ચોમાસાની શરૂઆત થતાં જ નદી નાળામાં નવા નીરની આવક થવા લાગે છે અને ઠેર-ઠેર નાના-મોટા ઝરણાં જોવા મળે છે. જે આંખોને ઠંડક અને દિલને આહ્લાદક અનુભવ કરાવે છે. આજે એવા જ એક મનમોહક ધોધની વાત કરવાની છે. જેનું નામ છે ગીરા ધોધ, (Gira Waterfall) દક્ષિણ ગુજરાતનો આ ધોધ મનમોહક પ્રવાસન સ્થળોની યાદીમાં મોખરે છે.

ચોમાસું આવે એટલે કુદરતના સાનિધ્યમાં જવાની મજા જ કંઇક અલગ હોય છે. એમાં પણ પહાડોમાં ફરવા માટે આપણે તલ-પાપડ થતાં હોઈએ છીએ. ગુજરાતની બહાર તો આપણે ફરીએ જ છીએ પણ ગુજરાતમાં પણ ઘણા સુંદર રમણીય સ્થળ છે. તેમાં પણ ગુજરાત તેમજ દેશ-વિદેશના લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે ખાસ ચોમાસાની રાહ જોતા હોય છે. ડાંગમાં આવેલ આ ગીરા ધોધ પણ ચોમાસામાં સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ઉઠે છે. લોકો આ ધોધની મુલાકાત લેવા માટે ગીરા ધોધ (Gira Waterfall) પર ઉમટી પડે છે.

ગીરા ધોધ (Gira Waterfall) ક્યાં આવેલો છે?
ગીરા ધોધ વઘઇથી માત્ર 4 કિ.મી. દૂર આવેલો છે. વઘઇથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું અંતર કાપતાં સાઈડમાં ગીરા ધોધ (Gira Waterfall) તરફ જવાનો રસ્તો આવે છે. આ સાઈડના રસ્તે વધુ 2 કિ.મી. આગળ જતાં અંબિકા નદીના કિનારે પહોંચી શકાય છે. આ કિનારાથી પણ ધોધને જોઈ શકાય છે. ગીરા નદી ધોધ સ્વરૂપે પડ્યા પછી અંબિકા નદીમાં સમાઈને વળાંક લે છે. કિનારાથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પત્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની નજીક પહોંચી શકાય છે. અહીં ખડકો પર જ ઉભા રહીને ધોધ જોવાનો અને ધોધની ગર્જના સાંભળવાનો લહાવો અચૂક લેવા જેવો છે.

ગીરા ધોધની (Gira Waterfall) ગર્જના સાંભળવાનો લ્હાવો છે અચૂક લેવા જેવો
હા, આ ધોધને ફક્ત જોઈને એની ગર્જના સાંભળવાનો જ લ્હાવો લેવાનો છે. કારણ કે, ત્યાં પાણીમાં ઉતરીને ધોધ નીચે જવાનું કે નાહવાનું શક્ય નથી. કારણ કે ત્યાં વરસાદની સીઝનમાં પાણી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પાણીના વધુ પ્રવાહના કારણે જો તેમાં ઉતરો તો ડૂબી જવાની કે નદીમાં ખેંચાઈ જવાની શક્યતાઓ છે. આથી ધોધનું પાણી જે જગ્યાએ પડે છે, ત્યાં સુધી જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. ધોધ પળવાથી ઉઠતા પાણીના ફોરાં અને ધુમ્મસ છેક આપણા સુધી આવીને આપણને સહેજ ભીંજવે છે. આ જોઇને એવું લાગે કે જાણે કુદરત આપણા પર અમીવર્ષા કરતું હોય એટલે અહીંયા આ સહેજ ભીંજાવાનો પણ એક અનેરો આનંદ છે.

ચોમાસામાં ગીરા ધોધનું જોવા મળે છે રૌદ્ર અને જાજરમાન સ્વરૂપ
ચોમાસામાં જ્યારે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થાય ત્યારે ગીરા ધોધનું સ્વરૂપ રૌદ્ર અને જાજરમાન લાગે છે. આશરે 300 મીટરની પહોળાઈ ધરાવતી આ નદી જયારે 25 થી 30 મીટરની ઉંચાઈથી પડે છે ત્યારે નયનરમ્ય અને અદભુત દ્રશ્ય સર્જાય છે. આ ધોધ નદી અને વરસાદ ઉપર આધારિત હોવાથી કોઈ વખત સળંગ દેખાય છે અને જ્યારે પાણીની અછત હોય ત્યારે નાના-નાના ધોધમાં વહેંચાઈ જાય છે. પરંતુ તે આ બંને રૂપમાં ખૂબ જ સુંદર અને આહ્લાદક લાગે છે.

આ ધોધનું નામ ગીરા કેમ પડ્યું?
મહારાષ્ટ્રના જંગલોમાંથી વહીને પર્વતોને ચીરતી ગીરા નદી ડાંગ જિલ્લા સુધી પહોંચે છે. ડાંગમાં આંબાપાડા ગામ નજીક એક ઊંચા ખડક પરથી ગીરા નદી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. આમ ગીરા નદીના નામ પરથી જ ધોધનું નામ ગીરા ધોધ પડ્યું છે. અહીંથી અંબિકા નદી પોતાનામાં અનેક નાની-મોટી નદીઓ સમાવીને અંતે બીલીમોરા પાસે આવેલા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.

ગીરા ધોધ જ્યાં આવેલો છે એ ડાંગ પ્રદેશ વાંસના જંગલોથી ઘેરાયેલો છે. ગિરા ધોધની આસ-પાસ પણ પુષ્કળ પ્રમાણમાં વાંસ ઉગે છે. જેથી ત્યાં વાંસથી બનેલી હેંડીક્રાફટ વસ્તુઓ બનાવવામાં આવે છે. અહીંયા આવતા પર્યટકો આ વાંસથી બનેલી હેંડીક્રાફટ વસ્તુઓની અવશ્ય ખરીદી કરે છે.
Read Also
આ છે કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ જોવા મળે છે
અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી
હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

નજીકના જોવાલાયક સ્થળો
- વઘઇ બોટેનિકલ ગાર્ડન – 2 km.
- વાંસદા નેશનલ પાર્ક – 6 km.
- જાનકી વન – 24 km.
- ઉનાઇ ગરમ પાણીના કુંડ – 30 km.
- માયાદેવી મંદિર – 33 km.
- સાપુતારા – 50 km.
- ગીરા ધોધ – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 360 km.) – Rs.9500 – 11,000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1000 – 2500
- જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 2000
- કુલ – આશરે 12,900 થી 17,500/—
- અંતર (Distance)
- અમદાવાદથી – 360 km.
- વડોદરાથી – 250 km.
- સુરતથી – 110 km.
- રાજકોટ – 536 km.
- કચ્છ – 727 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – વધઇ બસ સ્ટોપ, વઘઇ રેલ્વે સ્ટેશન, બિલિમોરા રેલ્વે સ્ટેશન, સુરત એરપોર્ટ
વિશેષ વાનગી – વાંસનું અથાણું, નાગલીના પાપડ, નાગલીના રોટલાં અને વાંસનું શાક
આલેખન – રાધિકા મહેતા