Tag Archives: Nadabet Gujarat

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

Posted By admin June 10, 2021
Nadabet seema darshan

આપણા દેશના જવાનો કે જે આપણી સુરક્ષા માટે દિવસ-રાત જાગે છે. જેથી આપણે શાંતિથી ઊંઘી શકીએ, દેશના આ સપૂતો દેશ માટે પોતાના પ્રાણ કુરબાન કરવાના આવે તો પણ પીછેહઠ નથી કરતાં કે એક મિનિટ પણ વિચારતા નથી. આવા શુરવીરોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણી છાતી ગજ-ગજ ફૂલી જતી હોય છે. આપણાં દેશમાં ભારત-પાકિસ્તાનની સરહદે વાઘા બોર્ડર ખાતે જે ડ્રીલ રિટ્રીટ થાય છે. એ જોઈને સવાશેર લોહી વધી જાય છે. આવી જ વાઘા બોર્ડર હવે ગુજરાતમાં પણ છે. બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના નડાબેટ (Nadabet Seema Darshan) ખાતે ઝીરો પોઇન્ટ ઉપર ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી છે.

 Nadabet seema darshan
courtesy – www.gujarattourism.com

નડાબેટ બોર્ડર (Nadabet Seema Darshan) ખાતે ઝીરો પોઇન્ટ પર સીમા દર્શનની શરૂઆત કરવાનો વિચાર કઈ રીતે આવ્યો?

2016માં જ્યારે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, જવાનોની કામગીરીને લોકો નજીકથી નિહાળી શકે અને બિરદાવી શકે તે માટે સીમા દર્શન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ફક્ત 2 મહિના જેવા નજીવા સમયમાં આ વિચારનો અમલ પણ કરવામાં આવ્યો. જેથી વાઘા બોર્ડર બાદ સૂઇગામનું નડાબેટ દેશનું બીજુ સ્થળ બન્યુ છે કે જ્યાં હવે રિ-ટ્રીટ યોજાઈ રહી છે. આવા ઉમદા વિચારથી લોકોને જવાનોના જીવનચર્યાને નજીકથી જાણવાનો મોકો તો મળશે જ સાથે આ વિસ્તાર પ્રવાસન તરીકે પણ વિકાસ પામશે. જેથી લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.

 Nadabet seema darshan
courtesy – www.gujarattourism.com

સીમા દર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી?

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા 24 ડિસેમ્બર, 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમાદર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી, આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે.

 Nadabet seema darshan

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, બોર્ડર ટુરીઝમનો આ નવતર અભિગમ રાજય-રાષ્‍ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો, બોર્ડરને માણવાનો અવસર આપશે. આ સાથે સરહદ સાચવતા BSF જવાનોની જીવનચર્યા-કપરા સંજોગોમાં તેમની વતનરક્ષા પરસ્તીને પણ પ્રત્યક્ષ અનુભવવાનો આ પ્રયોગ ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને નવી દિશા આપશે એવું પણ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે. જો આ સરહદી યુધ્ધ થાય તો BSF એ સીધો દુશ્મન દળોનો મુકાબલો કરવો પડે. આ સંદર્ભમાં BSF જવાનોની દિલેરી-જવામર્દીને સૌ કોઇ જાણે એવા હેતુથી આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કર્યો છે.

આપણાં દેશમાં ભારત-પાકિસ્તાનની સરહદે વાઘા બોર્ડર એકમાત્ર એવી સરહદ ચોકી છે કે, જયાં બંને રાષ્‍ટ્રોની ડ્રીલ રિટ્રીટ જોવાનો અને જાણવાનો રોમાંચ મળતો હોય છે. પરંતુ હવે ગુજરાતના બનાસકાંઠાની આ સરહદે નવું બોર્ડર ટુરીઝમનું નજરાણું દેશને ભેટ ધર્યું છે.

courtesy – www.gujarattourism.com

સીમા દર્શન કાર્યક્રમમાં શું-શું જોવા મળશે?

સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ન ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે. BSFની આ રિટ્રીટ સેરિમની અહીંનું મુખ્ય આકર્ષણ છે. જેને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો નડા બેટ ખાતે ઉમટી પડે છે.

courtesy – www.banaskantha.nic.in

આ સાથે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે. જેના ખૂબ જ વખાણ થાય છે. આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળવાનો મોકો મળશે.

courtesy – www.gujarattourism.com

આ બોર્ડર ટુરીઝમ સાથે ઘુડખર, ફ્લેમીંગો-ડેઝર્ટ સફારી પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

courtesy – www.gujarattourism.com

નોંધ : આ સીમા દર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમનું આયોજન દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે થાય છે. પરંતુ આપણે 5 વાગે એટલે આપણી જગ્યા પર ગોઠવાઈ જવું જેથી આ દેશનું રક્ષણ કરનાર જવાનોની પરેડને નજીકથી જોવાનો મોકો મળે. આ માટે BSF દ્વારા એક બસ ચાલુ કરવામાં આવી છે. જે લોકોને બસની સગવડતા ન લેવી હોય તો એવા લોકો પોતાના પ્રાઇવેટ વાહનમાં પણ જઈ શકે છે. જ્યારે પણ તમે અહીં જાઓ ત્યારે તમારું ID પ્રુફ સાથે રાખવાનું ખાસ યાદ રાખજો.

આ ડિજિટલ યુગમાં આપણે કોઈ પણ જગ્યાએ જઈએ એટલે ફોટો પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં અપલોડ કરવાનું તો જાણે ચલણ બની ગયું હોય એવું લાગે છે. એ વાતને ધ્યાનમાં રાખીને રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં તમે મસ્ત ફોટોની સાથે સેલ્ફી પણ લઇ શકશો ને તમારી આ પળને યાદગાર બનાવી શકશો.

BSF કેમ્પના જવાનો શ્રધ્ધાથી કરે છે નડેશ્વરી માતાની પુજા-આરાધના

નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. અહીં માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ ધરતીમાતાનું રક્ષણ કરતાં સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ ‘નડાબેટ’ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.

courtesy – www.gujarattourism.com

દર વર્ષ ચૈત્ર નોમના દિવસે અહીં મેળો ભરાય છે. જેમાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા BSF કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે.

BSF જવાન અને પૂજારી, અંજન પાંડે આ મંદિર અંગે જણાવે છે કે, રણ વિસ્તારમાં કોઈજ પૂજા માટે આવતું ન હતું. જેથી વર્ષોથી આ મંદિર માં દેશની સુરક્ષા કરતા જવાન જ પૂજા કરે છે. અહિયાં રોકવા માટે ધર્મશાળા પણ છે. જ્યાં નજીવા ખર્ચે તમે રોકાઈ પણ શકો છો.

Read Also

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

નોંધ : અહીં એક દિવસમાં ફક્ત 600 લોકોને જ વિઝીટ કરવાની પરવાનગી છે.

  • સીમા દર્શન (નડા બેટ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 540 kms) – Rs.6,000 – 9,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2500 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500 – 2000
  • કુલ – 12000 થી 16000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 524 km.
  • વડોદરાથી – 372 km.
  • અમદાવાદથી – 268 km.
  • રાજકોટથી – 320 km.
  • કચ્છથી – 363 km.