આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માનસિક રીતે કંટાળી જતાં હોય છે. માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો એ આપણાં શરીર અને વર્તન પર પણ અસર કરે છે. એટલે જ આ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે મનને શાંતિ મળવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની માનસિક શાંતિ મેળવવા માટે પ્રકૃતિની ગોદમાં જવું સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે તમે પ્રકૃતિ સાથે સંપર્કમાં આવો છે અને પ્રકૃતિને માણો છો તો અંદરથી જ તમારું મન પ્રફુલ્લિત થવા લાગે છે. મન પ્રફુલ્લિત થતાં મનને પણ શાંતિ મળે છે અને એનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
પ્રકૃતિના ખોળે આનંદ માણવાનો અને પરિવાર સાથે વન-ડે પિકનિકનો પ્લાન કરી શકાય એવી ગુજરાતની આ લાજવાબ જગ્યાનું નામ છે પોળો ફોરેસ્ટ (Polo Forest)

પોળો ફોરેસ્ટ એ આંખોને ઠંડક આપતું જંગલ વિસ્તાર છે. જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે 400 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે. અમદાવાદથી લગભગ 160 કિમીના અંતરે આવેલું પોળો ફોરેસ્ટ (Polo Forest) કુદરતની અદમ્ય રચના છે. આ પોળોના જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

પોળો ફોરેસ્ટનો (Polo Forest) ઇતિહાસ
અહીં 10મી સદીમાં હર્ણાવ નદીના કિનારે ઇડરના પરિહાર રાજાઓએ એક નગર વસાવ્યું હતું. 15મી સદીમાં આ નગર ઉપર મારવાડના રાઠોડ વંશના રાજાઓએ વિજય મેળવ્યો અને તેને ઇડર સ્ટેટની અંદર સમાવી લીધું. આ નગર કલાલિયો અને મામરેચી નામના બે ઊંચા પર્વતોની વચ્ચે આવેલું છે. આ પર્વતોને કારણે આ નગરમાં દિવસે પણ સુર્યપ્રકાશ પહોંચી શકતો નહોતો આથી આ નગરમાંથી વસ્તી ખાલી થઈ ગઈ. પોળો નામ પોળ ઉપરથી પડયું છે. મારવાડી ભાષામાં પોળનો અર્થ દ્વાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. આ જંગલોમાં 15મી સદીના ખંડેર થઈ ગયેલા 15મી સદીના હિન્દુ અને જૈન મંદિર આવેલા છે. રાજ્યના પુરાતત્વ ખાતાએ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

અહીંયા તમને શું-શું જોવા મળશે?
- 450થી વધુ પ્રકારના ઔષધી છોડ
- 275 પ્રકારના પક્ષીઓ
- 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ
- 32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ
- આ સાથે રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.

આજુ-બાજુમાં જોવાલાયક બીજા સ્થળો
અભાપુરનુ શક્તિમંદીર
- અભાપુરનુ શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે.
- મંદિરના દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે, જેની ભાષા સ્પષ્ટ થતી નથી.
- આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે, જોકે બીજા સૂર્યમંદિરોથી અલગ આ મંદિર પશ્ચિમાભિમુખ છે.
- મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાણી દેવી, ઇંદ્ર-ઇંદ્રાણી, શિવ-પાર્વતી, બ્રહ્મા-બ્રહ્માણીના શિલ્પો જોવા મળે છે.
- મધ્યમાં દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો આકર્ષણરૂપ છે.

કલાત્મક છત્રીઓ
- આ કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે.
- છત્રીનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે.
- મોટાભાગની છત્રીઓ બેની જોડમાં (જોડી સ્વરૂપે) જોવા મળે છે.
- આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીમાં થયું હોવાનુ મનાય છે.

શરણેશ્વર મહાદેવ
- આ મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જમીનમાં પથરાયેલું છે.
- આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી.
- મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે.
- મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે.
- આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે.
- મંદિર કુલ ત્રણ માળનું છે.
- મંદિરનાં બહારના ભાગમાં વેદી પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે.
- મંદિરના સ્તંભો ઉપરથી લઈને નીચે સુધી વૃત્તાકાર છે.

રક્ત ચામુંડા
- શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે.
- મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે.
- ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે, જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.

લાખેણાનાં દેરાં
- દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે.
- મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનુ શિલ્પ સોલંકી કાળનું છે.
- મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે.
- જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે.
- મંદિરમાં 80 થી વધુ સ્તંભો ઊભા કરેલાં છે.

સદેવંત સાવળિંગાના દેરાં
- આ મંદિરની સાથે-સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે.
- આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે.
- નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.
- કેટલીક જગ્યાએ નીચેથી ઊગી નીકળેલાં વૃક્ષોએ લગભગ મંદિર ઊંચકી લીધું હોય તેમ જણાય છે.

પોળો શા માટે લોકપ્રિય બની રહ્યું છે?
અહીંની જગ્યા ટ્રેકિંગ કરવા યોગ્ય છે, જેથી ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. એટલે ટ્રેકિંગ લવરને આ જગ્યા આકર્ષે છે. અહીંયા એક નાનું ઝરણું પણ આવેલું છે જે ચોમાસામાં પોતાના ખરા અંદાજમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35થી વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. જો સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે તમે અહીંયાની મુલાકાત લેશો તો અહીંની ગ્રીનરી તમારું મન મોહી લેશે. અને જો તમે વીકેન્ડ પ્લાન કરવા ઈચ્છો છો તો કુદરતના ખોળે રહેલું આ સ્થળ શ્રેષ્ઠ છે.

પોળો ફેસ્ટિવલ
દર વર્ષે, ગુજરાત સરકાર દ્વારા પોળો ફેસ્ટિવલ ઊજવવામાં આવે છે. જેમાં સાહસિક પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલો ફોરેસ્ટમાં પોળો કેંમ્પ સીટીનુ સુયોજન હોય છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પોળો ઉત્સવનો આનંદ માણી શકો છો.

Read Also
અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી
ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો
ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે
રહેવું ક્યાં?
પોળોમાં રોકવા માટે ઈચ્છતા લોકો માટે પોળો કેમ્પ સાઇટ એક સારો વિકલ્પ છે. જે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોળો કેમ્પ સાઇટમાં રહેવા માટે તમારે હિમતનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરવો પડશે.
- પોળો ફોરેસ્ટ – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 320 kms) – Rs.3000 – 6000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2000 – 4000
- જમવાનો ખર્ચ – Rs.1500 – 3200
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
- કુલ – 8000 થી 14000/—