Tag Archives: kalo dungar history in gujarati

આ છે કચ્છની એકમાત્ર એવી જગ્યા કે જ્યાંથી જોવા મળે છે કચ્છના રણનો પેનોરેમિક વ્યુ

Posted By admin May 29, 2021
Kalo Dungar

જ્યારે પણ ફરવાની વાત કરવામાં આવે ત્યારે કચ્છને તો ભૂલી જ ન શકાય. કચ્છમાં ફરવા લાયક એટલી બધી જગ્યા આવેલી છે કે કદાચ લિસ્ટ બનાવીને ફરવા નિકળીએ તો 3-4 દિવસ પણ ઓછા પડે ત્યારે traveltoculture.com દ્વારા તમને કચ્છ સહિત સમગ્ર ગુજરાતની ફરવા લાયક જગ્યાની સાથે બીજી ઘણી બધી બાબતોથી માહિતગાર કરવામાં આવશે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta

અત્યારે જે જગ્યાની વાત કરવામાં આવે છે એ કદાચ કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ (360 અંશનો દેખાવ) જોવા મળે છે. જેનું નામ છે કાળો ડુંગર (kalo dungar)…આ કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર માનવામાં આવે છે અર્થાત છે. 458 મીટરની ઉંચાઈ ધરાવતો કાળો ડુંગર ભુજથી 97 કિમી અને કચ્છથી 40 કિમી દૂર આવેલો છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Kalo Dungar
Courtesy : www.gujarattourism.com

કાળો ડુંગર (kalo dungar) સાથે જોડાયેલી દંતકથા

આ કાળો ડુંગર (kalo dungar) 400 વર્ષ જૂનાં દત્તાત્રેય ભગવાનના મંદિર માટે જાણીતો છે. પ્રાચીન સમયમાં આવા ડુંગરો યોગીઓ, તપસ્વીઓ ને તપ કરવા માટે આકર્ષતા હતા.

Kalo Dungar
Courtesy : www.facebook.com/KaloDungar

આ મંદિર સાથે દંતકથા પણ જોડાયેલી છે. આ દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે ભ્રમણ કરતાં-કરતાં આ ડુંગર પર આવ્યા અને અહીં તપ કરતા હતા ત્યારે એક ભૂખ્યું શિયાળ તેમને મરેલા સમજીને તેમના શરીરને ખાવા માટે તેમની પાસે આવ્યું, પરંતુ તેમની પાસે આવતાં જ તેની મતિ ફરી ગઈ, તે પાછું ફર્યું. એ જ સમયે ગુરુ દત્તાત્રેયે આંખો ખોલી, એમણે જોયું કે ખ્યાલ ભૂખ્યું શિયાળ પાછું જઈ રહ્યું છે. એ જોઈને તેમણે ખૂબ જ દુ:ખ થયું પરંતુ ગુરુ દત્તાત્રેય પાસે એ શિયાળને ખવડાવવા માટે કશું જ હતું નહીં. જેથી તેમણે પોતાના શરીરનાં અંગોના ટુકડા કરીને ‘લે અંગ’, ‘લે અંગ’ કહીને શિયાળને બોલાવીને ખવડાવ્યું . આવું કરતાં ચમત્કારિક રીતે ગુરુ દત્તાત્રેયના અંગો પાછાં હતાં તેવા જ થઈ ગયાં, તેવી દંતકથા છે.

અહીં આવેલું દત્તાત્રેયનું મંદિર 400 વર્ષ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે પહેલાં કાળા ડુંગર (kalo dungar) પર નાનકડી ડેરી હતી. ભૂકંપમાં તે નષ્ટ થઈ જતાં ત્યાં નવું વિશાળ મંદિર, અન્નક્ષેત્ર, સમાધિસ્થળ ઊભાં કરવામાં આવ્યા છે. છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરના પૂજારી દ્વારા રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને એક ઓટલા પર ધરાવવામાં આવે છે. જે ખાઈને શિયાળો ફરી કુદરતના ખોળામાં ખોવાઈ જાય છે.

શા માટે શિયાળને રાંધેલા ભાતનો પ્રસાદ ધરાવતી વખતે ‘લોંગ’, ‘લોંગ’ એવું બોલવામાં આવે છે?

જે ઓટલા પર શિયાળોને પ્રસાદ ધરાવવામાં આવે છે એ ઓટલાને લોંગ પ્રસાદ ઓટલો નામ આપવામાં આવ્યું છે. આ લોંગ શબ્દ ભગવાન દત્તાત્રેયએ પોતાના શરીરના અંગ શિયાળને ખાવા માટે આપ્યા હતા ત્યારે એમના દ્વારા બોલવામાં આવેલા ‘લે અંગ’ શબ્દ છે જે સદીઓ પછી અપભ્રંશ થઈને ‘લોંગ’ બની ગયો.

