાળાના સ્થાપક છે. જેમનો જન્મ 1977 માં ગુજરાતના ભાવનગરમાં થયો હતો. તેમના આધ્યાત્મિક ગુરુજી શ્રી પરમહંસ હંસાનંદતીર્થ દાંડિસ્વામીના પ્રભાવ હેઠળ, તેમના જીવનના પ્રારંભથી, તેઓ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવા માટે પોતાનું જીવન પસાર કરવા માટે ઉત્સુક હતા. પરંતુ ગોપાલભાઇના પિતા મુંબઈમાં રહેતા હોવાથી પ્રાથમિકથી લઇ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં લીધા બાદ પિતાના ધંધામાં કામ કરવાની શરુઆત કરી.
પુખ્તાવસ્થામાં, તેણે સફળતાપૂર્વક મુંબઈમાં પારિવારિક વ્યવસાય સંભાળ્યો, પરંતુ તેનું મન હંમેશા બાળપણનું એ સ્વપ્ન પૂરું કરવા માટે વિચારી રહ્યું હતું. છેવટે પિતાનો કરોડોનો હીરાનો ધંધો મૂકીને તેમણે ગૌશાળા સ્થાપવાની અને ગૌકૃષિ (ગૌમાતા આધારિત કૃષિ) લેવાની યોજનાની કલ્પના કરી.
www.bansigir.in
બંસી ગીર ગૌશાળાની વિશેષતા(Gopalbhai Sutariya Bansi Gir Gaushala)
ગોપાલભાઈએ 2006 માં અમદાવાદમાં બંસી ગીર ગૌશાળાની સ્થાપના કરી. બંસી ગીર ગૌશાળામાં 18 ગોત્રની (વંશ) ગીર ગૌમાતાઓને ભેગા કર્યા બાદ તેમના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો. 450 થી વધારે ગૌમાતાનો અલગ-અલગ અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે શાસ્ત્રો અને વેદોમાં ગૌમાતા વિશે જે લખવામાં આવ્યું છે તે એકદમ સાચું છે. આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે ગૌમૂત્રની અંદર 5100 થી વધારે અને ગોબરની અંદર 1200 થી વધારે તત્વો આવેલા છે. જે ધાવીને અનાજ પાકે એ આજના યુગમાં વપરાતા કેમિકલયુકત ખાતર કરતાં 1000 ગણું પૌષ્ટિક હશે.
અમદાવાદમાં શાંતિપુરા ખાતે બંસી ગીર ગૌશાળામાં વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ગાયોનો ઉછેર કરવામાં આવે છે. અહિયાં 700થી વધારે દેશી ગાયોની જાતને એવી રીતે વિકસાવવામાં આવી છે કે જેની દેશ વિદેશમાં ખૂબ જ માંગ થઈ રહી છે.
પરંપરાગત ગોપાલન
ગોપાલભાઈનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) માનવું છે કે સાચી પ્રગતિ અને વિકાસ એ જ કહેવાય કે જેમાં કોઈનું શોષણ ન થયું હોય પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. એટલા માટે જ બંસી ગીર ગૌશાળામાં કોઈ પણ ગાયને ખિલ્લે બાંધવામાં આવતી નથી. આ સાથે દરેક ગૌમાતાને આપવામાં આવેલો ખોરાક અને પાણીની ગુણવત્તા અથવા માત્રામાં ક્યારેય સમાધાન કરવામાં આવતું નથી, પછી ભલે તે ગમે એટલું દૂધ ઉત્પન્ન કરે. ગોપાલભાઈ કહે છે કે ગૌમાતા પોતે જ નક્કી કરે છે કે એમને કેટલું ખાવું ને ક્યારે ખાવું, એના માટે અહીં પાણી અને ઘાસ સતત ભરેલું રાખવામાં આવે છે.
