જામનગર એટલે છોટી કાશી તરીકે ઓળખાતું શહેર આ જામનગરની બરાબર વચ્ચે રાજાના સમયનું લાખોટા તળાવ (lakhota lake) આવેલું છે. જે જામનગરની શાન ગણવામાં આવે છે. આ લખોટા તળાવ વચ્ચે 184 વર્ષ પહેલાં લાખોટા કોઠાનું જામનગરના રાજવી જામ રણમલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. એક સમયે આ કોઠાનો ઉપયોગ શસ્ત્ર ભંડાર તરીકે થતો હતો. ત્યારબાદ 18 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરીને આ કોઠા અને મ્યુઝિયમને 2018માં લોકોને નિહાળવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાત્રીના સમયમાં રોશનીના અદ્ભુત દ્રશ્યો લોકોને મંત્રમુગ્ધ બનાવી દે છે.

પ્રાચીન સમયનું નવાનગર હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
જાડેજા રાજપૂત શાસક જામ રાવળે ઈ.સ. 1524-1548 સુધી કચ્છ પર શાસન કર્યું હતુ, ત્યારબાદ રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને 1540 એ.ડી.માં શ્રાવણ માસને સુદ સાતમે તેમના દ્વારા નવું નગર વસાવવામાં આવ્યું, જે પાછળથી ‘નવાનગર’ તરીકે જાણીતું થયું. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે. જામનગરમાં અનેક ઐતિહાસિક, પૌરાણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક સ્થળો આવેલા છે, શહેરની મધ્યમાં આવેલ ‘રણમલ તળાવ’ (લાખોટા તળાવ)ની (lakhota lake) વચ્ચે આવેલો જાજરમાન ઇતિહાસ ધરાવતો ‘લાખોટા પેલેસ’ અહીંયાનું આકર્ષણનું કેન્દ્ર છે. જે આજે રાજવી વિરાસતનું અતુલ્ય સંગ્રહાલય શહેરના રાજવીઓના ઇતિહાસની ઝાંખી કરાવે છે.

5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે રણમલ તળાવ (લાખોટા તળાવ) (lakhota lake)
ઈ.સ.1834-35, 1839 અને 1846ના વર્ષમાં હાલાર પંથકમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ હોવાથી પ્રજાને રોજી-રોટી મળી રહે અને પાણીનો સંગ્રહ કરી શકાય એ હેતુથી જામ રણમલજી બીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વર્તુળાકાર તળાવ (lakhota lake) અંદાજે 5 લાખ ચોરસ મીટરનો ઘેરાવો ધરાવે છે. આ સાથે એ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. રંગમતી નદીથી 3 માઈલ લાંબી નહેર બનાવીને આ તળાવ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તળાવની (lakhota lake) ફરતે નિર્મિત વાટિકાઓ, બુરજ, કલાત્મક ઝરૂખાઓ, મ્યુઝિકલ ફુવારા, વૉકિંગ ટ્રેક અને બગીચા જેવા વિશ્રામ સ્થાનો બનાવવામાં આવ્યા છે. જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. સહેલાણીઓ માટે તો એ ફરવાલાયક સ્થળ છે જ એ સાથે સાઇબિરીયા તરફથી ઊડી આવતા યાયાવર પક્ષીઓ માટે પણ આ તળાવ એક આદર્શ આશ્રય-સ્થાન પૂરૂં પાડે છે. તેમજ સિંગલ, કોર-મરચન્ટ, કોમ્બડક, સ્પોટબિલ્ડક, રૂપેરી પેણ, શ્વેતશિર, નીલ, ડક, ગ્રેહેરન, કાશ્મીરી વાબગલી, લેસરવિસ્ટિંગ, ગુલાબી પેણ, નાનો ગડેરો, જલ મૂર્ઘો, કુટ, નીલશિર, કાળિયો કોશી, સમડી, સાંગપર, વૈયા જેવા પક્ષીઓ જોવા મળે છે. અહીં 30-35થી વધુ વિદેશી પક્ષીઓ તળાવનું પ્રાકૃતિક સૌંદર્ય વધારે છે.