અત્યારે જોકે પૂજારીઓ, આવા શબ્દોથી શિયાળોને બોલાવતા નથી, પરંતુ ઘંટનો અવાજ કરીને શિયાળને આમંત્રણ આપે છે,આજે પણ રોજ શિયાળ પ્રસાદ ખાવા આવે છે.

અહીંયા પ્રવાસી માટે ઉપર અન્નક્ષેત્રની પણ સગવડતા છે. અહિયાં કાળા ડુંગર પર 400 વર્ષ જુના દત્તાત્રેય મંદિરની સાથે કુદરતી સૌંદર્યનો સાગર જોવા મળશે. ચોમાસા બાદ આ જગ્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ઉપરાંત માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

Courtesy : www.gujarattourism.com

કાળા ડુંગર વિષે જાણવા જેવી અન્ય બાબત

ત્રણેય દિશામાં વિસ્તરેલું મોટું રણ અહીથી જોઈ શકશો. ત્યાં સુરખાબ (ફ્લેમિંગો)પક્ષીઓ હજારોની સંખ્યામાં બચ્ચા ઉછેરે છે. એવું કહેવામાં આવે છે કે કચ્છની જમીન કરોડો વર્ષ પહેલા સમુદ્રના તળીએ હતી. અહીંના ખડકો પર શોધશો તો છીપલાના અશ્મી અવશેષો મળશે.

Courtesy : www.facebook.com/KaloDungar

આ ડુંગરને કાળો ડુંગર શા માટે કહેવામાં આવે છે?

આ ડુંગરમાં જે ચૂનાના પથ્થરો છે તે સંપૂર્ણ કાળા રંગના છે. તેમ જ અહીં મોટા પ્રમાણમાં કાળા રંગના મેગ્માજન્ય ખડકો પણ મળી આવે છે. કુરન ગામથી નીર વાંઢ નામના નાના ગામ સુધી આવા ખડકો પથરાયેલા છે. આ કાળા પથ્થરો ગેબ્રો, લેમ્બોફાયર, બેસોલ્ટ તથા ડાયોરાઇટના નામે ઓળખાય છે. આ કાળા રંગના ખડકોના કારણે આ ડુંગરને કાળા ડુંગરના (kalo dungar) નામે ઓળખવામાં આવે છે.

કાળા ડુંગર જતાં ધ્યાનમાં રાખવા જેવી બાબત

કાળા ડુંગરની ટોચ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પહોંચવું અઘરું છે. આ માટે એકમાત્ર બસ વિકેન્ડમાં ખાવડા સુધી આવે છે. આ બસ સાંજે ખાવડા પહોંચાડે છે અને વહેલી સવારે ખાવડાથી પાછી ફરે છે. તમે ખાવડાથી જીપ ભાડે લઈ શકો છો. અહીં વહેલી સવારે કે મોડી સાંજે મુલાકાત લેવી સલાહભરી છે. જો તમે અહી રાતવાસો કરવા માંગતા હોવ તો કાળા ડુંગર મંદિરની બાજુમાં એક ધર્મશાળા છે ત્યાં તમે રોકાઈ શકો છો.

  • કાળા ડુંગર (kalo dungar) પર એક ગજબ ઘટના અનુભવાય છે.જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
  • આવું થવાનું કારણ મેગ્નેટિક ફિલ્ડને માનવામાં આવે છે.
  • નેચર લવર માટે આ એક ખુબ જ અદભુત જગ્યા છે આ ઊંચાઈ પર પહોંચીને મનને જે શાંતિ અને આંખોને જે ઠંડક મળશે એ જરૂર અનુભવવા જેવી છે.
  • અહીનું સનસેટ વ્યૂ, પ્રકૃતિ અને વાતાવરણ તમારી મુલાકાતને એક યાદગાર પળ બનાવશે.
  • કાળા ડુંગર પર ગયા જ હોય તો પછી વિશ્વના સૌથી મોટા સફેદ રણ પર જવાનું કેમ ભૂલી શકાય ત્યાં જઈને જાણે ચન્દ્ર પર પહોંચી ગયા હોય એવું લાગશે.
Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Courtesy : www.gujarattourism.com

Read This Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

  • કાળો ડુંગર (કચ્છ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.9000 – 13,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2200 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 2000-2500
  • કુલ – આશરે 14000 થી 20000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 678 km.
  • વડોદરાથી – 526 km.
  • અમદાવાદથી – 417 km.
  • રાજકોટથી – 317 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – ખાવડા બસ સ્ટોપ

ખાવાની વિશેષતા – કચ્છની ડબર રોટી એટલે કે દાબેલી, કચ્છી કડક, થાબડી , થાબડી પેંડા, ખાવડાની મીઠાઈઓ