Tag Archives: DiceCube

પારિવારિક પ્રસંગમા બનેલી એક ઘટનાના લીધે સારું સેલેરી પેકેજ,AC ઓફિસ છોડી આ ત્રણ મિત્રોએ કર્યું એવું…

Posted By admin September 3, 2021
DiceCube

દિવસે ને દિવસે મોબાઈલ ફોન સ્માર્ટ અને દુનિયા ડીજીટલ થઇ રહી છે. આધુનિક દુનિયાના આ વ્યસ્ત જીવન વચ્ચે મોટાભાગના માતાપિતાને પોતાના બાળકો માટે પણ સમય નથી. બાળકોને સાચી કેળવણી આપવાને બદલે બાળક તેમને હેરાન ન કરે અને બાળકને ચુપ કરાવવા માટે હાથમાં મોબાઈલ થમાવી દેવામાં આવે છે. જેથી બાળકો મોબાઈલના વ્યસની બન્યા છે. પરંતુ બાળકોને મોબાઈલ દ્વારા કેદ કરવામાં આવેલા તેમના બાળપણમાંથી મુક્ત કરાવવા અને બાળપણથી તેમણે સાચી કેળવણી મળે એ માટે અમદાવાદના ત્રણ મિત્રોએ પોતાની આગવી સુઝબુઝથી શરુ કરી “ડાઈસ ક્યુબ” (DiceCube) નામની ગેમ્સ બનાવતી એવી કંપની જે બાળકોનું જીવન બદલાવવાની ક્ષમતા ધરાવે છે.

DiceCube

કોણ છે આ અમદાવાદના ત્રણ મિત્રો અને કેવી રીતે આવ્યો આ “ડાઈસ ક્યુબ”નો (DiceCube) યુનિક આઈડિયાનો વિચાર?

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા મિલન સરવૈયા, સમીર સરવૈયા અને દિવ્યેશ સુદાણી ત્રણેય મિત્રો સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થયેલા છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મિલન રેડિયોમાં કોપી રાઈટર તરીકે કામ કરતા, સમીર એક પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા અને દિવ્યેશ તેમના પપ્પાના ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જયારે તેમને આ યુનિક આઈડિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે traveltoculture.com સાથે વાત કરતાં મિલન સરવૈયા કહે છે કે, એકવાર મારે એક ફેમિલી ફંક્શનમાં જવાનું થયું ત્યારે મેં અને સમીરે ત્યાં આવેલા બાળકોને જોયા. અમારા જ પરિવારના આ ભત્રીજા અને ભત્રીજી તેમના માતા-પિતાના ફોનમાં એટલા મશગુલ હતા કે આજુબાજુની એમણે કશી ખબર જ નહતી. ફની વિડીયો જોવા અને ગેમ્સ રમવા સિવાય તે બાળકોને એ પણ ખ્યાલ ન્હોતો કે તે કયા કારણે અને કોના પ્રસંગમાં આવ્યા છે. એ તો બસ પોતાના મોબાઈલની દુનિયામાં જ ખોવાયેલા હતા. મને અને સમીરને આશ્ચર્ય તો ત્યારે થયું જયારે અમે એમને એમના પરિણામ વિશે પૂછ્યું. આ સાથે અમને વધુ ચોંકાવનારી બાબત એ લાગી કે તેમાંથી ત્રણ બાળકો તો એવા હતા જે બોર્ડની તૈયારી કરી રહ્યા હતા. આ બધું જોઇને અને જાણીને અમને એ ખ્યાલ આવી ગયો કે આ બાળકો પર તેમના માતા-પિતાનો કોઈ પણ પ્રકારનો અંકુશ રહ્યો નથી.