www.bansigir.in
ગૌશાળાની સામે ગૌચર માટે ખુલ્લી જગ્યા છે જ્યાં ગાયોને સવારે ચરવા માટે લઈ જવામાં આવે છે. આ ગૌચર જગ્યામાં ઘાસના ઉત્પાદન માટે ઓર્ગેનિક ખાતર ઉપયોગ કરવામાં આવેલ છે. પોષક મૂલ્ય, ગાયોના સ્વાદ અને પસંદગીઓના સંશોધનને આધારે ગૌમાતાને ઓર્ગેનિક ખોરાક પણ પ્રદાન કરવામાં આવે છે. ગોપાલભાઈ જણાવે છે કે અમારા સંશોધન પરથી એ જાણવા મળ્યું કે ગૌમાતાને જીંજુઆ ઘાસની જાત વધારે પસંદ છે કારણ કે તે પોષણયુકત તો છે જ સાથે એના બીજા ઘણા ફાયદા છે.
એકવાર વાવેતર કર્યા પછી, આ ઘાસની જાત 30 વર્ષથી વધુ સમય સુધી જમીન છોડતી નથી, અને તે દર 20 દિવસે 2 થી 2.5 ફુટ સુધી વધે છે. “જીંજુઆ ઘાસ યોજના” અંતર્ગત, ખેડુતોને વિના મૂલ્યે જીંજુઆ ઘાસના બીજની વ્યવસ્થા પણ ગોપાલભાઈની ગૌશાળા દ્વારા કરી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ ખેડુતોએ આ યોજનાનો લાભ લીધો છે.
www.bansigir.in
વૈદિક વિધિ અને સંગીત
ગૌશાળાનું વાતાવરણ અને તેની પવિત્રતા જળવાઈ રહે એ માટે ગૌશાળામાં દૈનિક વૈદિક હવન કરવામાં આવે છે. આ સાથે અહિયાં ભક્તિમય સંગીત અને સંસ્કૃતના શ્લોકો પણ દરરોજ બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવે છે, જે ગૌમાતાને ખુશ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગાયને નામ લઈને બોલાવતાં જાતે જ દોડી આવે છે
બંસી ગીર ગૌશાળાની ખાસિયત એ છે કે અહીંયાં રહેલી તમામ ગાયોના નામ રાખવામાં આવેલા છે અને દૂધ દોહવાનો સમય થાય એટલે ગાયને લેવા જવી પડતી નથી. ફક્ત જે-તે ગાયનું નામ લેતાં તરત જ તે જાતે દોડી આવે છે. આ સાથે જે ગાયનું નામ લેવામાં આવે છે એ જ ગાયનું બચ્ચુ પણ પોતાની માંનું નામ સાંભળતા જ જાતે બહાર દૂધ પીવા માટે દોડી આવે છે. આવું થવા પાછળના કારણ માટે ગોપાલભાઈ ઈશ્વરીય તત્વને જવાબદાર જણાવે છે.
www.bansigir.in
દોહન
અહીં પ્રાચીન ભારતની દોહવાની પ્રણાલીને અનુસરવામાં આવે છે. વાછરડું ગમે ત્યારે, ગમે તેટલા સમય સુધી ગૌમાતાનું ધાવણ મેળવી શકે છે. આ માટે હંમેશા બે આંચળ વાછરડા માટે જ રાખવામાં આવે છે. જયારે બાકીના બે આંચળથી માણસો માટે દૂધ દોહવામાં આવે છે.
www.bansigir.in
નંદી ગીર યોજના
અહીં ભારતીય ગાયોના પ્રજનન માટે તંદુરસ્ત નંદી રાખવામાં આવ્યો છે. આ નંદીને ગૌશાળા અને ગામોમાં મોકલવામાં આવે છે. અહીંની ગાયોને વેચવામાં આવતી નથી પણ નંદીને બીજી ગૌશાળા બે વર્ષ માટે રાખી શકે છે.
