મૃતકોનું નગર :‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

Posted By admin June 5, 2021
Lothal

સિંધુ નદી અને તેમાં વિલીન થતી ઝેલમ, ચીનાબ, રાવી અને સતલુજ નદીઓનો પ્રદેશ એ આપણી સંસ્કૃતિનો ઐતિહાસિક યુગનો પુરાતન પ્રદેશ છે. આ પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સંસ્કૃતિને કાંસ્યાયુગીન સંસ્કૃતિ પણ કહે છે, કેમકે ત્યાં તાંબુ અને ટિનનો ઉપયોગ કરીને કાંસુ બનાવવામાં આવતું અને તેનો ઉપયોગ ઘરવપરાશ માટે કરવામાં આવતો હતો.

વિવિધ પ્રદેશોમાંથી ઉત્ખનન કરાતા મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના અવશેષો

ઈ.સ.1921માં હડપ્પાના (જિ.મોન્ટગોમરી,પાકિસ્તાન) મહત્વની પ્રતીતિ થતાં આ સ્થળોએ વિસ્તૃત ઉત્ખનન કરાતા સિંધુસભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ (સૌપ્રથમ અવશેષ હડપ્પા નામના સ્થળેથી મળ્યા હોવાથી) તરીકે ઓળખાતી ભારત-પાકિસ્તાન ઉપખંડની પ્રથમ નગર-સભ્યતાનાં બે મહાન નગરો હડપ્પા અને મોંહે-જો-દડોના અવશેષ મળી આવ્યા હતા. આ સંસ્કૃતિનાં સંખ્યાબંધ સ્થળ પંજાબ, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ મળી આવ્યા છે. તે પૈકી દક્ષિણ ગુજરાતમાં કીમ નદીને કિનારે આવેલું ભાગા તળાવ, સૌરાષ્ટ્રમાં રંગપુર (ગુજરાતમાંથી શોધાયેલ સૌપ્રથમ નગર) અને રોજડી, કચ્છનું દેશળપુર અને ધોળાવીરા તથા અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાનાં લોથલમાંથી (Lothal) આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલની શોધ (Lothal)

અમદાવાદથી 80 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલ આ પ્રાચીન જગ્યા ઉપર આજથી 4500 વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું શહેર આવેલું હતું. સિંધુ સંસ્કૃતિનો વ્યાપ અત્યારના પાકિસ્તાન સુધી ફેલાયેલો હતો. ભારત સરકારના પુરાતત્વ વિભાગના પ્રો.એસ.આર.રાવ અને તેમની ટીમે 1955 થી 1962 દરમ્યાન સંશોધન કરતાં આ પ્રાચીન શહેર લોથલ (Lothal) મળી આવ્યું. આ નગરમાંથી મળેલા અવશેષો ઈ.સ.પૂર્વેનાં 2500 થી 1900 દરમ્યાનનાં હોવાનું માનવામાં આવે છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

ખનન પ્રવૃત્તિ કરીને જાણવા મળ્યું કે અહીં સાબરમતીના કાંઠા ઉપર આવેલું વિશ્વનું સૌથી જૂનું કૃત્રિમ બંદર આવેલું હતું. આ જગ્યા ઉપર એક કિલ્લા બંધ શહેર, બહારનો વિસ્તાર, મણકાઓની ફેક્ટરી, વખાર અને ગટર વ્યવસ્થા આવેલી હતી.

પુરાતત્વવિદોએ શોધ્યું કે અહીં આવેલી કેનાલો અને બંદરોને કારણે આ શહેર વેપારનું એક મહત્વનું મથક હતું. અહીંના અવશેષોથી જાણવા મળે છે કે અહીંથી મેસોપોટેમિયા, ઈજિપ્ત અને પર્શિયા જેવા દેશો સાથે વ્યાપાર થતો હતો. અહીંથી બજાર અને બંદર ધરાવતી એક આખી ટાઉનશીપ મળી આવી છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલ (Lothal) નામનો અર્થ

એવું કહેવાય છે કે લોથલ એ બે શબ્દો; લોથ અને થલના જોડાણથી બનેલો છે. આ શબ્દોનો ગુજરાતી અર્થ “મડદાઓનો જથ્થો” એવો થાય છે. આ શહેર ઇસ પૂર્વે 3700માં વસ્તી ધરાવતું હતું અને આ એક સમૃદ્ધ વેપારી મથક હતું. 13 ફેબ્રુઆરી 1955થી 19 મે 1960 સુધી ભારતના પુરાતત્વ ખાતાએ અહીં ખનન કરતા આ શહેર મળી આવ્યું હતું. પુરાતત્વ વિદોનું માનવું છે કે આ શહેર સિંધથી સૌરાષ્ટ્રને જોડતા પ્રાચીન વેપારી જળમાર્ગનો એક મહત્વનો હિસ્સો હતું. અર્વાચીન ભારતના ઇતિહાસની સૌથી મહત્વની અને સૌથી વધુ પુરાતત્વ શોધખોળ આ વિસ્તારમાંથી મળી આવી છે.