હાલની જનરેશન મોબાઈલની દુનિયામાં ખોવાયેલી રહેશે તો તેનું પરિણામ ઘણું ગંભીર આવશે

આ ડીજીટલ યુગમાં મોબાઈલ જેટલો ફાયદાકારક સાબિત થયો છે એટલા એના ગેરફાયદા પણ છે. જો આ જ રીતે અત્યારની જનરેશન મોબાઈલની દુનિયામાં ખોવાયેલી રહેશે તો આનું પરિણામ ઘણું ગંભીર આવશે. આ વિષય પર વાત કરતાં અમે નક્કી કર્યું કે, આપણી સિસ્ટમ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે આ શિક્ષણ વ્યવસ્થાને આપણે શું નવું આપી શકીએ? એના પર વિચારવાની શરૂઆત કરી. આ સાથે પ્રસંગ દરમ્યાન બનેલી આ સમગ્ર ઘટનાની વેદના મેં મારા અન્ય મિત્ર દિવ્યેશને જણાવી. સાથે જ આ સમસ્યાને દુર કરવા માટે થઈને આપણે શું કરવું જોઈએ અને આપણી પાસે એના માટે શું વિકલ્પ છે તેની પણ ચર્ચા કરી અને બસ ત્યાંથી શરુ થઈ અમારા ત્રણેય મિત્રોની સફર…પ્રસંગમાં બનેલી આ ઘટનાએ આ ત્રણેય મિત્રોને નવો રાહ બતાવ્યો. ત્યારબાદ ઘરના લોકો સમાજના લોકો શું કહેશે? શું વિચારશે? અને એને શું એને સમજાવી શકીશું? આ બધા પ્રશ્નો મગજમાં સતત ચાલતા હોવાની વચ્ચે મિલન અને સમીરે સારી એવી સેલેરીવાળી જોબ મૂકી દીધી. તેમને પોતાનું ભવિષ્ય શું હશે એનો ખ્યાલ નહોતો પરંતુ આવનારી પેઢીનું ભવિષ્ય કઈ રીતે બદલવું તે જ માત્ર ત્રણેય મિત્રોનો ધ્યેય છે.

DiceCube

2018માં રીસર્ચ કરવાની કરી શરૂઆત

સમીરે બહારના દેશોની શિક્ષણ વ્યવસ્થા કયા પ્રકારે ચાલે છે તેના વિશે રીસર્ચ કરવાનું શરુ કર્યું. બીજી બાજુ મિલન અને દિવ્યેશ શાળાઓમાં જઈ ત્યાંના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને મળી બાળકો પર થોડું રીસર્ચ કરવા માટેની મંજુરી માંગતા. ઘણી મહેનત બાદ એક શાળામાં તેમને મંજુરી મળી. 2018માં રીસર્ચ કરવાની શરૂઆત થઇ. સૌપ્રથમ એમણે શાળાના એક રૂમને બાળકો માટેના ગેમઝોનમાં તબદીલ કર્યો અને તેમાં બાળકો માટેની વિવિધ બોર્ડ ગેમ્સ, કાર્ડ ગેમ્સ, સાયન્સ મોડેલ બહારથી લાવીને મુક્યા. બાળકો તે ગેમઝોનમાં રમવા આવતા અને રમતા-રમતા ઘણું બધું શીખતા.

DiceCube
DiceCube
DiceCube

આ પરથી તેઓ એક તારણ પર આવ્યા કે બાળક રમતા-રમતા ઘણું બધું શીખે છે. સાથે એ પણ જાણ્યું કે બાળકોની સૌથી વધુ રૂચી રમવામાં છે. તેથી જ તેમણે નક્કી કર્યું કે આપણે બાળકોને તેમના ભણવાના વિષયો સાથે-સાથે મોરલ વેલ્યુઝ (નૈતિક મુલ્યો) અને સંસ્કાર-સંસ્કૃતિ પણ શીખવાડીશું. જેના કારણે તે આદર્શ બાળક અને આવતીકાલનો સારો નાગરિક બને. આ બધું જ કરવા માટે ત્રણેય મિત્રો એ પોતાની પાસે રહેલ બચતનો ઉપયોગ કર્યો. સતત બે વર્ષના રીસર્ચ બાદ તેમના મૂળ વિચારને કેન્દ્રમાં રાખી તેમણે બાળકો માટે ખાસ રમતની સાથે જ્ઞાન એટલે કે જ્ઞાન સાથે ગમ્મત નહી પરંતુ ગમ્મત થકી જ્ઞાન મળે એ માટેનો રસ્તો શોધી કાઢ્યો. આ માટે તેમણે બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સ બનાવવાનું નક્કી કર્યું, જેથી બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે અને તેમને બાળપણથી જ સાચી દિશા તરફ વાળી શકાય.