www.bansigir.in
આયુર્વેદિક દવાઓની વિશાળ શ્રેણી વિકસાવવામાં આવી છે
અહીંયા હર્બલ તેમજ પંચગવ્ય આધારિત ઘટકોના મિશ્રણનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવાઓની વિશાળ શ્રેણી વિકસાવવામાં આવી છે. આયુર્વેદમાં, ઘી અને ગોમુત્ર (ગૌમાતાનો પેશાબ)ને કુદરતી વૃદ્ધિકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, આ બંને ઘટકો સાથે જો દવા લેવામાં આવે તો દવાનું શોષણ અને અસરકારકતા સુધરે છે. ઉધરસ, હોર્મોનલ અસંતુલન, અસ્થમા અને કેન્સર જેવા વિવિધ પ્રકારના રોગોમાં અહીંના ઘી અને ગોમુત્ર આધારિત તબીબી ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરીને નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
નિ:શુલ્ક ક્લિનિક
સામાન્ય લોકો માટે ગૌશાળામાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર આપવા માટે વૈદ્ય બેસાડવામાં આવ્યા છે. જે તમારી નાડી તપાસીને તમારા રોગો વિષે જણાવે છે. અહીંયા વિવિધ પ્રકારના રોગોની સારવારમાં દર્દીઓને ખૂબ જ સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે.
ગાયોના ચારામાં પણ આયુર્વેદનો ઉપયોગ
ગાયોને આપવામાં આવતા ચારામાં ઋતુ અને હવામાન પ્રમાણે ઘણા ગુણકારી આયુર્વેદિક છોડ ઉમેરવામાં આવ્યા છે. આમ કરવાથી ગાયોની તંદુરસ્તી અને દૂધની ગુણવત્તા સુધરે છે. બીમાર ગાયોના ઉપચાર માટે વધુમાં વધુ આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે અને પશ્ચિમી દવાઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવામાં આવે છે.
ઓર્ગેનિક ખેતી
આપણો દેશ અને વિશ્વ કૃત્રિમ ખાતર અને જંતુનાશક સબસિડી પાછળ દર વર્ષે અબજો ડોલર ખર્ચ કરે છે. આનાથી ફૂડ ચેઇનમાં ઝેરી રસાયણો દાખલ થાય છે અને તેથી આરોગ્યમાં અસંતુલન અને જાહેર આરોગ્ય પર વધુ ખર્ચ કરવો પડે છે.
ખેડૂતોને ખર્ચ ઘટે અને સારો પાક આવે એ માટે કરવામાં આવ્યા પરીક્ષણ
ગોપાલભાઈનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) માનવું છે કે ખેત ઉત્પાદન સુધારવા માટે કુદરતી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત છે. ગોપાલભાઈ દ્વારા કરેલા સંસોધનમાં જાણવા મળ્યું કે છાશ, ગૌમુત્ર (ગૌમાતાનો પેશાબ) અને પાણીનું પ્રોબાયોટિક મિશ્રણ યુરિયા કરતાં વધુ ઝડપથી પરિણામ આપે છે, અને તે છોડની રોગ પ્રતિકારક અને વૃદ્ધિમાં વધારો કરે છે. ગૌમાતાના છાણ આધારિત ખાતર ખેતીની ઉત્પાદકતા અને ઓર્ગનિક ફાર્મિંગને આગળ વધારી શકે છે.
www.bansigir.in
વૈદિક સમયગાળામાં, ભારતીય લોકોએ ગોપાલન અને કૃષિ વચ્ચેના સુમેળ સંબંધ સ્થાપીને ઘણા સારા પરિણામો મેળાવ્યા હતા. આ જ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ખેડૂતોનો ખર્ચ ઘટે અને જમીન છિદ્રાળુ (પોરસ) બને એ હેતુથી બંસીગીર ગૌશાળા દ્વારા ગાયના છાણ અને મૂત્રના વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ તૈયાર કરવામાં આવેલ દ્રાવણનું પરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે પાકનો વિકાસ ખૂબ જ સરસ રીતે અને સસ્તામાં થઇ શકે છે. આ દ્રાવણનો ખર્ચ એક એકર દીઠ માત્ર 2 રૂપિયા જ આવે છે. આ દ્રાવણનો ઉપયોગ કરીને 32 પાકમાં સારા પરિણામો મેળવવામાં આવ્યા છે. હાલ ખેડૂતોને બેક્ટેરિયા વાળું દ્રાવણ નિ:શુલ્ક આપવામાં આવે છે.
