જેવી ગૌમાતાની સ્થિતિ એવી આપણી સ્થિતિ. જે હકીકતમાં આપણો દેશ આજે ભોગવી રહ્યો છે. જેટલી ગાયની આપણે ઉપેક્ષા કરી છે એટલી આપણી તકલીફો વધી છે. આવું મક્કમપણે માનવું છે ભારત સરકાર દ્વારા 2017 માં કામધેનુ પુરસ્કાર આપીને દેશની નંબર 1 ગૌશાળાની ઘોષણા કરવામાં આવેલ બંસી ગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું
ગોપાલભાઈ કોણ છે? (Gopalbhai Sutariya Bansi Gir Gaushala)
ગોપાલભાઇ સુતરીયા બંસી ગીર ગૌશાળાના સ્થાપક છે. જેમનો જન્મ 1977 માં ગુજરાતના ભાવનગરમાં થયો હતો. તેમના આધ્યાત્મિક ગુરુજી શ્રી પરમહંસ હંસાનંદતીર્થ દાંડિસ્વામીના પ્રભાવ હેઠળ, તેમના જીવનના પ્રારંભથી, તેઓ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવા માટે પોતાનું જીવન પસાર કરવા માટે ઉત્સુક હતા. પરંતુ ગોપાલભાઇના પિતા મુંબઈમાં રહેતા હોવાથી પ્રાથમિકથી લઇ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં લીધા બાદ પિતાના ધંધામાં કામ કરવાની શરુઆત કરી.
પુખ્તાવસ્થામાં, તેણે સફળતાપૂર્વક મુંબઈમાં પારિવારિક વ્યવસાય સંભાળ્યો, પરંતુ તેનું મન હંમેશા બાળપણનું એ સ્વપ્ન પૂરું કરવા માટે વિચારી રહ્યું હતું. છેવટે પિતાનો કરોડોનો હીરાનો ધંધો મૂકીને તેમણે ગૌશાળા સ્થાપવાની અને ગૌકૃષિ (ગૌમાતા આધારિત કૃષિ) લેવાની યોજનાની કલ્પના કરી.

બંસી ગીર ગૌશાળાની વિશેષતા (Gopalbhai Sutariya Bansi Gir Gaushala)
ગોપાલભાઈએ 2006 માં અમદાવાદમાં બંસી ગીર ગૌશાળાની સ્થાપના કરી. બંસી ગીર ગૌશાળામાં 18 ગોત્રની (વંશ) ગીર ગૌમાતાઓને ભેગા કર્યા બાદ તેમના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો. 450 થી વધારે ગૌમાતાનો અલગ-અલગ અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે શાસ્ત્રો અને વેદોમાં ગૌમાતા વિશે જે લખવામાં આવ્યું છે તે એકદમ સાચું છે. આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે ગૌમૂત્રની અંદર 5100 થી વધારે અને ગોબરની અંદર 1200 થી વધારે તત્વો આવેલા છે. જે ધાવીને અનાજ પાકે એ આજના યુગમાં વપરાતા કેમિકલયુકત ખાતર કરતાં 1000 ગણું પૌષ્ટિક હશે.
અમદાવાદમાં શાંતિપુરા ખાતે બંસી ગીર ગૌશાળામાં વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ગાયોનો ઉછેર કરવામાં આવે છે. અહિયાં 700થી વધારે દેશી ગાયોની જાતને એવી રીતે વિકસાવવામાં આવી છે કે જેની દેશ વિદેશમાં ખૂબ જ માંગ થઈ રહી છે.
પરંપરાગત ગોપાલન
ગોપાલભાઈનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) માનવું છે કે સાચી પ્રગતિ અને વિકાસ એ જ કહેવાય કે જેમાં કોઈનું શોષણ ન થયું હોય પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. એટલા માટે જ બંસી ગીર ગૌશાળામાં કોઈ પણ ગાયને ખિલ્લે બાંધવામાં આવતી નથી. આ સાથે દરેક ગૌમાતાને આપવામાં આવેલો ખોરાક અને પાણીની ગુણવત્તા અથવા માત્રામાં ક્યારેય સમાધાન કરવામાં આવતું નથી, પછી ભલે તે ગમે એટલું દૂધ ઉત્પન્ન કરે. ગોપાલભાઈ કહે છે કે ગૌમાતા પોતે જ નક્કી કરે છે કે એમને કેટલું ખાવું ને ક્યારે ખાવું, એના માટે અહીં પાણી અને ઘાસ સતત ભરેલું રાખવામાં આવે છે.