લાખોટા કોઠો (લાખોટા પેલેસ) અને તેનું નિર્માણ
ઈ.સ. 1820-1852 દરમ્યાન જામ રણમલજી પહેલાએ પિતા લાખાજીની યાદમાં લાખોટા નામે કોઠો બંધાવ્યો હતો. પરંતુ એ કાર્ય અધૂરું રહેતા જામ રણમલજી બીજાએ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. રાજપૂત શૈલીમાં બનાવવામાં આવેલો અને ઈરાનિયન સ્થાપત્ય કલાનો પ્રભાવ ધરાવતો લાખોટા મહેલ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

લોકવાયકા પ્રમાણે એ સમયે કોઠાનો નિર્માણ ખર્ચ ‘1 લાખ કોરિ’ (નવાનગરનું ચલણ) કરવામાં આવેલ હોવાથી ‘લાખેણું લાખોટા’ (lakhota lake) તરીકે પણ જાણીતું છે. પ્રાચીન સમયે લશ્કરનો દારૂગોળો અને તોપખાનું સલામત રીતે જળવાઈ રહે તે હેતુસર ચારેતરફ પાણી ભરીને કોઠો બાંધવામાં આવ્યો હતો. ચોતરફ પાણી હોવાથી આગ લાગવાનો ભય ઓછો રહે છે, જે રક્ષાત્મક વ્યૂહ દર્શાવે છે. તેમજ શાંતીના સમયમાં રાજવી પરિવાર તળાવમાં નૌકા વિહાર અને હવા ખાવાના સ્થળ તરીકે તળાવનો ઉપયોગ કરતા હતા. યુદ્ધના સમયમાં રાજવી પરિવારની સુરક્ષાના હેતુથી મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

લાખોટા કોઠાના ચણતર સમયે મહેલ પડી જતો હતો પણ તેનું કારણ સમજાતું ન હતું. ત્યારે એક રાતે જામ રણમલજી બીજાને સ્વપ્નમાં લાખોટા પીરે દર્શન આપ્યાં અને કહ્યું કે જે જગ્યાએ મહેલનું નિર્માણ થાય છે તે મારું સ્થાન છે, આથી મહેલના બાંધકામ પહેલા મારું સ્થાન નિશ્ચિત કરો અને ત્યારબાદ મહેલની રચના કરો. આમ, લાખોટા પીરના જણાવ્યા અનુસાર જામ રણમલજી બીજાએ દરગાહ બનાવી ત્યારબાદ મહેલનું બાંધકામ આગળ વધ્યું હતું. વર્તમાન સમયમાં પણ મહેલમાં લાખોટા પીરની દરગાહ ઉપસ્થિત છે.


મહેલમાં ત્રણ પ્રવેશદ્વાર છે. તેમાં પ્રવેશ કરતા જ રંગમંડપ અને રહેણાંક માટે સુંદર રૂમ આવેલા છે. મંડપ અને રૂમની ફરતે વર્તુળ આકારે અટારી આવેલી છે. અટારીની દીવાલમાં જરુખા અને બારી મૂકવામાં આવી છે, જેમાં બારીમાં તોપ ગોઠવેલી છે અને બંધુક રાખવા માટે ગોળાકાર દીવાલમાં નાણછા બનાવવામાં આવેલ છે. મહેલની છત કાષ્ઠની બનેલી છે તેમજ તેમાં એક પણ સાંધા જોવા મળતા નથી. તે આજે પણ અકબંધ છે.
1846 માં બનાવવામાં આવેલ લાખોટા કોઠાને 2001ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયેલ હોવાથી ગુજરાત રાજય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જીર્ણોદ્ધાર, રખરખાવ અને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 5 મે, 2018ના રોજ લાખોટા કોઠા અને પુનઃપ્રદર્શિત સંગ્રહાલયને જાહેર જનતાને ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક મહત્વ ધરાવતો લાખોટા કોઠો હાલ ગુજરાત રાજ્ય સરકાર હેઠળ સંરક્ષિત સ્મારક છે.