DiceCube
DiceCube

માતૃભાષામાં ગેમ્સ બનાવી ગુજરાતની તમામ શાળામાં ગેમ્સ આપવાનું છે ધ્યેય

બાળકોને સાચી દિશા તરફ વાળવા માટે આ ત્રણેય મિત્રોએ રસ્તો તો શોધી લીધો હતો. પરંતુ તેમની સાચી સફર તો હવે શરુ થઈ. બે વર્ષના રીસર્ચમાં તેઓએ પોતાની પાસે રહેલા તમામ નાણાંનો ઉપયોગ કરી લીધો હતો. પરંતુ આગળ પૈસા ક્યાંથી લાવવા? એ મોટો પ્રશ્ન હતો. ત્રણેય મિત્રોના પરિવાર પણ સામાન્ય પરિસ્થિતિના હતા. એટલે પરિવાર સપોર્ટ કરે એ પણ શક્ય નહતું. સાથે હવે બહારથી ગેમ લાવીને શાળામાં મૂકવાને બદલે પોતાની માતૃભાષામાં જ જાતે ગેમ્સ બનાવી ગુજરાતની તમામ શાળામાં આ ગેમ્સ આપવાનું ધ્યેય નક્કી કર્યું હતું. પરંતુ આ સપનાને પૂર્ણ કરવા અને બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે હજુ તો આ શરૂઆત હતી. આ પ્રકારનું કામ કરવા માટે એક ઓફિસ અને સારા લોકોની ટીમ પણ ઉભી કરવાની હતી. આથી જ સમીરે વિચાર્યું કે આપણે આપણા આ યુનિક વિચારને સ્ટાર્ટઅપ તરીકે રજુ કરીએ અને સ્ટાર્ટઅપ માટે કામ કરતા પ્રાઇવેટ કે ગવર્મેન્ટ દ્વારા ચાલતા કોઈ પ્રોગ્રામમાં લઇ જઈએ.

DiceCube

લોકડાઉનની આફ્તને અવસરમાં બદલી ગેમ્સના100 થી વધુ કોન્સેપ્ટ કર્યા રેડી

એક બાજુ નાણાની કટોકટી, બીજી બાજુ પરિવારનું પ્રેશર. આ બધી તકલીફોની વચ્ચે સમગ્ર દુનિયામાં આવી કોરોનાની મહામારી. તેઓ પોતાના આ પ્રોજેક્ટને કોઈ મોટી કે સરકારી સંસ્થા સુધી લઇ જાય તે પહેલા જ તેમને કોરોનાનું ગ્રહણ લાગ્યું. પરંતુ ત્રણેય મિત્રો અડગ રહ્યા. મિલન અને સમીર બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સનો કોન્સેપ્ટ તો ડેવલોપ કરી લીધો, પરંતુ તેને ડીઝાઇન કઈ રીતે કરાવવા? દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હતું પણ અડગ મનના માનવીને પર્વત પણ ના નડે એ વ્યાખ્યા અહીંયા સાબિત થઇ. મિલને એક સારા ગ્રાફિક ડીઝાઈનરને શોધી લીધો જે તેમના આ પ્રોજેક્ટ માટે કામ કરવા માટે તૈયાર થયો. આ સાથે જ લોકડાઉન ખુલે ત્યાં સુધીમાં તેમણે 100થી વધુ ગેમ્સના કોન્સેપ્ટ રેડી કરી દીધા હતા. હવે તેના સેમ્પલ બનાવવાના હતા, તેમાં દિવ્યેશ લાગી પડ્યો. લોકડાઉન ખુલતા જ તેમને વધુ એક સારા સમાચાર મળ્યા. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિની ઘોષણા કરવામાં આવી. જેમાં બાળક રમતા-રમતા કઈ રીતે ભણી શકે છે તે માટે ગેમ્સ અને ટોયઝ પર વધુ ભાર મુકવામાં આવ્યો. આ જાણી ત્રણેય મિત્રોને થયું કે આપણે બે વર્ષમાં જે રીસર્ચ કર્યું તે આ જ દિશામાં કર્યું છે.

