Category Archives: હેરિટેજ સાઈટ

કચ્છની ધરા પર ધબકતા આ ધોળાવીરામાં એવું તો શું છે કે બન્યું વૈશ્વિક ધરોહર, જાણીને થશે ગર્વ

Posted By admin August 15, 2021
Dholavira

ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતનો આ કચ્છડો કદાચ તેના કાચબા જેવા આકારના કારણે જ કચ્છ નામ ધરાવતો હશે. કચ્છ આ સફેદ રણના કારણે આજે વિશ્વભરમાં ગુજરાતની એક આગવી ઓળખ છે ત્યારે “ધોળાવીરા” (Dholavira) વૈશ્વિક ધરોહર બનતા કચ્છમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

UNESCOની વર્લ્ડ હેરિટેજ કમિટીએ તેમના 44મા સેશનમાં કચ્છના આ ધોળાવીરાને ભારતની 40 મી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. જે ગુજરાત માટે એક ગર્વની વાત છે. ધોળાવીરા ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રથમ સાઈટ છે જે પ્રતિષ્ઠિત સૂચિમાં શામેલ થઈ છે. આ સફળ નામાંકન સાથે, ભારતમાં હવે કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે.

હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર એટલે ધોળાવીરા (Dholavira)

ભુજથી 198 કી.મી દૂર ઉત્તરમાં ખદીરબેટ આવેલું છે. આ ખદીરબેટ પર ધોળાવીરા નામનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર આવેલું હતું. આ ધોળાવીરા રાપરથી આશરે 90 કી.મી અને ભચાઉથી આશરે 140 કી.મી દુર આવેલું છે. આમ તો આ વિસ્તારને ‘કોટડા ટિંબા’ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ સમય જતાં તે ધોળાવીરા તરીકે ઓળખાવા લાગ્યો. આ ધોળાવીરા આશરે 5000 વર્ષ પહેલાં વિશ્વનું પ્રાચીન મહાનગર હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ ખાસ કરીને ‘મોડર્ન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનાં શહેરો એમનાં સ્થાપત્યો, મકાનો, ગટરવ્યવસ્થા, અને જાહેર સ્થળો વગેરે માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. ધોળાવીરા રણપ્રદેશમાં વસેલું હોવા છતાં સિંધુ ખીણની સંસ્કૃતિનું મહાનગર સાથે અત્યંત સમૃદ્ધ નગર હતું.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

ધોળાવીરા કર્કવૃત્ત પર સ્થાન ધરાવે છે. આ સાથે ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહ વચ્ચે સ્થિત છે. સામાન્ય રીતે નદીઓ અને પાણીના બારમાસી સ્ત્રોતોની નજીક આવેલા અન્ય હડપ્પાના પૂર્વવર્તી નગરોથી વિપરીત, ખદીરબેટમાં ધોળાવીરાનું સ્થાન છે. કોપર, શેલ, એગેટ-કાર્નેલીયન, સ્ટીટાઇટ, લીડ, બેન્ડ લાઈમસ્ટોન જેવી વિવિધ ખનિજ અને કાચા માલનો સ્રોત તરીકે ઉપયોગ કરવા માટે ધોળાવીરા એક આયોજનબદ્ધ સ્થળ હતું. આ ઉપરાંત ધોળાવીરા આધુનિક ઓમાન અને મેસોપોટેમીયાના પ્રદેશોમાં આંતરિક તેમજ બાહ્ય વેપારને સરળ બનાવ્યું હતું.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

ધોળાવીરા (Dholavira) નામ કેવી રીતે પડ્યું?

એવું માનવામાં આવે છે કે ધોળાવીરા જ્યાં સ્થિત છે ત્યાં અંદાજે 500 થી 600 વર્ષ પહેલાં ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરડા( વીરા) વહેતા હતા. આ વીરડા (વીરા) પરથી આ ગામનું નામ પડ્યું હતું.

10 કી.મી દૂરથી પણ દેખાય છે કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ

ધોળાવીરામાં આવેલા કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ 10 કી.મી દૂરથી પણ દેખાય છે. આ કિલ્લાને ત્યાંના સ્થાનિક લોકો કોટડો (મહાદુર્ગ) કહે છે. ઉત્તરથી દક્ષિણ તરફનો ધોળાવીરાનો વિસ્તાર 600 મીટર જયારે પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો 775 મીટર છે. આ ધોળાવીરા શહેરના અવશેષો 100 હેક્ટર જમીનમાં ફેલાયેલા છે.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

1989–93માં પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે કર્યું હતું ઉત્ખનન

1967-1968માં ભારતના પુરાતત્ત્વવિદ્ જગતપતિ જોષીએ કોટડાની (હાલમાં ધોળાવીરાની) મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પુરાતત્વવિદ ડૉ. સુમન પંડ્યાએ જાતે ધોળાવીરામાં રહીને તેનું નિરીક્ષણ કરીને તેનું મહત્વ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું. પરિણામસ્વરૂપે ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે 1989–93માં મર્યાદિત ઉત્ખનન કર્યું હતું. આ ઉત્ખનન દરમ્યાન મળેલા અવશેષોના આધારે આ શહેરને સિંધુ સંસ્કૃતિ પૂર્વેનો સમય, સિંધુ સંસ્કૃતિનો સમય અને ઉત્તર સિંધુકાલીન સમય એમ ત્રણ કાળમાં વર્ગીકરણ કરવામાં આવેલું.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

અહીંથી કયાં-કયાં અવશેષો મળી આવ્યા છે?

