પ્રવાસ એટલે રોજબરોજની ઘટમાળમાંથી થોડો સમય કાઢીને કોઈ સ્થળને જાણવું, માણવું અને મનભરીને જીવી લેવું, નીરસ જીવનને ખુશનુમા અને જીવંત બનાવવા પ્રવાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ ચોમાસામાં જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય ત્યારે કુદરતના સાનિધ્યમાં નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યને માણવાની મજા જ અનેરી છે. ગુજરાતમાં એવી 49 ઇકો-ટુરિઝમ સાઇટ આવેલી છે જેમાંની એક છે તાપી જિલ્લામાં આવેલ ‘પદમડુંગરી’ (Padam Dungari) ઇકો-ટુરિઝમ પોઈન્ટ.

ઇકો-ટુરિઝમ એટલે શું ?
ઇકો-ટુરિઝમ એટલે વન સંપદાને નુકશાન પહોંચાડ્યા વગર પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે જાગૃતતા લાવવા ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવું. વન્યજીવન અંગે શિક્ષણ, અર્થઘટન અને તાલીમ આપવા માટે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય ચૂનંદા ગ્રુપને નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યની જાણકારી આપવામાં આવે છે. ઇકો-ટુરિઝમ કાર્યક્રમ જાહેર નાગરિકો માટે હોય છે.


પદમડુંગરી (Padam Dungari) ક્યાં આવેલું છે ?
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારા તાલુકાની દક્ષિણે વહેતી અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાના સુંદર વનમાં પદમડુંગરી સ્થિત છે. વ્યારાથી 30 કિ.મી.ના અંતરે તેમજ ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત ઉનાઈથી 8 કિ.મી.ના અંતરે પદમડુંગરી આવેલું છે. વાપી-શામળાજી હાઇવે પર પાઠકવાડી સ્ટેન્ડથી પૂર્વ દિશામાં 9 કિ.મી. દૂર પદમડુંગરી ઇકો-ટુરિઝમ પોઈન્ટ તથા પ્રાકૃતિક શિક્ષણ શિબિર સ્થળનું ઉદ્ઘાટન 13 નવેમ્બર 2005 માં પદમડુંગરી નામક ગામના લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ઇકો ટુરિઝમ ડેવલમેન્ટ કમિટી દ્વારા પદમડુંગરી પ્રવાસન સ્થળ વિકસિત કરવામાં આવ્યું છે.

‘પદમડુંગરી’ (Padam Dungari) કેમ નામ પડ્યું?
‘પદમડુંગરી’ શબ્દનું મૂળ પુરાણ કાળમાં હતું. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ડુંગરોની વચ્ચે એક ‘હાથિયોતળાવ’ હતું, આ તળાવમાં પદ્મ એટલે કે કમળના ફૂલ થતાં અને હાથીઓને પણ સ્નાન કરાવવામાં આવતું હોવાથી તેને પદમનગરી/પદમડુંગરી (Padam Dungari) કહેવામાં આવતું હતું.

અહીં થતી એડવેન્ચર એક્ટિવિટી
- અંબિકા નદી પર ઝીપ લાઈન કરી શકાય છે, જેનો ચાર્જ વ્યક્તિ દીઠ RS.100 છે
- UTV બગી રાઇડ RS.150
- તીરંદાજી (Archery) RS. 40
- બોટિંગ ચાર્જીસ વ્યક્તિ દીઠ RS.50
- અંબિકા નદીમાં રાફ્ટિંગ, ફ્લોટિંગ, ટ્યુબિંગ જેવી એક્ટિવિટીની પણ મજા માણી શકાય છે
- આખો વિસ્તાર વન અને પર્વતથી ઘેરાયેલો હોવાથી ટ્રેકિંગ અને હિલ ક્લાઈમ્બિંગ માટે પણ શ્રેષ્ઠ છે




ઇકો કેમ્પ સાઇટમાં પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે
ઇકો કેમ્પ સાઇટને સ્વચ્છ અને પ્રદુષણમુક્ત રાખવા અને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે બધું જ પ્લાસ્ટિક એકઠું કર્યા બાદ કેન્ટીનમાં પ્લાસ્ટિકના રેપર્સવાળી વસ્તુના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ ફરમાવવમાં આવી છે. અહીં કાચની બોટલમાં અંબિકાનદીનું જ પાણી શુદ્ધ કરી વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે વોટર પ્યુરીફિકેશન પ્લાન્ટ કાર્યરત છે.
વિવિધ પક્ષીઓ, સરિસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જોવા મળે છે અહીં
અહીં સમૃદ્ધ લેન્ડસ્કેપ્સની સાથે – સાથે વિવિધ દીપડા, હરણ, વિવિધ વનસ્પતિઓમાં પતંગિયા, કરોળિયા, જીવજંતુ, ગરોળીઓ, દેડકાઓ, સાપની વિવિધ જાતિ, મોટી બિલાડી, લેસર કેનાઇન્સ, કોશી કોયલ (Drongo Cuckoo), ટપકીલી લલેડી (Puff throated Babbler) વગેરે જેવા પક્ષીઓ, સરિસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જોવા મળે છે. ઉપરાંત પતંગિયા સંવર્ધન માટે ખાસ પ્રકારના યજમાન વનસ્પતિઓ વાવીને પતંગિયા ઉદ્યાન પણ શરૂ કરવામાં આવ્યું છે.



