Author Archives: admin

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

Posted By admin June 5, 2021
Lothal

સિંધુ નદી અને તેમાં વિલીન થતી ઝેલમ, ચીનાબ, રાવી અને સતલુજ નદીઓનો પ્રદેશ એ આપણી સંસ્કૃતિનો ઐતિહાસિક યુગનો પુરાતન પ્રદેશ છે. આ પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સંસ્કૃતિને કાંસ્યાયુગીન સંસ્કૃતિ પણ કહે છે, કેમકે ત્યાં તાંબુ અને ટિનનો ઉપયોગ કરીને કાંસુ બનાવવામાં આવતું અને તેનો ઉપયોગ ઘરવપરાશ માટે કરવામાં આવતો હતો.

વિવિધ પ્રદેશોમાંથી ઉત્ખનન કરાતા મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના અવશેષો

ઈ.સ.1921માં હડપ્પાના (જિ.મોન્ટગોમરી,પાકિસ્તાન) મહત્વની પ્રતીતિ થતાં આ સ્થળોએ વિસ્તૃત ઉત્ખનન કરાતા સિંધુસભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ (સૌપ્રથમ અવશેષ હડપ્પા નામના સ્થળેથી મળ્યા હોવાથી) તરીકે ઓળખાતી ભારત-પાકિસ્તાન ઉપખંડની પ્રથમ નગર-સભ્યતાનાં બે મહાન નગરો હડપ્પા અને મોંહે-જો-દડોના અવશેષ મળી આવ્યા હતા. આ સંસ્કૃતિનાં સંખ્યાબંધ સ્થળ પંજાબ, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ મળી આવ્યા છે. તે પૈકી દક્ષિણ ગુજરાતમાં કીમ નદીને કિનારે આવેલું ભાગા તળાવ, સૌરાષ્ટ્રમાં રંગપુર (ગુજરાતમાંથી શોધાયેલ સૌપ્રથમ નગર) અને રોજડી, કચ્છનું દેશળપુર અને ધોળાવીરા તથા અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાનાં લોથલમાંથી (Lothal) આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલની શોધ (Lothal)

અમદાવાદથી 80 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલ આ પ્રાચીન જગ્યા ઉપર આજથી 4500 વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું શહેર આવેલું હતું. સિંધુ સંસ્કૃતિનો વ્યાપ અત્યારના પાકિસ્તાન સુધી ફેલાયેલો હતો. ભારત સરકારના પુરાતત્વ વિભાગના પ્રો.એસ.આર.રાવ અને તેમની ટીમે 1955 થી 1962 દરમ્યાન સંશોધન કરતાં આ પ્રાચીન શહેર લોથલ (Lothal) મળી આવ્યું. આ નગરમાંથી મળેલા અવશેષો ઈ.સ.પૂર્વેનાં 2500 થી 1900 દરમ્યાનનાં હોવાનું માનવામાં આવે છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

ખનન પ્રવૃત્તિ કરીને જાણવા મળ્યું કે અહીં સાબરમતીના કાંઠા ઉપર આવેલું વિશ્વનું સૌથી જૂનું કૃત્રિમ બંદર આવેલું હતું. આ જગ્યા ઉપર એક કિલ્લા બંધ શહેર, બહારનો વિસ્તાર, મણકાઓની ફેક્ટરી, વખાર અને ગટર વ્યવસ્થા આવેલી હતી.

પુરાતત્વવિદોએ શોધ્યું કે અહીં આવેલી કેનાલો અને બંદરોને કારણે આ શહેર વેપારનું એક મહત્વનું મથક હતું. અહીંના અવશેષોથી જાણવા મળે છે કે અહીંથી મેસોપોટેમિયા, ઈજિપ્ત અને પર્શિયા જેવા દેશો સાથે વ્યાપાર થતો હતો. અહીંથી બજાર અને બંદર ધરાવતી એક આખી ટાઉનશીપ મળી આવી છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલ (Lothal) નામનો અર્થ

એવું કહેવાય છે કે લોથલ એ બે શબ્દો; લોથ અને થલના જોડાણથી બનેલો છે. આ શબ્દોનો ગુજરાતી અર્થ “મડદાઓનો જથ્થો” એવો થાય છે. આ શહેર ઇસ પૂર્વે 3700માં વસ્તી ધરાવતું હતું અને આ એક સમૃદ્ધ વેપારી મથક હતું. 13 ફેબ્રુઆરી 1955થી 19 મે 1960 સુધી ભારતના પુરાતત્વ ખાતાએ અહીં ખનન કરતા આ શહેર મળી આવ્યું હતું. પુરાતત્વ વિદોનું માનવું છે કે આ શહેર સિંધથી સૌરાષ્ટ્રને જોડતા પ્રાચીન વેપારી જળમાર્ગનો એક મહત્વનો હિસ્સો હતું. અર્વાચીન ભારતના ઇતિહાસની સૌથી મહત્વની અને સૌથી વધુ પુરાતત્વ શોધખોળ આ વિસ્તારમાંથી મળી આવી છે.

લોથલની વિશેષતા

  • લોથલની પ્રમુખ વિશેષતા એટલે વાહન લાંગરવા માટેનો ડોકયાર્ડ
  • આ ડોકયાર્ડ 215 મીટર લાંબુ, 38 મીટર પહોળું અને 1 મીટર ઊંડું છે, તેની આજબાજુ પકવેલી ઈંટોની દીવાલનો બંધ બાંધવામાં આવ્યો હતો.
  • આ ડોકયાર્ડની ક્ષમતા 650 ક્વિન્ટલ વજન ધરાવતા વાહનોની હતી.
  • અહી મકાનો પણ વિશાળ હતા.
  • સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે.
  • ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
  • આ ઉપરાંત લોથલમાં મળેલી વખારો(Warehouse) અને દુકાનો દર્શાવે છે કે આ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું ભારતનું સમૃદ્ધ બંદર હશે.
  • લોથલમાં બારીક છીદ્રો ધરાવતા મણકા પણ મળી આવ્યા હતા.
  • અહીં મણકા બનાવવાનું કારખાનું, અગ્નિકુંડ, અનાજ દળવાની ઘંટીના અવશેષો પણ મળી આવ્યા.
  • કલાત્મક માટીના વાસણો લોથલની માટી કલાની વિશિષ્ટતા દર્શાવે છે.
  • લોથલમાં સ્ત્રી અને પુરુષના જોડિયાં શબ મળી આવ્યાં છે જે અવશેષ ‘સહમરણ નો રિવાજ’ સૂચવે છે.
  • અહીં એક બાળકના શબમાં તેની ખોપડીમાં કાણું પડેલું જોવા મળે છે. જે કદાચ મગજમાં શસ્ત્રક્રિયા કરવામાં આવ્યાના સંકેત છે.
  • આ વિસ્તારની આજુ બાજુ કપાસ અને ચોખાનું ઉત્પાદન કરવામાં આવતું.
  • આ બંદરથી પશ્ચિમ એશિયાના પ્રદેશમાં અર્ધ કિંમતી પત્થરો, મણકાઓ, તાંબુ, હાંથી દાંતની વસ્તુઓ, શંખ અને કપાસનો વેપાર કરવામાં આવતો હતો.
Photo Courtesy – Anuj Acharya

લોથલના અવશેષોનું મ્યુઝિયમ

  • લોથલના (Lothal) અવશેષોનું એક મ્યુઝિયમ છે.
  • જેની સ્થાપના ઇ.સ. 1976માં કરવામાં આવી.
  • મ્યુઝિયમમાં આવેલા છે ત્રણ વિભાગ
  • જેમાં એકમાં લોથલની સંભવિત કલાકૃતિ, બીજામાં મણકાઓ અને તેની બનાવટ, માટીના વાસણો, આભૂષણો, પ્રાચીન મહોર, માનવચિત્ર, ધાર્મિક પ્રતીકો અને રોજબરોજમાં વપરાતી ચીજવસ્તુઓનું પ્રદર્શન પ્રવાસીઓ માટે રાખવામાં આવેલ છે.
  • ત્રીજા વિભાગમાં નાની-નાની મૂર્તિ, ઈંટો, રમકડાં વગેરે અવશેષો જોવા મળે છે.
  • અહીં લોથલની (Lothal) પરિકલ્પના કરતુ ડમી સ્ટેચ્યું પણ બનાવવામાં આવ્યું છે.

ખાસ નોંધ : આ મ્યુઝિયમ રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને શુક્રવારે બંધ હોય છે.

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

લોથલનો વિનાશ

લોથલ (Lothal) શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલના મકાનોમાં ઉપરા-ઉપરી ત્રણ થર મળ્યા છે. જે પરથી અનુમાન લગાવી શકાય કે ત્યાં મકાનો એક જ પાયા પર જુદા-જુદા સમયે બંધાયા હશે. નગરના વિનાશની શરૂઆત ઇ.સ. પૂર્વે 1900 થી શરૂ થયેલો જેમાં મુખ્ય અવારનવાર આવતા પૂર જવાબદાર હતા. આથી ઇ.સ. પૂર્વે 1700 સુધીમાં લોકોએ આ શહેરનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. જેથી એ લુપ્ત થવા માંડ્યું હતું.

દુરથી શાંત લાગતું આ નગર પોતાની ભીંતરે હજારો વર્ષ જુનો વૈભવ સાચવીને બેઠું છે. ચારે બાજુ દેખાતા પત્થરો પોતાની પાસે કોઈ મુસાફર આવીને કાન માંડે તો વર્ષો જુના વારસાની વાતો કહેવા મીટ માંડીને ઉભા હોય તેવી અનુભૂતિ કરાવે છે.

  • લોથલ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 160 km.) – Rs.2000 – 3500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2300
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 1800
  • કુલ – આશરે 6500 થી 11,000/—
  • અંતર (Distance)
  • સુરતથી – 280 km.
  • વડોદરાથી – 122 km.
  • અમદાવાદથી – 79 km.
  • રાજકોટથી – 172 km.
  • કચ્છ – 404 km.