આ જગ્યાએથી સિંધુ સંસ્કૃતિના શહેરી અવશેષો મળી આવ્યા છે, જેમાં ચર્ટ પથ્થરનાં પાનાં, તોલમાપનાં વજનો, મુદ્રાઓ, મુદ્રાંકનો, કંપાસ, અનેક પ્રકારના મણકા, સોના, રૂપા, તાંબા તથા સીસાનાં ઘરેણાં, બંગડીઓ, અર્ધકીમતી પથ્થરોના મણકા અને દાગીના મળ્યાં છે. આ ઉપરાંત માટીની પકવેલી થેપલીઓ, ગોફણના ગોળા, બગ્ગીઓ, રમકડાંનાં ગાડાં, શંખની બંગડીઓ, કડછીઓ, આચમનીઓ અને જડતરના દાગીના પણ અહીંથી મળ્યા છે.

Dholavira
www.gujarattourism.com
Dholavira
www.gujarattourism.com
Dholavira
www.gujarattourism.com

મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું ધોળાવીરા નગર (Dholavira)

Dholavira
Screen Grab/youtube/gujarattourism

ધોળાવીરા નગર (Dholavira) મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. જેમાં સૌથી પહેલાં “અપર ટાઉન” આવતું જેને “સિટાડેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં શાસકોના એટલે કે રજવાડી કુટુંબના નિવાસસ્થાન આવેલા હતા. આ સિટાડેલ વિસ્તારને લંબચોરસ કિલ્લેબંધીવાળું બાંધકામ છે. આ સાથે તેના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ પડે છે. આ બંને ભાગોની દીવાલો વચ્ચે 55 મીટરની પહોળાઈ ધરાવતી શેરી છે. બંને વિભાગોને જોડતા પગથિયાંવાળા ઊંચા અને વિશાળ દરવાજા આવેલાં છે. તેની એકદમ પાછળ પશ્ચિમ દિશામાં આવેલાં વિસ્તારને “બૈલી” તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં રજવાડી કુટુંબ માટે સિટાડેલમાં કામ કરતાં લોકોને રહેવા માટેની સગવડતા હતી.

Dholavira
Screen Grab/youtube/gujarattourism
Dholavira
Screen Grab/youtube/gujarattourism

સિટાડેલની ઉત્તરના ભાગમાં ધોળાવીરા નગરનો બીજો ભાગ એટલે કે “મિડલ ટાઉન” (મધ્ય નગર) આવેલું હતું. આ મધ્ય નગર ભાગમાં પથ્થરથી ચણેલાં મકાનોના અવશેષો જોવા મળે છે. તદુપરાંત ત્યાં જોવા મળતા વધારે જગ્યા ધરાવતાં ઘરોના સુઆયોજનના પુરાવા પરથી ખબર પડે છે કે ત્યાં જરૂર સારા વર્ગના લોકો રહેતાં હશે. આ બાંધકામનો ઉત્તરદિશાનો દરવાજો શહેરના મુખ્ય રસ્તે ખૂલે છે. આ દરવાજાની બંને બાજુએ ચોકીદારોને બેસવા માટેની જગ્યા આવેલી છે.

Dholavira
Screen Grab/youtube/gujarattourism

આ નગરનો ત્રીજો ભાગ “લોઅર ટાઉન” (નીચલું નગર) તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યાં ખેડૂતો, કુંભારો જેવા સામન્ય લોકો વસવાટ કરતાં હતા.

ધોળાવીરાની (Dholavira) પાણીની સંચાલન પદ્ધતિ છે અજોડ

આ પ્રાચીન વસાહતની અજોડ બાબત અહીંની પાણીની સંચાલન પદ્ધતિ હતી. ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહની વચ્ચેના ભાગમાં આવેલું છે. જેથી આ બંને નદીના પાણીનો ઉપયોગ જળ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો.

Dholavira
Screen Grab/youtube/gujarattourism

ધોળાવીરાની (Dholavira) એક વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો પણ છે. આ જળાશયોમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. ધોળાવીરા નગર ઉતરથી દક્ષિણ દિશા તરફ ઢાળ ધરાવે છે. જેથી ચોમાસા દરમ્યાન મનહર નદીમાંથી પાણી આવતું, જે મુખ્ય જળાશય ભરાયા બાદ નહેરની મારફતે બીજાં જળાશયમાં જતું હતું. આ વિશાળ જળાશયોમાં અંદર ઊતરવા માટે પગથિયાંની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ સુઆયોજનના મળતાં પુરાવાઓ પરથી ચોક્કસ એવું કહી શકાય કે ધોળાવીરાના લોકો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની ખૂબ જ સારી તકનિકોના જાણકાર હતા.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

બૌદ્ધ સ્તૂપોના અવશેષો પ મળી આવ્યા છે અહીંથી

અહીં બે બહુહેતુક મેદાનો પણ આવેલાં હતા. જેમાંથી એક મેદાનનો તહેવારો માટે જયારે બીજાનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો. અનન્ય ડિઝાઇન ધરાવતા નવ દરવાજા પણ આવેલા હતા. ભારતમાં બૌદ્ધ ધર્મના ધોળાવીરાના સમયમાં પણ જોવા મળે છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક બૌદ્ધ સ્તૂપો આવેલાં છે. જેમાંથી બે બૌદ્ધ સ્તૂપો જેવી ગોળાર્ધ રચનાઓ ધરાવતા સ્મશાનના અવશેષો મળી આવ્યા હતા.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

ધોળાવીરા (Dholavira) વેપાર-વાણિજ્યનું હતું મોટું કેન્દ્ર

ધોળાવીરા દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી વસાહતોમાં સ્થાન પામે છે. આ સભ્યતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 1500 થી ઈ.સ.પૂર્વે 3000 સુધીનો માનવામાં આવે છે. ઈ.સ.પૂર્વે 2500ની આસપાસ દક્ષિણ એશિયાના પશ્ચિમ ભાગમાં એટલે વર્તમાનનું પાકિસ્તાન અને પશ્ચિમ ભારત તે મૂળભૂત રીતે એક શહેરી સંસ્કૃતિ હતી અને લોકો સુઆયોજિત અને સુવ્યવસ્થિત નગરોમાં રહેતા હતા. જે વેપારના કેન્દ્રો પણ હતા. અહીં મળેલી વસાહત પરથી કહી શકાય કે ધોળાવીરા વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હશે.

