લોકસંસ્કૃતિની પરિભાષા
ભારત પોતાની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને પરંપરાઓના કારણે વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે. લોકો એકબીજાના રહેઠાણ, કપડાં, લત્તા, ધર્મ, માન્યતા, રીતરિવાજ, ખાણીપીણી, વાણી, આચાર-વિચાર જેવી બાબતો જોઈને મૌખિક રીતે જે વ્યવહાર ચલાવે છે તેને લોકસંસ્કૃતિ કહેવામાં આવે છે. દરેક પ્રદેશ, ત્યાં વસેલી પ્રજા અને એમની સાથે આવેલા એમના સંપ્રદાય, સંસ્કાર, રિવાજ, એમનું સંગીત, નૃત્ય, ચિત્રકલા અને કલાકારીગરીએ સાથે મળીને ગુજરાતની લોકસંસ્કૃતિને ઘાટ આપ્યો છે.
નૃત્ય કોને કહેવાય?
માનવીના જીવનમાં આનંદ કે શોકનો અતિરેક થાય ત્યારે તેમના શરીરમાં રહેલી લાગણીઓ તાલબદ્ધ રીતે બહાર આવે છે અને નૃત્યનું સર્જન થાય છે. લોકનૃત્ય શીખવા માટે કોઈ ખાસ પ્રકારની તાલીમની જરૂર નથી. તે એક લોકસમૂહ દ્વારા શરીરના સાદા હલનચલનથી અને પ્રાકૃતિક જોમ તથા જોશથી ઘડાયેલું હોય છે. ગુજરાત રાજ્યને અન્ય રાજ્યોની જેમ શાસ્ત્રીય નૃત્ય પ્રણાલી નથી. પરંતુ અહીં આદિવાસી નૃત્ય કે લોકનૃત્ય પ્રણાલી વિશિષ્ટ રીતે પાંગરી છે.

આદિવાસી સમાજના સમુદાયો
ભારતના આદિવાસીઓ આશરે 450 જેટલાં સમુદાયોમાં વહેંચાયેલા છે. આ સમુદાયોમાંના કેટલાક મુખ્ય સમુદાયોના પેટાવિભાગો પણ છે. નવ આદિમ જાતિઓ એવી છે કે તેમાં એક પણ સભ્ય જીવિત નથી. જ્યારે 21 આદિમ જાતિઓ એવી છે કે જેમની વસ્તી આશરે પાંચ લાખથી પણ વધુ છે. ગુજરાતમાં આદિવાસીઓ કુલ 25 વિભાગોમાં વહેંચાયેલા છે.

ઘેર નૃત્ય – Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) શું છે?
દક્ષિણ ગુજરાતના વાપીથી લઈને તાપી સુધી આ ઘેર(ઘેરૈયા) નૃત્યનું અનેરું મહત્વ છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું આ પરંપરાગત નૃત્ય 200 વર્ષ જૂનું છે. આદિવાસી સમાજમાં નવરાત્રી પર્વ પર “ઘેર નૃત્ય” Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) ગરબાની પરંપરા છે. માતાજીની આસપાસ ઘેરો કરીને આ નૃત્ય કરવામાં આવતું હોવાથી તેને ઘેર નૃત્ય કહે છે. ઘેર બાંધનાર માતાના ખેરા કહેવાય છે અને ઘેર મંડળીના મુખ્ય વ્યક્તિને “કવિયો” કહે છે. કવિયો એ ગૂઢ વિદ્યાનો જાણકાર હોય જે ઘેરને મુસાફરી અને નૃત્ય દરમ્યાન આવતી તકલીફોથી બચાવે છે. એવી માન્યતા પણ છે. ઘેર ગરબા માત્ર પુરુષો દ્વારા જ રમવામાં આવે છે. તેઓ માતાજી જેવો વસ્ત્રો ધારણ કરે છે. જેથી તેને અર્ધનારેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુરુષો માતાજી જેવો વસ્ત્રો ધારણ કરીને રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરે છે. તેઓને દેવીશક્તિ પર ગાઢ શ્રદ્ધા હોવાથી આ નૃત્ય નવરાત્રીના સમયે કરવામાં આવે છે.


ઘેર નૃત્ય – Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) ક્યારે કરવામાં આવે?
નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ, નવરાત્રીથી લઈને છેક દેવદિવાળી સુધીનો સમય એટલે જાણે કે આદિવાસી સમાજ માટે ઘેર બાંધી માતાજીને રિઝવવાનો સર્વોત્તમ અવસર! આસો માસમાં લોકો ધીમે-ધીમે કાપણીના કાર્યમાંથી પરવારતા હોય છે. તેમજ પોતાને કૃષિ પાકમાં મબલખ પાક ઊતરવાનો અનેરો આનંદ આ સમયગાળા દરમિયાન આદિવાસી કૃષકોમાં હોય છે. આ આનંદ અને નવરાશની પળને મન ભરીને માણી લેવા આદિવાસી સમુદાય માતાજી સાથે પોતાના વિવિધ દેવ-દેવીઓને ઘેરના તાલે ભજી લેવા આતુર હોય છે. માતાજીનો ગરબો, પારણું, ઘોડિયે ચડાવવાનું, વધૂનું લહેરીયું, મૃત્ય થાય પછી શોક ભાંગવા, લગ્ન, સામાજિક કે રાજકીય પ્રસંગોના સમયે પણ ઘેર ગવડાવવામાં આવે છે.