www.bansigir.in
પોતાના 7 બાળકોથી શરૂ કરી ગોતિર્થ વિદ્યાપીઠ
ગોપાલ સુતરિયાનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) દ્રઢ પણે માનવું છે કે બાળકોમાં ભણતરની સાથે સંસ્કારોનું સિંચન થવું ખુબ જ જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં ભારતના પ્રાચીન વૈદિક વિચારોને લાગુ કરવાના પ્રયાસરૂપે અહીં ગૌશાળાના જ પરિસરમાં ગોતીર્થ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં બાળકો પ્રાચીન વૈદિક પરંપરાઓના આધારે શિક્ષણ મેળવે છે. અહીં કોઈ પરીક્ષાઓ અથવા પ્રમાણપત્રો નથી, અને શિક્ષકો વિદ્યાર્થીઓ પર કોઈ દબાણ લાવ્યા વગર સમયાંતરે મૂલ્યાંકન કરે છે.
વૈદિક શિક્ષણ અને ગૌમાતા આધારિત આહારનો ઉપયોગ કરીને બાળકોની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાઓમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત થયા છે. અહીં વિદ્યાર્થીઓ વૈદિક ગણિત, ગૌપાલન, કૃષિ, યોગ, આયુર્વેદ અને કલારીપયટ્ટૂ વિષયો શીખે છે. કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક વાતાવરણ પ્રાચીન “ગુરુ-શિષ્ય પરંપરા” સાથે સુસંગત છે. રસપ્રદ બાબત તો એ છે કે પોતાના જ ઘરના 7 બાળકોથી શરૂઆત કરવામાં આવેલી ગોતીર્થ વિદ્યાપીઠમાં આજે 70થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જયારે 500થી વધારે બાળકોનું અહીંયા અભ્યાસ કરવા માટે વેઈટીંગ છે.
દેશની સૌથી શ્રેષ્ઠ, વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ચાલતી બંસીગીર ગૌશાળાના સ્થાપક અને સંચાલાક ગોપાલ સુતરિયાનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) કહેવું છે કે ગૌમાતા વગરનું જીવન હવે વિચારી શકાઈ એવું નથી. ગૌમાતાના અમને જે સ્વરૂપમાં દર્શન થયા છે એ જોઇને હવે મારું સંપૂર્ણ જીવન ગૌમાતા અને ખેડૂતો માટે સમર્પિત છે.
આજના આ સમયમાં ગોપાલભાઈ જે રીતે ગાયોની સેવા કરે છે અને માતાની જેમ તેની દેખરેખ રાખે છે તે જોઇને ચોક્કસ એવું લાગે કે તે ભગવાન શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે. ગુજરાતનો આ ગોપાલ (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) ખરેખર અમેઝિંગ છે અનેtraveltoculture.com દ્વારા ગોપાલભાઈને Amazing Gujaratiનું બિરુદ આપતાં ગર્વની લાગણી અનુભવે છે.
ભારત પોતાની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને પરંપરાઓના કારણે વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે. લોકો એકબીજાના રહેઠાણ, કપડાં, લત્તા, ધર્મ, માન્યતા, રીતરિવાજ, ખાણીપીણી, વાણી, આચાર-વિચાર જેવી બાબતો જોઈને મૌખિક રીતે જે વ્યવહાર ચલાવે છે તેને લોકસંસ્કૃતિ કહેવામાં આવે છે. દરેક પ્રદેશ, ત્યાં વસેલી પ્રજા અને એમની સાથે આવેલા એમના સંપ્રદાય, સંસ્કાર, રિવાજ, એમનું સંગીત, નૃત્ય, ચિત્રકલા અને કલાકારીગરીએ સાથે મળીને ગુજરાતની લોકસંસ્કૃતિને ઘાટ આપ્યો છે.
નૃત્ય કોને કહેવાય?
માનવીના જીવનમાં આનંદ કે શોકનો અતિરેક થાય ત્યારે તેમના શરીરમાં રહેલી લાગણીઓ તાલબદ્ધ રીતે બહાર આવે છે અને નૃત્યનું સર્જન થાય છે. લોકનૃત્ય શીખવા માટે કોઈ ખાસ પ્રકારની તાલીમની જરૂર નથી. તે એક લોકસમૂહ દ્વારા શરીરના સાદા હલનચલનથી અને પ્રાકૃતિક જોમ તથા જોશથી ઘડાયેલું હોય છે. ગુજરાત રાજ્યને અન્ય રાજ્યોની જેમ શાસ્ત્રીય નૃત્ય પ્રણાલી નથી. પરંતુ અહીં આદિવાસી નૃત્ય કે લોકનૃત્ય પ્રણાલી વિશિષ્ટ રીતે પાંગરી છે.
ભારતના આદિવાસીઓ આશરે 450 જેટલાં સમુદાયોમાં વહેંચાયેલા છે. આ સમુદાયોમાંના કેટલાક મુખ્ય સમુદાયોના પેટાવિભાગો પણ છે. નવ આદિમ જાતિઓ એવી છે કે તેમાં એક પણ સભ્ય જીવિત નથી. જ્યારે 21 આદિમ જાતિઓ એવી છે કે જેમની વસ્તી આશરે પાંચ લાખથી પણ વધુ છે. ગુજરાતમાં આદિવાસીઓ કુલ 25 વિભાગોમાં વહેંચાયેલા છે.
દક્ષિણ ગુજરાતના વાપીથી લઈને તાપી સુધી આ ઘેર(ઘેરૈયા) નૃત્યનું અનેરું મહત્વ છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું આ પરંપરાગત નૃત્ય 200 વર્ષ જૂનું છે. આદિવાસી સમાજમાં નવરાત્રી પર્વ પર “ઘેર નૃત્ય” Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) ગરબાની પરંપરા છે. માતાજીની આસપાસ ઘેરો કરીને આ નૃત્ય કરવામાં આવતું હોવાથી તેને ઘેર નૃત્ય કહે છે. ઘેર બાંધનાર માતાના ખેરા કહેવાય છે અને ઘેર મંડળીના મુખ્ય વ્યક્તિને “કવિયો” કહે છે. કવિયો એ ગૂઢ વિદ્યાનો જાણકાર હોય જે ઘેરને મુસાફરી અને નૃત્ય દરમ્યાન આવતી તકલીફોથી બચાવે છે. એવી માન્યતા પણ છે. ઘેર ગરબા માત્ર પુરુષો દ્વારા જ રમવામાં આવે છે. તેઓ માતાજી જેવો વસ્ત્રો ધારણ કરે છે. જેથી તેને અર્ધનારેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુરુષો માતાજી જેવો વસ્ત્રો ધારણ કરીને રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરે છે. તેઓને દેવીશક્તિ પર ગાઢ શ્રદ્ધા હોવાથી આ નૃત્ય નવરાત્રીના સમયે કરવામાં આવે છે.
ઘેર નૃત્ય – Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) ક્યારે કરવામાં આવે?
નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ, નવરાત્રીથી લઈને છેક દેવદિવાળી સુધીનો સમય એટલે જાણે કે આદિવાસી સમાજ માટે ઘેર બાંધી માતાજીને રિઝવવાનો સર્વોત્તમ અવસર! આસો માસમાં લોકો ધીમે-ધીમે કાપણીના કાર્યમાંથી પરવારતા હોય છે. તેમજ પોતાને કૃષિ પાકમાં મબલખ પાક ઊતરવાનો અનેરો આનંદ આ સમયગાળા દરમિયાન આદિવાસી કૃષકોમાં હોય છે. આ આનંદ અને નવરાશની પળને મન ભરીને માણી લેવા આદિવાસી સમુદાય માતાજી સાથે પોતાના વિવિધ દેવ-દેવીઓને ઘેરના તાલે ભજી લેવા આતુર હોય છે. માતાજીનો ગરબો, પારણું, ઘોડિયે ચડાવવાનું, વધૂનું લહેરીયું, મૃત્ય થાય પછી શોક ભાંગવા, લગ્ન, સામાજિક કે રાજકીય પ્રસંગોના સમયે પણ ઘેર ગવડાવવામાં આવે છે.