Dholavira
Mitesh Dayani (Archaeologist)
Dholavira
www.gujarattourism.com

ધોળાવીરાના (Dholavira) પુરાતત્વીય પુરાવાઓ

  • અહીં મળી આવેલી કલાકૃતિઓમાં ટેરાકોટા માટીના વાસણ, ગુલાબી રંગના મણકા, માળા, સોના અને તાંબાના આભૂષણો, મહોર, માછલી પકડવાની કાંટાવાળી આંકડી, પ્રાણીઓની મૂર્તિઓ, સાધનો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી વાસણોનો થાય છે સમાવેશ
Dholavira
www.gujarattourism.com
  • તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો દર્શાવે છે કે ધોળાવીરામાં રહેતા લોકો ધાતુશાસ્ત્ર હતા જાણકાર
  • એવું માનવામાં આવે છે કે ધોળાવીરાના વેપારીઓ હાલના રાજસ્થાન, ઓમાન અને યુએઈમાંથી તાંબા અયસ્કનો સ્ત્રોત લેતા હતા અને તૈયાર ઉત્પાદનોની કરતા હતા નિકાસ
  • ધોળાવીરા અકીક, શંખ અને અર્ધ કીમતી પથ્થરોથી બનેલા દાગીનાના ઉત્પાદનનું હતું કેન્દ્ર
  • અહીંથી મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે
  • લાકડાની નિકાસ પણ કરવામાં આવતી હતી અહીં
Dholavira
Screen Grab/youtube/gujarattourism
  • ધોળાવીરાના પ્રવેશદ્વાર પાસે 10 અક્ષરનું મળી આવેલું છે સાઈન બોર્ડ
  • આ સાઈન બોર્ડમાં લખેલી લિપિ માત્ર ધોળાવીરામાં જ મળી છે
  • આ સાઈન બોર્ડમાં લખેલી લિપિના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે
  • આ સાઈન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ કહી શકાય, પરંતુ હજુ સુધી તેને નથી ઉકેલી શકાયું

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાના માપદંડો

કોઈપણ દેશ દ્વારા સૌપ્રથમ પોતાના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે કોઈપણ દેશ એવી કોઈપણ સંપદાને નોમિનેટ ન કરી શકે જેનું નામ એ લિસ્ટ પહેલાંથી શામેલ ન હોય. આ સાથે જ આ લિસ્ટ સમયાંતરે અપડેટ પણ કરવામાં આવે છે. 2004 સુધી સાંસ્કૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 6 માપદંડ અને પ્રાકૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 4 માપદંડ હતા. જે વર્ષ 2005માં બદલીને કુલ મળીને 10 માપદંડ કરી નાખવામાં આવેલાં. જે 10 માપદંડો આ મુજબ છે.

  1. જે તે સ્થળ કે વસ્તુ માનવ સર્જનાત્મકતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠતમ નમૂનો હોવો જોઈએ
  2. જે તે સાંસ્કૃતિક જગ્યામાં તે સમયગાળા દરમિયાનના સ્થાપત્ય, ટેકનોલોજી, કળા, નગર આયોજન અને તેની સંરચના જેવા અગત્યના માનવમૂલ્યોની આપ-લે થયેલી હોવી જોઈએ
  3. જે તે સ્થળે રહેતા અથવા રહી ચૂકેલા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાઓ અથવા પરંપરાઓના પુરાવા હોવા જોઈએ
  4. જે તે સ્થળ ઉપર કોઈ પ્રકારની એવી ઐતિહાસિક ઇમારત, સ્થાપત્ય અથવા ટેક્નોલોજિકલ ચીજવસ્તુ હોવી જોઈએ જે માનવ ઇતિહાસમાં કોઈ એક સમયે ખૂબ મહત્વનું સ્થાન ભોગવતી હોય
  5. જે તે સ્થળ ઐતિહાસિક રીતે માનવ સભ્યતાએ ઉપયોગ કરેલ જમીન અથવા દરિયાઈ વસાહતનો શ્રેષ્ઠ નમૂનો હોવી જોઈએ. આ સ્થળ મનુષ્યોએ સ્થાનિક પર્યાવરણ સાથે કઈ રીતે પરસ્પર જોડાણ કર્યું હતું તેનું ઉત્તમ ઉદાહરણ હોવું જોઈએ
  6. જે તે સ્થળ વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી કળાઓ, સાહિત્યિક મૂલ્યો, વિચારો, આસ્થાઓ, અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલું હોવું જરૂરી
  7. જે તે સ્થળ ઉપર અદભૂત કહી શકે એવી કુદરતી ઘટનાઓ બનતી હોય અથવા જે વિસ્તારોમાં અસાધારણ રીતે કુદરતી સુંદરતા આવેલી હોય અને જેનું સૌદર્યનું દ્રષ્ટિએ આગવું મહત્વ હોય
  8. પૃથ્વીના ઇતિહાસના મહત્વના તબક્કાઓ જે તે સ્થળ ઉપર પસાર થયા હોય, અલગ-અલગ સજીવોના જીવનના પુરાવા હોય, હાલ એ ધરતી ઉપર મહત્વના ભૂવિજ્ઞાનિક ફેરફારો થઈ રહ્યા હોય અથવા તેની ચોક્કસ ભૌતિક વિશેષતાઓ હોય
  9. જીવવિજ્ઞાનના ક્ષેત્રે જે તે સ્થળે એવી અતિમહત્વની ઘટનાઓ બની હોય જે ઘટનાઓ ભવિષ્યમાં સજીવો, ચોખ્ખું પાણી, દરિયાઈ જીવ સૃષ્ટિ, ઝાડ-પાન અને પશુઓના ઉદ્ભવ, વિકાસ અને તેમની ઉત્ક્રાંતિ માટે જવાબદાર હોય
  10. જૈવ વિવિધતા જાળવી રાખવા માટે જે તે સ્થળ ત્યાંની સ્થાનિક જીવ સૃષ્ટિ, ખાસ કરીને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પ્રજાતિઓને એક કાયમી અને સુરક્ષિત આવાસ આપતું હોય જેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું સંરક્ષણ થઈ શકે

