ભારતમાં બ્રહ્માજીના મંદિર
હિન્દુ ધર્મમાં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ : સર્જક, સંભાળનાર અને વિનાશક તરીકે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુના અવતારના અનેક મંદિરો જોવા મળે છે. તેમજ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ તથા શિવાલયો પણ જોવા મળે છે. પરંતુ જ્યારે બ્રહ્માજીના મંદિરની વાત આવે ત્યારે આપણને ગણ્યાગાઠ્યા જ મંદિર યાદ આવે, જેમકે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળા નજીક સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં (Khedbrahma Brahma Temple) અને રાજસ્થાનના પુષ્કરમાં આવેલા મંદિર સદીઓ જૂના છે. જોકે વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં અમુક નવા મંદિરો બન્યા છે.


બ્રહ્માજીની ઉત્પતિ
પુરાણો અનુસાર બ્રહ્માનો જન્મ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થયો છે. તેઓ વેદોનાં પિતા અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું છે. કમળ ખુલતા જ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં મસ્તક ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને “ચતુર્મુખ બ્રહ્મા” પણ કહેવામાં આવે છે. બ્રહ્માએ પૃથ્વી પર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ, પક્ષી વગેરે બનાવ્યા પછી મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ (મનથી જન્મેલો) પડ્યું. બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ પુરાણો અનુસાર, આપણે સહુ આ મનુનાં સંતાનો છીએ. આમ બ્રહ્મા “સૃષ્ટિસર્જક” તરીકે પણ ઓળખાય છે.


સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા (પુરાણમાં જણાવેલી બ્રહ્માજી વિશેની માહિતી)
શિવજીના લગ્નમાં સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા એ પાપમાંથી મુક્ત થવા માટે આ સ્થળે બ્રહ્માજીએ યજ્ઞ કરેલો. ભગવાન વિશ્વકર્મા પાસે 16 દરવાજાવાળી સુંદર નગરી બંધાવી હતી. યજ્ઞ સમયે સાવિત્રી દેવી રિસાઈ ગયેલા એટલે દર્ભ કન્યાને ઉત્પન્ન કરી બ્રહ્માજી તેમની સાથે બેસીને યજ્ઞ કરેલો હતો. ત્યારબાદ સાવિત્રી દેવી આવ્યા જેથી બંનેની સાથે રહીને બ્રહ્માજી આ યજ્ઞ સંપન્ન કરેલો એટલા માટે ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા, સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. સમગ્ર ભારતભરમાં પુષ્કર અને ખેડબ્રહ્મા બે જ એવા સ્થળો છે જ્યાં બ્રહ્માજીના મંદિર હાલના સમયમાં અસ્તિત્વ ધરાવે છે અને આ મંદિરોમાં સેવા-પૂજા થાય છે. આ મંદિરના પરિસરમાં શિવ, નવગ્રહ અને હનુમાનજીની મૂર્તિઓ પણ આવેલી છે. જયારે મંદિરની કેટલીક મૂર્તિઓ ભૂતકાળમાં આક્રમણ સમયે ખંડિત થયેલી છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું (Khedbrahma Brahma Temple) બ્રહ્માજી મંદિર
આ મંદિર (Khedbrahma Brahma Temple) આશરે 1500 વર્ષ જૂનું છે. ગામનું નામ બ્રહ્માજીના નામ પરથી જ ખેડબ્રહ્મા પડ્યું છે. સતયુગમાં ખેડબ્રહ્મા બ્રમ્હપુર, દ્વાપરયુગમાં ત્રંબકપુર અને કળયુગમાં બ્રમ્હખેટક તરીકે જાણીતું છે. આ મંદિરમાં બ્રહ્માજીની પ્રતિમા આશરે 6 થી સાડા 6 ફૂટ ઊંચી છે. તેમના હાથમાં માળા, કમંડળ અને પુસ્તક છે. આજુ-બાજુ દેવી સાવિત્રી અને ગાયત્રીમાતા બિરાજમાન છે. મંદિરની બહારની બાજુએ ત્રણ દિશામાં બ્રહ્માજીની પ્રતિમા મૂકેલી છે જેનું રૂપ બિન્યાસ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ છે. મંદિરમાં તેમના વાહન નંદી, ઘોડો અને હંસ દર્શાવેલ છે. સામાન્ય રીતે ઘોડા કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી. પરંતુ ખેડબ્રહ્મામાં આ વિશેષતા જોવા મળે છે. સદીઓથી મંદિરમાં સેવા-પૂજા અને વહીવટ ખેડાવાળ સમાજના બ્રાહ્મણો દ્વારા જ કરવામાં આવે છે.



મંદિર પરિસરમાં આવેલી બ્રહ્મા વાવ છે 700-800 વર્ષ જૂની (Khedbrahma Brahma Temple)
મંદિરની નજીક લગભગ 700-800 વર્ષ જૂની બ્રહ્મા વાવ આવેલી છે. વાવમાં ખેડાવાળ બ્રાહ્મણ તથા હમ્મડ જૈન સમાજના કુલ 27 કલાત્મક ગોખ આવેલા છે. પરંતુ આ ગોખમાં કોઈ પ્રતિમા જોવા મળતી નથી. વાવ નંદા પ્રકારની (એટલે એક પ્રવેશદ્વાર ધરાવતી) તેમજ ચાર માળની છે. જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત છે. આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણ ઉત્પત્તિ માર્કંડ નામના ગ્રંથમાં થયો છે. તેમજ આ સ્થળનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ, માનસર, રૂપમંડળ, સમરાંગલ સૂત્રધાર જેવા પુસ્તકોમાં થયેલો જોવા મળે છે.

- ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 139 km.) – Rs. 3,360 – 5,000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 800 – 1,500
- જમવાનો ખર્ચ – Rs.1,200 – 1,600
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 700 – 1,200
- કુલ – આશરે 6,100 થી 9,500/—
Read Also
ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે
ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા
અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી
- અંતર (Distance)
- અમદાવાદથી – 139 km.
- વડોદરાથી – 233 km.
- સુરતથી – 389 km.
- રાજકોટ – 351 km.
- કચ્છ – 472 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – ખેડબ્રહ્મા બસ સ્ટોપ, પાલનપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ
આલેખન – રાધિકા મહેતા