Tag Archives: Rajkot Yami Surti

આ દીકરી છે માત્ર 1 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ડંકો વગાડનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ

Yami Surti

એવું કહેવામાં આવે કે ઉંમરમાં 3 વર્ષ કરતા પણ નાની બાળકી કલર, ગુજરાતી બારાક્ષરી, આલ્ફાબેટ્સ, સંગીત, શ્લોક, વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, સર્કીટ અને સાથે-સાથે html કોડીંગ જેવી બાબતો ઓળખી બતાવે છે… તો કદાચ માનવામાં નહીં આવે પરંતુ વાત ખરેખર સાચી છે. રંગીલા રાજકોટની હજુ સરખુ બોલતા પણ નહીં શીખેલી “યામી સુરતી” (Yami Surti) આવી તમામ બાબતો ઓળખી બતાવે છે.

Yami Surti

મહાભારતના યુદ્ધનો સૌથી નાની ઉંમરનો યોદ્ધો એટલે અભિમન્યુ. મહાભારતકાળથી જ એટલે કે અર્જુન પુત્ર અભિમન્યુના સમયથી જ ભારતમાં ગર્ભસંસ્કારનું વિજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે. અભિમન્યુ, માતા સુભદ્રાની કૂખમાં જ ભગવાન કૃષ્ણના મુખે સાત કોઠાઓનું યુદ્ધ શીખ્યો હતો. જે ગર્ભસંસ્કારનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. વર્તમાન સમયમાં પણ ગર્ભસંસ્કાર પ્રક્રિયા દ્વારા ગર્ભસ્થ શિશુમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું મહત્ત્વ

ઉત્તમ મનુષ્યના નિર્માણ પર ભારતીય સંસ્કૃતિ વધુ ભાર મુકે છે. આથી જ જ્યારે શિશુ ગર્ભમાં હોય ત્યારથી જ સંસ્કાર પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જીવનની વિવિધ અવસ્થા દરમ્યાન વ્યક્તિમાં સંસ્કારનું સિંચન થતું રહે તે હેતુથી છેક જીવનપર્યંત વિવિધ તબક્કે તેનું સંવર્ધન થતું રહે તે માટે જીવનભર ચાલતી આ સંસ્કાર ઘડતરની પ્રક્રિયાને “સોળ સંસ્કાર”ની પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેધ, ઉપનયન, વિદ્યારંભ, વેદારંભ, કેશાન્ત, સમાવર્તન, વિવાહ, અંત્યેષ્ટિનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 12 જેટલા સંસ્કાર તો બાળકને 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં જ મળી જાય છે. આથી જ માતાને ગર્ભાવસ્થા દરમ્યાન સદવાંચન, સદવિચાર અને સત્સંગ કરવાનું કહેવામાં આવે છે. જે બાળકના ઉત્તમ ઘડતરમાં પાયારૂપ બાબત છે.

Yami Surti

ગર્ભાવસ્થા દરમ્યાન યામીને આપવામાં આવેલ ગર્ભસંસ્કારના કારણે આજે યામી (Yami Surti) બીજા બાળકો કરતાં અલગ

કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીના ઘરે 25 માર્ચ 2019ના દિવસે ફૂલ જેવી દીકરીનો જન્મ થયો. આ ફૂલ જેવી દીકરીનું નામ યામી રાખવામાં આવ્યું. માતા અલ્પાબેન સુરતીએ ગર્ભાવસ્થા દરમ્યાન અનુકરણ કરેલા તમામ પાસાઓ આબેહુબ આ બાળકીમાં દેખાવા લાગ્યા. કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીનું આ બાળક બીજા તમામ બાળકો કરતાં તદન અલગ છે. જેની પાછળનું કારણ માતા અલ્પાબેન દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન યામીને આપવામાં આવેલ ગર્ભસંસ્કાર છે. અલ્પાબેનનું દ્રઢ પણે માનવું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન આપવામાં આવેલાં સંસ્કારો બાળકમાં ચોક્કસપણે અવતરે છે. હાલ યામી સુરતી તેનું એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Yami Surti

હાલમાં યામીની ઉંમર 2 વર્ષ અને 5 મહિનાની (8/8/2021 ના રોજ) છે. આટલી નાની ઉંમરમાં સરખું બોલતાં પણ ન શીખેલી યામી મોટા લોકોએ પણ શરમાવે એવી બુદ્ધી અને સમજણ શક્તિ ધરાવે છે. યામી હાલમાં વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, તમામ ગ્રહો, ગુજરાતી બારાક્ષરી, આલ્ફાબેટ્સ, મ્યુઝિક, શ્લોક, ભારતના વિવિધ રાજ્યોનો નકશા, સર્કિટ અને બેટરી, કમ્પ્યુટર હાર્ડવેર અને સાથે કોમ્પ્યુટર સોફ્ટવેરની ફિલ્ડ સાથે જોડાયેલાં પિતા પાસેથી html કોડીંગ જેવી અનેક બાબતો કોઈપણ જાતના પ્રેશર વગર ઓળખી શકે છે. આ સાથે યામી અલગ-અલગ કઠોળને તેના અવાજના આધારે પણ ઓળખી બતાવવાની અજબ શક્તિ ધરાવે છે.

Yami Surti

યામી છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ (Yami Surti)

17 નવેમ્બર 2020ના દિવસે 1 વર્ષ, 7 મહિના અને 19 દિવસની યામીએ (Yami Surti) આવર્ત કોષ્ટકના 42 તત્વોને માત્ર 3 મિનિટ 33 સેકન્ડમાં જ ઓળખીને માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત સહીત ભારતને ગર્વ થાય એવું કામ કરી બતાવ્યું. 2 વર્ષ કરતાં પણ નાની ઉંમરમાં આવર્ત કોષ્ટકના વિષયમાં યામી સૌથી ઓછાં સમયમાં 42 તત્વોને ઓળખનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ છે. જેના માટે યામીને (Yami Surti) ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળેલ છે.

Yami Surti

આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજાને પણ પ્રેરણા મળે અને યામીના બાળપણના સંભારણા પણ સચવાયેલા રહે એ હેતુથી પિતા કલ્પેશભાઈ દ્વારા Fun and Learn with Yami નામની Youtube ચેનલ પણ બનવવામાં આવી છે. જેના પર યામીના (Yami Surti) આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં વિડીયો અપલોડ કરવામાં આવે છે.

Yami Surti

આ સાથે જ યામીના ભવિષ્યના ઘડતરને ધ્યાનમાં લઈને રોજના માત્ર 3 થી 4 કલાક સુધી માતા-પિતા દ્વારા યામીને આ પ્રકારની અને બીજી નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવતી વખતે યામી પર કોઈપણ જાતનું પ્રેશર ન આવે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પોતાની ઈચ્છા મુજબ યામી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે અને ભવિષ્યમાં એક ઉત્તમ અને આદર્શ વ્યક્તિ બને એવું કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીનું સપનું છે.

Yami Surti

20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલાં છે કલ્પેશભાઈ

20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલાં કલ્પેશભાઈને યામીની આ કુશળતા વિશે traveltoculture.com પૂછતાં એ જણાવે છે કે, હું છેલ્લાં 20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું. આ દરમ્યાન મેં અવલોકન કર્યું કે આજકાલના બાળકો મોબાઈલ ફોન, ટીવી જેવા ગેજેટના વ્યસની થઇ ગયા છે. આવું અમારા બાળક સાથે ન થાય એ વાતને ધ્યાનમાં લઈને અમે નક્કી કરેલું કે અમારા બાળકના જન્મ બાદ અમે એને અમુક ખાસ પ્રકારની પ્રવૃતિઓ કરાવશું. જેનાથી એના મગજનો વિકાસ પણ થશે અને એ આજકાલના બાળકોની જેમ મોબાઈલ ફોન, ટીવી જેવા ગેજેટના વ્યસની પણ નહી બને. કલ્પેશભાઈનું કહેવું છે બાળકને 3 વર્ષની ઉંમર સુધી જે ઈનપુટ આપવામાં આવે એ ભવિષ્યમાં એ બાળકના આઉટપુટ તરીકે જોવા મળે છે. આ જ તમામ બાબતને ધ્યાનમાં રાખીને અલ્પાબેનના ગર્ભાવસ્થા દરમ્યાન કરવવામાં આવેલી પ્રવૃત્તિઓ આજે યામીમાં જોવા મળી રહી છે.

Yami Surti

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હર્ષદ શાહનું માનવું છે કે માતાની કૂખ બાળક માટે ગર્ભખંડ છે

વાઈસ ચાન્સેલર હર્ષદ શાહનું માનવું છે કે કોઈપણ સ્ત્રી જીવન દરમ્યાન ક્યારેક તો માતા બને જ છે તેમજ માતૃત્વ એ એક અમુલ્ય વરદાન છે. જેથી ગર્ભસ્થ શિશુને ગર્ભમાં જ સંસ્કારીત તેમજ શિક્ષીત કરવું ખુબ જ જરુરી છે. ગર્ભસ્થ શિશુને ગર્ભમાં આપવામાં સંસ્કાર એ 280 દિવસની એક પાઠશાળા છે. જેમ વર્ગખંડ હોય એમ માતાની કૂખ બાળક માટે ગર્ભખંડ છે. ગર્ભસ્થ શિશુને જે જ્ઞાન માતાના કરોડો કોષોથી મળે છે તે અમુલ્ય હોય છે. આપણે સૌ ગર્ભ વિજ્ઞાનના પ્રાચીન વારસાથી પરિચિત છીએ. આ માટે માતાએ વિશેષ પ્રકિયા કરવાની જરૂરત હોય છે જેથી માતા જેવું ઈચ્છે એવા બાળકને જન્મ આપી શકે છે અને તેનું માતૃત્વ સાર્થક કરી શકે છે.

Yami Surti

આ સાથે અલ્પાબેન બીજા બાળકો કરતાં યામી અલગ હોવા પાછળ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રને પણ જવાબદાર ગણાવે છે. અલ્પાબેન જણાવે છે અમે જે પ્રકારના બાળકની કલ્પના કરતાં હતા. એવું બાળક બનવવા પાછળ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રનું ખાસ યોગદાન છે. ગર્ભાવસ્થા દરમ્યાન આ ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રના મટીરીયલનો કરવામાં આવેલો ઉપયોગ હાલ યામીમાં સંસ્કાર તરીકે જોવા મળે છે.

Yami Surti

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રની માહિતી

  • ગુજરાતના ગાંધીનગર શહેરમાં વિશ્વની એકમાત્ર અને અનોખી યુનિવર્સિટી જે બાળકના સર્વાંગી વિકાસ માટે છે કાર્યરત
  • “તેજસ્વી બાળક, તેજસ્વી ભારત”ના સૂત્રને સાકાર કરવા માટે કાર્યરત છે આ યુનિવર્સિટી
  • આ યુનિવર્સિટી ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના વિકાસ માટે ચલાવે છે તપોવન કેન્દ્ર
  • બાળકના સર્વતોમુખી વિકાસ માટે ચલાવવામાં આવે છે વિદ્યાનિકેતન કેન્દ્ર
  • આ સંસ્થા શીખવે છે ગર્ભાવસ્થા દરમ્યાન અલગ-અલગ મહિને બાળકના મગજનો કેવી રીતે કરવો વિકાસ
  • ગર્ભાવસ્થા દરમ્યાન સંસ્થા દ્વારા અલગ-અલગ મહિને ખોરાક બાબતે, સંગીત સંભાળવા બાબતે, પુસ્તક વાંચવા બાબતે, સુગંધ કે સ્પર્શ જેવી બાબતો અંગે પણ આપવામાં આવે છે જાણકારી
  • આર્ટ, પેઇન્ટિંગ, મ્યુઝિક, ક્રાફટ, શ્લોક, વિજ્ઞાન, કમ્પ્યુટર, ભાષા જેવા અનેક વિષયોનું જ્ઞાન બાળક મેળવે છે માતાના ગર્ભમાં
  • આ વિષયોનું પ્રશિક્ષણ આપે છે સંસ્થાના નિષ્ણાંતો
  • આ તૈયારી થાય છે ગર્ભાવસ્થા દરમ્યાન જેથી બાળક પર નાની ઉંમરમાં કોઈ પ્રેશર રહેતું નથી અને બાળકના મગજનો થાય છે કુદરતી રીતે વિકાસ

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

400 ચોરસ કિમી.માં પથરાયેલું ગુજરાતનું આ જંગલ છે અચૂક જોવા જેવુ

Yami Surti

ગુજરાત સરકારના આ અભિગમ દ્વારા આ હરીફાઈના યુગમાં બાળકનો સર્વાંગી વિકાસ બાળક પર કોઈપણ જાતના માનસિક તણાવ વગર થાય એ હવે શક્ય છે. સગર્ભા માતા આ સમય દરમ્યાન પોતાના આહાર, વિહાર અને વિચારો દ્વારા યામી જેવા બાળકને જન્મ આપીને માતૃત્વ સાર્થક કરી શકે છે. નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મેળવી ચુકેલી યામી ભવિષ્યમાં ભારત સહીત વિશ્વભરમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડે તો એમાં કોઈ નવી નવાઈ નહીં.

આલેખન – રાધિકા મહેતા