ધોળાવીરાને (Dholavira) વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે સૌપ્રથમ 2018માં કરવામાં આવી હતી રજૂઆત

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે સૌપ્રથમ 2018માં ડોઝિયર મોકલ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકારે ધોળાવીરાની સાઇટનો વિકાસ કરવા ખાસ સમિતિઓની રચના કરી હતી. ત્યારબાદ પણ સતત તેના સમાવેશ માટે યુનેસ્કોને રજૂઆતો કરવામાં આવતી રહેતી અને છેવટે 2021માં કચ્છના આ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યું. ધોળાવીરાના સમાવેશ સાથે હવે ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. જેમાં ધોળાવીરા (2021) સહિત પાવાગઢ સ્થિત ચાંપાનેર (2004), પાટણમાં આવેલી રાણ કી વાવ (2014) અને અમદાવાદ શહેર (2017)નો સમાવેશ થાય છે.

www.gujarattourism.com

વિશ્વના 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સાઇટો જેમાથી ભારતમાં કુલ 40 વૈશ્વિક ઐતિહાસિક સ્થળો

વિશ્વભરમાં (જુલાઈ, 2021 સુધીમાં) 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સ્થળો આવેલા છે. જેમાં 897 સાંસ્કૃતિક, 218 પ્રાકૃતિક અને 39 મિશ્રિત સ્થળ છે. સૌથી વધારે હેરિટેજ સ્થળો ધરાવતા લિસ્ટમાં ઈટલીનો પ્રથમ સ્થાને આવે છે. જ્યાં 55 વૈશ્વિક સ્તરના ઐતિહાસિક સ્થળો આવેલાં છે. જયારે બીજા નંબરે ચીન ( 55 ઐતિહાસિક સ્થળો ), ત્રીજા નંબરે સ્પેન (48 ઐતિહાસિક સ્થળો ), ચોથા નંબરે જર્મની (46 ઐતિહાસિક સ્થળો) અને પાંચમાં નંબરે ફ્રાંસનો (45 વૈશ્વિક ધરોહર સ્થળો) સમાવેશ થાય છે.

Taj mahal
en.wikipedia.org/wiki/Taj_Mahal

આ સાથે આ યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. હાલ (જુલાઈ, 2021) સુધીમાં ભારતમાં કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે. જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને 1 મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આ ઐતિહાસિક ધરોહરની લિસ્ટમાં સૌથી પહેલા નંબરે સાત અજાયબીમાનો એક “તાજમહેલ” છે. 1983માં સૌપ્રથમવાર સાંસ્કૃતિક મહત્તવ ધરાવતા સ્થળ તરીકે તાજમહેલ, અજંતા-ઈલોરાની ગુફાઓ, કોર્ણાકનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો, કુતુબમિનાર, લાલકિલ્લો, જંતર-મંતર સામેલ છે. ત્યારબાદ 1985માં સૌપ્રથમવાર પ્રાકૃતિક સ્થળોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, જે અંતર્ગત કાજીરંગા નેશનલ પાર્ક કેઓલાદેવ નેશનલ પાર્ક, માનસ વાઇલ્ડલાઈફ સેન્ચુરી, સહિત કુલ 40 સ્મારકો, ઈમારતો અને સ્થળો છે. જેમાં તેલંગાણામાં આવેલું રામપ્પા મંદિર ભારતની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ગુજરાતમાં આવેલી ધોળાવીરાને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Ramappa Temple
en.wikipedia.org/wiki/Ramappa_Temple

UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળતાં શું લાભ મળે?

UNESCO
whc.unesco.org/en/list/
  • લોકપ્રિયતા, પ્રવાસન, રોજગારી અને આર્થિક લાભ

કોઈપણ સ્થળને જયારે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે સૌથી મોટો ફાયદો તેના ટૂરિઝમ, એટલે કે પ્રવાસનને મળે છે. કોઈપણ સાઇટને વર્લ્ડ હેરિટેજની માન્યતા મળ્યા બાદ ત્યાં ટુરિસ્ટોનો ખાસ ઘસારો જોવા મળે છે. આ સાથે જ દેશ-વિદેશમાં આ પ્રકારના સ્થળો આકર્ષણનું એક કેન્દ્ર બની જાય છે. આ સાથે લોકલ મીડિયાથી લઈને દેશ-વિદેશના મીડિયા, તેમજ ટ્રાવેલર, યુટ્યુબરો એને વ્લોગર તેની લોકપ્રિયતામાં વધારો થાય એ હેતુથી તેના વિડીયો અને લેખો બનાવી તેનો પ્રચાર-પ્રસાર કરે છે. આવું કરવાથી એ હેરિટેજ સાઇટની લોકપ્રિયતામાં વધારો થાય છે. આ સાથે જ પ્રવાસન સ્થળ ઉભું કરીને રોજગારી સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે.

