
સુદામા મંદિર અને પોરબંદર (sudamapuri porbandar)
સૌરાષ્ટ્રના પશ્ચિમમાં દરિયા કિનારે આવેલું શહેર પોરબંદર એટલે મહાત્મા ગાંધી અને સુદામાની નગરી (sudamapuri porbandar). પોરબંદરની ત્રણ જગ્યા પ્રખ્યાત છે. કીર્તિમંદિર, સુદામા મંદિર અને ચોપાટી. સત્ય, અહિંસા અને પ્રેમને અનુસરતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને શ્રીકૃષ્ણના ભાગના શ્રાપિત ચણા ખાઈને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ સ્વયં ગ્રહણ કરી સાચી મિત્રતા નિભાવતા સુદામાની જન્મ અને કર્મભૂમિ છે. આથી જ પોરબંદરને “સુદામાપુરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંદ- પુરાણમાં પણ સુદામાપુરીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

સુદામાનો જન્મ અને મંદિરનું નિર્માણ
પોષ સુદ આઠમના દિવસે પોરબંદરની અસ્માવતી નદી પાસે સોમશર્મા નામના ભૃગુવંશી બ્રાહ્મણને ત્યાં સુદામાનો જન્મ થયેલો. નાનપણથી જ સુદામાને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા ત્યાં શ્રીકૃષ્ણ તેમના પરમમિત્ર બન્યા.

પોરબંદરના સુદામા ચોકમાં વિશ્વનું એકમાત્ર સુદામાનુ મંદીર આવેલું છે. વર્તમાન સમયમાં પણ નિઃસ્વાર્થ મિત્રતાના પ્રતિક સમાન આ મંદિર આશરે ૧૩મી સદીથી અસ્તિત્વ ધરાવે છે. ૧૯મી સદીમાં પોરબંદરના રાજા ભાવસિંહજીએ આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની નાટક મંડળીએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. નીજ મંદિરમાં સુદામા તેમના ધર્મપત્ની સુશીલાજી અને રાધા કૃષ્ણ સાથે બિરાજમાન છે. દેશના વિવિધ સ્થાનેથી ભાવિકો આ મંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે.

સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌર્યાસીની પરિક્રમા અને તેની સાથે જોડાયેલી વાત
આ લોકનું સુખ, બ્રહ્માંડનો વૈભવ તેમજ પરલોકના સુખ સમાન મોક્ષ, માત્ર મનુષ્ય અવતાર ધારણ કરીને જ મેળવી શકાય છે. સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌરાસીના ફેરાની પરિક્રમા કરીને ચૌરાસી લાખ યોનિના ફેરામાંથી મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થવાની માન્યતા પણ છે. રાજસ્થાની લોકોમાં લગ્નપૂર્વે વરકન્યાને સુદામાના દર્શને લઈ આવવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત એક લોકવાયકા પ્રમાણે ચારધામની યાત્રા કરીને સુદામાના દર્શન કરવા જ જોઈએ તો જ યાત્રા પૂરી થઈ હોવાનું માનવામાં આવે છે.


સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને કૃષ્ણ પાસે દ્વારકા સહાય મેળવવા મોકલ્યા
પૌરાણિક કથા અનુસાર સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને સોનેરી દ્વારકાનગરીના રાજા અને તેમના મિત્ર કૃષ્ણ પાસે સહાય મેળવવા મોકલ્યા હતા. સાથે ભેટ સ્વરૂપે તાંદુલ( સાળ કે ડાંગર કમોદના ફોલેલા ચોખા) આપ્યા હતા. સુદામા જ્યારે તેમના મિત્રને મળવા દ્વારકા પહોંચ્યા ત્યારબાદ જે ઘટના બની એનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભેટમાં મળેલા તાંદુલ ભગવાન શ્રીકૃષ્ણએ પહેલી મુઠ્ઠી ખાતા સુદામાની દરિદ્રતા દૂર કરી, બીજી મુઠ્ઠી ખાઈને સમૃદ્ધિ આપી અને ત્રીજી મુઠ્ઠી ખાતા રૂકમનીજીએ ભગવાનને અટકાવ્યા. સુદામાના ભંડાર ભગવાને ભર્યા એ જ રીતે ભગવાન ભક્તોના ભંડાર ભરે તેવા ભાવથી વર્તમાન સમયમાં પણ ચોખામાંથી બનેલા પોહાનો પ્રસાદ મંદિર પરિસર દ્વારા આપવામાં આવે છે.

સુદામા મંદિરનું બાંધકામ સફેદ આરસપહાણથી કરવામાં આવ્યું છે
સફેદ આરસપહાણના પથ્થરોની સુશોભિત આ મંદિરમાં ઘણા બધા કોતરણી કરેલા સ્તંભો છે. આ સ્તંભ મંદિરની ચારે દિશામાં ગોઠવાયેલા છે. આ મંદિરની ટોચને અદ્ભુત સ્થાપત્યકળાથી શણગારવામાં આવ્યું છે. મંદિરની ટોચ અને જમીનને આ કોતરણી કરેલા સ્થંભો જોડે છે. સરળ પ્રકારનું બાંધકામ અને સુંદર આર્કીટેક્ચર ધરાવતું આ મંદિર શ્રીકૃષ્ણના મિત્ર સુદામાને સમર્પિત છે. મંદિર પરિસરમાં સુંદર બગીચો, સુદામા કુંડ અને લખચૌરાસીના ફેરા પણ આવેલા છે.

આજના સમયમાં મિત્રતામાં પણ ક્યાંકને ક્યાંક સ્વાર્થ સાધવામાં આવતો હોય છે ત્યારે કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની નિઃસ્વાર્થ મિત્રતાના ઉમદા ઉદાહરણ સમાન આ મંદિરની મુલાકાત એકવાર તો અવશ્ય લેવી જ જોઈએ.
- સુદામા મંદિર (પોરબંદર) – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 10,500
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
- જમવાનો ખર્ચ – Rs.1500 – 2500
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
- કુલ – આશરે 12,500 થી 18,500/—
આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.
- અંતર (Distance)
- સુરતથી – 631 km.
- વડોદરાથી – 471 km.
- અમદાવાદથી – 397 km.
- રાજકોટથી – 183 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, પોરબંદર રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ
વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી
જાણીતી હોટલો –
આલેખન – રાધિકા મહેતા