પુરુષોનો સમૂહ સ્ત્રીઓ જેવા વેશ પરિધાન અને સાજ શણગાર કરે છે. ઘેરૈયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી અને ગળામાં, હાથમાં, કાંડા પર અને પગની પાનીએ સ્ત્રીઓ જેવા ઘરેણાં પહેરે છે. કાનમાં ગલગોટાના ફુલનો શણગાર કરે છે અને કમર પર બળદના ગળામાં બાંધે એવી પિતળની ઘૂઘરી બાંધેલો ચામડાનો પટ્ટો પહેરે છે. તેઓના હાથ લાકડાના જાડા દાંડિયા અને મોરપીંછની કલગીથી શોભતા હોય છે. ઘેર નૃત્ય રજૂ કરતી મંડળીના મુખ્ય પાત્રના હાથમાં મોરના પીંછાઓની પીંછી હોય છે. એવું માનવામાં આવે છે કે આ પીંછી ઘેરૈયાઓને ખરાબ નજરથી બચાવે છે.
સમયના જતાં અને મોર્ડન યુગ આવતા આ પહેરવેશમાં બદલાવ પણ આવ્યો છે. હવે ઘેરૈયાઓ બુટ મોજા અને ગોગલ્સ પણ પહેરે છે. આવા મોર્ડન યુગના ઘેરીયાઓ એક ઘરેથી બીજા ઘરે ઘેર રમવા જાય ત્યારે અનેરો થનગનાટ જોવા મળે છે. જે રીતે દરેકના પગ સ્ફૂર્તિ સાથે ઊંચકાતા હોય ત્યારે થાક તો માત્ર નામનો જ હોય છે. આ મંડળી સાથે એક ઘોડીવાળો હોય છે. જે સમગ્ર ઘેરિયા મંડળીમાં વિદૂષકની (જોકર) જેમ ચાળા પાડીને આકર્ષણ જમાવતો હોય છે.
ઘેર રમતાં પહેલાં મંડળીના તમામ સભ્યોમાં જોમ ( જોશ ) પૂરો પાડવા માટે “સામરેક મોરચા” નામના શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે અહીં એવી કહેવત છે કે બાર ગામે બોલી બદલે એ રીતે ક્યાંક સમરેક મોરચા પણ બોલવામાં આવે છે. “સામરેક મોરચા” આવું જ્યારે કવિયો (મંડળીનો મુખ્ય વ્યક્તિ) બોલે એટલે જાણે બધા સજ્જ થઈ જાય અને હા રે હા ભાઈ બોલી ઉઠે છે.
મંડળીના દરેક સભ્ય આ સમય દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરે છે.
માંસાહાર કે મદિરાનું સેવન નથી કરતા.
મંડળીને મળતી ભેટ કે બક્ષિસ ગામના દેવસ્થાનને આપવા અથવા તો ગામના સાર્વજનિક કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
જે બક્ષિસ મળે એ લઈ લેવાની સામેથી માંગવાની નહી.
કવિયાનાં તમામ આદેશનું શબ્દસહ પાલન કરવામાં આવે છે.
મંડળીના નાના આદેશોનું પણ પાલન કરે છે.
દક્ષિણ ગુજરાતનાં બારડોલી અને નવસારી વિસ્તારમાં હળપતિ સમાજ ઘેર બાંધી ઘેર નૃત્ય કરે છે. જ્યારે મહુવા, અનાવલ, વાંસદા અને રાનકુવા વિસ્તારમાં ધોડીઆ, નાયકા અને હળપતિ સમાજના લોકો ઘેર બાંધી ઘેર નૃત્ય કરે છે. જ્યારે વલસાડ વિસ્તારમાં ધોડીઆ સાથે કોળી સમાજના લોકો પણ ઘેર બાંધી ઘેર નૃત્ય કરતાં જોવા મળે છે.
