બોરડી આ નામ સાંભળતા જ તમને એના ખાટા મીઠા બોર યાદ આવી જાય, આ ખાટા મીઠા બોર જે બોરડી આપે છે એ જ બોરડીમાં તીક્ષ્ણ કાંટાઓ પણ આવેલા હોય છે. પરંતુ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં એક એવી પ્રાચીન બોરડી આવેલી છે કે જે બોરડીમાં કાંટા જ નથી (Rajkot Prasadini Bordi), જાણીને નવાઈ લાગશે પરંતું આ સનાતન સત્ય છે.

સ્વયં ભગવાન સ્વામિનારાયણના હસ્તે નિર્માણ પામેલા મુખ્ય છ ધામમાં પ્રભુ શ્રી હરિએ પોતે જ મુર્તિઓ સ્થાપિત કરી હતી. જેમાં અમદાવાદ (શ્રી નરનારાયણ દેવ), ભુજ (શ્રી નરનારાયણ દેવ), વડતાલ (શ્રી લક્ષ્મીનારાયણ દેવ), ધોલેરા (શ્રી મદનમોહન દેવ), જૂનાગઢ (શ્રી રાધારમણ દેવ), ગઢપુર (શ્રી ગોપીનાથજી મહારાજ)નો સમાવેશ થાય છે. પરંતુ આજથી આશરે 191 વર્ષ પહેલાં બનેલી એક ચમત્કારિક દૈવી ઘટના અને તેની સ્મૃતિને સંઘરીને બેઠેલા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરનો મહિમા કાંટા વિનાની બોરડીને કારણે આ બધા મંદિરો કરતાં વિશેષ રહ્યો છે.

દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને આ મંદિર માટે જગ્યા ખરીદી હતી
રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પદરજથી પાવન થઈ છે. નિજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા, શ્રી ઘનશ્યામજી મહારાજ બિરાજમાન છે. મેંગણીના દરબાર અભેસિંહજી દ્વારા આ મંદિર માટેની જગ્યા ખરીદવામાં આવી હતી. એ સમયમાં દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને ભૂપેન્દ્ર રોડ પર સ્થિત મંદિર માટે જગ્યા ખરીદી હતી. ત્યારબાદ સ્વામિનારાયણની છત્રી બનાવી હતી. હાલ આ જ મંદિરના પ્રાંગણમાં આ પ્રસાદીની બોરડી સ્થિત છે.


પ્રસાદીની બોરડીનો (Rajkot Prasadini Bordi) મહિમા
આ પૃથ્વી પર અનેક વૃક્ષો આવેલાં છે. પરંતુ મંદિરના પટાંગણમાં આવેલી બોરડી (Rajkot Prasadini Bordi) વિશ્વનું એક એવું વૃક્ષ છે કે જેણે એક સંતના વચનના કારણે અનાદિકાળનો ક્યારેય ન બદલાય એવો કાંટાળો સ્વભાવ છોડી દીધો હતો. અંગ્રેજ સલ્તનત મુંબઈ ઇલાકાના ગવર્નર સર જ્હૉન માલકમના આમંત્રણને માન આપીને ભગવાન શ્રી હરિ સવંત 1886 ના ફાગણ સુદ – 5 એટલે કે તા. 26-02-1830 ના રોજ રાજકોટ પધાર્યા હતા. ત્યારે આ બોરડીની બાજુમાં સંતો અને હરિભકતોની સભા કરીને બિરાજમાન હતા. આ સમયે યોગીરાજ સદ્. ગોપાળાનંદ સ્વામી આ બોરડીની નીચેથી પસાર થયા અને બોરડીના કાંટા સ્વામીજીના રૂમાલ (પાઘ)માં ભરાયા તેથી સ્વામીજીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડ્યા, “અરે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમનારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહિ” ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતાં જ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને આ બદરીવૃક્ષ નિસ્કંટક (Rajkot Prasadini Bordi) બન્યું. જે આજે પણ ઇતિહાસનું સાક્ષી બનીને ઉભુ છે.

