હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવ જ્યાં-જ્યાં સ્વયં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે એ 12 જગ્યાને જ્યોતિર્લિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે. જેમાં સૌપ્રથમ સ્થાને સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્ર એટલે કે જ્યાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે ત્યાં સોમનાથ (somnath) મહાદેવ બિરાજમાન છે.


સોમનાથની (somnath) પૌરાણિક કથા
પ્રજાપતિ દક્ષને 27 કન્યાઓ હતી. જેમના વિવાહ અત્રિ અને અનસૂયાના પુત્ર સોમ(ચંદ્ર) સાથે થયા હતા. 27 કન્યાઓમાં રોહિણી સુંદર સને ગુણવાન હતી આથી ચંદ્રને વધુ પ્રિય હતી. જેના કારણે અન્ય પત્નીઓ નારાજ થઈને પિતા દક્ષને પતિ દ્વારા થતા પક્ષપાતની ફરિયાદ કરી. દક્ષે સૌપ્રથમ ચંદ્રને દરેક પત્ની સાથે સમાન વર્તન કરવા સમજાવ્યા પણ પરિણામ શૂન્ય આવતા પ્રજાપતિ દક્ષ ક્રોધે ભરાઈને ચંદ્રને ક્ષય રોગ થવાનો શાપ આપ્યો હતો. જેના કારણે ચંદ્ર પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યા. જેનું નિવારણ આપતાં બ્રહ્માએ ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું. આથી પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્ર અને રોહિણી દ્વારા મંદિરની સ્થાપના કરી ભગવાન શિવનું ધ્યાન અને તપસ્યા કરી હતી. તેમના આ તપથી પ્રસન્ન થયેલા ભગવાન શિવના અનુગ્રહથી પ્રજાપતિ દક્ષ દ્વારા ચંદ્રને આપાયેલા શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો હતો. એવું માનવામાં આવે છે કે ત્યારથી જ ભગવાન શિવની કૃપાથી 15 દિવસ સુધી ચંદ્ર વધે છે (સૂદ) અને પછી 15 દિવસ ચંદ્ર ઘટે (વદ) છે. ત્યારબાદ આ જ્યોતિર્મય લિંગ સોમનાથ નામથી પ્રસિદ્ધ થયું. લોકવાયકા મુજબ ચંદ્રએ સોનાનું, દશાનન રાવણએ ચાંદીનું, શ્રી કૃષ્ણએ ચંદનકાષ્ઠનું મંદિર બનાવ્યુ હતુ.

સોમનાથ (somnath) મંદિરનું બાંધકામ
- નાગર શૈલીમાં બંધાયેલું છે આ મંદિર
- ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, સભામંડપ અને નૃત્યમંડપ ધરાવે છે આ મંદિર
- સાત માળ ધરાવતું 155 ફૂટ ઊંચુ શિખર છે
- 31 ફૂટ ઊંચો ધ્વજદંડ છે આ શિખર પર
- મંદિર પરની ધજા દિવસમાં ત્રણ વાર બદલાવવામાં આવે છે

મંદિર અંતર્ગત કાર્યક્રમ અને સુવિધા
- દરરોજ રાત્રે 8:00 થી 9:00 દરમિયાન સાઉન્ડ એન્ડ લાઇટ શો “જય સોમનાથ”નું આયોજન થાય છે
- યાત્રાળુઓને ભવ્ય સોમનાથ મંદિરની પૃષ્ઠભૂમિ અને મહાસાગરના પવિત્ર તરંગના અવાજોનો અનુભવ આપે છે આ શો
- યાત્રાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગેસ્ટ હાઉસની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે અહીં
VIP ગેસ્ટહાઉસથી લઈને સામૂહિક શયનખંડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં - મંદિર પરિસરમાં z+ સિક્યોરિટીના કારણે મોબાઇલ, કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોની સાથે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી
- ફ્રી લોકર તેમજ ડિજિટલ લોકરની સુવિધા ઉપલબ્ધ છે અહીં
- વૃદ્ધ કે વિકલાંગ વ્યક્તિ માટે વ્હીલ ચેરની સુવિધા પણ છે અહીં
- મંદિરનાં પટાંગણમાં દક્ષિણ દિશામાં એક મોટો સ્તંભ મુકવામાં આવ્યો છે
- આ સ્તંભ પર પૃથ્વીનો ગોળો બેસાડવામાં આવ્યો છે
- આ પૃથ્વીના ગોળાને ચીરતું એક દિશાસુચક તીર મુકવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત જળમાર્ગ છે