પુરાતત્વીય સંગ્રહાલય
જામનગર જિલ્લાનો સંક્ષિપ્ત પરિચય કરતું સંગ્રહાલય ઓક્ટોબર 1946માં એજ્યુકેશન સેક્રેટરી શ્રી સુરસિંહજી જાડેજા અને સ્વ. શ્રી રંગીલદાસ માંકડનાં પ્રયત્નોથી બનાવવામાં આવ્યું. સંગ્રહાલયના પ્રવેશદ્વાર પાસે જામ રણજીતસિંહજીનું સ્ટેચ્યુ મૂકેલું છે અને તેમની ક્રિકેટ સિદ્ધિની તસવીરો મૂકવામાં આવી છે.

સંગ્રહાલયમાં મુલાકાતીઓ લાખોટાના સ્થાપત્ય વૈભવને માણી શકે તેમજ કોઠાની સાંસ્કૃતિક ધરોહર તરીકે શિક્ષણ, અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થળ પૂરવાર કરવા માટે 2018 થી નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે. 9મી થી 19મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ઈતિહાસની ઝાંખી કરાવે છે.

પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, તામ્રપત્ર, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, કાચનાં વાસણ, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે.


2018 માં લાખોટા કોઠાની પુનઃસ્થાપના, રખરખાવ અને સંરક્ષણ યોજના પછી, હવે પુરાતત્વીય સંગ્રહાલય 11 વિભાગોમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસને 321 કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા રજૂ કરે છે. જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃત અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે.


સંગ્રહાલયનો સમય
- માર્ચથી ઓક્ટોબર બપોરે 1:00 થી રાતે 9:00 કલાક નવેમ્બરથી ફેબ્રુઆરી બપોરે 12:00 થી રાતે 8:00 કલાક
- દર બુધવાર અને બીજા-ચોથા શનિવારે તેમજ જાહેર રજાના દિવસોમાં સંગ્રહાલય બંધ રહે છે
- લાઈટ એન્ડ સાઉન્ડ શો દર શનિવાર અને રવિવાર રાત્રે 9:00 કલાકે

પ્રવેશ ફી
- ₹ 25/- પાંચ વર્ષથી ઉપરના દરેક ભારતીય નાગરિક માટે
- ₹ 100/- વિદેશી નાગરિક માટે
વિશિષ્ટ સેવાઓ
- ₹ 100/- લાખોટા કોઠાની આસપાસ ફોટોગ્રાફી (ભારતીય નાગરિક માટે)
- ₹ 500/- લાખોટા કોઠાની આસપાસ ફોટોગ્રાફી (વિદેશી નાગરિક માટે)
- ₹ 5000/- પૂર્વ મંજૂરીથી લાખોટા કોઠાની આસપાસ પ્રાસંગિક ફોટોગ્રાફી
- વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન પણ થઈ શકે છે
Read Also
મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર
ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત
- લાખોટા તળાવ – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 304 km.) – Rs.7,500 – 9,500
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1200 – 2200
- જમવાનો ખર્ચ – Rs.1200 – 1800
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
- કુલ – આશરે 10,900 થી 15,500/—
- અંતર(Distance)
- અમદાવાદથી – 304 km.
- વડોદરાથી – 378 km.
- સુરતથી – 527 km.
- કચ્છથી – 337 km.
- રાજકોટથી – 113 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – જામનગર બસ સ્ટોપ, જામનગર રેલ્વે સ્ટેશન, જામનગર એરપોર્ટ
વિશેષ વાનગી – જૈન-વિજયની કચોરી, રસ પાઉં, મુકેશના ઘૂઘરા
આલેખન – રાધિકા મહેતા