Article Courtesy – કવન આચાર્ય

આલેખન – રાધિકા મહેતા

400 ચોરસ કિમી.માં પથરાયેલું ગુજરાતનું આ જંગલ અચૂક જોવા જેવુ

Posted By admin June 5, 2021
polo forest

આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માનસિક રીતે કંટાળી જતાં હોય છે. માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો એ આપણાં શરીર અને વર્તન પર પણ અસર કરે છે. એટલે જ આ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે મનને શાંતિ મળવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની માનસિક શાંતિ મેળવવા માટે પ્રકૃતિની ગોદમાં જવું સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે તમે પ્રકૃતિ સાથે સંપર્કમાં આવો છે અને પ્રકૃતિને માણો છો તો અંદરથી જ તમારું મન પ્રફુલ્લિત થવા લાગે છે. મન પ્રફુલ્લિત થતાં મનને પણ શાંતિ મળે છે અને એનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

પ્રકૃતિના ખોળે આનંદ માણવાનો અને પરિવાર સાથે વન-ડે પિકનિકનો પ્લાન કરી શકાય એવી ગુજરાતની આ લાજવાબ જગ્યાનું નામ છે પોળો ફોરેસ્ટ (Polo Forest)

Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફોરેસ્ટ એ આંખોને ઠંડક આપતું જંગલ વિસ્તાર છે. જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે 400 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે. અમદાવાદથી લગભગ 160 કિમીના અંતરે આવેલું પોળો ફોરેસ્ટ (Polo Forest) કુદરતની અદમ્ય રચના છે. આ પોળોના જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

 polo forest
Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફોરેસ્ટનો (Polo Forest) ઇતિહાસ

અહીં 10મી સદીમાં હર્ણાવ નદીના કિનારે ઇડરના પરિહાર રાજાઓએ એક નગર વસાવ્યું હતું. 15મી સદીમાં આ નગર ઉપર મારવાડના રાઠોડ વંશના રાજાઓએ વિજય મેળવ્યો અને તેને ઇડર સ્ટેટની અંદર સમાવી લીધું. આ નગર કલાલિયો અને મામરેચી નામના બે ઊંચા પર્વતોની વચ્ચે આવેલું છે. આ પર્વતોને કારણે આ નગરમાં દિવસે પણ સુર્યપ્રકાશ પહોંચી શકતો નહોતો આથી આ નગરમાંથી વસ્તી ખાલી થઈ ગઈ. પોળો નામ પોળ ઉપરથી પડયું છે. મારવાડી ભાષામાં પોળનો અર્થ દ્વાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. આ જંગલોમાં 15મી સદીના ખંડેર થઈ ગયેલા 15મી સદીના હિન્દુ અને જૈન મંદિર આવેલા છે. રાજ્યના પુરાતત્વ ખાતાએ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

Courtesy – www.gujarattourism.com

અહીંયા તમને શું-શું જોવા મળશે?

  • 450થી વધુ પ્રકારના ઔષધી છોડ
  • 275 પ્રકારના પક્ષીઓ
  • 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ
  • 32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ
  • આ સાથે રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
Courtesy – www.gujarattourism.com

આજુ-બાજુમાં જોવાલાયક બીજા સ્થળો

અભાપુરનુ શક્તિમંદીર

  • અભાપુરનુ શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે.
  • મંદિરના દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે, જેની ભાષા સ્પષ્ટ થતી નથી.
  • આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે, જોકે બીજા સૂર્યમંદિરોથી અલગ આ મંદિર પશ્ચિમાભિમુખ છે.
  • મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાણી દેવી, ઇંદ્ર-ઇંદ્રાણી, શિવ-પાર્વતી, બ્રહ્મા-બ્રહ્માણીના શિલ્પો જોવા મળે છે.
  • મધ્યમાં દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો આકર્ષણરૂપ છે.
Courtesy – www.gujarattourism.com

કલાત્મક છત્રીઓ

  • આ કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે.
  • છત્રીનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે.
  • મોટાભાગની છત્રીઓ બેની જોડમાં (જોડી સ્વરૂપે) જોવા મળે છે.
  • આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીમાં થયું હોવાનુ મનાય છે.
Courtesy – www.gujarattourism.com

શરણેશ્વર મહાદેવ

  • આ મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જમીનમાં પથરાયેલું છે.
  • આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી.
  • મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે.
  • મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે.
  • આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે.
  • મંદિર કુલ ત્રણ માળનું છે.
  • મંદિરનાં બહારના ભાગમાં વેદી પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે.
  • મંદિરના સ્તંભો ઉપરથી લઈને નીચે સુધી વૃત્તાકાર છે.
Courtesy – www.gujarattourism.com

રક્ત ચામુંડા

  • શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે.
  • મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે.
  • ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે, જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.
Courtesy – www.gujarattourism.com

લાખેણાનાં દેરાં

  • દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે.
  • મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનુ શિલ્પ સોલંકી કાળનું છે.
  • મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે.
  • જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે.
  • મંદિરમાં 80 થી વધુ સ્તંભો ઊભા કરેલાં છે.
 polo forest
Courtesy – www.gujarattourism.com

સદેવંત સાવળિંગાના દેરાં

  • આ મંદિરની સાથે-સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે.
  • આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે.
  • નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.
  • કેટલીક જગ્યાએ નીચેથી ઊગી નીકળેલાં વૃક્ષોએ લગભગ મંદિર ઊંચકી લીધું હોય તેમ જણાય છે.
 polo forest
Courtesy – www.gujarattourism.com

પોળો શા માટે લોકપ્રિય બની રહ્યું છે?

અહીંની જગ્યા ટ્રેકિંગ કરવા યોગ્ય છે, જેથી ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. એટલે ટ્રેકિંગ લવરને આ જગ્યા આકર્ષે છે. અહીંયા એક નાનું ઝરણું પણ આવેલું છે જે ચોમાસામાં પોતાના ખરા અંદાજમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35થી વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. જો સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે તમે અહીંયાની મુલાકાત લેશો તો અહીંની ગ્રીનરી તમારું મન મોહી લેશે. અને જો તમે વીકેન્ડ પ્લાન કરવા ઈચ્છો છો તો કુદરતના ખોળે રહેલું આ સ્થળ શ્રેષ્ઠ છે.

Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફેસ્ટિવલ

દર વર્ષે, ગુજરાત સરકાર દ્વારા પોળો ફેસ્ટિવલ ઊજવવામાં આવે છે. જેમાં સાહસિક પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલો ફોરેસ્ટમાં પોળો કેંમ્પ સીટીનુ સુયોજન હોય છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પોળો ઉત્સવનો આનંદ માણી શકો છો.

Courtesy – www.facebook.com/poloretreat

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

રહેવું ક્યાં?

પોળોમાં રોકવા માટે ઈચ્છતા લોકો માટે પોળો કેમ્પ સાઇટ એક સારો વિકલ્પ છે. જે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોળો કેમ્પ સાઇટમાં રહેવા માટે તમારે હિમતનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરવો પડશે.

  • પોળો ફોરેસ્ટ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 320 kms) – Rs.3000 – 6000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2000 – 4000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3200
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
  • કુલ – 8000 થી 14000/—

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર ફરકી રહ્યો છે રાષ્ટ્રધ્વજ

khodaldham

ખોડિયાર માતાજી આમ તો દરેક પરિવારમાં પૂજાય છે, પણ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની કુળદેવી સ્વરૂપે માં ખોડલ બિરાજમાન થયા છે. ભાદર નદીના કાંઠે 100 એકર જમીનમાં આકાર પામેલું ખોડલધામ મંદિર સ્થાપત્યકલાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર 135 ફૂટ ઊંચા, 299 ફૂટ લાંબા અને 253 ફૂટ પહોળા વિસ્તારમાં સમાયેલું છે. આ ભવ્ય મંદિરમાં માં ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

આ અદ્વિતીય મંદિર બનાવવાનો પાછળનો વિચાર (khodaldham)

એક દિવસ નરેશભાઈ પટેલ તેમના મિત્રો સાથે બેસીને ચર્ચા કરતા હતા કે લેઉવા પાટીદાર સમાજ ખૂબ મોટો અને તાકાતવર છે તેમ છતાં વિખેરાઈ ગયો છે, આથી સમાજને એકઠો કરીને સમાજની તાકાત વધારવી જોઈએ અને દરેકને ઉપયોગી નીવડે એવું કાર્ય કરવું જોઈએ. આથી સમાજને એક તાંતણે બાંધવા માટે 2002માં આ મંદિર બનાવવાનો નિર્ણય લીધો. આથી 08-03-2010ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

khodaldham
Courtesy – www.khodaldhamtrust.org

શા માટે કાગવડ ગામ ખાતે (khodaldham) મંદિરનું નિર્માણ થયું?

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લેઉઆ પાટીદાર સમાજના લોકો છે અને કાગવડ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં આવે છે. કાગવડ ખાતે એકસાથે 100 એકર જમીન મળી રહે એમ હતી અને ભાદર નદીના કાંઠે વસેલું હોવાથી પાણીની પણ સમસ્યા હતી નહિ. આથી કાગવડ ગામ નજીક મંદિર બનાવવાનું નક્કી કર્યું. લેઉઆ પટેલ સમાજને એક તાંતણે બાંધવા મંદિર જ એવું સ્થળ બની શકે એમ હતું કે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે. આથી આ મંદિર લેઉઆ પટેલ સમાજની એકતાના પ્રતિક સમાન છે. 17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2017 સુધીમાં, આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા.

Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org

મંદિરનું બાંધકામ અને તેની વિશેષતા

  • ખોડલધામ (khodaldham) મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં (જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તે) થાય છે.
  • મંદિરની પહોળાઈ 252 ફુટ-5 ઇંચ છે, મંદિરની લંબાઈ 298 ફુટ-7 ઇંચ છે, જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ-1 ઇંચ છે.
  • ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે.
  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે.
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org
  • ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 જેટલી મૂર્તિઓ, મંડપથી(મંદિરની દીવાલ) મંદિરના શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે.
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org
  • મંદિરના પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • મંદિરના શિખર પર સોનાથી મઢેલા ધ્વજદંડ પર 52 ગજની ધજા ફરકે છે.આમ આ મંદિર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે બનાવાયું છે.
  • મંદિરમાં જમીનથી 18 ફૂટ ઉપર જગતી (plinth) બનાવેલી છે આ જગતી ગજ, અશ્વ અને ગ્રાસ ( લુપ્ત થઈ ગયેલું જળચર પ્રાણી)ના શિલ્પોથી સુશોભિત છે.
  • મંદિરમાં કુલ 72 જેટલા ગુલાબી પથ્થરોમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવત ગીતાના પ્રસંગોને કંડારીને મૂકવામાં આવ્યા છે.
  • મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જે ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાથી સુશોભિત છે. જે ભાવિકોની મન મોહી લે એવું છે.
  • મંદિરમાં આવેલા સ્તંભ પર પ્રાચીન ગ્રંથના દ્રશ્યો કંડારવામાં આવ્યાં છે જે ખરેખર કાબિલેદાદ છે
  • મંદિરમાં મુકાયેલ દરેક શિલ્પ પાંચ કારીગરોના હાથમાંથી પસાર થઈને બની છે.
  • મંદિરમાંની કલાત્મક કૃતિઓ રાત્રે પણ દીપી ઊઠે તે માટે ઈટલી, જર્મની અને અમેરિકાની લાઈટ લગાવવામાં આવી છે.
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org

મંદિર પરિસરની સુવિધાઓ

  • દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે વ્હીલચેર, ઈ-રીક્ષા, ગોલ્ફકાર, એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ ઉલબ્ધ છે.
  • કેન્ટીનમાં સ્વ ખર્ચે ઠંડા-પીણા, ગરમ નાસ્તો, નમકીન વગેરે ફાસ્ટ-ફૂડ મળી રહે છે.
  • ભક્તો માટે અન્નપૂર્ણાલયમાં ટોકન દરે બે ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરાયેલી છે.
  • ગુજરાત સરકાર દ્વારા મંદિરના આંગણે શક્તિવનનું નિર્માણ કરાયેલું છે, જેમાં શાંતિથી બેસી શકે તે માટે વિશાળ લોન એરિયા બનાવેલો છે જેમાં રંગબેરંગી ફૂલ, છોડ ઉગાડવામાં આવ્યા છે.
  • સત્સંગ હોલ, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વિશ્વ વિક્રમ (World records)

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ

  • 24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે મળીને તાળીઓ પાડી, 2012
  • 5 લાખ 9 હજાર 261 લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો, 2017

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ

  • 24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે મળીને તાળીઓ પાડી, 2012
  • એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન, 2015
  • 1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ, 2017
  • 15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ, 2017
Courtesy – www.khodaldhamtrust.org

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ

  • એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન, 2015
  • 1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ, 2017
  • 15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ, 2017

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ

  • રાજકોટથી ખોડલધામ સુધીની 21,117 વાહનો સાથેની સૌથી મોટી શોભાયાત્રા, 2017
Courtesy – www.khodaldhamtrust.org

મંદિરની નજીક આવેલા ફરવાલાયક સ્થળો

  • ઐતિહાસિક શહેર જૂનાગઢ
  • ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં માઉન્ટ આબુ તરીકે ઓળખાતો ઓસમ ડુંગર
  • જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલું પરબધામ
  • મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર અને પ્રાચીન કિલ્લો ધરાવતું ગોંડલનું હિલ સ્ટેશન અનડગઢ
  • ચુનાના ખડકોમાંથી કોતરીને બનાવેલી ખંભાલીડાની બૌદ્ધ ગુફા
  • વિરપુર ગામમાં સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર
courtesy – twitter/khodaldham
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org
Courtesy – www.khodaldhamtrust.org

ખોડલધામ મંદિર (khodaldham) વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક દિન જેવા રાષ્ટ્રીય તહેવારોમાં મંદિર પરિસરમાં ખાસ સુશોભન કરીને ઉજવણી કરવામાં આવે છે. ફોટોગ્રાફીના શોખીન લોકો માટે અહી સુંદર લોકેશન મળી રહે છે. તેમજ શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

Read Also

આ છે કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ જોવા મળે છે

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

  • ખોડલધામ (કાગવડ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 550 km.) – Rs.7 000 – 11,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.2000 – 3500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 12,000 થી 19,500/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 504 km.
  • વડોદરાથી – 348 km.
  • અમદાવાદથી – 274 km.
  • રાજકોટથી – 60 km.
  • કચ્છ – 360 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – કાગવડ બસ સ્ટોપ, વિરપુર રેલવે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ

વિશેષ વાનગી – રાજકોટનો મધુભાઈ ગોરધનભાઈનો ચેવડો,ભગતના પેંડા, લીલી ચટણી

આલેખન – રાધિકા મહેતા

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળશે દુર્લભ દરિયાઈ જીવો

Posted By admin May 31, 2021
narara tapu jamnagar

પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે, જ્યારે આ પૃથ્વીના તમામ પાણીનો લગભગ 96.5% ભાગ સમુદ્રોમાં છે. આપણે જે પૃથ્વી પર વસીએ છે, એ પૃથ્વી પર તમને અસંખ્ય પ્રકારના વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓની સાથે બીજું ઘણું બધુ જોવા મળશે.

જેમ જમીન પર એક આખી દુનિયા છે. એ જ રીતે સમુદ્રની અંદર પણ એક આખી દુનિયા વસે છે. આ દરિયાઈ જીવસુષ્ટિ કે જેને જાણવું અને માણવું એ એક રોમાંચક લ્હાવો છે. આવી દુર્લભ જૈવિક સમૃદ્ધિ જોવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી પડે અને પાણીમાં ઉતર્યા વિના આ જીવોને હાથમાં લઈને જોવા હોય તો, જામનગરના નરારા ટાપુની મુલાકાત લેવી જોઈએ. જે લોકોને દરિયાઈ જીવોને જાણવાનો અને જોવાનો શોખ ધરાવે છે એના માટે આ એક ખૂબ જ સારી જગ્યા છે. દરિયાઈ જોવાને જાણવાનો શોખ ધરાવતા લોકોએ તો અચૂક નરારા ટાપુની (Narara Tapu Jamnagar) મુલાકાત લેવી જ જોઈએ.

narara tapu jamnagar
Courtesy – fb/nararajamnagar

કચ્છના અખાતમાં આવેલા છે કુલ 42 ટાપુ (Narara Tapu Jamnagar)

કચ્છના અખાતમાં રહેલી અફાટ જીવસુષ્ટિને ધ્યાનમાં લઈને નવલખી બંદરથી લઈ ઓખા સુધીના દરિયાને 1982માં કેન્દ્ર સરકાર દ્વારા મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. કચ્છના આ અખાતમાં કુલ 42 ટાપુઓ આવેલા છે. એમાંથી એક નરારા ટાપુ (Narara Tapu Jamnagar) છે. જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું આ નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવ સૃષ્ટિને આપણે ચાલીને જોવાનો લ્હાવો મળે છે. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખૂલજા સિમસિમ કહેતા હોય એ રીતે દરિયાઈ જીવસુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે.

narara tapu jamnagar
Courtesy – fb/nararajamnagar

મરીન નેશનલ પાર્કના 160 કિમી લાંબા વિસ્તારમાં નરારા ટાપુ(Narara Tapu Jamnagar), પીરોટન ટાપુ પર દરિયાઈ જીવોનો જોવાનો અવસર મળે છે, જ્યારે વિદેશમાં આવો નજારો જોવા માટે પાણીની અંદર ઉતરવું પડે છે અથવા કાચના બોટમવાળી ખાસ પ્રકારની બોટમાં જવું પડે છે, જ્યારે ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલા નરારા ટાપુ પર ખુદ કૂદરત જ કુરબાન હોય એ રીતે અહી નરી આંખે અને પાણીમાં ડૂબકી લગાવ્યા વગર તમને આ દરિયાઈ જીવો જોવા મળશે. બસ આ જ કારણોસર આ ટાપુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જ્યારે દરિયામાં ઓટ આવે એ સમયે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે. ત્યારે અહીના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જોવા મળે છે.

narara tapu jamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar

કઈ-કઈ જાતના દરિયાઈ જીવો તમને અહી જોવા મળશે?

  • અહિયાં સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં,આઠ પગધારી ઓક્ટોપસની સાથે,
  • 200 જાતની માછલી
  • 03 જાતના કાચબા
  • 27 થી વધુ જાતના જીંગા
  • 56 જાતના સખત અને મૃદુ પરવાળા (કોરલ)
  • 108 જાતની લીલ (અલ્ગી)
  • 70 જાતની વાદળી (સ્પંજ)
  • 400 થી વધુ પ્રકારના શંખ
  • 03 પ્રકારના કાચબા
  • 94 જાતના દરિયાઈ પક્ષીઓ
  • 78 જાતના વિવિધ પક્ષીઓ, 03 જાતના દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar

ખાસ નોંધ : આ દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા માટે તમારે ફોરેસ્ટના મરિન ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે અને દરિયામાં આવતા ભરતી અને ઓટના સમયને અનુસરવું પડશે.

Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

  • નરારા ટાપુ (જામનગર)(Narara Tapu Jamnagar) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.7000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2500 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
  • કુલ – 13000 થી 18000/—
Courtesy – fb/nararajamnagar

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક -જામનગર બસ સ્ટોપ, વાડીનાર બસ સ્ટોપ, જામનગર રેલવે સ્ટેશન, જામનગર એરપોર્ટ

ખાવાની વિશેષતા – જામનગરની જૈન-વિજયની ડ્રાય કચોરી, ઘૂઘરા

આ છે કચ્છની એકમાત્ર એવી જગ્યા કે જ્યાંથી જોવા મળે છે કચ્છના રણનો પેનોરેમિક વ્યુ

Posted By admin May 29, 2021
Kalo Dungar

જ્યારે પણ ફરવાની વાત કરવામાં આવે ત્યારે કચ્છને તો ભૂલી જ ન શકાય. કચ્છમાં ફરવા લાયક એટલી બધી જગ્યા આવેલી છે કે કદાચ લિસ્ટ બનાવીને ફરવા નિકળીએ તો 3-4 દિવસ પણ ઓછા પડે ત્યારે traveltoculture.com દ્વારા તમને કચ્છ સહિત સમગ્ર ગુજરાતની ફરવા લાયક જગ્યાની સાથે બીજી ઘણી બધી બાબતોથી માહિતગાર કરવામાં આવશે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta

અત્યારે જે જગ્યાની વાત કરવામાં આવે છે એ કદાચ કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ (360 અંશનો દેખાવ) જોવા મળે છે. જેનું નામ છે કાળો ડુંગર (kalo dungar)…આ કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર માનવામાં આવે છે અર્થાત છે. 458 મીટરની ઉંચાઈ ધરાવતો કાળો ડુંગર ભુજથી 97 કિમી અને કચ્છથી 40 કિમી દૂર આવેલો છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Kalo Dungar
Courtesy : www.gujarattourism.com

કાળો ડુંગર (kalo dungar) સાથે જોડાયેલી દંતકથા

આ કાળો ડુંગર (kalo dungar) 400 વર્ષ જૂનાં દત્તાત્રેય ભગવાનના મંદિર માટે જાણીતો છે. પ્રાચીન સમયમાં આવા ડુંગરો યોગીઓ, તપસ્વીઓ ને તપ કરવા માટે આકર્ષતા હતા.

Kalo Dungar
Courtesy : www.facebook.com/KaloDungar

આ મંદિર સાથે દંતકથા પણ જોડાયેલી છે. આ દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે ભ્રમણ કરતાં-કરતાં આ ડુંગર પર આવ્યા અને અહીં તપ કરતા હતા ત્યારે એક ભૂખ્યું શિયાળ તેમને મરેલા સમજીને તેમના શરીરને ખાવા માટે તેમની પાસે આવ્યું, પરંતુ તેમની પાસે આવતાં જ તેની મતિ ફરી ગઈ, તે પાછું ફર્યું. એ જ સમયે ગુરુ દત્તાત્રેયે આંખો ખોલી, એમણે જોયું કે ખ્યાલ ભૂખ્યું શિયાળ પાછું જઈ રહ્યું છે. એ જોઈને તેમણે ખૂબ જ દુ:ખ થયું પરંતુ ગુરુ દત્તાત્રેય પાસે એ શિયાળને ખવડાવવા માટે કશું જ હતું નહીં. જેથી તેમણે પોતાના શરીરનાં અંગોના ટુકડા કરીને ‘લે અંગ’, ‘લે અંગ’ કહીને શિયાળને બોલાવીને ખવડાવ્યું . આવું કરતાં ચમત્કારિક રીતે ગુરુ દત્તાત્રેયના અંગો પાછાં હતાં તેવા જ થઈ ગયાં, તેવી દંતકથા છે.

અહીં આવેલું દત્તાત્રેયનું મંદિર 400 વર્ષ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે પહેલાં કાળા ડુંગર (kalo dungar) પર નાનકડી ડેરી હતી. ભૂકંપમાં તે નષ્ટ થઈ જતાં ત્યાં નવું વિશાળ મંદિર, અન્નક્ષેત્ર, સમાધિસ્થળ ઊભાં કરવામાં આવ્યા છે. છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરના પૂજારી દ્વારા રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને એક ઓટલા પર ધરાવવામાં આવે છે. જે ખાઈને શિયાળો ફરી કુદરતના ખોળામાં ખોવાઈ જાય છે.

શા માટે શિયાળને રાંધેલા ભાતનો પ્રસાદ ધરાવતી વખતે ‘લોંગ’, ‘લોંગ’ એવું બોલવામાં આવે છે?

જે ઓટલા પર શિયાળોને પ્રસાદ ધરાવવામાં આવે છે એ ઓટલાને લોંગ પ્રસાદ ઓટલો નામ આપવામાં આવ્યું છે. આ લોંગ શબ્દ ભગવાન દત્તાત્રેયએ પોતાના શરીરના અંગ શિયાળને ખાવા માટે આપ્યા હતા ત્યારે એમના દ્વારા બોલવામાં આવેલા ‘લે અંગ’ શબ્દ છે જે સદીઓ પછી અપભ્રંશ થઈને ‘લોંગ’ બની ગયો.

અત્યારે જોકે પૂજારીઓ, આવા શબ્દોથી શિયાળોને બોલાવતા નથી, પરંતુ ઘંટનો અવાજ કરીને શિયાળને આમંત્રણ આપે છે,આજે પણ રોજ શિયાળ પ્રસાદ ખાવા આવે છે.

અહીંયા પ્રવાસી માટે ઉપર અન્નક્ષેત્રની પણ સગવડતા છે. અહિયાં કાળા ડુંગર પર 400 વર્ષ જુના દત્તાત્રેય મંદિરની સાથે કુદરતી સૌંદર્યનો સાગર જોવા મળશે. ચોમાસા બાદ આ જગ્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ઉપરાંત માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

Courtesy : www.gujarattourism.com

કાળા ડુંગર વિષે જાણવા જેવી અન્ય બાબત

ત્રણેય દિશામાં વિસ્તરેલું મોટું રણ અહીથી જોઈ શકશો. ત્યાં સુરખાબ (ફ્લેમિંગો)પક્ષીઓ હજારોની સંખ્યામાં બચ્ચા ઉછેરે છે. એવું કહેવામાં આવે છે કે કચ્છની જમીન કરોડો વર્ષ પહેલા સમુદ્રના તળીએ હતી. અહીંના ખડકો પર શોધશો તો છીપલાના અશ્મી અવશેષો મળશે.

Courtesy : www.facebook.com/KaloDungar

આ ડુંગરને કાળો ડુંગર શા માટે કહેવામાં આવે છે?

આ ડુંગરમાં જે ચૂનાના પથ્થરો છે તે સંપૂર્ણ કાળા રંગના છે. તેમ જ અહીં મોટા પ્રમાણમાં કાળા રંગના મેગ્માજન્ય ખડકો પણ મળી આવે છે. કુરન ગામથી નીર વાંઢ નામના નાના ગામ સુધી આવા ખડકો પથરાયેલા છે. આ કાળા પથ્થરો ગેબ્રો, લેમ્બોફાયર, બેસોલ્ટ તથા ડાયોરાઇટના નામે ઓળખાય છે. આ કાળા રંગના ખડકોના કારણે આ ડુંગરને કાળા ડુંગરના (kalo dungar) નામે ઓળખવામાં આવે છે.

કાળા ડુંગર જતાં ધ્યાનમાં રાખવા જેવી બાબત

કાળા ડુંગરની ટોચ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પહોંચવું અઘરું છે. આ માટે એકમાત્ર બસ વિકેન્ડમાં ખાવડા સુધી આવે છે. આ બસ સાંજે ખાવડા પહોંચાડે છે અને વહેલી સવારે ખાવડાથી પાછી ફરે છે. તમે ખાવડાથી જીપ ભાડે લઈ શકો છો. અહીં વહેલી સવારે કે મોડી સાંજે મુલાકાત લેવી સલાહભરી છે. જો તમે અહી રાતવાસો કરવા માંગતા હોવ તો કાળા ડુંગર મંદિરની બાજુમાં એક ધર્મશાળા છે ત્યાં તમે રોકાઈ શકો છો.

  • કાળા ડુંગર (kalo dungar) પર એક ગજબ ઘટના અનુભવાય છે.જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
  • આવું થવાનું કારણ મેગ્નેટિક ફિલ્ડને માનવામાં આવે છે.
  • નેચર લવર માટે આ એક ખુબ જ અદભુત જગ્યા છે આ ઊંચાઈ પર પહોંચીને મનને જે શાંતિ અને આંખોને જે ઠંડક મળશે એ જરૂર અનુભવવા જેવી છે.
  • અહીનું સનસેટ વ્યૂ, પ્રકૃતિ અને વાતાવરણ તમારી મુલાકાતને એક યાદગાર પળ બનાવશે.
  • કાળા ડુંગર પર ગયા જ હોય તો પછી વિશ્વના સૌથી મોટા સફેદ રણ પર જવાનું કેમ ભૂલી શકાય ત્યાં જઈને જાણે ચન્દ્ર પર પહોંચી ગયા હોય એવું લાગશે.
Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Courtesy : www.gujarattourism.com

Read This Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

  • કાળો ડુંગર (કચ્છ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.9000 – 13,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2200 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 2000-2500
  • કુલ – આશરે 14000 થી 20000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 678 km.
  • વડોદરાથી – 526 km.
  • અમદાવાદથી – 417 km.
  • રાજકોટથી – 317 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – ખાવડા બસ સ્ટોપ

ખાવાની વિશેષતા – કચ્છની ડબર રોટી એટલે કે દાબેલી, કચ્છી કડક, થાબડી , થાબડી પેંડા, ખાવડાની મીઠાઈઓ

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

Dolls Museum Rajkot

એ નિખાલસ હાસ્ય, નાની-નાની વસ્તુઓ માટેની જીદ, જીદ પૂરી થવાની ખુશી, નિર્દોષ આંખોમાં કુતૂહલ, સરસ મજાનાં રમકડાં અને ઢીંગલા-ઢીંગલીના ખેલ… હવે આ બાળપણના દિવસો પાછા તો ન આવે પણ સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાતા રંગીલા રાજકોટનું ડોલ્સ મ્યુઝિયમ તમને બાળપણનું સંભારણું જરૂર કરાવી શકે છે. બાળકોથી લઈને મોટા સુધી બધાને પસંદ પડે એવું આ ડોલ્સ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ છે.

