
હાથલા ગામમાં આવેલુ છે શનિદેવનું જન્મસ્થળ (Hathla shani dev mandir)
ગુજરાતના જામનગર ખાતે આવેલા ભાણવડ તાલુકાના હાથલા ગામમાં ઈતિહાસની દ્રષ્ટિએ સૌથી પ્રાચીન શનિદેવનું મંદિર આવેલું છે. હાથલા ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર શનિદેવના જન્મસ્થળ તરીકે જાણીતું છે. આ ગામનો ઈતિહાસ ખૂબ જ પુરાણો છે. બરડા ડુંગરમાં આવેલ હાથલા પીપળાના વન એટલે કે, પિપ્લવન તરીકે ઓળખાતુ હતુ.
અહિયાં હાથલામાં શનિદેવનું બાળસ્વરૂપ બિરાજમાન છે. જન્મસ્થળ હાથલામાં શનિદેવ હાથી પર બિરાજે છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી પર બિરાજમાન નથી. અહીંયા હાથલામાં શનિદેવની સાથે તેમના પત્ની મનાતા અઢી વર્ષના પનોતી અને સાડા સાતી કહેવાતા પનોતીની પણ મૂર્તિ છે. આ મંદિર પનોતી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે.


હાથલા ગામનો ઈતિહાસ અને મંદિરના પૂજારીઓના સ્મારક
આજથી વર્ષો પહેલા મહાભારતના સમયમાં મૃગદલ નામના ઋષિ થઈ ગયા જેમણે માનવકલ્યાણના હેતુથી એ ગામમાં તપસ્યા કરેલી કે, જે લોકોને શનિની પનોતી આવે અને માણસ બહુ દુ:ખી અને હેરાન થાય છે એમને શાંતિ મળે. એમની આ તપસ્યાથી શનિ મહારાજ પ્રસન્ન થયા અને હાથીની સવારી પર આવીને દર્શન આપેલા અને તેના કારણે હંસસ્થલ થયું. સમય જતાં આ ગામનું નામ હાથલા પડયું.
શનિદેવના મંદિરની બાજુમાં આ જ મંદિરના ગોસ્વામી પરિવારના 59 પૂજારીઓની સમાધિ આવેલી છે. આ ઉપરાંત શનિકુંડની સામે પૂર્વમાં પણ 3 સમાધિ આવેલી છે. જેના વિશે પૂછતાં મંદિરના પૂજારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એ સમાધિ તેમના 500 વર્ષ પહેલા થઈ ગયેલા વડવાની છે.જેમણે અહિયાં જીવતા જ સમાધિ લઈ લીધી હતી. આ સમાધિની બાજુમાં એમના 2 શિષ્યોની પણ સમાધિ આવેલી છે.



આખા ભારતમાં આવેલા છે શનિદેવના ફક્ત 2 જ મંદિર
ભારતમાં શનિદેવના 2 સૌથી મોટા મંદિર આવેલા છે. આ 2 મંદિરો પૈકી એક મહારાષ્ટ્રના શિંગડાપુરમાં અને બીજું ગુજરાતના હાથલામાં આવેલું છે. ગુજરાતનાં હાથલામાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું જન્મસ્થળ અને મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું કર્મસ્થળ માનવામાં આવે છે. હાથલામાં શનિદેવની બાળ સ્વરૂપ બિરાજમાન હોવાથી આખા ભારત વર્ષમાં એક માત્ર અહીં સ્ત્રીઓ શનિદેવના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે. આ મંદિરમાં શનિદેવ એમના પરિવાર સાથે બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ બાળ સ્વરૂપને કારણે જ અહીં શનિદેવને સિંદુર ચઢે છે. જેમની પૂજાથી પનોતીનો પ્રકોપ હળવો થાય છે.

શનિદેવ અને તેમના મંદિરનું મહત્વ
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ લોકોના કર્મ પ્રમાણે તેઓનો સજા આપીને ન્યાય કરે છે. શનિદેવને રિઝવવા સપ્તાહના શનિવારને શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે જ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. એ જ રીતે મંગળવાર અને અમાસના દિવસે પણ અહીં દર્શનનું અનેરૂં મહત્વ રહેલું છે. આ ઉપરાંત શનિજયંતીના દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો માને છે કે, જો શનિદેવ રિઝે તો તમામ દુ:ખ દુર થઈ શકે છે. આ જ કારણે સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન કરીને પનોતીમાંથી મુક્ત થવા હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે આવે છે.

શનિદેવના આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. જેવી કે, મંદિરના શનિકુંડમાં સ્નાન કરીને અહીં જ વસ્ત્રો અને બૂટ-ચંપલ મૂકી જવાથી પનોતી ઉતરી જશે. આવી માન્યતાઓમાં લોકો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે એટલા માટે મંદિરના દર્શને આવતા લોકો પોતાના વસ્ત્રો અને બૂટ-ચંપલને પનોતી માનીને અહી જ ઉતારી જાય છે અને શનિ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

USEFUL ARTICLE – ગુજરાતનાં કચ્છમાં આવેલી છે અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક જેવી જ જગ્યા
- શનિદેવ મંદિર (હાથલા) – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 11,000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
- જમવાનો ખર્ચ – Rs.1800 – 2800
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
- કુલ – આશરે 12,800 થી 19,000/-
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

- અંતર (Distance)
- સુરતથી – 658 km.
- વડોદરાથી – 474 km.
- અમદાવાદથી – 424 km.
- રાજકોટથી – 187 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, ભાણવડ બસસ્ટોપ, ભાણવડ રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ અને જામનગર એરપોર્ટ
વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી
જાણીતી હોટલો –