પોરબંદરના બરડા ડુંગરની ગોદમાં અનેક પ્રવાસન સ્થળો વિકાસ પામ્યા છે. બરડા ડુંગરમાં રાણાવાવ નજીક આવેલી આ જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત છે. આ ગુફા શિવભક્તો, પ્રવાસીઓ તેમજ ઇતિહાસકારોને આકર્ષે છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ કુદરતી રીતે શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં… ગુફામાં ટપકતાં પાણીથી રચાતા અનેક સ્વયંભૂ શિવલિંગ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.




જાંબુવત કોણ હતા?
પરશુરામ અને હનુમાનજી સિવાય રીંછરાજ જાંબુવત જ એક એવા દિવ્ય પુરુષ છે જે ભગવાન વિષ્ણુના બંને અવતાર એવા શ્રીરામ અને શ્રીકૃષ્ણના કાળમાં પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. કહેવાય છે કે ખુદ બ્રહ્માએ જાંબુવતને આ ધરતી પર મોકલ્યા હતા.
જાંબુવત અને ભગવાન શ્રીકૃષ્ણના યુદ્ધની કથા/ઈતિહાસ
ભાગવતપુરાણ અનુસાર યાદવોના આગેવાન સત્રજીતએ સૂર્યદેવની ઉપાસના કરીને સ્યમંતક નામની મણી પ્રાપ્ત કરી હતી. કહેવાય છે કે આ મણી રોજ 8 ભાર જેટલું સોનુ આપતી હતી. આથી સત્રજીતે તેને પૂજાસ્થાને મૂકી હતી. જેથી તેની સંપત્તિમાં વૃદ્ધિ થવા લાગી. શ્રીકૃષ્ણએ સત્રજીતને આ મણી ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો નહી. ત્યારબાદ એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર આ મણી લઈને શિકાર કરવા ગયો હતો. જ્યાં તે પોતે સિંહનો શિકાર બન્યો અને મણી પણ સિંહના પેટમાં પહોંચી. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવતે કર્યો. આમ સ્યમંતક મણી જાંબુવતને મળી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણી ચોરવાનો ખોટો આરોપ લાગ્યો.
આથી ભગવાન શ્રીકૃષ્ણ એ મણીની શોધમાં નીકળતા મણી જાંબુવત પાસે હોવાની તેમને જાણકારી મળી, આમ જ્યારે શ્રીકૃષ્ણ મણી લેવા જાંબુવત પાસે પહોંચ્યા તો જાંબુવત ભગવાનને ઓળખી શક્યા નહિ અને તેમની વચ્ચે લગભગ 28 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ પણ છે. આ યુદ્ધના અંતિમ દિવસે જાંબુવતને આ વાતનો અહેસાસ થયો કે શ્રીકૃષ્ણ સ્વયં પ્રભુ શ્રીરામના જ અવતાર છે. આથી જાંબુવતએ હાર સ્વીકારીને યુદ્ધ અટકાવ્યું અને તેમના પુત્રી જાંબુવંતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે આ ગુફામાં (Jambuvanti Caves) કરાવ્યા. આમ આ ગુફાને જાંબુવંતીની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જાંબુવત સ્યમંતક મણી અને પુત્રી જાંબુવંતીને ભગવાનને અર્પણ કરતો ફોટો, સ્વયંભૂ જલધારા અને દક્ષિણાભિમુખ શંખ આ ગુફામાં હાલ દર્શનાર્થે રાખેલા છે.


જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) વિશે જાણવા જેવી બાબતો
- ગુફા ચુનાનાં ખડકોમાં આવેલી હોવાથી ઉનાળાના ભયંકર તાપમાં પણ આ ગુફામાં રહે છે ઠંડક
- ગુફાનું મુખ કૂવા કે વાવ જેટલું નાનું છે, તેનો પ્રવેશદ્વાર પણ સાંકડો છે, પરંતુ બહારથી સાંકડી લાગતી આ ગુફા અંદરથી છે લાંબી અને પહોળી

- ગુફાની અંદર આવેલી માટીને પ્રકાશમાં જોવામાં આવે તો તેમાં સોનાની જેમ ચમકતા અબરખનું મિશ્રણ મળે છે જોવા
- સોનાની જેમ ચમકતી હોવાને કારણે આ માટીને કહેવાય છે “સોનાની માટી”

- સોના જેવી ચમકતી માટી જોઇને ઘણાં લોકો મૂઠી ભરીને એ માટી પોતાની સાથે લઇ જાય છે પણ આવું કરવાથી ઘરમાં નુકનાશ થાય છે એવી ગુફામાં લગાડવામાં આવી છે નોટીસ

- અહીં લોકમાન્યતા પ્રમાણે કહેવાય છે કે ગુફામાં મહંતના આશીર્વાદથી માનસિક રીતે બિમાર લોકો માટે જો આ જગ્યાની માનતા માનવામાં આવે તો દૂર થાય છે બિમારી

- ત્યાંના મહંતને ઘડીયાળ અતિપ્રિય હોવાથી માનતા પૂરી કરવા માટે લોકો ચડાવે છે ઘડિયાળ



- ત્યાંની કોઈ ઘડિયાળ પસંદ આવી જાય તો તેમાં લાગેલા પ્રાઈઝ ટેગ જોઈને ખરીદી શકો છો ઘડિયાળ
- અન્ય એક માન્યતા અનુસાર આ ભોંયરાનો એક માર્ગ કૃષ્ણનગરી દ્વારકા અને બીજો માર્ગ ખૂલે છે જૂનાગઢ તરફ

- ગુફામાં પ્રવેશતા લોકોને અંધારું ન લાગે તે માટે અહીં લાઇટની પણ કરવામાં આવી છે વ્યવસ્થા


સ્વયંભુ શિવલિંગોની રચના કેવી રીતે થઇ?
ચુનાનાં ખડકમાં ગુફા આવેલી હોવાથી તેની છતમાંથી હજારો વર્ષથી સતત પાણી ટપકતું હોવાથી શિવલિંગોનું સર્જન થાય છે. આ પ્રકારના ચુનાનાં પત્થર જાંબુવંતીની ગુફા (Jambuvanti Caves) ઉપરાંત બરડા ડુંગરમાં આલોચ,ગોપ અને કેલિફોર્નિયામાં જોવા મળે છે. આમ આ ગુફા હજારો વર્ષ જૂની હોવાના પુરાવા આ શિવલિંગો આપે છે. શિવલિંગો બનવા પાછળનું રહસ્ય ચુનાનાં ખડક છે પણ તેમ છતાં લોકો તેને ચમત્કાર માને છે અને લાખોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે.

Read Also
અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી
ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો
- જાંબુવંતી ગુફા (રાણાવાવ) – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા-જવા સાથે (અમદાવાદથી 386 km.) – Rs.9000 – 11,000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3000
- જમવાનો ખર્ચ – Rs.1800 – 2500
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
- કુલ – આશરે 13,800 થી 18,500/—
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.
- અંતર (Distance)
- સુરતથી – 616 km.
- વડોદરાથી – 434 km.
- અમદાવાદથી – 386 km.
- રાજકોટથી – 173 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – રાણાવાવ બસસ્ટોપ, રાણાવાવ રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ
વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી
જાણીતી હોટલો –
આલેખન – રાધિકા મહેતા