  • સંરક્ષણ માટે ભંડોળ મળવાને પાત્ર

વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારી જગ્યા સંરક્ષણ માટે ભંડોળ મેળવવાને પાત્ર બની જાય છે. આવી અમુલ્ય જગ્યાઓનું સંરક્ષણ કરવું એ એક જવાબદારી બની જાય છે. આવા કારણથી જો સાઇટના વૈશ્વિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંસાધનો માટે મેન્ટેનન્સની જરૂર હોય કે પછી જો સાઇટના રક્ષણ માટે પણ કોઈ જરૂરીયાત હોય તો તેના માટે ભંડોળની ખાસ વ્યવસ્થા હોય છે.

  • યુદ્ધ જેવી સ્થિતિ વખતે ખાસ સંરક્ષણ અને નુકસાન થાય તો ફંડની મદદ

વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં સ્થાન મળ્યા બાદ જે-તે સ્થળનું સંરક્ષણકરવું ખુબ જ જરૂરી અર્થાત એક જવાબદારી બની જાય છે. આ ઉપરાંત ખાસ કરીને યુદ્ધ જેવી પરીસ્થિતિ વખતે જીનિવા કન્વેન્શન અંતર્ગત આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ખાસરૂપે ધ્યાન આપવામાં આવે છે. ધ્યાન રાખવા છતાંપણ યુદ્ધ દરમિયાન તેને કોઈ નુકશાન થાય તો તેને ફરીવાર જે સ્વરૂપમાં હતું એ જ સ્વરૂપ આપવામાં આવે છે. ભુતકાળમાં (2001માં) તાલિબાનીઓ દ્વારા 6ઠ્ઠી સેન્ચુરીમાં બનેલી 150 ફૂટની બુદ્ધ પ્રતિમા કે જે અફઘાનિસ્તાનના બામિયાન વેલીમાં આવેલી છે, જેને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જેને પહેલાં જેવું સ્વરૂપ આપવા માટે યુનેસ્કો દ્વારા 4 મિલિયન ડોલરની મદદ કરવામાં આવી હતી.

Read Also

મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતી અને લુપ્ત થતી એવી નૃત્ય કળા કે, જેમાં પુરુષો ધારણ કરે છે માતાજી જેવા જ વસ્ત્રો

ધોળાવીરાનો નાશ થવાનું કારણ

Dholavira
www.gujarattourism.com

ધોળાવીરાના નાશ માટે અલગ-અલગ મતો પ્રવર્તે છે. જેમાં એક મત મુજબ ધોળાવીરા આબોહવા પરિવર્તન અને સરસ્વતી નદી સુકાવાને કારણે તીવ્ર શુષ્કતાના તબક્કામાં પ્રવેશ કર્યો. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, જેના પગલે લોકોએ ગંગા ખીણ અથવા દક્ષિણ ગુજરાત તરફ અને મહારાષ્ટ્રમાં આગળ વધવાનું શરૂ કર્યું હશે એવું માનવામાં આવે છે. ત્યારબાદ ખદીર ટાપુ પર સ્થિત કચ્છનું રણ જેના પર ધોળાવીરા સ્થિત છે, તે નૌકાવિહાર માટે વપરાતું હતું. પરંતુ દરિયો ધીમે-ધીમે ઘટતો ગયો અને રણ કાદવની સપાટી બની ગયો. આ રીતે ધોળાવીરાનો નાશ થયો હોય એવું માનવામાં આવે છે.

Dholavira
www.gujarattourism.com

આ સાથે બીજા મત મુજબ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી’ આ સંસ્કૃતિના પતન માટે પાણીને જવાબદાર ગણાવે છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરેલા સંશોધન મુજબ એવા સંકેતો પ્રાપ્ત થયાં છે કે કચ્છના દરિયાકિનારે આવેલી ભયંકર સુનામીના કારણે ધોળાવીરાનો નાશ થયો હશે.

Dholavira
www.gujarattourism.com
  • ધોળાવીરા – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 358 km.) – Rs.8500 – 11000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.2500 – 4000
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 14,500 થી 19,500/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 358 km.
  • વડોદરાથી – 467 km.
  • સુરતથી – 619 km.
  • રાજકોટથી – 259 km.
  • કચ્છથી – 283 km.

જાણીતી હોટલો Rann Resort Dholavira

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક : ખદીરબેટ બસ સ્ટોપ, ભુજ રેલ્વે સ્ટેશન, ભુજ એરપોર્ટ

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

Posted By admin June 5, 2021
Lothal

સિંધુ નદી અને તેમાં વિલીન થતી ઝેલમ, ચીનાબ, રાવી અને સતલુજ નદીઓનો પ્રદેશ એ આપણી સંસ્કૃતિનો ઐતિહાસિક યુગનો પુરાતન પ્રદેશ છે. આ પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સંસ્કૃતિને કાંસ્યાયુગીન સંસ્કૃતિ પણ કહે છે, કેમકે ત્યાં તાંબુ અને ટિનનો ઉપયોગ કરીને કાંસુ બનાવવામાં આવતું અને તેનો ઉપયોગ ઘરવપરાશ માટે કરવામાં આવતો હતો.