નિસ્કંટક (કાંટા વિનાની) બોરડીની (Rajkot Prasadini Bordi) વિશેષતા
- આશરે 191 વર્ષથી આ સ્થાને અડીખમ ઉભું છે બોરડીનું વૃક્ષ
- આ વિશાળ બોરડીના વૃક્ષમાં નથી એક પણ કાંટો
- વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી છે વિપરીત

- વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી ઉપજાવે છે અચંબો
- પ્રસાદીની બોરડીમાં બારેમાસ આવે છે બોર

- ખાસ મંગળવાર અને શનિવારે અહીં ગોળ અથવા બોરની માનવામાં આવે છે માનતા
- આ પ્રસાદીની બોરડીની પરિક્રમા કરવાથી ભક્તોના સાકાર થાય છે સંકલ્પો
- અહીં ભક્તો દ્વારા બોરડીનું એક પણ પાન નથી આવતું તોડવામાં
- બોરડીની નીચે પડેલા પાનને જ લેવામાં આવે છે પ્રસાદી તરીકે
- આ જ બોરડીના બોરને કોઈ વાવે તો તેમાં આવે છે કાંટા પરંતુ આ બોરડી વર્તમાન સમયમાં પણ છે કાંટા વિનાની

પ્રસાદીની બોરડીનો બદરીવંદન મહોત્સવ
ફાગણ સુદ પાંચમના રોજ બોરડીની ચમત્કારિક દૈવી ઘટના ઘટી હોવાથી બોરડીનો બદરીવંદન મહોત્સવ દર વર્ષે ફાગણ સુદ 5 ના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં પ્રસાદીની બોરડીની ભગવાનની જેમ જ પૂજા અર્ચના કરી, શોડાત્સવ અને અન્નકૂટ કરવામાં આવે છે.

વનસ્પતિ શાસ્ત્રના નિયમ મુજબ કાંટાળી પ્રકૃતિ ધરાવતા વૃક્ષનું કાંટા વગર જીવિત રહેવું અશક્ય બાબત છે જેથી આ બાબતના તથ્યો શોધવા પ્રસાદીની આ અનોખી બોરડીમાં વનસ્પતિશાસ્ત્રીઓ આજદિન સુધી સંશોધન કરે છે. આશરે 191 વર્ષ જેટલા પુરાતન આ વૃક્ષને (Rajkot Prasadini Bordi) ગુજરાત સરકાર દ્વારા “હેરિટેજ ટ્રી” (ઐતિહાસીક વૃક્ષ) જાહેર કરાયું છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાણકારી
ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ સોમવાર, 2 એપ્રિલ 1781 ના રોજ સંવત 1837 ના રામનવમીના રોજ ઉત્તરપ્રદેશના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિમાતાના ઘરે થયો હતો. રામપ્રતાપજી અને ઇચ્છારામજી તેમના ભાઈ છે. ભગવાન તેમના બાળપણમાં “ઘનશ્યામ”(ભક્તિ-માતા દ્વારા આપવામાં આવેલ) નામે અને ત્યારબાદ “નીલકંઠ વર્ણી” (છપૈયામાં માર્કંડે ઋષિ દ્વારા આપેલું), “હરિ કૃષ્ણ”, “સહજાનંદ સ્વામી”, “નારાયણ મુનિ” (પિપ્લાનામાં રામાનંદ સ્વામી દ્વારા આપવામાં આવેલ), “શ્રીજી મહારાજ” (તેમના ભક્તો દ્વારા આપવામાં આવેલ) નામે જાણીતા છે. ઘનશ્યામજી મહારાજની 11 વર્ષની ઉંમરે તેમના માતા-પિતા પંચમહાભૂતમાં વિલિન થયા હતા. ત્યારબાદ તેમને ઘર છોડીને ભારત ભ્રમણની શરૂઆત કરી અને રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા હતા. 7 વર્ષ, 1 મહિનો અને 11 દિવસની મુસાફરી બાદ તેઓ ગુજરાત પહોંચ્યા અને વૈદિક ધર્મ, વૈરાગ્ય અને ધર્મદર્શન અને તેના મહત્વને તેઓએ વાસ્તવિક અર્થમાં સમજાવ્યું હતુ. શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો, ધાર્મિક પુસ્તકો, આચાર્યો અને સંતો માટે સારી વ્યવસ્થા સ્થાપિત કરી હતી, જેથી આવનાર પેઢી માટે ભવિષ્યમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા કરવામાં આવેલી કામગીરી
- સ્વામિનારાયણ ભગવાન દ્વારા એકાંતિક ધર્મની સ્થાપના કરવામાં આવી હતી
- તેમના દ્વારા 2000 થી વધુ સાધુઓને અને 500 જેટલા પરમહંસ તરીકે દીક્ષા આપવામાં આવી હતી
- તેઓએ સાધુઓ દ્વારા લખાયેલા શાસ્ત્રો અને પ્રમાણિત પ્રાચીન શાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં આપ્યો છે
- તેમના દ્વારા સતી પ્રથા, સ્ત્રી બાળ હત્યા અને પ્રાણીઓની બલીની પ્રથા નાબુદ કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા
- મહિલાઓને શિક્ષીત કરવા માટે ભકતોને પ્રોત્સાહિત કર્યા હતા
- બોમ્બેના રાજ્યપાલ સર જોન માલ્કમને ઘનશ્યામજી મહારાજે સ્વયં પોતાના હસ્તે શિક્ષાપત્રી આપી હતી
- જો કે હાલ આ શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુકેમાં બોડેલીયિન લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે

ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર અંગે માહિતી
- વિક્રમ સવંત 2009 ના માગશર સુદ આઠમ તા. 6 નવેમ્બર, 1951 ના દિવસે આ મંદિરની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા
- સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શ્રી કૃષ્ણવલ્લભાચાર્યની પ્રાર્થનાથી વડતાલ ગાદીપતિ પ.પૂ.આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજના કર કર્મોથી કરવામાં આવી હતી મંદિરમાં ભગવાનના સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા
- બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને પોતાના સામાજિક કાર્યો માટે આવતા લોકો માટે મંદિરમાં ભોજન અને રહેવા માટે 50 જેટલા રૂમ છે અહીં
- વિચરણ કરતાં સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા
- એકસાથે 1000 જેટલા ભક્તો ભોજન લઈ શકે એટલું વિશાળ ભોજનાલય છે અહીં
- “ગાયોનું જતન એટલે સંસ્કૃતિનું જતન” આ સૂત્ર સાથે અહી ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે અહીં

- ઐતિહાસીક ઘટનાનું સાક્ષી આ મંદિર “ગુજરાતના બદરીધામ” તરીકે જાણીતું
- 2500 જેટલા ભક્તો કથા-વાર્તા સંભાળી શકે એ માટે એસી.ની સુવિધા ધરાવતો શ્રી ઘનશ્યામ સત્સંગ હોલ છે અહીં

- ઉદ્ધવજીનો અવતાર શ્રી રામાનંદ સ્વામીના ચરણોથી આ ભૂમિ પાવન થયેલી છે
- સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં આવેલી વસ્તુઓને કહેવામાં આવે છે પ્રસાદીની વસ્તુઓ
- આથી જ આ બોરડીને પણ કહેવામાં આવે છે પ્રસાદીની બોરડી
- સવારે 3:30 થી રાતના 10:00 વાગ્યા સુધી હરિભકતોની ધમધમતું હોય છે આ મંદિર
“જો સાધના કોઈ કરે, તોય જાતિ સ્વભાવ ન જાય |
પણ સંત વચન જો ઉર ધરે, તો એ બદરી સમ થાય ||”
આ ઉક્તિને આ નિસ્કંટક બોરડીએ સિદ્ધ કરી છે. આજે માણસ પોતાના દુર્ગૂણ છોડી શકતો નથી પરંતુ આ બોરડીએ પોતાનો સ્વભાવ છોડી દીધો.
આ બોરડી માટે એક સરસ મજાના કીર્તનની રચના થયેલી છે જેના બોલ આ પ્રકારના છે
બોરડી બોરડી રે જુવો કાંટા વિનાની આ બોરડી…
જો તમે હરિભક્ત હોય કે ન હોય પરંતુ જીવનમાં એકવાર તો આ બોરડીના દર્શન અવશ્ય કરવા જ જોઈએ.

Read Also
ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા
‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર
- અંતર (Distance)
- અમદાવાદથી – 214 km.
- વડોદરાથી – 289 km.
- સુરતથી – 450 km.
- કચ્છથી – 300 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – રાજકોટ બસ સ્ટોપ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ
વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા
આલેખન – રાધિકા મહેતા