ગૌશાળાની સામે ગૌચર માટે ખુલ્લી જગ્યા છે જ્યાં ગાયોને સવારે ચરવા માટે લઈ જવામાં આવે છે. આ ગૌચર જગ્યામાં ઘાસના ઉત્પાદન માટે ઓર્ગેનિક ખાતર ઉપયોગ કરવામાં આવેલ છે. પોષક મૂલ્ય, ગાયોના સ્વાદ અને પસંદગીઓના સંશોધનને આધારે ગૌમાતાને ઓર્ગેનિક ખોરાક પણ પ્રદાન કરવામાં આવે છે. ગોપાલભાઈ જણાવે છે કે અમારા સંશોધન પરથી એ જાણવા મળ્યું કે ગૌમાતાને જીંજુઆ ઘાસની જાત વધારે પસંદ છે કારણ કે તે પોષણયુકત તો છે જ સાથે એના બીજા ઘણા ફાયદા છે.
એકવાર વાવેતર કર્યા પછી, આ ઘાસની જાત 30 વર્ષથી વધુ સમય સુધી જમીન છોડતી નથી, અને તે દર 20 દિવસે 2 થી 2.5 ફુટ સુધી વધે છે. “જીંજુઆ ઘાસ યોજના” અંતર્ગત, ખેડુતોને વિના મૂલ્યે જીંજુઆ ઘાસના બીજની વ્યવસ્થા પણ ગોપાલભાઈની ગૌશાળા દ્વારા કરી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ ખેડુતોએ આ યોજનાનો લાભ લીધો છે.

વૈદિક વિધિ અને સંગીત
ગૌશાળાનું વાતાવરણ અને તેની પવિત્રતા જળવાઈ રહે એ માટે ગૌશાળામાં દૈનિક વૈદિક હવન કરવામાં આવે છે. આ સાથે અહિયાં ભક્તિમય સંગીત અને સંસ્કૃતના શ્લોકો પણ દરરોજ બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવે છે, જે ગૌમાતાને ખુશ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગાયને નામ લઈને બોલાવતાં જાતે જ દોડી આવે છે
બંસી ગીર ગૌશાળાની ખાસિયત એ છે કે અહીંયાં રહેલી તમામ ગાયોના નામ રાખવામાં આવેલા છે અને દૂધ દોહવાનો સમય થાય એટલે ગાયને લેવા જવી પડતી નથી. ફક્ત જે-તે ગાયનું નામ લેતાં તરત જ તે જાતે દોડી આવે છે. આ સાથે જે ગાયનું નામ લેવામાં આવે છે એ જ ગાયનું બચ્ચુ પણ પોતાની માંનું નામ સાંભળતા જ જાતે બહાર દૂધ પીવા માટે દોડી આવે છે. આવું થવા પાછળના કારણ માટે ગોપાલભાઈ ઈશ્વરીય તત્વને જવાબદાર જણાવે છે.

દોહન
અહીં પ્રાચીન ભારતની દોહવાની પ્રણાલીને અનુસરવામાં આવે છે. વાછરડું ગમે ત્યારે, ગમે તેટલા સમય સુધી ગૌમાતાનું ધાવણ મેળવી શકે છે. આ માટે હંમેશા બે આંચળ વાછરડા માટે જ રાખવામાં આવે છે. જયારે બાકીના બે આંચળથી માણસો માટે દૂધ દોહવામાં આવે છે.