મ્યુઝિયમની સ્થાપના અને ઇતિહાસ (Dolls Museum Rajkot)

મ્યુઝિયમની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમની સ્થાપના સાથે પાછળની વાત ખૂબ જ રસપ્રદ છે.

2001માં રોટરીયન શ્રી દિપકભાઈ અગ્રવાલ તેમના પરિવાર સાથે ચારધામ યાત્રા પર ગયા હતા. ત્યાં તેમણે પોતાની 4 વર્ષની દીકરીને પગપાળા ચારધામ યાત્રા પૂરી કરવા પર દિલ્હીના ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત કરાવવાનું વચન આપ્યું. ઢીંગલીઓ જોવાના કુતૂહલ વશ થઈને દીકરીએ યાત્રા પૂરી પણ કરી લીધી. પરંતુ દિલ્હી પાછા ફરતા સોમવાર હોવાથી નિયમાનુસાર મ્યુઝિયમ બંધ હતું. જેથી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત ન કરી શક્યા અને દીકરી નારાજ થઈ ગઈ. આથી દીકરીનું દિલ રાખવા દિપકભાઈએ દીકરીને કહ્યું કે, પપ્પા તારા માટે રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ બનાવશે આમ આ વાત ને 6 મહિના જતાં રહ્યા ત્યારબાદ અચાનક દીકરીને પપ્પાની કહેલી એ વાત યાદ આવી અને તેને દીપકભાઈને કહ્યું કે પપ્પા તમે મારા માટે જે ડોલ્સ મ્યુઝિયમ બનાવાના હતા એ કયા છે? દીકરીના આ પ્રશ્ન પૂછતાં જ દિપકભાઈએ રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ (Dolls Museum Rajkot) બનાવાનો નિર્ણય લીધો.

આ માટે દિપકભાઈએ લગભગ 108 દેશના રોટરી ક્લબમાં 75,000 જેટલા ઇ-મેઇલ કર્યા અને તેમને ડોલ્સ મ્યુઝિયમની વાત કરી જેને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો અને દેશ-વિદેશના આ તમામ રોટરી ક્લબ દ્વારા દિપકભાઈને ડોલ્સ મ્યુઝિયમ માટે ડોલ્સ ગિફ્ટ કરવામાં આવી.

કલ્પકભાઈ મણિયારને ડોલ્સ મ્યુઝિયમનો (Dolls Museum Rajkot) વિચાર ખૂબ પસંદ આવ્યો હતો. તેઓ તે સમયે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન હતા અને અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા હતા. 2004માં રાજકોટ રોટરી મિડટાઉન ક્લબના 10 વર્ષ અને રોટરી ઇન્ટરનેશનલ ક્લબના 100 વર્ષ તેમજ રાજકોટ નાગરિક સહકારી બેંકના 50 વર્ષ પૂર્ણ થતાં હતા. આથી નાગરિક સહકારી બેંકએ યાજ્ઞિક રોડ પર મ્યુઝિયમ બનાવવા માટે જગ્યાના ભાગરૂપે આ નજરાણું આપ્યું હતું. બસ આ રીતે દીકરીનું દિલ રાખવા કહેવામાં આવેલી એક વાત પરથી રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમની શરૂઆત થઈ ગઈ.

ઉદ્ઘાટન સમારોહ

આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન (1998 થી 2004) લાલ કૃષ્ણ અડવાણી દ્રારા 24 જુલાઈ, 2004ના રોજ કરવામાં આવ્યું હતું. લગભગ 10,000 બાળકો દ્વારા જાતે જ 6 ખંડોના ફ્લોટ્સ તૈયાર કરી શહેરમાં કાર્નિવલની રચના કરી હતી. માર્ગની બંને બાજુ 91 દેશોના મોટા ધ્વજ લગાવાયા હતા. શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં રોટરી મિડટાઉન ડોલ્સ મ્યુઝિયમના લગભગ 1000 બેનરો લગાવવામાં આવ્યા હતા.

 Dolls Museum Rajkot

ડોલ્સ મ્યુઝિયમની ખાસિયત

  • આશરે 108 દેશની 1600 થી વધુ વિવિધ પ્રકારની ઢીંગલીઓ તમને અહી જોવા મળશે.
  • દરેક ઢીંગલી દેશ-વિદેશના રોટરી ક્લબ દ્વારા ભેટ સ્વરૂપે મળેલી છે.એકપણ ઢીંગલી ખરીદેલી નથી.
  • ​દરેક દેશ અને તેના ખંડને દર્શાવતી કલાત્મક વિન્ડો ડ્રેસિંગ દ્વારા દરેક દેશની સંસ્કૃતિ, પર્યાવરણ, ભાતીગળ પહેરવેશ અને વિશ્વના વિવિધ ભાગોની જીવનશૈલીની લગભગ નજીકની પ્રતિકૃતિ દર્શાવીને મ્યુઝિયમની ટેગલાઈન “ડિસ્કવર દુનિયા” ની સાબિતી આપે છે.
  • ​આ મ્યુઝિયમ કોઈ રાજા, નિઝામ કે સરકાર દ્વારા નહિ પરંતુ લોકશક્તિથી બનાવવામાં આવેલું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ છે.
  • આથી જ આ મ્યુઝિયમને “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” માં સ્થાન મળ્યું છે.
  • ​શોકેસમાં આ ઢીંગલીઓની પાછળની બાજુએ અરીસો રાખવામાં આવ્યો છે. જેથી ઢીંગલીઓનો પહેરવેશ સારી રીતે દેખાય અને એક 3D ઇફેક્ટ જોઈ શકાય છે. તેમજ બાળકોને પણ અરીસામાં ઢીંગલી સાથે પોતાનો ચેહરો જોવાનો આનંદ આવે છે.
  • મ્યુઝિયમનું આર્કિટેક્ચર, ભારતીય આર્કિટેક્ચરલ એસોસિએશન દ્વારા “સર્વશ્રેષ્ઠ ડિઝાઇન”નો એવોર્ડ જીતનાર આર્કિટેક્ટ નિમિત કામદાર અને કુ.શૈલી ત્રિવેદી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • નુપુર અગ્રવાલ – એક યુવાન વિદ્યાર્થીનીએ આ સંગ્રહાલયની વિન્ડો ડ્રેસિંગ માટે પોતાનો સમય અને કુશળતા દાન કરી છે.
  • ​દરેક શોકેસની બાજુમાં દાતાઓએ ઢીંગલી સાથે મોકલેલી અનન્ય સાંસ્કૃતિક અથવા પરંપરાગત માહિતી પરના ચિત્રો સાથે લેખન સ્ટેન્ડ છે.
  • દરેક ઢીંગલીને તેના રાષ્ટ્રઘ્વજ સાથે અને તે દેશના રોટરી ક્લબના ટેગ સાથે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે.
  • ​વ્યવસાયિક અને સામુદાયિક સેવાઓના ભાગરૂપે ઓક્ટોબર 2004થી મ્યુઝિયમ ખાતે ફોરેન લેંગ્વેજ લર્નિંગ સેન્ટર શરૂ કર્યું છે.
  • મ્યુઝિયમની લેન્ગવેજ લાયબ્રેરીમાં 40 થી વધુ વિદેશી અને 10 થી વધુ ભારતીય ભાષા વિદ્યાર્થીઓ દ્વારા શીખી શકાય છે. આ એક સ્વચાલિત કમ્પ્યુટર આધારિત ભાષા કેન્દ્ર છે.
  • આ મ્યુઝિયમ વિદેશમાં વ્યવસાયિક સંભાવનાઓ વિશેની માહિતી આપીને પુખ્ત વયના લોકોને પણ મદદ કરે છે.
 Dolls Museum Rajkot

આ મ્યુઝિયમને અનન્ય અને વિશિષ્ટ બનાવતી બાબતો

  • ​રોકિંગ ઝીબ્રા
  • ઇંગ્લેન્ડના સમરસેટ ડિસ્ટ્રિક્ટના રોટરી ક્લબ દ્વારા આ ઝીબ્રા બાળકોના સહયોગથી દાનમાં આપવામાં આવ્યું હોવાથી આ રોટરી ડોલ્સ મ્યુઝિયમનું ગૌરવ માનવામાં આવે છે. જેને “રાજ” નામ આપ્યું છે.
  • જે સ્ટીલ અને લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. તે 109 કિલો સુધીનો વજન ઊંચકી શકે છે.
  • ઇંગ્લેન્ડની શાળામાં ગણવેશ ન પહેરવા પર દંડિત કરવામાં આવે છે.
  • શાળાના બાળકોએ આ નિયમનો ભંગ કરીને ભંડોળ એકત્ર કરીને રોકિંગ ઝીબ્રા ખરીદ્યું છે.
  • રાજકોટ શિપમેન્ટ માટે સામાન પેક કરતી વખતે, બબલ બેગ અથવા અન્ય પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે, સમરસેટના બાળકોએ પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી પેકીંગ કરવાનું વિચારીને બાળકોએ તેમના લગભગ 1200 જેટલા નવા સોફ્ટ ટોયનું દાન આપ્યું છે.
  • આ સોફ્ટ ટોયનો ઉપયોગ રાજકોટની મુસાફરી દરમિયાન રોકીંગ ઝીબ્રાને વધુ રક્ષણ આપવા કરવામાં આવ્યો હતો.