લોથલની વિશેષતા

  • લોથલની પ્રમુખ વિશેષતા એટલે વાહન લાંગરવા માટેનો ડોકયાર્ડ
  • આ ડોકયાર્ડ 215 મીટર લાંબુ, 38 મીટર પહોળું અને 1 મીટર ઊંડું છે, તેની આજબાજુ પકવેલી ઈંટોની દીવાલનો બંધ બાંધવામાં આવ્યો હતો.
  • આ ડોકયાર્ડની ક્ષમતા 650 ક્વિન્ટલ વજન ધરાવતા વાહનોની હતી.
  • અહી મકાનો પણ વિશાળ હતા.
  • સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે.
  • ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
  • આ ઉપરાંત લોથલમાં મળેલી વખારો(Warehouse) અને દુકાનો દર્શાવે છે કે આ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું ભારતનું સમૃદ્ધ બંદર હશે.
  • લોથલમાં બારીક છીદ્રો ધરાવતા મણકા પણ મળી આવ્યા હતા.
  • અહીં મણકા બનાવવાનું કારખાનું, અગ્નિકુંડ, અનાજ દળવાની ઘંટીના અવશેષો પણ મળી આવ્યા.
  • કલાત્મક માટીના વાસણો લોથલની માટી કલાની વિશિષ્ટતા દર્શાવે છે.
  • લોથલમાં સ્ત્રી અને પુરુષના જોડિયાં શબ મળી આવ્યાં છે જે અવશેષ ‘સહમરણ નો રિવાજ’ સૂચવે છે.
  • અહીં એક બાળકના શબમાં તેની ખોપડીમાં કાણું પડેલું જોવા મળે છે. જે કદાચ મગજમાં શસ્ત્રક્રિયા કરવામાં આવ્યાના સંકેત છે.
  • આ વિસ્તારની આજુ બાજુ કપાસ અને ચોખાનું ઉત્પાદન કરવામાં આવતું.
  • આ બંદરથી પશ્ચિમ એશિયાના પ્રદેશમાં અર્ધ કિંમતી પત્થરો, મણકાઓ, તાંબુ, હાંથી દાંતની વસ્તુઓ, શંખ અને કપાસનો વેપાર કરવામાં આવતો હતો.
Photo Courtesy – Anuj Acharya

લોથલના અવશેષોનું મ્યુઝિયમ

  • લોથલના (Lothal) અવશેષોનું એક મ્યુઝિયમ છે.
  • જેની સ્થાપના ઇ.સ. 1976માં કરવામાં આવી.
  • મ્યુઝિયમમાં આવેલા છે ત્રણ વિભાગ
  • જેમાં એકમાં લોથલની સંભવિત કલાકૃતિ, બીજામાં મણકાઓ અને તેની બનાવટ, માટીના વાસણો, આભૂષણો, પ્રાચીન મહોર, માનવચિત્ર, ધાર્મિક પ્રતીકો અને રોજબરોજમાં વપરાતી ચીજવસ્તુઓનું પ્રદર્શન પ્રવાસીઓ માટે રાખવામાં આવેલ છે.
  • ત્રીજા વિભાગમાં નાની-નાની મૂર્તિ, ઈંટો, રમકડાં વગેરે અવશેષો જોવા મળે છે.
  • અહીં લોથલની (Lothal) પરિકલ્પના કરતુ ડમી સ્ટેચ્યું પણ બનાવવામાં આવ્યું છે.

ખાસ નોંધ : આ મ્યુઝિયમ રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને શુક્રવારે બંધ હોય છે.

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

લોથલનો વિનાશ

લોથલ (Lothal) શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલના મકાનોમાં ઉપરા-ઉપરી ત્રણ થર મળ્યા છે. જે પરથી અનુમાન લગાવી શકાય કે ત્યાં મકાનો એક જ પાયા પર જુદા-જુદા સમયે બંધાયા હશે. નગરના વિનાશની શરૂઆત ઇ.સ. પૂર્વે 1900 થી શરૂ થયેલો જેમાં મુખ્ય અવારનવાર આવતા પૂર જવાબદાર હતા. આથી ઇ.સ. પૂર્વે 1700 સુધીમાં લોકોએ આ શહેરનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. જેથી એ લુપ્ત થવા માંડ્યું હતું.

દુરથી શાંત લાગતું આ નગર પોતાની ભીંતરે હજારો વર્ષ જુનો વૈભવ સાચવીને બેઠું છે. ચારે બાજુ દેખાતા પત્થરો પોતાની પાસે કોઈ મુસાફર આવીને કાન માંડે તો વર્ષો જુના વારસાની વાતો કહેવા મીટ માંડીને ઉભા હોય તેવી અનુભૂતિ કરાવે છે.

  • લોથલ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 160 km.) – Rs.2000 – 3500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2300
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 1800
  • કુલ – આશરે 6500 થી 11,000/—
  • અંતર (Distance)
  • સુરતથી – 280 km.
  • વડોદરાથી – 122 km.
  • અમદાવાદથી – 79 km.
  • રાજકોટથી – 172 km.
  • કચ્છ – 404 km.

Article Courtesy – કવન આચાર્ય

આલેખન – રાધિકા મહેતા