DiceCube

GUSECના સપોર્ટથી “ડાઈસ ક્યુબ” (DiceCube) કંપનીની થઇ સ્થાપના

2021માં તેમણે ગુજરાત યુનિવર્સીટી દ્વારા ચાલતા GUSEC પ્રોગ્રામમાં એપ્લીકેશન સબમિટ કરી. તેમના આ ગેમીફાઈડ એજ્યુકેશનના પ્રોજેક્ટને જોઈ GUSEC દ્વારા તેમને ત્રણ મહિનાના પ્રિ-ઇન્કયુબેશનમાં પ્રવેશ મળી ગયો. ત્યાં તેમને બધા જ પ્રકારનો સપોર્ટ મળવાનો શરુ થઇ ગયો. આટલેથી ન અટકતા તેમની કંપની “ડાઈસ ક્યુબ”ને (DiceCube) ગ્રાન્ટ પણ મળી. જેમાંથી તેઓ હાલ ઘણી નવી ગેમ્સ બનાવી રહ્યા છે. અમદાવાદના આ ત્રણેય ભાઈબંધ પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતથી પ્રિ-ઇન્કયુબેશનમાંથી ઇન્કયુબેશન પીરીયડમાં આવી ગયા.

DiceCube

આ ઉપરાંત ડાઈસ ક્યુબને (DiceCube) સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત DIPP સર્ટીફીકેટ મળેલ છે. આ DIPP સર્ટીફીકેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત સ્ટાર્ટઅપને આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દ્વારા જે તે ફંડિંગ સ્કીમનો લાભ લઈ શકાય છે.

માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલવાથી નાગરિક નથી બદલાઈ જતા

હાલ તેમની પહેલી કાર્ડ ગેમ “કિબો” બાળકો માટે માર્કેટમાં આવી ગઈ છે. જેવું અનોખું નામ છે તેવી જ અનોખી આ ગેમ છે. ગુજરાતી મૂળાક્ષરો સાથે-સાથે બાળકને સ્વસ્થ અને સમતોલ આહારની સમજણ કેળવાય તે આ ગેમ બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે. તેઓ આ પ્રોજેક્ટને અને તેમની ગેમ્સને સમગ્ર દેશના બાળકો સુધી લઇ જવા માંગે છે. તેઓ એ પણ ઈચ્છે છે કે તેમના આ પ્રોજેક્ટમાં એવા જ લોકો ઇન્વેસ્ટ કરે જે ડાઈસ ક્યુબની વિચારધારાને સમજે છે. મિલન દ્રઢપણે માને છે કે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલવાથી નાગરિક નથી બદલાઈ જતા. જો નાનપણથી જ સામાજિક મુલ્યોની સમજણ સમજાય તો જ એક આદર્શ સમાજ અને સમૃદ્ધ દેશ બની શકે.

આ સાથે અન્ય ગેમ વિશે મિલન થોડી માહિતી આપતા જણાવે છે,

DiceCube

વસુધૈવ કુટુંબકમ

આ ગેમ બનાવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વ સ્તરે માનવ દ્વારા સર્જેલી સમસ્યાઓ કઈ-કઈ છે અને આ સમસ્યાઓ બધા ભેગા મળીને કઈ રીતે દૂર કરી શકે તેવો છે. આ એક અદ્ભૂત અને રોમાંચક સફર હશે. જેમાં આઠ વર્ષના બાળકથી લઈને વૃધ્ધ વ્યક્તિને પણ રસ પડે અને અંત સુધી જકડી રાખે તેવી રમત છે.

આ ગેમને રસપ્રદ બનાવે છે તેના મુખ્ય 7 સુપર હીરો. આ હીરોની ભૂમિકા ગેમ રમનાર વ્યકતિ પોતે જ નિભાવશે. આ દરેક સુપર હીરો પાસે સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ રહેલી છે. આ શક્તિનો ઉપયોગ કરીને જે તે ખંડમાં ચાલતી સમસ્યાઓને નાશ કરવાનો છે. આ બધા જ સુપરહીરો ભેગા મળીને કેટલું સરસ કામ કરે છે તે અનુભવ શીખવા જેવો છે. આ પરથી તમને એટલી માહિતી તો મળી જ ગઈ હશે કે એક સમય પર એક સાથે 7 વ્યક્તિઓ આ ગેમ રમી શકે છે.