  • સિનેમાથેક
  • મનોરંજન માટે જ્યારે તમે ઢીંગલીઓની દુનિયામાં છો, ત્યારે બાળકોને તેમના મનપસંદ કથાઓ, લોક વાર્તાઓ, કાર્ટૂન ફિલ્મો અને પરીકથાઓ જોવાની તક પણ તમને અહી મળશે.
  • જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર, વિશ્વની અજાયબીઓ, વિવિધ દેશો અને તેની સંસ્કૃતિઓ, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ જેવા વિષયો પર સામાન્ય જ્ઞાન આપતી બ્રિટાનિકા, ડિસ્કવરી ચેનલ, રાષ્ટ્રીય ભૂગોળ અને અન્ય મલ્ટિમીડિયા શૈક્ષણિક સીડીઓનો પણ મ્યુઝિયમ પાસે સંગ્રહ છે.જેનો ઉપયોગ સ્પેશિયલ સેશનમાં કરવામાં આવે છે.
  • માહિતી કિઓસ્ક
  • માહિતી કિઓસ્ક એ ટચ સ્ક્રીન કમ્પ્યુટર છે. જેમાં દેશ-વિદેશની માહિતી, વિદેશમાં વ્યવસાયિક તક, વિવિધ દેશના રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રધ્વજની માહિતી, ઢીંગલીઓ વિશેની માહિતી વગેરે બાબતો જાણવા મળે છે.
  • સોવેનીર શોપ
  • મ્યુઝિયમમાં સંભારણાંના ભાગરૂપે ખરીદી કરવા માટે સોવેનીર શોપ છે.
  • જેમાં ડોલ્સના સ્ટીકર, ટીશર્ટ, કીચૈન, પોસ્ટકાર્ડ, વિવિધ નકશા, કૉફી મગ, ઝંડા વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
  • રાનીજી કી ગુડિયા
  • રાજકોટના મહારાણી કાદંબરિદેવીને આ ઢીંગલી 11 વર્ષની ઉંમરમાં માતા પાસેથી ભેટમાં મળી હતી.
  • 37 વર્ષથી મહારાણી સાથે રહેલી આ ઢીંગલી મહારાણીના વિવાહ પછી તેમની સાથે જ સાસરે આવી હતી અને તેમની પુત્રી પણ આ ઢીંગલીથી રમી છે.
  • દુનિયાભરના લોકો આ ઢીંગલીને જુએ અને એની યોગ્ય જાળવણીના હેતુથી મહારાણીએ એમની ઢીંગલી મ્યુઝિયમને 16 જૂન, 2017માં દાન કરી હતી.
  • જેમાં રાજવી પરિવાર દ્વારા 8 કીમી લાંબુ સરઘસ કાઢવામાં આવ્યું હતું.
  • ઢીંગલીની શાહી સવારીમાં અનેક શાળાના વિદ્યાર્થીઓને જોડાયા હતા.
  • એક જીવતીજાગતી વ્યક્તિની જેમ ઢીંગલીને વિદાય આપવામાં આવી હતી.

Read This Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થા

મ્યુઝિયમનો સમય
સવારે 9:30 થી બપોરે 1:00 સુધી
બપોરે 3:30 થી સાંજે 8:00 કલાક સુધી


ખાસ નોંધ : મ્યુઝિયમ દર સોમવારે બંધ રહેશે.

ટિકિટનો દર
પુખ્ત લોકો માટે – Rs. 30
બાળકો – Rs. 30 (5 વર્ષથી વધુ વયના)
મોબાઈલ ફોટોગ્રાફી – Rs.30
પ્રોફેશનલ ફોટોગ્રાફી – Rs.100
NRI માટે – Rs.100
20થી વધુ વ્યક્તિના ગ્રુપ માટે – Rs.20

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

આલેખન – રાધિકા મહેતા

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

Udaybhai Jadav

ગુજરાતના અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળો ત્યારે તમને એવી રિક્ષામાં મુસાફરી કરવા મળે કે જે, ખાસ પ્રકારની સુવિધાઓથી ભરપુર હોય, એ સાથે અજાણ્યા હોવા છતાં મોંઘેરા મહેમાનની જેમ સ્માઈલી અને હાર્ટ જેવા ટેગ કપડાં પર લગાડીને સ્વાગત કરવામાં આવે અને મોઢા પર મોટું સ્મિત રાખીને રિક્ષાની રોયલ સવારી કરવા માટે આવકારવામાં આવે આ સાથે જ મુસાફરી દરમિયાન મેગેઝીન,છાપું,ફેન,મિનરલ વોટર સાથે નાસ્તાની લિજ્જત માણવા મળે તો કોઈ નવાઈ નહિ.

Udaybhai Jadav

11 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે એક હીરો ચલાવે છે શાનદાર રિક્ષા(Udaybhai Jadav)

કારણ કે, અમદાવાદમાં છેલ્લા 11 વર્ષથી ખાદી કુર્તો અને ગાંધી ટોપી પહેરીને ફરી રહ્યો છે એક હીરો કે જે પોતાની શાનદાર રિક્ષા સાથે અમદાવાદના લોકોને એમના મૂકામ પર પહોંચાડે છે.આટલી બધી સગવડ ભોગવવા બાદ જ્યારે લોકો એને ભાડા માટે પૂછે તો એ ફક્ત એટલું જ કહે છે કે ‘જે ઈચ્છા હોય એ આપી દો’.

આજની આ મોંઘવારીમાં આટલી સુવિધા મેળવ્યા પછી કોઈ એવું કહે કે ‘જે ઈચ્છા હોય એ આપી દો’ તો કોઈને પણ પચાવવું થોડું અઘરું પડે પરંતુ અમદાવાદનો આ હીરો છેલ્લા 11 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે રિક્ષા ચલાવે છે. જેનું નામ છે ઉદયસિંહ જાદવ…

આ યુનિક કન્સેપ્ટની શરૂઆત કઈ રીતે થઈ?

આ યુનિક કન્સેપ્ટની શરૂઆત વિષે જ્યારે ઉદયભાઈને (Udaybhai Jadav) પૂછવામાં આવ્યું તો એમને જણાવ્યું કે અમદાવાદમાં ચાલતા સેવા કેફે, કાલુપુર રામ રોટી જેવી સંસ્થા સાથે તે જોડાયેલા હતા અને એ જ સંસ્થાથી 2010માં તેમને પ્રેરણા મળી, આત્મમંથન કરતા તેમને વિચાર આવ્યો કે તે પણ પૈસાને મહત્વ આપવાને બદલે લોકોની સેવા કરશે અને એજ વિચારને અમલમાં લાવીને તેમને આ યુનિક કન્સેપ્ટથી રિક્ષા ચલાવવાની શરૂઆત કરી તેમનું ફક્ત એ જ માનવું છે કે મારી રિક્ષામાં બેસીને લોકોના મોઢા પર સ્મિત આવવું જોઈએ અને એટલા માટે જ એ બધાને પ્રેમ વહેંચવાનું કામ કરે છે.

ઉદયભાઈ જાદવની (udaybhai jadav) રિક્ષા બીજા કરતાં કઈ રીતે અલગ છે?

  • ઉદયભાઈની રિક્ષામાં લાયબ્રેરી, સોફ્ટબોર્ડ, ફેન,ડસ્ટબીન, લાઈટ જેવી ઘણી બધી સુવિધાઓ છે.
  • ઉદયભાઈ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવે છે. આ સાથે જ નાના બાળક માટેરિક્ષામાં રમકડાં પણ રાખવામાં આવ્યા છે.
  • રિક્ષામાં જ સત્ય અને અહિંસા નામના બે બોક્સ બનાવવામાં આવ્યા છે. જેમાં એક બોક્સમાં મિનરલ પાણીની બોટલ અને બીજા બોક્સમાં મુસાફરો માટે થેપલાં, પુરી, સુખડી, હાંડવા જેવો નાસ્તો રાખવામાં આવે છે.
  • રિક્ષા પર અલગ-અલગ પ્રકારનાં સૂત્રો લખીને લોકજાગૃતિનું કામ પણ ઉદયભાઈ દ્વારા કરવામાં આવે છે.
  • ગાંધીજીના જીવનથી પ્રેરણા લઈને બા-બાપુ સાથે જોડાયેલા અનેક પ્રસંગો પોતાની રિક્ષામાં ઉદયભાઈ એ કંડાર્યા છે.
  • આ ઉપરાંત રિક્ષામાં ‘અક્ષયપાત્ર’ નામની એક બોટલ રાખવામાં આવી છે જેમાં પોતાની રોજની કમાણીનો એક ભાગ જમાં કરવામાં આવે છે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની પાછળ વાપરવામાં આવે છે.
  • દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે ખાસ પ્રકારની હેરિટેજ ટુરનું આયોજન પણ ઉદયભાઈ દ્વારા કરવામાં આવે છે જેમાં મહેમાનોને ગાંધી આશ્રમ, હઠ્ઠીસિંગના દેરા, સિદી-સૈયદની જાળી, ભદ્રા ફોર્ટ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજ રોજા જેવા ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે અને સાથે સાથે અમદાવાદના વારસા વિશે પણ માહિતગાર કરે છે. આથી લોકો એમને “અમદાવાદનો રિક્ષાવાળાના” નામે ઓળખે છે.
  • આ સાથે એમના દ્વારા એક ઈકો ગાડી વસાવવામાં આવી છે જેમાં લોકોને બેસાડીને અમદાવાદની સફર કરાવે છે અને અમદાવાદના વારસાને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનું કામ કરે છે.એના માટે એમને એક ટુર પેકેજ બનાવ્યું છે. જેમની સેવા નજીવા ખર્ચે તેમના દ્વારા આપવામાં આવે છે. જેના માટે એમને આ હેરિટેજ ટુરને “સાબરમતિનો સારથિ” એવું નામ આપ્યું છે.
  • દેશ-વિદેશથી અમદાવાદને જાણવા અને માણવા આવતા લોકો ઉદયભાઈનો જ સંપર્ક કરે છે જેથી એમને અમદાવાદની તમામ માહિતી મળી રહે.

ઉદયભાઈને પત્નીનો એક મિત્ર જેવો સાથ સહકાર મળ્યો છે

મોંઘવારીના સમયમાં આ રીતે સેવા કરીને ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું છે પણ તેના આ કામમાં તેમના પત્ની ખભેથી ખભો મેળવીને સહભાગી બને છે અને ઉદયભાઈ દ્વારા દિવસના અંતે જેટલા પણ રૂપિયા આપવામાં આવે એમાં તેમના પત્ની કરકસર કરીને ઘરનું ગુજરાન ચલાવી લે છે રિક્ષામાં રાખવામાં આવતો નાસ્તો પણ તેમના પત્ની દ્વારા જ બનાવી આપવામાં આવે છે.