નંદી ગીર યોજના
અહીં ભારતીય ગાયોના પ્રજનન માટે તંદુરસ્ત નંદી રાખવામાં આવ્યો છે. આ નંદીને ગૌશાળા અને ગામોમાં મોકલવામાં આવે છે. અહીંની ગાયોને વેચવામાં આવતી નથી પણ નંદીને બીજી ગૌશાળા બે વર્ષ માટે રાખી શકે છે.

આયુર્વેદિક દવાઓની વિશાળ શ્રેણી વિકસાવવામાં આવી છે
અહીંયા હર્બલ તેમજ પંચગવ્ય આધારિત ઘટકોના મિશ્રણનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવાઓની વિશાળ શ્રેણી વિકસાવવામાં આવી છે. આયુર્વેદમાં, ઘી અને ગોમુત્ર (ગૌમાતાનો પેશાબ)ને કુદરતી વૃદ્ધિકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, આ બંને ઘટકો સાથે જો દવા લેવામાં આવે તો દવાનું શોષણ અને અસરકારકતા સુધરે છે. ઉધરસ, હોર્મોનલ અસંતુલન, અસ્થમા અને કેન્સર જેવા વિવિધ પ્રકારના રોગોમાં અહીંના ઘી અને ગોમુત્ર આધારિત તબીબી ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરીને નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
નિ:શુલ્ક ક્લિનિક
સામાન્ય લોકો માટે ગૌશાળામાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર આપવા માટે વૈદ્ય બેસાડવામાં આવ્યા છે. જે તમારી નાડી તપાસીને તમારા રોગો વિષે જણાવે છે. અહીંયા વિવિધ પ્રકારના રોગોની સારવારમાં દર્દીઓને ખૂબ જ સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે.
ગાયોના ચારામાં પણ આયુર્વેદનો ઉપયોગ
ગાયોને આપવામાં આવતા ચારામાં ઋતુ અને હવામાન પ્રમાણે ઘણા ગુણકારી આયુર્વેદિક છોડ ઉમેરવામાં આવ્યા છે. આમ કરવાથી ગાયોની તંદુરસ્તી અને દૂધની ગુણવત્તા સુધરે છે. બીમાર ગાયોના ઉપચાર માટે વધુમાં વધુ આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે અને પશ્ચિમી દવાઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવામાં આવે છે.
ઓર્ગેનિક ખેતી
આપણો દેશ અને વિશ્વ કૃત્રિમ ખાતર અને જંતુનાશક સબસિડી પાછળ દર વર્ષે અબજો ડોલર ખર્ચ કરે છે. આનાથી ફૂડ ચેઇનમાં ઝેરી રસાયણો દાખલ થાય છે અને તેથી આરોગ્યમાં અસંતુલન અને જાહેર આરોગ્ય પર વધુ ખર્ચ કરવો પડે છે.
ખેડૂતોને ખર્ચ ઘટે અને સારો પાક આવે એ માટે કરવામાં આવ્યા પરીક્ષણ
ગોપાલભાઈનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) માનવું છે કે ખેત ઉત્પાદન સુધારવા માટે કુદરતી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત છે. ગોપાલભાઈ દ્વારા કરેલા સંસોધનમાં જાણવા મળ્યું કે છાશ, ગૌમુત્ર (ગૌમાતાનો પેશાબ) અને પાણીનું પ્રોબાયોટિક મિશ્રણ યુરિયા કરતાં વધુ ઝડપથી પરિણામ આપે છે, અને તે છોડની રોગ પ્રતિકારક અને વૃદ્ધિમાં વધારો કરે છે. ગૌમાતાના છાણ આધારિત ખાતર ખેતીની ઉત્પાદકતા અને ઓર્ગનિક ફાર્મિંગને આગળ વધારી શકે છે.

વૈદિક સમયગાળામાં, ભારતીય લોકોએ ગોપાલન અને કૃષિ વચ્ચેના સુમેળ સંબંધ સ્થાપીને ઘણા સારા પરિણામો મેળાવ્યા હતા. આ જ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ખેડૂતોનો ખર્ચ ઘટે અને જમીન છિદ્રાળુ (પોરસ) બને એ હેતુથી બંસીગીર ગૌશાળા દ્વારા ગાયના છાણ અને મૂત્રના વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ તૈયાર કરવામાં આવેલ દ્રાવણનું પરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે પાકનો વિકાસ ખૂબ જ સરસ રીતે અને સસ્તામાં થઇ શકે છે. આ દ્રાવણનો ખર્ચ એક એકર દીઠ માત્ર 2 રૂપિયા જ આવે છે. આ દ્રાવણનો ઉપયોગ કરીને 32 પાકમાં સારા પરિણામો મેળવવામાં આવ્યા છે. હાલ ખેડૂતોને બેક્ટેરિયા વાળું દ્રાવણ નિ:શુલ્ક આપવામાં આવે છે.

પોતાના 7 બાળકોથી શરૂ કરી ગોતિર્થ વિદ્યાપીઠ
ગોપાલ સુતરિયાનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) દ્રઢ પણે માનવું છે કે બાળકોમાં ભણતરની સાથે સંસ્કારોનું સિંચન થવું ખુબ જ જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં ભારતના પ્રાચીન વૈદિક વિચારોને લાગુ કરવાના પ્રયાસરૂપે અહીં ગૌશાળાના જ પરિસરમાં ગોતીર્થ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં બાળકો પ્રાચીન વૈદિક પરંપરાઓના આધારે શિક્ષણ મેળવે છે. અહીં કોઈ પરીક્ષાઓ અથવા પ્રમાણપત્રો નથી, અને શિક્ષકો વિદ્યાર્થીઓ પર કોઈ દબાણ લાવ્યા વગર સમયાંતરે મૂલ્યાંકન કરે છે.



વૈદિક શિક્ષણ અને ગૌમાતા આધારિત આહારનો ઉપયોગ કરીને બાળકોની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાઓમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત થયા છે. અહીં વિદ્યાર્થીઓ વૈદિક ગણિત, ગૌપાલન, કૃષિ, યોગ, આયુર્વેદ અને કલારીપયટ્ટૂ વિષયો શીખે છે. કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક વાતાવરણ પ્રાચીન “ગુરુ-શિષ્ય પરંપરા” સાથે સુસંગત છે. રસપ્રદ બાબત તો એ છે કે પોતાના જ ઘરના 7 બાળકોથી શરૂઆત કરવામાં આવેલી ગોતીર્થ વિદ્યાપીઠમાં આજે 70થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જયારે 500થી વધારે બાળકોનું અહીંયા અભ્યાસ કરવા માટે વેઈટીંગ છે.


Read Also
દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ
ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો


દેશની સૌથી શ્રેષ્ઠ, વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ચાલતી બંસીગીર ગૌશાળાના સ્થાપક અને સંચાલાક ગોપાલ સુતરિયાનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) કહેવું છે કે ગૌમાતા વગરનું જીવન હવે વિચારી શકાઈ એવું નથી. ગૌમાતાના અમને જે સ્વરૂપમાં દર્શન થયા છે એ જોઇને હવે મારું સંપૂર્ણ જીવન ગૌમાતા અને ખેડૂતો માટે સમર્પિત છે.
આજના આ સમયમાં ગોપાલભાઈ જે રીતે ગાયોની સેવા કરે છે અને માતાની જેમ તેની દેખરેખ રાખે છે તે જોઇને ચોક્કસ એવું લાગે કે તે ભગવાન શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે. ગુજરાતનો આ ગોપાલ (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) ખરેખર અમેઝિંગ છે અને traveltoculture.com દ્વારા ગોપાલભાઈને Amazing Gujaratiનું બિરુદ આપતાં ગર્વની લાગણી અનુભવે છે.