ભારત અને ગુજરાતના ઘણાં મંદિરો તેની પૌરાણિક કથા અને તેની માન્યતાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ ભરુચનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર (Stambheshwar Mahadev Temple) અચાનક ગાયબ થઇ જવાના કારણે સમગ્ર ભારતમાં જાણીતું છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવનું એક એવું મંદિર છે કે જેનો જળાભિષેક સમુદ્ર પોતે દિવસમાં 2 વાર કરે છે. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવેલો છે.

કાવી-કંબોઈ ગામમાં આવેલું છે આ પૌરાણિક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર (Stambheshwar Mahadev Temple)
સ્તંભેશ્વર મહાદેવનું (Stambheshwar Mahadev Temple) આ ઐતિહાસિક શિવ મંદિર ગુજરાતના વડોદરાથી 75 કિમી. દૂર ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં અરબ સાગરના કિનારે આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ભગવાન શિવપુત્ર કાર્તિકેયના પ્રાયશ્ચિતના પરિણામરુપે નિર્માણ કરવામાં આવેલું છે. અરબ સમુદ્ર અને ખંભાતના અખાતની વચ્ચે સ્થિત આ મંદિર દરિયામાં ભરતી દરમ્યાન પાણીમાં સમાઈ જાય છે અને પાણી ઓસર્યા બાદ ફરી ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાય છે. જયારે મંદિર ભરતીના સમયે સમુદ્રમાં સમાઈ જાય ત્યારે એવું લાગે કે જાણે અહીંયા કોઈ મંદિર જ નથી. આ ચમત્કારના કારણે મહાદેવજીના ભક્તોમાં આ મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. કુદરતનો આ અદ્ભુત નજારો જોવા માટે દુર-દુરથી ભક્તોની ભીડ અહીં ઉમટી પડે છે.

સ્તંભેશ્વર મહાદેવના મંદિરની (Stambheshwar Mahadev Temple) સ્થાપના અને ઈતિહાસ
સ્તંભેશ્વર મહાદેવના આ તીર્થસ્થળનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણમાં રૂદ્રસહિતાં ભાગ –2, અધ્યાય–11 માં પાન નં. 358 ઉપર તથા અઢાર પુરાણોમાંના સૌથી મોટા સ્કંદ મહાપુરાણમાં કુમારીકા ખંડમાં 72માં પાનાથી 189 નંબરના પાના સુધી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની શોધ આશરે 200 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ મંદિરનું શિવલિંગ 4 ફૂટની ઊંચાઈ અને 2 ફૂટનો વ્યાસ ધરાવે છે.

સ્કંદ મહાપુરાણમાં વર્ણવેલ કથા અનુસાર તાડકાસુર નામના એક શિવભક્ત રાક્ષસે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ફળસ્વરૂપે ભગવાન શિવે તાડકાસુરને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તાડકાસુરે ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું કે તેને કોઈ મારી ન શકે જેના બદલામાં ભગવાને કહ્યું કે આ તો અસંભવ છે. ત્યારે તાડકાસુરે એવું વરદાન માંગ્યું કે તેને માત્ર શિવપુત્ર જ મારી શકે કે જેની ઉંમર માત્ર 6 દિવસની જ હોય (આવું વરદાન માંગવા પાછળનું કારણ એવું હતું કે તાડકાસુર જાણતો હતો કે શિવ ભગવાન વૈરાગી છે એટલે એમના લગ્ન-સંસાર અને બાળકનો પ્રશ્ન જ ઉભો નહી થાય અને તેને કોઈ મારી જ નહી શકે). આ સાંભળીને ભગવાન શિવે તાડકાસુરને આ વરદાન આપી દીધું. આ વરદાન મળતાની સાથે જ તાડકાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. તેનાથી હેરાન-પરેશાન થઈને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાન શિવ પાસે ગયા અને ભોળાનાથને તાડકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આજીજી કરી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શિવ-શક્તિના તેજથી શ્વેત પર્વતના કુંડમાં કાર્તિકેય ઉત્પન્ન થયા. આ શિવપુત્ર કાર્તિકેયને 6 માથા, 4 આંખો અને 12 હાથ હતા. આમ આ 6 દિવસના કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો અને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓને તાડકાસુરના આતંકમાંથી મુક્ત કર્યા. પરંતુ ત્યારબાદ કાર્તિકેયને ખબર પડી કે તે અસુર તાડકાસુર શિવભક્ત હતો જેથી તેઓને ખુબ દુ:ખ થયું. તેઓ પિતાના પરમભક્તની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. જેથી તેમણે દેવતાઓના માર્ગદર્શન હેઠળ મહીસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી અને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં ત્યાં બિરાજમાન થયા હતા. ત્યારથી જ આ વિશ્વનંદક સ્તંભના નામથી આ જગ્યાનું નામ સ્તંભેશ્વર પડ્યું.