ઉદયભાઈ જાદવ (udaybhai jadav) બીજા રિક્ષા ડ્રાઈવરથી કઈ રીતે અલગ છે?

  • ઉદયભાઈની રિક્ષામાં ઉપર જણાવેલી બધી જ સગવડતાઓ છે પણ આ સુવિધાઓ માટે એમના દ્વારા ક્યારેય પણ એમના કોઈપણ પેસેન્જર પાસેથી ભાડું માંગવામાં આવતું નથી.
  • સફરના અંતમાં હાથમાં એક બોક્સ થમાવી દે છે જેમાં લખ્યું હોય છે ‘Pay from your heart’ એનો મતલબ એવો કે મુસાફરને પોતાના દિલથી જે પણ મૂકવું હોય તે બોક્સમાં મૂકી શકે છે.
  • ઉદયભાઈ બીજા રિક્ષા ડ્રાઈવરથી એટલા માટે અલગ છે કારણ કે, તેના દિવસની શરૂઆત થતાં પહેલાં પેસેન્જરનું ભાડું તેમના તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ આવતાં પેસેન્જર તેના પછીનાં પેસેન્જરનું ભાડું ગિફ્ટ આપે છે અને બસ આ રીતે ઉદયભાઈની રિક્ષા ‘ગિફ્ટ ઇકોનોમીના’ મોડેલ પર ચાલે છે. પરંતુ જો કોઈ પેસેન્જર દ્વારા પૈસા ન આપવામાં તો પણ હસતાં મોઢે એમને એમના મુકામે પહોંચડવામાં આવે છે.
am

ઘણા સેલિબ્રિટી અને દીગજજો પણ આ રિક્ષાની સફર માણી ચૂક્યા છે

અમદાવાદના આ રિક્ષા ચાલકની રિક્ષામાં અમિતાભ બચ્ચન, કાજોલ, મોરારી બાપુ,પરેશ રાવલ, આશા પારેખ, ચેતન ભગત, ગુજરાતના મંત્રીઓ સહિત અનેક લોકોએ સફર કરી છે તેની રિક્ષામાં રાખેલી ફીડબેક બૂકમાં કાજોલ સહિત ઘણા બધા લોકોએ તેમના પ્રતિભાવ પણ લખેલા છે.બસ આ જ કારણથી ઉદયભાઈનો દીકરો પોતાના પિતાને સેલિબ્રિટી માને છે.

એમનો દીકરો કહે છે કે મારા પપ્પા પોતે જ એક સેલિબ્રિટી છે અને એમને ઘણા બઘી સંસ્થાઓ દ્વારા પોતાના આ યુનિક કામ માટે સન્માન કરવા અને લોકોને પ્રેરણા આપવા માટે બોલાવવામાં આવે છે.

Read Also :

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

ઉદયભાઈનું ફક્ત એ જ કહેવું છે કે મે પૈસા નહિ કમાયા પણ લોકોના દિલ જીતવાનું અને વિશ્વાસ જીતવાનું જે કામ કર્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું અને આજીવન આ કામ કરતો રહીશ.ઉદયભાઈનો આ દ્રઢ આત્મવિશ્વાસ અને મહેનતને જોઇને traveltoculture.com ઉદયભાઈને Amazing Gujaratiનું બિરુદ આપતાં ગર્વની લાગણી અનુભવે છે.

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

sudamapuri porbandar
sudamapuri porbandar

સુદામા મંદિર અને પોરબંદર (sudamapuri porbandar)

સૌરાષ્ટ્રના પશ્ચિમમાં દરિયા કિનારે આવેલું શહેર પોરબંદર એટલે મહાત્મા ગાંધી અને સુદામાની નગરી (sudamapuri porbandar). પોરબંદરની ત્રણ જગ્યા પ્રખ્યાત છે. કીર્તિમંદિર, સુદામા મંદિર અને ચોપાટી. સત્ય, અહિંસા અને પ્રેમને અનુસરતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને શ્રીકૃષ્ણના ભાગના શ્રાપિત ચણા ખાઈને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ સ્વયં ગ્રહણ કરી સાચી મિત્રતા નિભાવતા સુદામાની જન્મ અને કર્મભૂમિ છે. આથી જ પોરબંદરને “સુદામાપુરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંદ- પુરાણમાં પણ સુદામાપુરીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

sudamapuri porbandar

સુદામાનો જન્મ અને મંદિરનું નિર્માણ

પોષ સુદ આઠમના દિવસે પોરબંદરની અસ્માવતી નદી પાસે સોમશર્મા નામના ભૃગુવંશી બ્રાહ્મણને ત્યાં સુદામાનો જન્મ થયેલો. નાનપણથી જ સુદામાને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા ત્યાં શ્રીકૃષ્ણ તેમના પરમમિત્ર બન્યા.

sudamapuri porbandar

પોરબંદરના સુદામા ચોકમાં વિશ્વનું એકમાત્ર સુદામાનુ મંદીર આવેલું છે. વર્તમાન સમયમાં પણ નિઃસ્વાર્થ મિત્રતાના પ્રતિક સમાન આ મંદિર આશરે ૧૩મી સદીથી અસ્તિત્વ ધરાવે છે. ૧૯મી સદીમાં પોરબંદરના રાજા ભાવસિંહજીએ આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની નાટક મંડળીએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. નીજ મંદિરમાં સુદામા તેમના ધર્મપત્ની સુશીલાજી અને રાધા કૃષ્ણ સાથે બિરાજમાન છે. દેશના વિવિધ સ્થાનેથી ભાવિકો આ મંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે.

સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌર્યાસીની પરિક્રમા અને તેની સાથે જોડાયેલી વાત

આ લોકનું સુખ, બ્રહ્માંડનો વૈભવ તેમજ પરલોકના સુખ સમાન મોક્ષ, માત્ર મનુષ્ય અવતાર ધારણ કરીને જ મેળવી શકાય છે. સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌરાસીના ફેરાની પરિક્રમા કરીને ચૌરાસી લાખ યોનિના ફેરામાંથી મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થવાની માન્યતા પણ છે. રાજસ્થાની લોકોમાં લગ્નપૂર્વે વરકન્યાને સુદામાના દર્શને લઈ આવવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત એક લોકવાયકા પ્રમાણે ચારધામની યાત્રા કરીને સુદામાના દર્શન કરવા જ જોઈએ તો જ યાત્રા પૂરી થઈ હોવાનું માનવામાં આવે છે.

sudamapuri porbandar

સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને કૃષ્ણ પાસે દ્વારકા સહાય મેળવવા મોકલ્યા

પૌરાણિક કથા અનુસાર સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને સોનેરી દ્વારકાનગરીના રાજા અને તેમના મિત્ર કૃષ્ણ પાસે સહાય મેળવવા મોકલ્યા હતા. સાથે ભેટ સ્વરૂપે તાંદુલ( સાળ કે ડાંગર કમોદના ફોલેલા ચોખા) આપ્યા હતા. સુદામા જ્યારે તેમના મિત્રને મળવા દ્વારકા પહોંચ્યા ત્યારબાદ જે ઘટના બની એનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભેટમાં મળેલા તાંદુલ ભગવાન શ્રીકૃષ્ણએ પહેલી મુઠ્ઠી ખાતા સુદામાની દરિદ્રતા દૂર કરી, બીજી મુઠ્ઠી ખાઈને સમૃદ્ધિ આપી અને ત્રીજી મુઠ્ઠી ખાતા રૂકમનીજીએ ભગવાનને અટકાવ્યા. સુદામાના ભંડાર ભગવાને ભર્યા એ જ રીતે ભગવાન ભક્તોના ભંડાર ભરે તેવા ભાવથી વર્તમાન સમયમાં પણ ચોખામાંથી બનેલા પોહાનો પ્રસાદ મંદિર પરિસર દ્વારા આપવામાં આવે છે.

સુદામા મંદિરનું બાંધકામ સફેદ આરસપહાણથી કરવામાં આવ્યું છે

સફેદ આરસપહાણના પથ્થરોની સુશોભિત આ મંદિરમાં ઘણા બધા કોતરણી કરેલા સ્તંભો છે. આ સ્તંભ મંદિરની ચારે દિશામાં ગોઠવાયેલા છે. આ મંદિરની ટોચને અદ્ભુત સ્થાપત્યકળાથી શણગારવામાં આવ્યું છે. મંદિરની ટોચ અને જમીનને આ કોતરણી કરેલા સ્થંભો જોડે છે. સરળ પ્રકારનું બાંધકામ અને સુંદર આર્કીટેક્ચર ધરાવતું આ મંદિર શ્રીકૃષ્ણના મિત્ર સુદામાને સમર્પિત છે. મંદિર પરિસરમાં સુંદર બગીચો, સુદામા કુંડ અને લખચૌરાસીના ફેરા પણ આવેલા છે.

sudamapuri porbandar

આજના સમયમાં મિત્રતામાં પણ ક્યાંકને ક્યાંક સ્વાર્થ સાધવામાં આવતો હોય છે ત્યારે કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની નિઃસ્વાર્થ મિત્રતાના ઉમદા ઉદાહરણ સમાન આ મંદિરની મુલાકાત એકવાર તો અવશ્ય લેવી જ જોઈએ.