ઘેર નૃત્ય – Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) દરમ્યાન પહેરવેશ કયા પ્રકારનો હોય?
પુરુષોનો સમૂહ સ્ત્રીઓ જેવા વેશ પરિધાન અને સાજ શણગાર કરે છે. ઘેરૈયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી અને ગળામાં, હાથમાં, કાંડા પર અને પગની પાનીએ સ્ત્રીઓ જેવા ઘરેણાં પહેરે છે. કાનમાં ગલગોટાના ફુલનો શણગાર કરે છે અને કમર પર બળદના ગળામાં બાંધે એવી પિતળની ઘૂઘરી બાંધેલો ચામડાનો પટ્ટો પહેરે છે. તેઓના હાથ લાકડાના જાડા દાંડિયા અને મોરપીંછની કલગીથી શોભતા હોય છે. ઘેર નૃત્ય રજૂ કરતી મંડળીના મુખ્ય પાત્રના હાથમાં મોરના પીંછાઓની પીંછી હોય છે. એવું માનવામાં આવે છે કે આ પીંછી ઘેરૈયાઓને ખરાબ નજરથી બચાવે છે.

સમયના જતાં અને મોર્ડન યુગ આવતા આ પહેરવેશમાં બદલાવ પણ આવ્યો છે. હવે ઘેરૈયાઓ બુટ મોજા અને ગોગલ્સ પણ પહેરે છે. આવા મોર્ડન યુગના ઘેરીયાઓ એક ઘરેથી બીજા ઘરે ઘેર રમવા જાય ત્યારે અનેરો થનગનાટ જોવા મળે છે. જે રીતે દરેકના પગ સ્ફૂર્તિ સાથે ઊંચકાતા હોય ત્યારે થાક તો માત્ર નામનો જ હોય છે. આ મંડળી સાથે એક ઘોડીવાળો હોય છે. જે સમગ્ર ઘેરિયા મંડળીમાં વિદૂષકની (જોકર) જેમ ચાળા પાડીને આકર્ષણ જમાવતો હોય છે.


“સામરેક મોરચા” આવું કેમ બોલવામાં આવે?
ઘેર રમતાં પહેલાં મંડળીના તમામ સભ્યોમાં જોમ ( જોશ ) પૂરો પાડવા માટે “સામરેક મોરચા” નામના શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે અહીં એવી કહેવત છે કે બાર ગામે બોલી બદલે એ રીતે ક્યાંક સમરેક મોરચા પણ બોલવામાં આવે છે. “સામરેક મોરચા” આવું જ્યારે કવિયો (મંડળીનો મુખ્ય વ્યક્તિ) બોલે એટલે જાણે બધા સજ્જ થઈ જાય અને હા રે હા ભાઈ બોલી ઉઠે છે.

Read Also
ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે
અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી
દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ
ઘેરૈયા દ્વારા પાડવામાં આવતા નિયમ
- મંડળીના દરેક સભ્ય આ સમય દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરે છે.
- માંસાહાર કે મદિરાનું સેવન નથી કરતા.
- મંડળીને મળતી ભેટ કે બક્ષિસ ગામના દેવસ્થાનને આપવા અથવા તો ગામના સાર્વજનિક કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
- જે બક્ષિસ મળે એ લઈ લેવાની સામેથી માંગવાની નહી.
- કવિયાનાં તમામ આદેશનું શબ્દસહ પાલન કરવામાં આવે છે.
- મંડળીના નાના આદેશોનું પણ પાલન કરે છે.
દક્ષિણ ગુજરાતનાં બારડોલી અને નવસારી વિસ્તારમાં હળપતિ સમાજ ઘેર બાંધી ઘેર નૃત્ય કરે છે. જ્યારે મહુવા, અનાવલ, વાંસદા અને રાનકુવા વિસ્તારમાં ધોડીઆ, નાયકા અને હળપતિ સમાજના લોકો ઘેર બાંધી ઘેર નૃત્ય કરે છે. જ્યારે વલસાડ વિસ્તારમાં ધોડીઆ સાથે કોળી સમાજના લોકો પણ ઘેર બાંધી ઘેર નૃત્ય કરતાં જોવા મળે છે.
ઘેરૈયા નૃત્યની સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટંકી પણ છે. ઘરના આંગણે ઘેરૈયા ઘેર ગરબા રમી જાય એટલે આખું વર્ષ સારું પસાર થાય એવી માન્યતા છે. પણ આ નૃત્ય હાલ લુપ્ત થવાના આરે છે. આદિવાસી સમાજમાં પણ આ મર્યાદિત થઈ ગયું છે. પણ અમુક આદિવાસીએ આ પરંપરાને મંડળીઓ બનાવીને જાળવી રાખી છે.
બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી લાભપાંચમના દિવસે ઘેરૈયા Gheraiya Nrutya (ઘેરૈયા નૃત્ય) હરીફાઈનું આયોજન કરીને આ પરંપરાની જાળવણી કરીને આ નૃત્યને પ્રોત્સાહન આપે છે. વર્તમાન સમયમાં અમુક પ્રોફેશનલ ટીમ ખાસ આમંત્રણથી નવરાત્રી દરમ્યાન સુરત, નવસારી, બીલીમોરા, વલસાડ જેવા વિવિધ સ્થળોએ ઘેર રમવા પણ જાય છે.
Photo courtesy – Jimil Chandubhai Patel ( Ig/jimil__ )
આલેખન – રાધિકા મહેતા