ઘેરૈયા નૃત્યની સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટંકી પણ છે. ઘરના આંગણે ઘેરૈયા ઘેર ગરબા રમી જાય એટલે આખું વર્ષ સારું પસાર થાય એવી માન્યતા છે. પણ આ નૃત્ય હાલ લુપ્ત થવાના આરે છે. આદિવાસી સમાજમાં પણ આ મર્યાદિત થઈ ગયું છે. પણ અમુક આદિવાસીએ આ પરંપરાને મંડળીઓ બનાવીને જાળવી રાખી છે.
બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી લાભપાંચમના દિવસે ઘેરૈયા Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) હરીફાઈનું આયોજન કરીને આ પરંપરાની જાળવણી કરીને આ નૃત્યને પ્રોત્સાહન આપે છે. વર્તમાન સમયમાં અમુક પ્રોફેશનલ ટીમ ખાસ આમંત્રણથી નવરાત્રી દરમ્યાન સુરત, નવસારી, બીલીમોરા, વલસાડ જેવા વિવિધ સ્થળોએ ઘેર રમવા પણ જાય છે.
આપણા દેશના જવાનો કે જે આપણી સુરક્ષા માટે દિવસ-રાત જાગે છે. જેથી આપણે શાંતિથી ઊંઘી શકીએ, દેશના આ સપૂતો દેશ માટે પોતાના પ્રાણ કુરબાન કરવાના આવે તો પણ પીછેહઠ નથી કરતાં કે એક મિનિટ પણ વિચારતા નથી. આવા શુરવીરોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણી છાતી ગજ-ગજ ફૂલી જતી હોય છે. આપણાં દેશમાં ભારત-પાકિસ્તાનની સરહદે વાઘા બોર્ડર ખાતે જે ડ્રીલ રિટ્રીટ થાય છે. એ જોઈને સવાશેર લોહી વધી જાય છે. આવી જ વાઘા બોર્ડર હવે ગુજરાતમાં પણ છે. બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના નડાબેટ (Nadabet Seema Darshan) ખાતે ઝીરો પોઇન્ટ ઉપર ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી છે.
courtesy – www.gujarattourism.com
નડાબેટ બોર્ડર (Nadabet Seema Darshan) ખાતે ઝીરો પોઇન્ટ પર સીમા દર્શનની શરૂઆત કરવાનો વિચાર કઈ રીતે આવ્યો?
2016માં જ્યારે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, જવાનોની કામગીરીને લોકો નજીકથી નિહાળી શકે અને બિરદાવી શકે તે માટે સીમા દર્શન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ફક્ત 2 મહિના જેવા નજીવા સમયમાં આ વિચારનો અમલ પણ કરવામાં આવ્યો. જેથી વાઘા બોર્ડર બાદ સૂઇગામનું નડાબેટ દેશનું બીજુ સ્થળ બન્યુ છે કે જ્યાં હવે રિ-ટ્રીટ યોજાઈ રહી છે. આવા ઉમદા વિચારથી લોકોને જવાનોના જીવનચર્યાને નજીકથી જાણવાનો મોકો તો મળશે જ સાથે આ વિસ્તાર પ્રવાસન તરીકે પણ વિકાસ પામશે. જેથી લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા 24 ડિસેમ્બર, 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમાદર્શન(Nadabet Seema Darshan) કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી, આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, બોર્ડર ટુરીઝમનો આ નવતર અભિગમ રાજય-રાષ્ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો, બોર્ડરને માણવાનો અવસર આપશે. આ સાથે સરહદ સાચવતા BSF જવાનોની જીવનચર્યા-કપરા સંજોગોમાં તેમની વતનરક્ષા પરસ્તીને પણ પ્રત્યક્ષ અનુભવવાનો આ પ્રયોગ ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને નવી દિશા આપશે એવું પણ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે. જો આ સરહદી યુધ્ધ થાય તો BSF એ સીધો દુશ્મન દળોનો મુકાબલો કરવો પડે. આ સંદર્ભમાં BSF જવાનોની દિલેરી-જવામર્દીને સૌ કોઇ જાણે એવા હેતુથી આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કર્યો છે.
