ખોડિયાર માતાજી આમ તો દરેક પરિવારમાં પૂજાય છે, પણ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની કુળદેવી સ્વરૂપે માં ખોડલ બિરાજમાન થયા છે. ભાદર નદીના કાંઠે 100 એકર જમીનમાં આકાર પામેલું ખોડલધામ મંદિર સ્થાપત્યકલાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર 135 ફૂટ ઊંચા, 299 ફૂટ લાંબા અને 253 ફૂટ પહોળા વિસ્તારમાં સમાયેલું છે. આ ભવ્ય મંદિરમાં માં ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
આ અદ્વિતીય મંદિર બનાવવાનો પાછળનો વિચાર (khodaldham)
એક દિવસ નરેશભાઈ પટેલ તેમના મિત્રો સાથે બેસીને ચર્ચા કરતા હતા કે લેઉવા પાટીદાર સમાજ ખૂબ મોટો અને તાકાતવર છે તેમ છતાં વિખેરાઈ ગયો છે, આથી સમાજને એકઠો કરીને સમાજની તાકાત વધારવી જોઈએ અને દરેકને ઉપયોગી નીવડે એવું કાર્ય કરવું જોઈએ. આથી સમાજને એક તાંતણે બાંધવા માટે 2002માં આ મંદિર બનાવવાનો નિર્ણય લીધો. આથી 08-03-2010ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

શા માટે કાગવડ ગામ ખાતે (khodaldham) મંદિરનું નિર્માણ થયું?
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લેઉઆ પાટીદાર સમાજના લોકો છે અને કાગવડ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં આવે છે. કાગવડ ખાતે એકસાથે 100 એકર જમીન મળી રહે એમ હતી અને ભાદર નદીના કાંઠે વસેલું હોવાથી પાણીની પણ સમસ્યા હતી નહિ. આથી કાગવડ ગામ નજીક મંદિર બનાવવાનું નક્કી કર્યું. લેઉઆ પટેલ સમાજને એક તાંતણે બાંધવા મંદિર જ એવું સ્થળ બની શકે એમ હતું કે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે. આથી આ મંદિર લેઉઆ પટેલ સમાજની એકતાના પ્રતિક સમાન છે. 17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2017 સુધીમાં, આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા.



મંદિરનું બાંધકામ અને તેની વિશેષતા
- ખોડલધામ (khodaldham) મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં (જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તે) થાય છે.
- મંદિરની પહોળાઈ 252 ફુટ-5 ઇંચ છે, મંદિરની લંબાઈ 298 ફુટ-7 ઇંચ છે, જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ-1 ઇંચ છે.
- ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે.
- રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે.


- ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 જેટલી મૂર્તિઓ, મંડપથી(મંદિરની દીવાલ) મંદિરના શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે.



- મંદિરના પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
- મંદિરના શિખર પર સોનાથી મઢેલા ધ્વજદંડ પર 52 ગજની ધજા ફરકે છે.આમ આ મંદિર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે બનાવાયું છે.
- મંદિરમાં જમીનથી 18 ફૂટ ઉપર જગતી (plinth) બનાવેલી છે આ જગતી ગજ, અશ્વ અને ગ્રાસ ( લુપ્ત થઈ ગયેલું જળચર પ્રાણી)ના શિલ્પોથી સુશોભિત છે.
- મંદિરમાં કુલ 72 જેટલા ગુલાબી પથ્થરોમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવત ગીતાના પ્રસંગોને કંડારીને મૂકવામાં આવ્યા છે.
- મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જે ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાથી સુશોભિત છે. જે ભાવિકોની મન મોહી લે એવું છે.
- મંદિરમાં આવેલા સ્તંભ પર પ્રાચીન ગ્રંથના દ્રશ્યો કંડારવામાં આવ્યાં છે જે ખરેખર કાબિલેદાદ છે
- મંદિરમાં મુકાયેલ દરેક શિલ્પ પાંચ કારીગરોના હાથમાંથી પસાર થઈને બની છે.
- મંદિરમાંની કલાત્મક કૃતિઓ રાત્રે પણ દીપી ઊઠે તે માટે ઈટલી, જર્મની અને અમેરિકાની લાઈટ લગાવવામાં આવી છે.