વિવિધ પ્રદેશોમાંથી ઉત્ખનન કરાતા મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના અવશેષો

ઈ.સ.1921માં હડપ્પાના (જિ.મોન્ટગોમરી,પાકિસ્તાન) મહત્વની પ્રતીતિ થતાં આ સ્થળોએ વિસ્તૃત ઉત્ખનન કરાતા સિંધુસભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ (સૌપ્રથમ અવશેષ હડપ્પા નામના સ્થળેથી મળ્યા હોવાથી) તરીકે ઓળખાતી ભારત-પાકિસ્તાન ઉપખંડની પ્રથમ નગર-સભ્યતાનાં બે મહાન નગરો હડપ્પા અને મોંહે-જો-દડોના અવશેષ મળી આવ્યા હતા. આ સંસ્કૃતિનાં સંખ્યાબંધ સ્થળ પંજાબ, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ મળી આવ્યા છે. તે પૈકી દક્ષિણ ગુજરાતમાં કીમ નદીને કિનારે આવેલું ભાગા તળાવ, સૌરાષ્ટ્રમાં રંગપુર (ગુજરાતમાંથી શોધાયેલ સૌપ્રથમ નગર) અને રોજડી, કચ્છનું દેશળપુર અને ધોળાવીરા તથા અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાનાં લોથલમાંથી (Lothal) આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલની શોધ (Lothal)

અમદાવાદથી 80 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલ આ પ્રાચીન જગ્યા ઉપર આજથી 4500 વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું શહેર આવેલું હતું. સિંધુ સંસ્કૃતિનો વ્યાપ અત્યારના પાકિસ્તાન સુધી ફેલાયેલો હતો. ભારત સરકારના પુરાતત્વ વિભાગના પ્રો.એસ.આર.રાવ અને તેમની ટીમે 1955 થી 1962 દરમ્યાન સંશોધન કરતાં આ પ્રાચીન શહેર લોથલ (Lothal) મળી આવ્યું. આ નગરમાંથી મળેલા અવશેષો ઈ.સ.પૂર્વેનાં 2500 થી 1900 દરમ્યાનનાં હોવાનું માનવામાં આવે છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

ખનન પ્રવૃત્તિ કરીને જાણવા મળ્યું કે અહીં સાબરમતીના કાંઠા ઉપર આવેલું વિશ્વનું સૌથી જૂનું કૃત્રિમ બંદર આવેલું હતું. આ જગ્યા ઉપર એક કિલ્લા બંધ શહેર, બહારનો વિસ્તાર, મણકાઓની ફેક્ટરી, વખાર અને ગટર વ્યવસ્થા આવેલી હતી.

પુરાતત્વવિદોએ શોધ્યું કે અહીં આવેલી કેનાલો અને બંદરોને કારણે આ શહેર વેપારનું એક મહત્વનું મથક હતું. અહીંના અવશેષોથી જાણવા મળે છે કે અહીંથી મેસોપોટેમિયા, ઈજિપ્ત અને પર્શિયા જેવા દેશો સાથે વ્યાપાર થતો હતો. અહીંથી બજાર અને બંદર ધરાવતી એક આખી ટાઉનશીપ મળી આવી છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલ (Lothal) નામનો અર્થ

એવું કહેવાય છે કે લોથલ એ બે શબ્દો; લોથ અને થલના જોડાણથી બનેલો છે. આ શબ્દોનો ગુજરાતી અર્થ “મડદાઓનો જથ્થો” એવો થાય છે. આ શહેર ઇસ પૂર્વે 3700માં વસ્તી ધરાવતું હતું અને આ એક સમૃદ્ધ વેપારી મથક હતું. 13 ફેબ્રુઆરી 1955થી 19 મે 1960 સુધી ભારતના પુરાતત્વ ખાતાએ અહીં ખનન કરતા આ શહેર મળી આવ્યું હતું. પુરાતત્વ વિદોનું માનવું છે કે આ શહેર સિંધથી સૌરાષ્ટ્રને જોડતા પ્રાચીન વેપારી જળમાર્ગનો એક મહત્વનો હિસ્સો હતું. અર્વાચીન ભારતના ઇતિહાસની સૌથી મહત્વની અને સૌથી વધુ પુરાતત્વ શોધખોળ આ વિસ્તારમાંથી મળી આવી છે.

લોથલની વિશેષતા

  • લોથલની પ્રમુખ વિશેષતા એટલે વાહન લાંગરવા માટેનો ડોકયાર્ડ
  • આ ડોકયાર્ડ 215 મીટર લાંબુ, 38 મીટર પહોળું અને 1 મીટર ઊંડું છે, તેની આજબાજુ પકવેલી ઈંટોની દીવાલનો બંધ બાંધવામાં આવ્યો હતો.
  • આ ડોકયાર્ડની ક્ષમતા 650 ક્વિન્ટલ વજન ધરાવતા વાહનોની હતી.
  • અહી મકાનો પણ વિશાળ હતા.
  • સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે.
  • ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
  • આ ઉપરાંત લોથલમાં મળેલી વખારો(Warehouse) અને દુકાનો દર્શાવે છે કે આ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું ભારતનું સમૃદ્ધ બંદર હશે.
  • લોથલમાં બારીક છીદ્રો ધરાવતા મણકા પણ મળી આવ્યા હતા.
  • અહીં મણકા બનાવવાનું કારખાનું, અગ્નિકુંડ, અનાજ દળવાની ઘંટીના અવશેષો પણ મળી આવ્યા.
  • કલાત્મક માટીના વાસણો લોથલની માટી કલાની વિશિષ્ટતા દર્શાવે છે.
  • લોથલમાં સ્ત્રી અને પુરુષના જોડિયાં શબ મળી આવ્યાં છે જે અવશેષ ‘સહમરણ નો રિવાજ’ સૂચવે છે.
  • અહીં એક બાળકના શબમાં તેની ખોપડીમાં કાણું પડેલું જોવા મળે છે. જે કદાચ મગજમાં શસ્ત્રક્રિયા કરવામાં આવ્યાના સંકેત છે.
  • આ વિસ્તારની આજુ બાજુ કપાસ અને ચોખાનું ઉત્પાદન કરવામાં આવતું.
  • આ બંદરથી પશ્ચિમ એશિયાના પ્રદેશમાં અર્ધ કિંમતી પત્થરો, મણકાઓ, તાંબુ, હાંથી દાંતની વસ્તુઓ, શંખ અને કપાસનો વેપાર કરવામાં આવતો હતો.
Photo Courtesy – Anuj Acharya

લોથલના અવશેષોનું મ્યુઝિયમ

  • લોથલના (Lothal) અવશેષોનું એક મ્યુઝિયમ છે.
  • જેની સ્થાપના ઇ.સ. 1976માં કરવામાં આવી.
  • મ્યુઝિયમમાં આવેલા છે ત્રણ વિભાગ
  • જેમાં એકમાં લોથલની સંભવિત કલાકૃતિ, બીજામાં મણકાઓ અને તેની બનાવટ, માટીના વાસણો, આભૂષણો, પ્રાચીન મહોર, માનવચિત્ર, ધાર્મિક પ્રતીકો અને રોજબરોજમાં વપરાતી ચીજવસ્તુઓનું પ્રદર્શન પ્રવાસીઓ માટે રાખવામાં આવેલ છે.
  • ત્રીજા વિભાગમાં નાની-નાની મૂર્તિ, ઈંટો, રમકડાં વગેરે અવશેષો જોવા મળે છે.
  • અહીં લોથલની (Lothal) પરિકલ્પના કરતુ ડમી સ્ટેચ્યું પણ બનાવવામાં આવ્યું છે.

ખાસ નોંધ : આ મ્યુઝિયમ રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને શુક્રવારે બંધ હોય છે.

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

લોથલનો વિનાશ

લોથલ (Lothal) શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલના મકાનોમાં ઉપરા-ઉપરી ત્રણ થર મળ્યા છે. જે પરથી અનુમાન લગાવી શકાય કે ત્યાં મકાનો એક જ પાયા પર જુદા-જુદા સમયે બંધાયા હશે. નગરના વિનાશની શરૂઆત ઇ.સ. પૂર્વે 1900 થી શરૂ થયેલો જેમાં મુખ્ય અવારનવાર આવતા પૂર જવાબદાર હતા. આથી ઇ.સ. પૂર્વે 1700 સુધીમાં લોકોએ આ શહેરનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. જેથી એ લુપ્ત થવા માંડ્યું હતું.

દુરથી શાંત લાગતું આ નગર પોતાની ભીંતરે હજારો વર્ષ જુનો વૈભવ સાચવીને બેઠું છે. ચારે બાજુ દેખાતા પત્થરો પોતાની પાસે કોઈ મુસાફર આવીને કાન માંડે તો વર્ષો જુના વારસાની વાતો કહેવા મીટ માંડીને ઉભા હોય તેવી અનુભૂતિ કરાવે છે.

  • લોથલ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 160 km.) – Rs.2000 – 3500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2300
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 1800
  • કુલ – આશરે 6500 થી 11,000/—
  • અંતર (Distance)
  • સુરતથી – 280 km.
  • વડોદરાથી – 122 km.
  • અમદાવાદથી – 79 km.
  • રાજકોટથી – 172 km.
  • કચ્છ – 404 km.

Article Courtesy – કવન આચાર્ય

આલેખન – રાધિકા મહેતા

400 ચોરસ કિમી.માં પથરાયેલું ગુજરાતનું આ જંગલ અચૂક જોવા જેવુ

Posted By admin June 5, 2021
polo forest

આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માનસિક રીતે કંટાળી જતાં હોય છે. માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો એ આપણાં શરીર અને વર્તન પર પણ અસર કરે છે. એટલે જ આ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે મનને શાંતિ મળવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની માનસિક શાંતિ મેળવવા માટે પ્રકૃતિની ગોદમાં જવું સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે તમે પ્રકૃતિ સાથે સંપર્કમાં આવો છે અને પ્રકૃતિને માણો છો તો અંદરથી જ તમારું મન પ્રફુલ્લિત થવા લાગે છે. મન પ્રફુલ્લિત થતાં મનને પણ શાંતિ મળે છે અને એનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

પ્રકૃતિના ખોળે આનંદ માણવાનો અને પરિવાર સાથે વન-ડે પિકનિકનો પ્લાન કરી શકાય એવી ગુજરાતની આ લાજવાબ જગ્યાનું નામ છે પોળો ફોરેસ્ટ (Polo Forest)

Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફોરેસ્ટ એ આંખોને ઠંડક આપતું જંગલ વિસ્તાર છે. જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે 400 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે. અમદાવાદથી લગભગ 160 કિમીના અંતરે આવેલું પોળો ફોરેસ્ટ (Polo Forest) કુદરતની અદમ્ય રચના છે. આ પોળોના જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

 polo forest
Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફોરેસ્ટનો (Polo Forest) ઇતિહાસ

