જુનાગઢ શહેરનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. આ સાથે આ પ્રદેશ તેના સમયના ઘણા શાસકોનો પરિચય પણ આપે છે. આથી જ જુનાગઢની સંસ્કૃતિ અને ત્યાંની કહાનીઓ રસપ્રદ છે. આ સંસ્કૃતિનો પ્રભાવ તેનાં આર્કીટેક્ચર, તહેવારો, રિવાજો, કળાઓ તેમજ તેમની હસ્તકળામાં સ્પષ્ટ દેખાય છે. આવા જ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપતો ઉપરકોટનો કિલ્લો (Uparkot Fort Junagadh) જૂનાગઢની એક આગવી ઓળખ છે. આ કિલ્લો પ્રાચીન તો છે જ પરંતુ સાથે એટલું જ ઐતિહાસીક મહત્વ પણ ધરાવે છે. તેના પ્રવેશદ્વાર પરથી જ કિલ્લાની ભવ્યતાનો અંદાજો લગાવી શકાય છે. ઉપરકોટનો આ કિલ્લો ગુજરાતના નવાબ મહંમદ બેગડા અને ચુડાસમા શાસક યુગના પ્રતિક સમાન છે.

ઉપેરકોટ (Uparkot Fort Junagadh) અને વિવિધ શાસકો
રૈવત કે રૈવતક એટલે કે ગિરનાર, ગિરનારની તળેટીમાં આ કિલ્લો આવેલ છે. આશરે આજથી 5000 વર્ષ પહેલાં યાદવ કુળનાં મથુરાના રાજા ઉગ્રસેન (કંસના પિતા) દ્વારા પર્વત કાપીને કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ. તે સમયે કિલ્લાને “રૈવતનગર” નામ આપવામાં આવ્યું હતુ. આમ ઉગ્રસેન દ્વારા ઉપરકોટના પાયા નખાયા હોવાની જાણકારી મળે છે. પરંતુ ત્યારબાદ રાજપૂત વંશ શાસનમાં આવતા ગિરનારના ગઢ પરથી આ જગ્યાને જુનાગઢ નામ આપવામાં આવ્યું. હાલમાં કિલ્લો 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી આ કિલ્લો “ઉપરકોટ”ના (Uparkot Fort Junagadh) નામે ઓળખાય છે.

ઉપરકોટનું બાંધકામ મૌર્ય યુગમાં ઈ.સ. પૂર્વે 319માં મૌર્ય શાસક, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુપ્તયુગ પછી સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાતા વિસરી ગયો હતો. ત્યારબાદ 10મી સદીની આસપાસ ચુડાસમા શાસકના સમયમાં આ કિલ્લાને ફરી શોધવામાં આવ્યો હતો.
એવું પણ કહેવાય છે કે ચુડાસમા વંશના રાજા રા’ખેંગાર એ પાટણ પર આક્રમણ કર્યું હતુ. તે સમયે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા સાથે યુદ્ધ કરવા ગયા હતા. પરંતુ મીનળદેવી અને પાટણના મંત્રી શાંતુની કુશળતાથી રા’ખેંગાર ખાલી હાથે પાછો ફર્યો. માળવા જીતીને આવતા આ આક્રમણની જાણ થતાં અને કિલ્લા પર આધિપત્ય મેળવવા માટે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહએ ઉપરકોટને 12 વર્ષના સમયગાળા માટે ઘેરી લીધો હતો પરંતુ કિલ્લો ભેદી શકાયો નહી.

રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળે જ કર્યો હતો સગા મામા સાથે દગો
આ કિલ્લામાં આવેલાં અનાજભંડારના ગોડાઉનમાં 13 વર્ષે સુધી ખાવા માટે આનાજનો સંગ્રહ કરી શકાય એવી સગવડતા હતી. પરંતુ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ કિલ્લામાં પ્રવેશ ન કરી શકે એ માટે 12 વર્ષ સુધી આ કિલ્લાનો મુખ્ય દ્વાર બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ અનાજ પૂરું થઈ જતાં રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળ અનાજ લેવા માટે બહાર ગયા હતા. ત્યારે દેશળ અને વિશળને સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે જો તે બંને તેમને કિલ્લામાં પ્રવેશ કરવામાં મદદ કરશે તો રાણકદેવીને બાદ કરતાં જુનાગઢનું રાજ્ય તેમને આપવામાં આવશે. ગાદીની લાલચમાં આવીને દેશળ-વિશળે મામા સાથે દગો કર્યો અને અનાજના બદલે કોથળામાં સિદ્ધરાજ જયસિંહનું સૈન્ય કિલ્લામાં પ્રવેશવા લાગ્યું ત્યારે મુખ્ય દ્વાર બેસતાં ચોકીદારોએ વિચાર કર્યો કે આ કોથળામાં ભાલો મારશું અને જો અનાજ હશે તો અનાજની ઢગલી થશે અને કોઈ વ્યક્તિ હશે તો લોહી નીકળશે. ત્યારબાદ કોથળામાં ભાલો મારતાં લોહી નીકળ્યું અને ત્યાંથી યુદ્ધની શરૂઆત થઇ. અને સૈન્ય ગઢમાં પ્રવેશી ગયું અને યુદ્ધમાં રા’ખેંગારનું મૃત્યુ થયું અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદી નજીક સતી થયા. એકમાત્ર મહંમદ શાહ બેગડા સિવાય અન્ય કોઈ દ્વારા આ કિલ્લો (Uparkot Fort Junagadh) ભેદી શકાયો નથી.

મહેમદાબાદના નવાબ મહંમદ શાહ બેગડાએ 24 કલાકમાં જુનાગઢ પર કર્યો હતો કબજો
અમદાવાદ પાસે આવેલ મહેમદાબાદના નવાબ મહંમદ શાહએ 24 કલાકની અંદર જ જુનાગઢ અને પાવાગઢ પર કબજો કર્યો હતો. આ બેગઢોને જીતવાને કારણે મહંમદ શાહને “બેગડો” (બેગઢો અપભ્રંશ થતાં બેગડો થયું) કહેવામાં આવતો હતો. આ સિવાય મહંમદ શાહને “બેગડો” કહેવાનો બીજું પણ કારણ છે. બેગઢોનો મૂળ શબ્દ “બીઘરો” (એટલે સોરઠી ભાષામાં કહીએ તો વગડો) એટલે કે સીધાં લાંબા શીંગળાવાળો બળદ. મહંમદ શાહ દેખાવે લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને ‘બીઘરા’ બળદનું બિરૂદ પણ આપવામાં આવ્યું હતુ. મહંમદ શાહ બેગડાને “ગુજરાતના અકબર” તરીકે પણ ઓળખવામાં આવે છે. મહંમદ બેગડાએ જુનાગઢને “મુસ્તુફાબાદ” નામ આપ્યું હતું.

કિલ્લો 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી નામ પડ્યું ઉપરકોટ (Uparkot Fort Junagadh)
કિલ્લો જમીન સપાટીથી આશરે 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી “ઉપરકોટ” નામ પડ્યું છે. આશરે 850 વર્ષ જૂનો આ કિલ્લો (Uparkot Fort Junagadh) અભેદ હોવાનું કારણ તેના ફરતે બાંધવામાં આવેલી 9 કિમી. લાંબી, 150 ફૂટ ઊંચી તથા અંદાજીત 10 ફૂટ જાડી દીવાલ છે. આ ઉપરાંત કિલ્લાની સુરક્ષા માટે સમગ્ર કિલ્લાની બહારની બાજુએ 150 ફૂટ ઊંડી ખાડી બનાવવામાં આવી હતી. આ ખાડીમાં પાણી ભરીને તેમાં ઝેરી જાનવર અને મગર નાખવામાં આવતાં હતા. જેથી મુખ્ય પ્રવેશદ્વાર સિવાય દુશ્મનો અન્ય કોઈપણ જગ્યાએથી કિલ્લામાં પ્રવેશ કરી શકે નહી.