જોવાલાયક અદ્ભુત નજીકના પર્યટક સ્થળ
પદમડુંગરીની (Padam Dungari) પાસે તમે ચાંદ-સૂર્ય, ઉનાઈમાં ગરમ પાણીના ઝરા અને આદિવાસીઓનું પ્રાચીન દેવસ્થાન ઘુસમાઈ મંદિર, વઘઈ બોટાનિકલ ગાર્ડન, વાંસદ નેશનલ પાર્ક, જાનકી વન, ઉનાઈ માતા મંદિર, ગિરા ધોધ, આંબલગઢ, શબરી ધામ, ઉકાઇ ડેમ, ધારેશ્વર, આંબપાની તેમજ કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વઘઈમાં જોવા મળતાં હોવાથી ટીમ્બર વર્કશોપની પણ મુલાકાત લઈ શકો છો.
નાગલીના બિસ્કીટ, નાગલીના ભૂંગળા સહીત ઘણી બધી ચીજ-વસ્તુઓ મળે છે અહીં
પદમડુંગરીમાં આદિજાતિ ગ્રામ્ય બજાર વેચાણ કેન્દ્ર છે જ્યાંથી નાગલીના બિસ્કીટ, નાગલીના ભૂંગળા, નાગલીના પાપડ, આયુર્વેદિક ઔષધી, મધ, દેશી ચોખા અને કઠોળ તેમજ વાંસની બનાવેલી વસ્તુઓ ખરીદી શકાય છે.

અંબિકા નદીના કિનારે, સહ્યાદ્રીની રમણીય ગીરીમાળામાં આવેલું પદમડુંગરી, તાપી જિલ્લાનું ઝડપથી વિકાસ પામતું એકમાત્ર ઇકો-ટુરીઝમ સ્થળ છે. તાપી જિલ્લાની આગવી ઓળખસમું, પ્રકૃતિના સાનિધ્યમાં શાંતિનો અહેસાસ કરાવતું આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સપ્ટેમ્બર થી ફેબ્રુઆરીનો સમય અહીંની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ હોવાથી પદમડુંગરીની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
પ્રવેશ અને પાર્કિંગ ફી
- પ્રવેશ ફી RS.20
- પાર્કિંગ ચાર્જીસ બાઈક માટે RS.10, કાર માટે RS.30 અને બસ માટે RS.60
રહેવા-જમવા માટેની વ્યવસ્થા
- 2 એસી કોટેજ ચાર્જીસ RS.1500 (એક્સ્ટ્રા બેડ RS.300)
- 8 નોન-એસી કોટેજ ચાર્જીસ RS.800 (એક્સ્ટ્રા બેડ RS.250)
- ડોરમેટરી કોટેજ ચાર્જીસ RS.2500 (10 લોકોના ગ્રુપ માટે)



ભોજન માટે પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઇટ પર જ “વન સાહેલી” નામક રેસ્ટોરન્ટ છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર તેમજ ચા કોફીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Read Also
પારિવારિક પ્રસંગમા બનેલી એક ઘટનાના લીધે સારું સેલેરી પેકેજ,AC ઓફિસ છોડી આ ત્રણ મિત્રોએ કર્યું એવું…
ગુજરાતના આ વ્યક્તિએ બાળકો માટે કર્યું પોતાનું જીવન અર્પણ, કારણ જાણીને થશે ગર્વ
રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા
- પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઈટ – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 411 km.) – Rs9,800 – 11,800
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.800 – 2500
- જમવાનો ખર્ચ – Rs.1200 – 1800
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
- કુલ – આશરે 12,800 થી 18,100/—
- અંતર (Distance)
- અમદાવાદથી – 327 km.
- વડોદરાથી – 213 km.
- સુરતથી – 89 km.
- કચ્છથી – 723 km.
- રાજકોટથી – 501 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – વઘઈ બસ સ્ટોપ, વઘઈ રેલવે સ્ટેશન, સુરત એરપોર્ટ
વિશેષ વાનગી – રાગી અને ચોખાના રોટલા, નાગલીના બિસ્કીટ, નાગલીના પાપડ
આલેખન – રાધિકા મહેતા