કહેવાય છે કે અહીં પવિત્ર નદી મહિસાગરનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જેથી તેને “સંગમેશ્વર તીર્થ”, “સંગમ તિર્થ” કે પછી “ગુપ્ત તિર્થ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર સ્થળ પર શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોકામના પૂર્ણ થાય છે અને ઈચ્છા મુજબનું ફળ પણ પ્રાપ્ત થાય છે.


મહાશિવરાત્રિ તેમજ અમાસના દિવસે અહીં થાય છે મેળાનું આયોજન
સ્તંભેશ્વર મંદિરે (Stambheshwar Mahadev Temple) મહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. તેમજ દર અમાસે અહીં મેળો ભરાય છે. ભગવાન ભોળાનાથના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે ચારે પ્રહર સુધી અહીં મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત પૂનમ તેમજ અગિયારસની રાત્રે પણ હજારો ભક્તો સમગ્ર રાત્રી દરમ્યાન ભગવાન શિવની વિશેષ પૂજાનો લાભ લે છે.

શ્રદ્ધાળુઓને ભરતી અને ઓટનો સમય ખબર રહે એ માટે ખાસ અહીં આપવામાં આવે છે પેમ્પલેટ
અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓને ખાસ પેમ્પલેટ આપવામાં આવે છે. જેમાં દરિયામાં ભરતી અને ઓટનો સમય લખેલો હોય છે. જેથી ભરતી દરમ્યાન મંદિરના પરિસરને ખાલી કરવામાં શ્રદ્ધાળુઓનો સહકાર મળે અને અહીં આવનારા લોકોને શિવજીના દર્શન કરવા માટે હેરાન પણ ન થવું પડે.

શ્રાવણ મહિનામાં અહીં લોકોની સંખ્યા હજારોમાં હોય છે. તેમજ લાખોની સંખ્યામાં બીલીપત્રો સ્તંભેશ્વર મહાદેવ પર ચઢાવવામાં આવે છે. આ સાથે હજારો લીટર દૂધ અને શેરડીના રસથી મહાદેવ પર અભિષેક કરવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવના મંદિરની આરતી શંખ, નગારા, ઘંટ જેવા અલગ-અલગ વાજિંત્રો વગાડીને કરવામાં આવે છે. અહીંનું પુણ્ય લાખો ગણું છે. જે પુણ્યના ભાગીદાર બનવા માટે શ્રાવણ મહિનામાં દેશભરમાંથી લોકો અહીં આવે છે.
આ અલૌકિક પવિત્ર તીર્થધામના દર્શન કરી ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે. આ સાથે શિવલિંગનું સમુદ્ર દ્વારા કરવામાં આવતા જળાભિષેકની પ્રાકૃતિક ઘટનાના આ અલૌલિક દ્રશ્યને નિહાળવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. જો હજુ સુધી આ ચમત્કારિક શિવાલયના તમે દર્શન ન કર્યા હોય તો એકવાર આ સ્તંભેશ્વર મહાદેવના મંદિરની અવશ્ય મુલાકાત લેજો.
Read Also
ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે
ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો
દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ


- સ્તંભેશ્વર મહાદેવ મંદિર – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 172 km.) – Rs.4000 – 5500
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1200 – 2500
- જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
- કુલ – આશરે 7,400 થી 12,000/—
- અંતર (Distance)
- અમદાવાદથી – 172 km.
- વડોદરાથી – 75 km.
- રાજકોટ – 317 km.
- સુરતથી – 173 km.
- કચ્છથી – 570 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કાવી/કંબોઈ બસ સ્ટોપ, કાવી/જંબુસર/ભરૂચ રેલ્વે સ્ટેશન, વડોદરા એરપોર્ટ.