કહેવાય છે શહેરની ફરતે 7 દરવાજાઓ આવેલા છે. આ 7 દરવાજાઓ જોડતી દીવાલથી કિલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવાયેલો હોવાનું માનવામાં આવે છે. તેમજ કિલ્લામાં પ્રજા રહેતી અને તેના ઉપર આવેલા ઉપરકોટમાં રાજા રહેતા અને પ્રજાનું રક્ષણ કરતા. અમુક નિશ્ચિત સમય માટે જ કિલ્લાના દરવાજા ખોલવામાં આવતાં હતા. આ કિલ્લા પર અંદાજે 16 વખત ઘેરાબંધી કરવામાં આવી હતી.
જુનાગઢમાં આવેલો આ કિલ્લો હિન્દુ, બૌદ્ધ, જૈન, બ્રિટિશ કોલોની, ઇસ્લામી હુમલા અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. લગભગ બીજી સદીની બૌદ્ધ ગુફાઓ તેમજ મુસ્લિમ શાસકો દ્વારા અહીં મસ્જીદ પણ બનાવેલી છે. 20 મીટર ઊંચી દીવાલો, વિશિષ્ઠ પ્રવેશદ્વાર, વિખ્યાત ખાપરા, કોડિયાના ભોંયરા તરીકે ઓળખાતા સ્થાનો અહીં છે. અહીંથી ખોદકામ કરતા જુના કોર્ટની દીવાલો, કોઠારો, કોઠીઓ, ગુપ્ત લિપિ કોતરેલી શિલાઓ, જૂની મૂર્તિઓ, પાત્રો તથા બૌદ્ધકાલિન અવશેષો મળી આવ્યા છે.
કિલ્લામાં આવેલી તોપ અંગેની માહિતી

વર્તમાન સમયમાં સરકાર દ્વારા કિલ્લાના પ્રવેશદ્વાર નજીક લોકો નિહાળી શકે તે માટે 2 ઐતિહાસિક તોપ પણ મૂકવામાં આવી છે. જેમાંથી એક “નીલમ” નામની મોટી તોપ 17.5 ફૂટ લાંબી છે. તે 4 કિમી.ની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે. તેમજ બીજી “માણેક” નામની તોપ 7.5 ફૂટ લાંબી છે. જે 2 કિમી.ની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે. આ બંને તોપને ઈરાની શૈલીની પંચ ધાતુ લોખંડ, પીતળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવેલી હોવાથી આ તોપને કાટ લાગતો નથી. આ તોપ તુર્કી શાસક દ્વારા ઈ.સ. 1538 માં દીવમાં થયેલા પોર્ટુગીઝ સામેના યુદ્ધમાં વાપરવામાં આવી હતી. મહંમદ શાહ બેગડા દ્વારા આ તોપ ઉપરકોટમાં લાવવામાં આવી હતી. આ નીલમ તોપ પર તેની યાદમાં અરબી ભાષામાં “સુલતાન મહંમદ શાહ બેગડો” પણ લખેલું છે.


ઉપરકોટમાં કુલ 8 સ્મારક આવેલા છે. જેમાં અડી-કડીની વાવ, બુદ્ધ ગુફાઓ, નવઘણ કૂવો, રાણકદેવી મહેલ, વોચ ટાવર, તોપ, કિલ્લાની સુરક્ષા કરતી કિલ્લાની ફરતે બનાવેલી ખાડી, અનાજના ભંડાર જે વર્તમાન સમયમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ ઉપરકોટની એક તરફ લીલાછમ પર્વત અને બીજી તરફ સમગ્ર શહેરનો અદ્ભૂત નજારો જોવા મળે છે. જેથી અહીંયા ફોટોગ્રાફી માટે પણ સારું લોકેશન મળી રહે છે.

Read Also
ગુજરાતની આ ગુફા છે અનોખી, ગુફામાં પ્રવેશતા જ થશે કુદરતી ACનો અહેસાસ સાથે જોવા મળશે સોનાની માટી

- ઉપરકોટ – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 318 km.) – Rs.7600 – 9000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 2800
- જમવાનો ખર્ચ – Rs.1400 – 2000
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 2000
- કુલ – આશરે 11,700 થી 15,800/—
- અંતર (Distance)
- અમદાવાદથી – 318 km.
- વડોદરાથી – 364 km.
- સુરતથી – 524 km.
- રાજકોટથી – 104 km.
- કચ્છથી – 404 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક : જુનાગઢ બસ સ્ટોપ, જુનાગઢ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ
આલેખન – રાધિકા મહેતા