આપણાં દેશમાં ભારત-પાકિસ્તાનની સરહદે વાઘા બોર્ડર એકમાત્ર એવી સરહદ ચોકી છે કે, જયાં બંને રાષ્ટ્રોની ડ્રીલ રિટ્રીટ જોવાનો અને જાણવાનો રોમાંચ મળતો હોય છે. પરંતુ હવે ગુજરાતના બનાસકાંઠાની આ સરહદે નવું બોર્ડર ટુરીઝમનું નજરાણું દેશને ભેટ ધર્યું છે.
courtesy – www.gujarattourism.com
સીમા દર્શન કાર્યક્રમમાં શું-શું જોવા મળશે?
સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ન ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે. BSFની આ રિટ્રીટ સેરિમની અહીંનું મુખ્ય આકર્ષણ છે. જેને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો નડા બેટ ખાતે ઉમટી પડે છે.
courtesy – www.banaskantha.nic.in
આ સાથે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે. જેના ખૂબ જ વખાણ થાય છે. આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળવાનો મોકો મળશે.
courtesy – www.gujarattourism.com
આ બોર્ડર ટુરીઝમ સાથે ઘુડખર, ફ્લેમીંગો-ડેઝર્ટ સફારી પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.
courtesy – www.gujarattourism.com
નોંધ : આ સીમા દર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમનું આયોજન દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે થાય છે. પરંતુ આપણે 5 વાગે એટલે આપણી જગ્યા પર ગોઠવાઈ જવું જેથી આ દેશનું રક્ષણ કરનાર જવાનોની પરેડને નજીકથી જોવાનો મોકો મળે. આ માટે BSF દ્વારા એક બસ ચાલુ કરવામાં આવી છે. જે લોકોને બસની સગવડતા ન લેવી હોય તો એવા લોકો પોતાના પ્રાઇવેટ વાહનમાં પણ જઈ શકે છે. જ્યારે પણ તમે અહીં જાઓ ત્યારે તમારું ID પ્રુફ સાથે રાખવાનું ખાસ યાદ રાખજો.
આ ડિજિટલ યુગમાં આપણે કોઈ પણ જગ્યાએ જઈએ એટલે ફોટો પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં અપલોડ કરવાનું તો જાણે ચલણ બની ગયું હોય એવું લાગે છે. એ વાતને ધ્યાનમાં રાખીને રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં તમે મસ્ત ફોટોની સાથે સેલ્ફી પણ લઇ શકશો ને તમારી આ પળને યાદગાર બનાવી શકશો.
BSF કેમ્પના જવાનો શ્રધ્ધાથી કરે છે નડેશ્વરી માતાની પુજા-આરાધના
નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. અહીં માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ ધરતીમાતાનું રક્ષણ કરતાં સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ ‘નડાબેટ’ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.
courtesy – www.gujarattourism.com
દર વર્ષ ચૈત્ર નોમના દિવસે અહીં મેળો ભરાય છે. જેમાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા BSF કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે.
BSF જવાન અને પૂજારી, અંજન પાંડે આ મંદિર અંગે જણાવે છે કે, રણ વિસ્તારમાં કોઈજ પૂજા માટે આવતું ન હતું. જેથી વર્ષોથી આ મંદિર માં દેશની સુરક્ષા કરતા જવાન જ પૂજા કરે છે. અહિયાં રોકવા માટે ધર્મશાળા પણ છે. જ્યાં નજીવા ખર્ચે તમે રોકાઈ પણ શકો છો.
એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2500 – 5000
જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500 – 2000
કુલ – 12000 થી 16000/—
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.