અહીં 10મી સદીમાં હર્ણાવ નદીના કિનારે ઇડરના પરિહાર રાજાઓએ એક નગર વસાવ્યું હતું. 15મી સદીમાં આ નગર ઉપર મારવાડના રાઠોડ વંશના રાજાઓએ વિજય મેળવ્યો અને તેને ઇડર સ્ટેટની અંદર સમાવી લીધું. આ નગર કલાલિયો અને મામરેચી નામના બે ઊંચા પર્વતોની વચ્ચે આવેલું છે. આ પર્વતોને કારણે આ નગરમાં દિવસે પણ સુર્યપ્રકાશ પહોંચી શકતો નહોતો આથી આ નગરમાંથી વસ્તી ખાલી થઈ ગઈ. પોળો નામ પોળ ઉપરથી પડયું છે. મારવાડી ભાષામાં પોળનો અર્થ દ્વાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. આ જંગલોમાં 15મી સદીના ખંડેર થઈ ગયેલા 15મી સદીના હિન્દુ અને જૈન મંદિર આવેલા છે. રાજ્યના પુરાતત્વ ખાતાએ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

Courtesy – www.gujarattourism.com

અહીંયા તમને શું-શું જોવા મળશે?

  • 450થી વધુ પ્રકારના ઔષધી છોડ
  • 275 પ્રકારના પક્ષીઓ
  • 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ
  • 32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ
  • આ સાથે રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
Courtesy – www.gujarattourism.com

આજુ-બાજુમાં જોવાલાયક બીજા સ્થળો

અભાપુરનુ શક્તિમંદીર

  • અભાપુરનુ શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે.
  • મંદિરના દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે, જેની ભાષા સ્પષ્ટ થતી નથી.
  • આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે, જોકે બીજા સૂર્યમંદિરોથી અલગ આ મંદિર પશ્ચિમાભિમુખ છે.
  • મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાણી દેવી, ઇંદ્ર-ઇંદ્રાણી, શિવ-પાર્વતી, બ્રહ્મા-બ્રહ્માણીના શિલ્પો જોવા મળે છે.
  • મધ્યમાં દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો આકર્ષણરૂપ છે.
Courtesy – www.gujarattourism.com

કલાત્મક છત્રીઓ

  • આ કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે.
  • છત્રીનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે.
  • મોટાભાગની છત્રીઓ બેની જોડમાં (જોડી સ્વરૂપે) જોવા મળે છે.
  • આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીમાં થયું હોવાનુ મનાય છે.
Courtesy – www.gujarattourism.com

શરણેશ્વર મહાદેવ

  • આ મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જમીનમાં પથરાયેલું છે.
  • આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી.
  • મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે.
  • મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે.
  • આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે.
  • મંદિર કુલ ત્રણ માળનું છે.
  • મંદિરનાં બહારના ભાગમાં વેદી પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે.
  • મંદિરના સ્તંભો ઉપરથી લઈને નીચે સુધી વૃત્તાકાર છે.
Courtesy – www.gujarattourism.com

રક્ત ચામુંડા

  • શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે.
  • મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે.
  • ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે, જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.
Courtesy – www.gujarattourism.com

લાખેણાનાં દેરાં

  • દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે.
  • મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનુ શિલ્પ સોલંકી કાળનું છે.
  • મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે.
  • જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે.
  • મંદિરમાં 80 થી વધુ સ્તંભો ઊભા કરેલાં છે.
 polo forest
Courtesy – www.gujarattourism.com

સદેવંત સાવળિંગાના દેરાં

  • આ મંદિરની સાથે-સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે.
  • આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે.
  • નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.
  • કેટલીક જગ્યાએ નીચેથી ઊગી નીકળેલાં વૃક્ષોએ લગભગ મંદિર ઊંચકી લીધું હોય તેમ જણાય છે.
 polo forest
Courtesy – www.gujarattourism.com

પોળો શા માટે લોકપ્રિય બની રહ્યું છે?

અહીંની જગ્યા ટ્રેકિંગ કરવા યોગ્ય છે, જેથી ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. એટલે ટ્રેકિંગ લવરને આ જગ્યા આકર્ષે છે. અહીંયા એક નાનું ઝરણું પણ આવેલું છે જે ચોમાસામાં પોતાના ખરા અંદાજમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35થી વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. જો સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે તમે અહીંયાની મુલાકાત લેશો તો અહીંની ગ્રીનરી તમારું મન મોહી લેશે. અને જો તમે વીકેન્ડ પ્લાન કરવા ઈચ્છો છો તો કુદરતના ખોળે રહેલું આ સ્થળ શ્રેષ્ઠ છે.

Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફેસ્ટિવલ

દર વર્ષે, ગુજરાત સરકાર દ્વારા પોળો ફેસ્ટિવલ ઊજવવામાં આવે છે. જેમાં સાહસિક પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલો ફોરેસ્ટમાં પોળો કેંમ્પ સીટીનુ સુયોજન હોય છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પોળો ઉત્સવનો આનંદ માણી શકો છો.

Courtesy – www.facebook.com/poloretreat

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

રહેવું ક્યાં?

પોળોમાં રોકવા માટે ઈચ્છતા લોકો માટે પોળો કેમ્પ સાઇટ એક સારો વિકલ્પ છે. જે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોળો કેમ્પ સાઇટમાં રહેવા માટે તમારે હિમતનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરવો પડશે.

  • પોળો ફોરેસ્ટ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 320 kms) – Rs.3000 – 6000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2000 – 4000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3200
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
  • કુલ – 8000 થી 14000/—