મંદિર પરિસરની સુવિધાઓ
- દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે વ્હીલચેર, ઈ-રીક્ષા, ગોલ્ફકાર, એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ ઉલબ્ધ છે.
- કેન્ટીનમાં સ્વ ખર્ચે ઠંડા-પીણા, ગરમ નાસ્તો, નમકીન વગેરે ફાસ્ટ-ફૂડ મળી રહે છે.
- ભક્તો માટે અન્નપૂર્ણાલયમાં ટોકન દરે બે ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરાયેલી છે.
- ગુજરાત સરકાર દ્વારા મંદિરના આંગણે શક્તિવનનું નિર્માણ કરાયેલું છે, જેમાં શાંતિથી બેસી શકે તે માટે વિશાળ લોન એરિયા બનાવેલો છે જેમાં રંગબેરંગી ફૂલ, છોડ ઉગાડવામાં આવ્યા છે.
- સત્સંગ હોલ, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વિશ્વ વિક્રમ (World records)
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ
- 24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે મળીને તાળીઓ પાડી, 2012
- 5 લાખ 9 હજાર 261 લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો, 2017
એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ
- 24435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, 48870 લોકોએ એક સાથે મળીને તાળીઓ પાડી, 2012
- એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન, 2015
- 1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ, 2017
- 15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ, 2017

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ
- એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના 521 દંપતીના સમૂહલગ્ન, 2015
- 1008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6048 આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ, 2017
- 15 મહિનામાં 435 તાલુકા, 3521 ગામ અને 1 લાખ 25 હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ, 2017
ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ
- રાજકોટથી ખોડલધામ સુધીની 21,117 વાહનો સાથેની સૌથી મોટી શોભાયાત્રા, 2017

મંદિરની નજીક આવેલા ફરવાલાયક સ્થળો
- ઐતિહાસિક શહેર જૂનાગઢ
- ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં માઉન્ટ આબુ તરીકે ઓળખાતો ઓસમ ડુંગર
- જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલું પરબધામ
- મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર અને પ્રાચીન કિલ્લો ધરાવતું ગોંડલનું હિલ સ્ટેશન અનડગઢ
- ચુનાના ખડકોમાંથી કોતરીને બનાવેલી ખંભાલીડાની બૌદ્ધ ગુફા
- વિરપુર ગામમાં સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર




ખોડલધામ મંદિર (khodaldham) વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક દિન જેવા રાષ્ટ્રીય તહેવારોમાં મંદિર પરિસરમાં ખાસ સુશોભન કરીને ઉજવણી કરવામાં આવે છે. ફોટોગ્રાફીના શોખીન લોકો માટે અહી સુંદર લોકેશન મળી રહે છે. તેમજ શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
Read Also
આ છે કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ જોવા મળે છે
ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો
દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ
- ખોડલધામ (કાગવડ) – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 550 km.) – Rs.7 000 – 11,500
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.2000 – 3500
- જમવાનો ખર્ચ – Rs.1500 – 2500
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
- કુલ – આશરે 12,000 થી 19,500/—
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.
- અંતર (Distance)
- સુરતથી – 504 km.
- વડોદરાથી – 348 km.
- અમદાવાદથી – 274 km.
- રાજકોટથી – 60 km.
- કચ્છ – 360 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – કાગવડ બસ સ્ટોપ, વિરપુર રેલવે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ
વિશેષ વાનગી – રાજકોટનો મધુભાઈ ગોરધનભાઈનો ચેવડો,ભગતના પેંડા, લીલી ચટણી
આલેખન – રાધિકા મહેતા