આ પણ વાંચો બાળ શનિદેવનું એક માત્ર મંદિર : ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ શનિદેવની પૂજા કરી શકે છે

  • સુદામા મંદિર (પોરબંદર) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 10,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 12,500 થી 18,500/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 631 km.
  • વડોદરાથી – 471 km.
  • અમદાવાદથી – 397 km.
  • રાજકોટથી – 183 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, પોરબંદર રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી

જાણીતી હોટલો

આલેખન – રાધિકા મહેતા

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

Shanidev Hathla
Hathla Shanidev mandir

હાથલા ગામમાં આવેલુ છે શનિદેવનું જન્મસ્થળ (Hathla shani dev mandir)

ગુજરાતના જામનગર ખાતે આવેલા ભાણવડ તાલુકાના હાથલા ગામમાં ઈતિહાસની દ્રષ્ટિએ સૌથી પ્રાચીન શનિદેવનું મંદિર આવેલું છે. હાથલા ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર શનિદેવના જન્મસ્થળ તરીકે જાણીતું છે. આ ગામનો ઈતિહાસ ખૂબ જ પુરાણો છે. બરડા ડુંગરમાં આવેલ હાથલા પીપળાના વન એટલે કે, પિપ્લવન તરીકે ઓળખાતુ હતુ.

અહિયાં હાથલામાં શનિદેવનું બાળસ્વરૂપ બિરાજમાન છે. જન્મસ્થળ હાથલામાં શનિદેવ હાથી પર બિરાજે છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી પર બિરાજમાન નથી. અહીંયા હાથલામાં શનિદેવની સાથે તેમના પત્ની મનાતા અઢી વર્ષના પનોતી અને સાડા સાતી કહેવાતા પનોતીની પણ મૂર્તિ છે. આ મંદિર પનોતી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે.

હાથલા ગામનો ઈતિહાસ અને મંદિરના પૂજારીઓના સ્મારક

આજથી વર્ષો પહેલા મહાભારતના સમયમાં મૃગદલ નામના ઋષિ થઈ ગયા જેમણે માનવકલ્યાણના હેતુથી એ ગામમાં તપસ્યા કરેલી કે, જે લોકોને શનિની પનોતી આવે અને માણસ બહુ દુ:ખી અને હેરાન થાય છે એમને શાંતિ મળે. એમની આ તપસ્યાથી શનિ મહારાજ પ્રસન્ન થયા અને હાથીની સવારી પર આવીને દર્શન આપેલા અને તેના કારણે હંસસ્થલ થયું. સમય જતાં આ ગામનું નામ હાથલા પડયું.

શનિદેવના મંદિરની બાજુમાં આ જ મંદિરના ગોસ્વામી પરિવારના 59 પૂજારીઓની સમાધિ આવેલી છે. આ ઉપરાંત શનિકુંડની સામે પૂર્વમાં પણ 3 સમાધિ આવેલી છે. જેના વિશે પૂછતાં મંદિરના પૂજારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એ સમાધિ તેમના 500 વર્ષ પહેલા થઈ ગયેલા વડવાની છે.જેમણે અહિયાં જીવતા જ સમાધિ લઈ લીધી હતી. આ સમાધિની બાજુમાં એમના 2 શિષ્યોની પણ સમાધિ આવેલી છે.

HATHLA PUJARI SMARAK
HATHLA
HATHLA

આખા ભારતમાં આવેલા છે શનિદેવના ફક્ત 2 જ મંદિર

ભારતમાં શનિદેવના 2 સૌથી મોટા મંદિર આવેલા છે. આ 2 મંદિરો પૈકી એક મહારાષ્ટ્રના શિંગડાપુરમાં અને બીજું ગુજરાતના હાથલામાં આવેલું છે. ગુજરાતનાં હાથલામાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું જન્મસ્થળ અને મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું કર્મસ્થળ માનવામાં આવે છે. હાથલામાં શનિદેવની બાળ સ્વરૂપ બિરાજમાન હોવાથી આખા ભારત વર્ષમાં એક માત્ર અહીં સ્ત્રીઓ શનિદેવના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે. આ મંદિરમાં શનિદેવ એમના પરિવાર સાથે બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ બાળ સ્વરૂપને કારણે જ અહીં શનિદેવને સિંદુર ચઢે છે. જેમની પૂજાથી પનોતીનો પ્રકોપ હળવો થાય છે.

BAL SHANIDEV

શનિદેવ અને તેમના મંદિરનું મહત્વ

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ લોકોના કર્મ પ્રમાણે તેઓનો સજા આપીને ન્યાય કરે છે. શનિદેવને રિઝવવા સપ્તાહના શનિવારને શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે જ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. એ જ રીતે મંગળવાર અને અમાસના દિવસે પણ અહીં દર્શનનું અનેરૂં મહત્વ રહેલું છે. આ ઉપરાંત શનિજયંતીના દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો માને છે કે, જો શનિદેવ રિઝે તો તમામ દુ:ખ દુર થઈ શકે છે. આ જ કારણે સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન કરીને પનોતીમાંથી મુક્ત થવા હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે આવે છે.

SHANIDEV TEMPLE HATHLA

શનિદેવના આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. જેવી કે, મંદિરના શનિકુંડમાં સ્નાન કરીને અહીં જ વસ્ત્રો અને બૂટ-ચંપલ મૂકી જવાથી પનોતી ઉતરી જશે. આવી માન્યતાઓમાં લોકો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે એટલા માટે મંદિરના દર્શને આવતા લોકો પોતાના વસ્ત્રો અને બૂટ-ચંપલને પનોતી માનીને અહી જ ઉતારી જાય છે અને શનિ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

USEFUL ARTICLEગુજરાતનાં કચ્છમાં આવેલી છે અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક જેવી જ જગ્યા

  • શનિદેવ મંદિર (હાથલા) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
  • જમવાનો ખર્ચ – Rs.1800 – 2800
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 12,800 થી 19,000/-

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 658 km.
  • વડોદરાથી – 474 km.
  • અમદાવાદથી – 424 km.
  • રાજકોટથી – 187 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, ભાણવડ બસસ્ટોપ, ભાણવડ રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ અને જામનગર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

kadiya dhrow
Courtesy – YouTube/sp special

ગુજરાતનાં કચ્છમાં આવેલી છે અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક જેવી જ જગ્યા (kadiya dhrow)

કચ્છમાં આવેલી આ અનએક્સપ્લોરડ જગ્યા જે તમને કચ્છમાં જ અમેરિકાની સફર કરાવશે. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે અને એટલે જ આજ સુધી આ જગ્યા પ્રવાસીઓથી અજાણ અને ગુમનામ રહી છે જોકે, આ જગ્યાના ફોટો ગુજરાતનાં એક પ્રકૃતિપ્રેમી ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યા જેને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ફ્રન્ટ પેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ જગ્યાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને મળતી આવે છે. જેનું નામ છે કડિયા ધ્રો khadiya dhro પણ ઘણા લોકો તેને કાળિયો ધ્રો તરીકે પણ જાણે છે.

રંગ બેરંગી ખડકો લોકોમાં કુતૂહલ અને આશ્ચર્ય જગાડે છે

કડિયા ધ્રો(કાળિયો ધ્રો) kadiya dhrowકચ્છના નખત્રાણાથી 40 કીમી. દૂર આવેલું છે. કડિયા ધ્રો (કાળિયો ધ્રો) પર વિવિધ ખનીજોને લીધે રંગબેરંગી ખડકો જોવા મળે છે. જે જોનારને આશ્ચર્ય પમાડે એવું છે.આ કડિયા ધ્રો અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને મળતી આવે છે એટલે જ્યારથી આ જગ્યાના ફોટો અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ચમક્યા છે ત્યારથી આ જગ્યા પર પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે. એવું માનવમાં આવે છે કે આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની ભયંકર ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે.

kadiya dhrow
Courtesy – YouTube/sp special

પ્રી-વેડિંગ શૂટ માટે હાલ આ જગ્યા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે

આજકાલ પ્રી વેડિંગ શૂટનું ચલણ ખૂબ જ વધવા લાગ્યું છે. આવા સમયમાં લોકો અલગ-અલગ જગ્યાએ અને નવી-નવી થીમમાં ફોટોશુટ કરાવે છે. આવા સમયમાં ફોરેનમાં પ્રી-વેડિંગ શૂટ કરવાનું ઈચ્છતા લોકોનું સપનું એમના જ બજેટમાં પૂરું થઈ જશે. અહીંના ખડકો અને કુદરતી સૌંદર્ય આ જગ્યાને બીજી બધી જગ્યાથી અલગ પાડે છે એટલે જ પ્રી-વેડિંગ શૂટ માટે આ લોકેશન પરફેક્ટ છે.

Courtesy – YouTube/sp special

અહી આવેલા પર્વતને મહાભારત પર્વત તરીકે ઓળખવમાં આવે છે

આ જગ્યાએ આવેલા પર્વતને સાત શિખરો છે એટલે જ અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે. પાંચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાતેયના સાત શિખર. અહી આવેલા છે. કુદરતની અમુક રચના જોઈને એવું થાય કે આવી જગ્યાઓ લોકોથી અજાણ રહે એ જ સારું કારણકે પછી આપણા જેવા લોકો કુદરતના ખોળે કચરો અને ગંદકી ફેલાવીને એને સુંદરતા બગાડે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અહી ચોમાસામાં જવામાં થોડું ધ્યાન રાખવું કારણ કે, ચોમાસામાં અહીં જવું થોડું જોખમી છે.

Courtesy – YouTube/sp special

USEFUL ARTICLE – ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

સાથે ત્યાં જવાનો આશરે ખર્ચ પણ જાણી લો,

  • કડિયા ધ્રો(કાળિયો ધ્રો) (કચ્છ)- આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 420 kms) – Rs.8000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs 2000 – 4500
  • જમવાનો ખર્ચ – Rs.2200 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1800-2500
  • કુલ – આશરે 14,000 થી 20,000/—

અંતર(Distance)

  • સુરતથી – 681 km.
  • વડોદરાથી – 530 km.
  • અમદાવાદથી – 420 km.
  • રાજકોટથી – 320 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – ભુજ બસ સ્ટોપ, ભુજ રેલવે સ્ટેશન, ભુજ એરપોર્ટ

ખાવાની વિશેષતા

જાણીતી હોટલો – JP Resort https://www.google.com/travel/hotels/s/wK1dJ