સંતુલન

સંતુલન એટલે તમારી પાસે રહેલ દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં હોવી. આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે કે પછી શારીરિક રીતે તમને જે કઈ પણ પદાર્થો મળ્યા છે તે એક યોગ્ય પ્રમાણમાં હોય તો જીવનનું સંતુલન બન્યું કહેવાય. કોઈ પણ વસ્તુ વધુ કે ઓછા પ્રમાણમાં ન હોવી એ આ રમતનો મુખ્ય ધ્યેય છે.

DiceCube

કારકિર્દી

આ રમત બાળકોને અલગ-અલગ કારકિર્દી એટલે કે તેમના ભવિષ્યના કરિયરમાં શું બની શકાય તેની સમજુતી આપે છે. આ રમત બે પ્લેયરથી લઇ વધુમાં વધુ 6 પ્લેયર એક સાથે રમી શકે છે.

DiceCube

સમીર (DiceCube) કંપનીના ધ્યેયને સમજાવતા કહે છે કે “અમે આંગણવાડીથી માંડી પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમને બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સમાં તબદીલ કરી બાળકોને રમતા-રમતા ભણાવી કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસી આધીન દેશની પહેલી “ગેમીફાઈડ એજ્યુકેશન સિસ્ટમ” ગુજરાતમાં સ્થાપિત કરવા માંગીએ છીએ.” હાલમાં જ તેઓ તેમના આ પ્રોજેક્ટને ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસે અવલોકન માટે લઇ ગયા હતા.

DiceCube

મૂળ અભ્યાસક્રમને સંપૂર્ણ રીતે ગેમીફાઈડ કરવામાં આવે તો બાળકો રમતા-રમતા મૂળ પાયો મજબુત કરી શકે

દિવ્યેશ આગળ વાત કરતા કહે છે કે “મૂળ અભ્યાસક્રમને સંપૂર્ણ રીતે ગેમીફાઈડ કરવામાં આવે તો બાળકો રમતા-રમતા મૂળ પાયો મજબુત કરી શકે છે. સાથે જ આ ગેમ્સ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા વાંચતા, લખતા અને બોલતા પણ શીખી શકે છે. ગાણિતિક સમજુતી માટેની સરળ ગેમ્સ અને પ્રવૃતિઓ દ્વારા બાળકને તેમનું બાળપણ પાછું આપવા માટેની આ એક ઝુંબેશ છે. ત્રણ ભાષા, સમતોલ આહાર અને સ્વસ્થ બાળપણ, વૈજ્ઞાનિક શોધખોળ અને સંશોધન, ભારતીય ઈતિહાસ, સામાજિક નૈતિક મુલ્યો અને સંસ્કૃતિ, ડિજિટલાઇઝેશન, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, કારકિર્દી માર્ગદર્શન, લીડરશીપ, ભારતીય વિચારધારા… વગેરે જેવા વિષયોને આ બોર્ડ ગેમ્સ અને કાર્ડ ગેમ્સમાં આવરી લેવામાં આવ્યા છે.”

Read Also

ચોમાસામાં ગુજરાતના આ ધોધનું જોવા મળે છે રૌદ્ર પણ નયનરમ્ય સ્વરૂપ, ગર્જના સાંભળવાનો લ્હાવો છે અચૂક લેવા જેવો

ગુજરાતની આ ગુફા છે અનોખી, ગુફામાં પ્રવેશતા જ થશે કુદરતી ACનો અહેસાસ સાથે જોવા મળશે સોનાની માટી

આ દીકરી છે માત્ર 1 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ડંકો વગાડનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ

DiceCube

આ ઉપરાંત જયારે અમારા દ્વારા તેમને પુછવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કરેલા રીસર્ચના આધારે તમારા મત મુજબ બાળકોમાં આ ગેમ્સ રમતા-રમતા કેટલા લક્ષણો આવી શકે છે? ત્યારે મિલન જણાવે છે કે, આ ગેમ્સના મધ્યમથી બાળકોમાં આ પ્રકારના લક્ષણો આવી શકે છે.

