Tag Archives: Rajkot Amarzad

રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા

Posted By admin July 17, 2021
Rajkot Amarzad

રાજકોટના ઠાકોર સાહેબ સ્વ.મનોહરસિંહજી જાડેજા સાહેબના પુત્ર માંધાતાસિંહ જાડેજા સાહેબની માલિકીના રણજીત વિલાસ પેલેસ એટલે કે રાજવી પરિવારના પેલેસના પ્રાંગણમાં આશરે 1000 કરતાં પણ વધારે વર્ષો જુનું એક ચમત્કારિક ઝાડ આવેલું છે. આ ચમત્કારિક ઝાડને “અમરઝાડ” (Rajkot Amarzad) તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1000 વર્ષ જૂના આ “અમરઝાડ” નીચે ભગવાન દત્તાત્રેયનું સ્થાનક આવેલું છે.

Rajkot Amarzad

ક્યાં આવેલું છે આ અમરઝાડ (Rajkot Amarzad)?

રાજકોટમાં આવેલા પેલેસ રોડ પરનો ભવ્ય મહેલ એટલે, રણજીત વિલાસ પેલેસમાં રાજવી પરિવાર દ્વારા આ પ્રાચીન અમરઝાડ (Rajkot Amarzad) માટે 500 વાર જગ્યા ફાળવવામાં આવેલ છે. આમ તો રાજ પરિવારના ખાનગી માલિકીના રણજીત વિલાસ પેલેસની મુલાકાત જાહેર જનતા માટે પ્રતિબંધિત છે. પરંતુ તેમના દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા પર રાજવી પરિવારની પરવાનગીથી લોકો દર્શનાર્થે આવી શકે છે. આ અમરઝાડને તેના થડના આકાર અને 1000 વર્ષના આયુષ્યના કારણે “ગાંડુઝાડ” પણ કહેવામાં આવે છે.

Rajkot Amarzad

આ અમરઝાડ (Rajkot Amarzad) વિશેની માહિતી મેળવવા માટે traveltoculture.com દ્વારા આ મંદિરના પૂજારી જયેશભાઈ ભટ્ટ સાથે વાત કરતાં જયેશભાઈએ જણાવ્યું કે, આશરે એમની સાત પેઢીથી અહીં સેવા-પૂજા કરવામાં આવે છે.

Rajkot Amarzad

આ અમરઝાડ (Rajkot Amarzad) અને અહીં આવેલા ભગવાન દત્તાત્રેયના સ્થાનકના ઈતિહાસ અને એની સાથે જોડાયેલી આસ્થા વિશે જયેશભાઈએ જણાવ્યું કે અહીં આવેલા આ અમરઝાડની નાના બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોને થતી મોટી ઉધરસ જેવી બીમારી માટે માનતા રાખવામાં આવે છે. માનતા પૂરી કરવા માટે લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ધરાવવામાં આવેલો ગાંઠિયાનો પ્રસાદ આ જગ્યા પર જ બેસીને આરોગવાની અહીંયા પરંપરા છે. અહીં ધરાવવામાં આવેલો પ્રસાદ ઘરે લઈ જવામાં આવતો નથી પરંતુ જેને માનતા રાખેલી હોઈ એમના દ્વારા જ આ પ્રસાદ અહીંયા બેસીને આરોગવામાં આવે છે. આ માટે આ ઝાડ નીચે બેસવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ભાવિકો શાંતિથી બેસીને પોતે ધરાવેલી પ્રસાદી ગ્રહણ કરી શકે છે.

Rajkot Amarzad

શા માટે અહીં ધરાવવામાં આવે છે ફક્ત ગાંઠિયાનો જ પ્રસાદ?