- જેનો મતલબ એવો થાય છે કે અરબ સાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ક્યાંય જમીન આવતી નથી
સોમનાથ મંદિરની આજુબાજુ જોવાલાયક અન્ય સ્થળો
- મંદિરમાં વલ્લભઘાટ ઉપરાંત શ્રી કપાર્ડી વિનાયક અને શ્રી હનુમાન મંદિર છે
- વલ્લભઘાટ એક સુંદર સનસેટ પોઈન્ટ છે
- પાંડવ ગુફા
- કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ
- ગોલોક ધામ, ગીતા મંદિર
- 1783માં રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા મૂળ મંદિર દેવની પ્રતિષ્ઠાન યોગ્ય ન હોવાથી મૂળ મંદિરથી થોડી દૂર પૂજા અર્ચના કરવા માટે બીજું મંદિર બનાવવામાં આવ્યું
- આ મંદિર સ્થાપિત કરીને તેમણે સોમનાથની પૂજાની પ્રાચીન પરંપરા જાળવી રાખી હતી, જે વર્તમાન સમયમાં પણ છે ત્યાં સ્થિત
ભાલકા તીર્થ : શ્રીકૃષ્ણ પીપળાના ઝાડ નીચે ધ્યાન મુદ્રામાં આરામ કરી રહ્યા હતા ત્યારે શિકારીનુ બાણ શ્રીકૃષ્ણને વાગ્યુ હતુ. ભગવાન શ્રીકૃષ્ણની આ દિવ્ય લીલા એક સુંદર મંદિર અને પ્રાચીન પીપળાના વૃક્ષ દ્વારા અમર છે. આ પવિત્ર તીર્થ પ્રભાસ વેરાવળ હાઇવે પર 5 કિ.મી. દૂર સ્થિત છે.

વર્તમાન મંદિરનો ઈતિહાસ

ઐતિહાસિક ઘટનાઓના આધારે કહી શકાય કે સોમનાથ મંદિર આશરે 17 વખત નષ્ટ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પહેલી વખત ક્યારે બન્યું એ બાબતે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી, પરંતુ ઈ.સ.1947માં ભારત આઝાદ થયું ત્યારબાદ 12 નવેમ્બર, 1947ના રોજ ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની મુલાકાત લીધી. મંદિરની જીર્ણશીર્ણ દશા જોઈને સરદાર પટેલે હાથમાં સમુદ્રનું પાણી લઈને મંદિરના નવનિર્માણની પ્રતિજ્ઞા લીધી. મંદિરની પુનઃરચનાનું મૂર્ત સ્વરૂપ આપવાની સંપૂર્ણ જવાબદારી પટેલે કનૈયાલાલ માણેકલાલ મુનશીને સોપી. આ સાથે ગાંધીજીની સલાહથી સોમનાથ ટ્રસ્ટની પણ સ્થાપના કરવામાં આવી.

1948માં સોલંકી શૈલીથી (ચાલુક્ય શૈલી) બાંધેલુ આજનું સોમનાથ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર”ના નિમાર્ણ માટે વાસ્તુકલા અને શિવપ્રસાદ નિર્માણ કળામાં પારંગત શ્રી પ્રભાશંકર ઓ. સોમપુરાને સ્થપતિ નીમવામાં આવ્યા. ચાલુક્ય શૈલીથી બાંધવામાંઆવેલું “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારના મંદિરનું નિર્માણ થયું નથી. 11 મે, 1951 માં ભારતના તત્કાલ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે સોમનાથના શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 108 તીર્થસ્થળ અને 7 સાગરના પાણી વડે પ્રભુનો અભિષેક કરીને મહાપુજા કરવામાં આવી હતી. તેમજ નૌકાદળ દ્વારા સાગરમાંથી 101 તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ હેઠળ થયું છે. હાલ આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
સરદાર પટેલના સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સ્વપ્નના સાક્ષી કનૈયાલાલ મુનશીએ સાચું જ કહ્યું છે કે, ” જો સરદાર આપણને મળ્યાં ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત.” મંદિરના પુનઃનિર્માણના પ્રણેતા સરદાર પટેલની સ્મૃતિમાં તેમના પ્રતિક સમાન કાંસ્ય પ્રતિમા આજે પણ ત્યાં સ્થાપિત છે.
સમય
- સોમનાથ મંદિરમાં દર્શન માટેનો સમય : સવારે 6:00 થી 10:00 વાગ્યા સુધી
- આરતીનો સમય : સવારે 7:00, બપોરે 12:00 અને સાંજે 7:00 વાગ્યે
કાર્તિકી પૂર્ણિમાનો મેળો
અહીં દર વર્ષે કારતક માસમાં તેરસ, ચૌદશ અને પૂનમ એમ ત્રણ દિવસ મેળો ભરાય છે. જેમાં લાખો ભાવિકો ભાગ લે છે. સૌરાષ્ટ્રના આ મેળાનું આગવુ મહત્વ છે. પૂનમની રાત્રે બાર વાગ્યે ચંદ્ર સોમનાથ મંદિરના શિખરની બરાબર ટોચ ઉપર જોવા મળે છે. જે જાણે સોમનાથ નામને સાર્થક કરતા હોય એવું લાગે છે. મહાભારત અને અન્ય પુરાણો અનુસાર ભગવાન શિવએ કાર્તિકી પૂનમના દિવસે ત્રિપુર નામના અસુરનો સંહાર કરીને ત્રણ લોકના કષ્ટ દૂર કર્યા હતા. આથી તેની યાદમાં 1955થી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મંદિરનો ધ્વંસ અને નવનિર્માણ
ઐતિહાસિક ઘટનાઓના આધારે કહી શકાય કે સોમનાથ મંદિર 17 વખત નષ્ટ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પહેલી વખત ક્યારે બન્યું એ બાબતે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી. પરંતુ પ્રાપ્ત થતી માહિતી મુજબ મૈત્રક વંશના સેનાપતિ ભટાર્કના નેતૃત્ત્વ હેઠળ આશરે ઈ.સ. 470 માં સૌરાષ્ટ્ર ગુપ્ત વંશના શાસનથી અલગ પડ્યું હતું. જેથી વલ્લભીપુર સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું. ઈ.સ.649 માં વલ્લભીપુરના મૈત્રક રાજાઓ દ્વારા આ મંદિર ફરી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈ. સ. 725 માં આરબ સરદાર અલ જુનૈદ દ્વારા આ મંદિરને ધ્વંસ કરવામાં આવ્યું હતું. ઈ. સ. 815માં ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટે દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવામાં આવ્યું હતું.
મંદિરની કીર્તિ, યશ અને સમૃદ્ધિની ચર્ચા દૂર દૂર સુધી થતી, તેમજ મંદિર તેના ધન અને સંપતિના કારણે પ્રસિદ્ધ હતું, ઇતિહાસકાર ઈબ્નઅસિર તેના ગ્રંથ ‘અલ કામિલ ફિત તારીખ’ માં લખે છે કે, મંદિરના 56 સ્તંભ કિંમતી રત્નજડિત હતાં. ઈ.સ. 1024-25 માં મહમદ ગઝનવીએ 5000 સૈનિકો સાથે મંદિર પણ આક્રમણ કર્યું અને મંદિરની સંપતિ લૂંટી ગયો જેમાં 70,000 જેટલા યોદ્ધાઓએ પ્રાણાપર્ણ કર્યું હતું. માળવાના રાજા ભોજ અને અણહિલવાડ પાટણના ચાલુક્ય રાજા ભીમદેવ પહેલા દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. ઈ.સ. 1093માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા પણ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં સહયોગ આપવામાં આવેલો હતો.
દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ નુસરત ખાં એ 1297 માં ગુજરાત પર હુમલો કરી શિવલિંગ ખંડિત કરીને મંદિરને નષ્ટ કર્યું. ઈ.સ. 1308 માં જુનાગઢના ચૂડાસમા શાસક મહિપાલદેવે નવનિર્માણ કરાવ્યું તેમજ તેમના પુત્ર રા’ ખેંગારે 1325 થી 1351 ના પોતાના રાજ્યકાળ દરમિયાન મંદિરમાં લિંગની પ્રતિષ્ઠા કરાવી.
ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહે ઈ.સ. 1395 ની સાલમાં લૂંટ્યું તેમજ 1413 માં તેના પુત્ર અહમદશાહે પણ એ જ કર્યું. ઈ.સ. 1469 માં અમદાવાદના સુલતાન મહંમદ બેગડાએ મંદિરનો ધ્વંસ કર્યો, જેમાં અરઠીલા-લાઠીના ગોહિલ રાજા ભીમજીના સૌથી નાના પુત્ર હમીરજી ગોહિલ અને વેગડોભીલ વિધર્મી સેના સામે લડતા-લડતા વીરગતિ પામ્યા. અમરવીર હમીરજીનો પાળિયો આજે પણ તેમના શૌર્ય અને અમર શહીદીની શાખ પુરે છે અને મંદિરની બહાર વીર વેગડાની ખાંભી પૂજાય છે.
ઈ.સ. 1560 માં મંદિરનો પુનરુદ્ધાર કરવાનો પ્રયાસ થયો પરંતુ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા 2 વાર સોમનાથ મંદિર તોડવામાં આવ્યું. પહેલી વખત 1665 માં મંદિર તોડ્યા બાદ ઔરંગઝેબે જોયું કે ફરી મંદિરમાં ભક્તો દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે એટલે 1706 માં ફરી મંદિર પર હુમલો કરવામાં આવ્યો.

પ્રસાદ યોજના હેઠળ 100 કરોડના ત્રણ પ્રોજેક્ટનું નિર્માણ
પર્યટન મંત્રાલય દ્વારા સ્થાનિક પ્રવાસન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનનું મહત્વ વધારવા માટે 2014-15 થી પ્રસાદ યોજના એટલે કે Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive (PRASAD) શરૂ કરવામા આવી હતી. જેના હેઠળ “આઇકોનીક પ્લેસ” અને “સ્વદેશ દર્શનમાં” સોમનાથ મંદિરનો સમાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રસાદ યોજના હેઠળ 100 કરોડના ત્રણ પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ ખાતે સમુદ્ર-દર્શન વૉક વે, અહલ્યાબાઈ દ્વારા નિર્મિત જૂનું સોમનાથ મંદિર અને સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ રૂ.30 કરોડના ખર્ચે બંધાનાર પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.


વોક-વે (Somnath Promenade)
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ મંદિરની નજીકના દરિયાકિનારે રૂ.45 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથે 1.48 કિ.મી. લંબાઈનો વોક-વે તૈયાર થઇ ગયો છે. 1.48 કિ.મી. લંબાઈનો આ વોક-વેનું સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ બનાવવા પાછળનો મુખ્ય હેતુ મંદિર તરફ આવતા દરિયાનું પાણી અટકાવવાનો તેમજ મંદિરની દીવાલને રક્ષણ આપવાનો છે. આ વોક-વેનો દરિયા તરફની સાઈડે ધોવાણ થતું અટકાવવા માટે ટેટ્રાપોડ ગોઠવવામાં આવ્યા છે. દરિયા તરફ વોક-વે પર યાત્રિકોને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વોક-વેમાં અંદર અને બહાર નીકળવાની બંને જગ્યાએ CCTVથી સજ્જ કેબીન બનાવવામાં આવેલી છે.
Read Also
આ મંદિરના શિવલિંગનો ખુદ સમુદ્ર કરે છે દિવસમાં બે વાર જળાભિષેક, અહીંનો ઈતિહાસ છે રસપ્રદ
ગુજરાતના આ વ્યક્તિએ બાળકો માટે કર્યું પોતાનું જીવન અર્પણ, કારણ જાણીને થશે ગર્વ
ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર ફરકી રહ્યો છે રાષ્ટ્રધ્વજ


વોક-વેમાં થોડા-થોડા અંતરે લાઇટના પોલ ગોઠવવામાં આવ્યા છે. સોમનાથ આવતા યાત્રીકો સમુદ્રનો નજારો માણી શકે એ માટે દૂરબીન, સાયકલીંક, બેસવાની સુવિઘા, ફૂડ કોર્ટ ઉપરાંત પ્રવાસીઓ ભારતની સંસ્કૃતિને લગતાં ચિત્રો નિહાળી શકશે, અહીં ગેલરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદૃશ્ય કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. વોક વેની સુંદરતામાં વધારો કરવા માટે રાત્રિના સમયે મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સ ગોઠવવામાં આવી છે. પ્રોમોનેડ વોક-વેમાં પ્રવેશ માટે રૂ. 05 ની ટીકીટ રાખવામાં આવી છે. અહીં 10 વર્ષથી નીચેની ઉમરનાને ફ્રી પ્રવેશ આપવામાં આવશે. આ ટીકીટનો સમય 02 કલાકનો રહશે એટલે કે આ ટીકીટ 2 કલાક માટે માન્ય રહેશે.

સોમનાથ એક્ઝિબિશન ગેલેરી (મ્યુઝિયમ)
સોમનાથ મંદિરના હજારો વર્ષના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળશે કે મંદિરના વિધ્વંસ અને પૂનઃ નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી રહી છે. આ વિસ્તારમાંથી પ્રાપ્ત થતાં શિલ્પોમાંથી જોવા મળશે કે સોમનાથ મંદિરની ભવ્યતા કેવી હતી. ઇ.સ. 11-12 મી સદી અને તેની પહેલા પ્રાપ્ત મંદિરોના અવશેષોનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ કરી મંદિર તેમજ સ્થાપત્યની ઝલક આપતા મ્યુઝિયમનું (Somnath Exhibition Centre)નિર્માણ કરવામાં આવ્યુ છે. ભૂતકાળના મંદિરોના અવશેષો દ્વારા સોમનાથ મંદિરના ઇતિહાસની તમામ વિગતો યાત્રાળુઓના પીરસવા માટે, સાથે જ ભારતનાં મંદિરોમાં રહેલી શિલ્પ અને સ્થાપત્યની અનેક વિશેષતાઓ રજૂ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર, શિલ્પ અને સ્થાપત્યના વિષય પર આ અનોખા મ્યુઝિયમની ગોઠવણ કરી છે. આ મ્યુઝિયમના નિર્માણનો ખર્ચ રૂપીયા 1.30 કરોડ થયો છે.



પરિસરના ડેવલોપમેન્ટનું કામ
ઈંદોરના રાણી અહલ્યાબાઇ દ્વારા બનવવામાં આવેલા જૂના સોમનાથ મંદિર પરિસર ખાતે આવેલ પરિસરના વિકાસનું કામ કરવામાં આવેલુ હતું. જેના નિર્માણનો કુલ વિસ્તાર 1800 ચો.મી. જેટલો થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફસ્ટ ફ્લોર એમ ટોટલ 2 માળ છે. બહારથી અંદર પ્રવેશતા જ ગ્રાઉન્ડ ફ્લોરમાં જવા માટેનો રેમ્પ(ઢાળ) આવેલો છે. રેમ્પમાંથી નીચે ઉતરતા વિશાળ 270 ચો.મી.નો કોર્ટયાર્ડ આવેલો છે. જેમાં યાત્રિકોને બેસવા માટેની સગવડ કરેલી છે. આ સાથે આ કોર્ટયાર્ડની બંને બાજુમાં કુલ 15 દુકાનો આવેલી છે.જે યાત્રિકો માટે પ્રસાદ, બીલીપત્ર, કૂલહાર, જેવી પૂજાની સામગ્રીના વેચાણ માટે છે. તે ઉપરાંત એક લીફ્ટ શાફ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેથી ભવિષ્યમાં જરૂર જણાય તો ફર્સ્ટ ક્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર માટે લીફ્ટ સ્થાપિત કરી શકાય.

ફસ્ટ ફ્લોર પર બંને બાજુ 155 ચો.મી.ના બે મોટા હોલ બનાવેલા છે. કોર્ટયાર્ડમાં માતો શ્રી અહલ્યાબાઈ હોલ્કરની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે. માતો શ્રી અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિરના પરિસરના નિર્માણ માટે 3.5 કરોડનો ખર્ચે થયેલો છે.
શ્રી પાર્વતી મંદિર
સોમનાથના મુખ્ય મંદિરના પ્રાંગણમાં શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિરના બાંધકામનો કુલ વિસ્તાર આશરે 1650 ચો.મી. જેટલો છે. આ મંદિર અંબાજીના આરસમાંથી બનાવવામાં આવશે.

નૂતન પાર્વતી મંદિર માટે ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરીવાર તરફથી દાન મળેલું છે. આ પાર્વતી મંદિરમાં કુલ 44 સ્તંભ બનશે. જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરીને મઢવામાં આવશે.આ મંદિર સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. મંદિરના ગર્ભગૃહનો એરિયા આશરે 380 ચો.મી. જેટલો છે. તેમજ નૃત્ય મંડપનો વિસ્તાર આશરે 1250 ચો.મી. છે. આ મંદિરનું નૃત્ય મંડપ તેમજ મુખ્ય મંદિરનું નૃત્યમંડપ બંને એક જ સપાટીએ આવશે. શ્રી પાર્વતી મંદિર મંદિર નિર્માણનો ટોટલ ખર્ચ આશરે રૂ. 30 કરોડ જેટલો થશે.

- સોમનાથ મહાદેવ મંદિર – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 411 km.) – Rs.10,500 – 12,500
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1200 – 2200
- જમવાનો ખર્ચ – Rs.1500 – 2000
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
- કુલ – આશરે 14,200 થી 18,700/—
- અંતર (Distance)
- અમદાવાદથી – 411 km.
- વડોદરાથી – 485 km.
- સુરતથી – 614 km.
- કચ્છથી – 498 km.
- રાજકોટથી – 198 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – સોમનાથ બસ સ્ટોપ, વેરાવળ રેલ્વે સ્ટેશન, કેશોદ એરપોર્ટ.
આલેખન – રાધિકા મહેતા