  • 21મી સદીમાં સાક્ષરતા માટે જોઈતું યોગ્ય પ્રમાણ 
    વિચારવું / ઉકેલવું  (ક્રિટિકલ થિંકિંગ / પ્રોબ્લેમ સોલ્વિંગ) 
    પારખવાની, સમજવાની, વિશ્લેષણ કરવાની અને સાથે જ નવા વિચારો રજૂ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા
  • સર્જન કરવું (ક્રિએટિવિટી)
    સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અવનવા વિચારો કરવા, સવાલોના જવાબ આપવા, જ્ઞાનને બીજી અલગ રીતે દર્શાવવું અને હાવભાવ દ્વારા જણાવવું
  • ભળી જવું (કોમ્યુનિકેશન)
    સાંભળવાની, સમજવાની, બોલવાની અને સાથે જ જાણકારીઓને લખીને કે પછી બીજી કોઈ રીતે સમજાવી લોકો સાથે ભળી જવાની ક્ષમતા
  • ફાળો આપવો (કોલોબ્રેશન)
    બધા લોકો સાથે ટીમમાં કઈ રીતે કામ કરવું અને કોઈ મુશ્કેલી આવી પડે તો તેનું સમાધાન કઈ રીતે કરવું તેની સમજણ
  • 21મી સદીના બાળકમાં રહેલી ગુણવત્તાઓ, જિજ્ઞાસાવૃત્તિ (ક્યુરોસિટી)
    સવાલો કરવાની વૃત્તિ હોવી જોઈએ અને સાથે જ કંઈક નવું જાણવા માટે આતુરતાથી રાહ જોતા હોવા જોઈએ
  • ઉત્સાહી (ઇનિશિએટ)
    કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા માટેની યોગ્ય સમજણ શક્તિ અને મગજને સદાય ખુલ્લી રાખે તેવી ક્ષમતા
  • ગ્રહણશક્તિ (ઍડપ્ટબીલીટી)
    નવી જાણકારીઓ પ્રાપ્ત કરતી વખતે આયોજન કે પછી પદ્ધતિ બદલી નાખવાની કે પછી નવી કોઈ પદ્ધતિ શોધવા માટેની અને પોતાનો અભિપ્રાય આપવાની ક્ષમતા
  • નેતૃત્વ (લીડરશીપ)
    બીજાને પ્રોત્સાહિત કરવાની આવડત તથા ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા
  • સામાજિક અને સાંસ્કૃતિક સમજણ ( સોશિયલ ઍન્ડ ક્લચરલ અવેરનેસ)
    યોગ્ય સમજણ દ્વારા, સામાજિક રીતે અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બીજા લોકો સાથે વાત કરવાની ક્ષમતા

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની મિત્રતા આજે રજ-રજમાં વ્યાપી ગઈ છે. મૂળ રૂપે આ ટેકનોલજીના લાભો ઘણા છે પરંતુ આ લાભોની સામે બીજા દસ ગણા ગેરલાભો છે. માત્ર યુવાની જ નહીં હવે તો બાળપણ મોબાઈલની સ્ક્રીન સાઈઝ જેટલું થઇ ગયું છે. વિશ્વના જાગૃત લોકોને આ વાતનો ચિતાર આવી ગયો છે તેથી જ તેમાંથી બચવાની યુક્તિ તે શોધી રહ્યો છે, ત્યારે ગુજરાતના આ ત્રણેય મિત્રોના આ યુનિક વિચાર સાથે બનાવેલા કોન્સેપ્ટ માટે અમે ગર્વ અનુભવીએ છીએ અને તેમના આ યુનિક કોન્સેપ્ટ માટે traveltoculture.com તેમને “વાહ રે! ગુજરાતી” કહીને સંબોધે છે. આ સાથે “ડાઈસ ક્યુબ” (DiceCube) કંપનીના ત્રણેય મિત્રો ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે અને નવગુજરાત અને નવભારતનું નિર્માણ કરે સાથે જ આજની અને આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું બનાવે એ માટે શુભેચ્છા પાઠવે છે.

જો આપ પણ ડાઈસ ક્યુબની ગેમ્સ વિશે વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો અહીં આપેલા તેમના ફેસબુક (fb/Dice Cube) અને ઈન્સ્ટાગ્રામના (insta/DiceCube) એકાઉન્ટની લીંક પર ક્લિક કરીને વીઝીટ કરી શકો છો.