જેમને માનતા રાખેલી છે એમના દ્વારા જ અહીં બેસીને ગાંઠિયાનો પ્રસાદ આરોગવાની અજીબ પરંપરા પાછળનું કારણ જાણવા માટે જયેશભાઈને પૂછતાં જાણવા મળ્યું કે, અહીં એવી પરંપરા છે કે જે પણ માનતા પૂરી કરવા માટે આવે છે અને એમના દ્વારા જે પ્રસાદ ધરાવવામાં આવે છે. એ પ્રસાદ એમના દ્વારા જ અહીં બેસીને આરોગીને પૂર્ણ કરીને જવાનો હોય છે. ગાંઠિયા ત્યાં જ બેસીને ખવાઈ જાય અને બગાડ ન થાય એ કારણથી જ અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં ગાંઠિયાની સાથે દાળિયા કે ચણાના લોટમાંથી બનેલી કોઈપણ વાનગી, ફળ કે શ્રીફળ પણ ધરાવીને માનતા પૂરી કરી શકાય છે. પરંતુ ત્યાં જ બેસીને ધરાવેલો પ્રસાદ આરોગીને પૂર્ણ કરીને જવાની માન્યતાના કારણે મોટા ભાગના લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ જ ધરાવે છે. આ જ કારણના લીધે વર્ષોથી અહીં માનતા પૂરી કરવા માટે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની એક પરંપરા બની ગઈ છે.

Rajkot Amarzad

ઝાડની (Rajkot Amarzad) જાણવા જેવી માહિતી

  • પુજારી જયેશભાઈના જણાવ્યા મુજબ આ ઝાડ છે ગોરખ આંબલીનું
  • આ ઝાડનું આયુષ્ય આશરે 1000 વર્ષ
  • 10 થી 15 લોકોના બાથમાં (બે હાથ પહોળા કરતાં તેમાં સમાય એટલું) આવે એટલો મોટો આ ઝાડના થડનો ઘેરાવો
  • ઋતુ પ્રમાણે ફળ-ફૂલ આવે છે આ અમરઝાડ પર
  • પાનખરમાં પાન ખરે પણ છે અને વસંત ઋતુમાં ત્રણ, પાંચ અને સાતની સંખ્યામાં નવા પાન પણ આવતાં મળે છે જોવા
  • અહીં વિશાળ ઝાડ નીચે બિરાજમાન છે ગુરુ દત્તાત્રેયનું સ્થાનક
  • આ અમરઝાડ પર વસે છે 5 થી 10 હજાર ચામાચીડિયાનો સમૂહ
  • આ પવિત્ર જગ્યાના ચામાચીડિયાઓ પણ છે શાકાહારી, માત્ર ફળોને જ બનાવ્યો છે પોતાનો ખોરાક
Rajkot Amarzad
Rajkot Amarzad

કેન્સર જેવા રોગોમાંથી પણ લોકો થયા છે મુક્ત

આ તમામ માહિતી આપવાની સાથે જયેશભાઈ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અહીંયા માત્ર મોટી ઉધરસ જ નહીં પરંતુ સાચી શ્રદ્ધા સાથે માનતા રાખવામાં આવે તો કેન્સર સુધીના રોગોમાંથી લોકો મુક્ત થયા છે. આ સાથે અહીં લોકો દ્વારા બાળક બોલતું ન હોય, ધંધા-રોજગારની સમસ્યા, નિ:સંતાનપણું, કોઈ મોટી બીમારી વગેરે જેવી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માનતા માનવામાં આવે છે.

Rajkot Amarzad

માનતા પૂરી કરવા આવેલા લોકોએ traveltoculture.com સાથે વાત કરતાં જણાવ્યું કે, જો શ્રદ્ધાપૂર્વક માનતા માનવામાં આવે તો તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે જે અમે જાતે અનુભવ કરેલો છે. દિવસ દરમ્યાન ઘણાં ભાવિકો અહીં માનતા પૂરી કરવા માટે આવે છે અને પોતાના રોગો, સમસ્યાઓમાંથી છુટકારો મેળવે છે. લોકો જણાવે છે અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેય પરની અપાર આસ્થાના કારણે ભાવિકો આ અમરઝાડની માનતા રાખીને પોતાની સમસ્યાઓમાંથી મુક્ત થાય છે.

અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયનો ઈતિહાસ

અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયના સ્થાનક વિશે પૂછતાં પૂજારી જયેશભાઈ ભટ્ટએ જણાવ્યું કે એમના પૂર્વજોના કહેવા અનુસાર આશરે 1000 વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેયના કોઈ શિષ્ય ભ્રમણ કરતાં-કરતાં આ જગ્યા પર આવ્યા હતા અને આ ઝાડ નીચે ગુરુ દત્તાત્રેયના મૂર્તિની સ્થાપના કરી હતી. આ સાથે આ સ્થાનક પર ગુરુ દત્તાત્રેયના શિષ્ય દ્વારા સાધના અને તપ કરીને આ જગ્યાને પાવન કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યાનું ધાર્મિક મહત્વ વધતું ગયું અને આજે આ જગ્યાના ઓરાથી (aura) લોકો માનસિક શાંતિ અનુભવે છે.

Rajkot Amarzad

Read Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

ગુરુ દત્તાત્રેયના ઉદ્દભવ અંગેની જાણકારી

ગુરુ દત્તાત્રેયની ગણના ભારતીય ઈતિહાસના એક મહાન ઋષિ તરીકે કરવામાં આવે છે. ત્રિમુખી ભગવાન ગુરુ દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર છે. પુરાણો અનુસાર ઋષિ અત્રિ અને અનસૂયાને ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ અને ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્ત શબ્દનો અર્થ થાય છે “આપેલું”. અત્રિ ઋષિ અને ઋષિપત્ની અનુસુયાને વરદાનરૂપે ત્રિદેવ અવતર્યા હતા. જેથી તેમને “દત્તાત્રેય” કહેવાય છે. તેઓ અત્રિ ઋષિના પુત્ર હોવાથી “અત્રેય” નામે પણ ઓળખાય છે. અવધૂત પુરાણ અનુસાર પૃથ્વી, ચંદ્ર, હરણ, કબૂતર, પિંગળા ગણિકા, કુંવારિકા, આકાશ, અગ્નિ, વાયુ, ગજ, શરકૃત, અભર્ક, ટીટોડી, મીન, મધમાખી, પતંગિયું, ભમરો, મકડી, સમુદ્ર, સૂર્ય, જળ, સાપ, ભમરી, અજગર જેવા 24 ગુરુ પાસેથી ગુરુ દત્તાત્રેય દ્વારા શિક્ષા લેવામાં આવી હતી. અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાનજી, વિભીષણ અને પરશુરામની જેમ ગુરુ દત્તાત્રેય પણ ચિરંજીવી છે. જુનાગઢમાં આવેલ ગિરનારએ ગુરુ દત્તાત્રેયની સિદ્ધપીઠ છે.

Rajkot Amarzad

ભગવાન પરનો ભરોસો હંમેશા કોઈ ચમત્કાર સર્જે છે. ઘણા લોકો આ ચમત્કારના સાક્ષી બન્યા છે. સાચી શ્રદ્ધા સાથે માનવામાં આવેલી માનતાનું અહીં ચોક્કસ પરિણામ મળ્યું છે. જો તમે ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવો છો અને 1000 વર્ષ જુના મહાકાય અમરઝાડને જોવાની ઈચ્છા ધરાવો છો તો એકવાર આ જગ્યાની અચૂક મુલાકાત લેવા જેવી છે.

મંદિરનો સમય

  • સોમવારથી શનિવાર – બપોરે 4 થી સાંજના 7
  • રવિવારે – સવારે 9 થી 1, સાંજે 4 થી 7

ખાસ નોંધ – તહેવારોમાં આ સમય સિવાય દર્શન બંધ રહેશે

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 214 km.
  • વડોદરાથી – 289 km.
  • સુરતથી – 450 km.
  • કચ્છથી – 300 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – રાજકોટ બસ સ્ટોપ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ.

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા