Tag Archives: rotarydollsmuseum

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

Dolls Museum Rajkot

એ નિખાલસ હાસ્ય, નાની-નાની વસ્તુઓ માટેની જીદ, જીદ પૂરી થવાની ખુશી, નિર્દોષ આંખોમાં કુતૂહલ, સરસ મજાનાં રમકડાં અને ઢીંગલા-ઢીંગલીના ખેલ… હવે આ બાળપણના દિવસો પાછા તો ન આવે પણ સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાતા રંગીલા રાજકોટનું ડોલ્સ મ્યુઝિયમ તમને બાળપણનું સંભારણું જરૂર કરાવી શકે છે. બાળકોથી લઈને મોટા સુધી બધાને પસંદ પડે એવું આ ડોલ્સ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ છે.

મ્યુઝિયમની સ્થાપના અને ઇતિહાસ (Dolls Museum Rajkot)

મ્યુઝિયમની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમની સ્થાપના સાથે પાછળની વાત ખૂબ જ રસપ્રદ છે.

2001માં રોટરીયન શ્રી દિપકભાઈ અગ્રવાલ તેમના પરિવાર સાથે ચારધામ યાત્રા પર ગયા હતા. ત્યાં તેમણે પોતાની 4 વર્ષની દીકરીને પગપાળા ચારધામ યાત્રા પૂરી કરવા પર દિલ્હીના ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત કરાવવાનું વચન આપ્યું. ઢીંગલીઓ જોવાના કુતૂહલ વશ થઈને દીકરીએ યાત્રા પૂરી પણ કરી લીધી. પરંતુ દિલ્હી પાછા ફરતા સોમવાર હોવાથી નિયમાનુસાર મ્યુઝિયમ બંધ હતું. જેથી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત ન કરી શક્યા અને દીકરી નારાજ થઈ ગઈ. આથી દીકરીનું દિલ રાખવા દિપકભાઈએ દીકરીને કહ્યું કે, પપ્પા તારા માટે રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ બનાવશે આમ આ વાત ને 6 મહિના જતાં રહ્યા ત્યારબાદ અચાનક દીકરીને પપ્પાની કહેલી એ વાત યાદ આવી અને તેને દીપકભાઈને કહ્યું કે પપ્પા તમે મારા માટે જે ડોલ્સ મ્યુઝિયમ બનાવાના હતા એ કયા છે? દીકરીના આ પ્રશ્ન પૂછતાં જ દિપકભાઈએ રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ (Dolls Museum Rajkot) બનાવાનો નિર્ણય લીધો.

આ માટે દિપકભાઈએ લગભગ 108 દેશના રોટરી ક્લબમાં 75,000 જેટલા ઇ-મેઇલ કર્યા અને તેમને ડોલ્સ મ્યુઝિયમની વાત કરી જેને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો અને દેશ-વિદેશના આ તમામ રોટરી ક્લબ દ્વારા દિપકભાઈને ડોલ્સ મ્યુઝિયમ માટે ડોલ્સ ગિફ્ટ કરવામાં આવી.

કલ્પકભાઈ મણિયારને ડોલ્સ મ્યુઝિયમનો (Dolls Museum Rajkot) વિચાર ખૂબ પસંદ આવ્યો હતો. તેઓ તે સમયે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન હતા અને અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા હતા. 2004માં રાજકોટ રોટરી મિડટાઉન ક્લબના 10 વર્ષ અને રોટરી ઇન્ટરનેશનલ ક્લબના 100 વર્ષ તેમજ રાજકોટ નાગરિક સહકારી બેંકના 50 વર્ષ પૂર્ણ થતાં હતા. આથી નાગરિક સહકારી બેંકએ યાજ્ઞિક રોડ પર મ્યુઝિયમ બનાવવા માટે જગ્યાના ભાગરૂપે આ નજરાણું આપ્યું હતું. બસ આ રીતે દીકરીનું દિલ રાખવા કહેવામાં આવેલી એક વાત પરથી રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમની શરૂઆત થઈ ગઈ.

ઉદ્ઘાટન સમારોહ

આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન (1998 થી 2004) લાલ કૃષ્ણ અડવાણી દ્રારા 24 જુલાઈ, 2004ના રોજ કરવામાં આવ્યું હતું. લગભગ 10,000 બાળકો દ્વારા જાતે જ 6 ખંડોના ફ્લોટ્સ તૈયાર કરી શહેરમાં કાર્નિવલની રચના કરી હતી. માર્ગની બંને બાજુ 91 દેશોના મોટા ધ્વજ લગાવાયા હતા. શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં રોટરી મિડટાઉન ડોલ્સ મ્યુઝિયમના લગભગ 1000 બેનરો લગાવવામાં આવ્યા હતા.

 Dolls Museum Rajkot

ડોલ્સ મ્યુઝિયમની ખાસિયત

  • આશરે 108 દેશની 1600 થી વધુ વિવિધ પ્રકારની ઢીંગલીઓ તમને અહી જોવા મળશે.
  • દરેક ઢીંગલી દેશ-વિદેશના રોટરી ક્લબ દ્વારા ભેટ સ્વરૂપે મળેલી છે.એકપણ ઢીંગલી ખરીદેલી નથી.
  • ​દરેક દેશ અને તેના ખંડને દર્શાવતી કલાત્મક વિન્ડો ડ્રેસિંગ દ્વારા દરેક દેશની સંસ્કૃતિ, પર્યાવરણ, ભાતીગળ પહેરવેશ અને વિશ્વના વિવિધ ભાગોની જીવનશૈલીની લગભગ નજીકની પ્રતિકૃતિ દર્શાવીને મ્યુઝિયમની ટેગલાઈન “ડિસ્કવર દુનિયા” ની સાબિતી આપે છે.
  • ​આ મ્યુઝિયમ કોઈ રાજા, નિઝામ કે સરકાર દ્વારા નહિ પરંતુ લોકશક્તિથી બનાવવામાં આવેલું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ છે.
  • આથી જ આ મ્યુઝિયમને “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” માં સ્થાન મળ્યું છે.
  • ​શોકેસમાં આ ઢીંગલીઓની પાછળની બાજુએ અરીસો રાખવામાં આવ્યો છે. જેથી ઢીંગલીઓનો પહેરવેશ સારી રીતે દેખાય અને એક 3D ઇફેક્ટ જોઈ શકાય છે. તેમજ બાળકોને પણ અરીસામાં ઢીંગલી સાથે પોતાનો ચેહરો જોવાનો આનંદ આવે છે.
  • મ્યુઝિયમનું આર્કિટેક્ચર, ભારતીય આર્કિટેક્ચરલ એસોસિએશન દ્વારા “સર્વશ્રેષ્ઠ ડિઝાઇન”નો એવોર્ડ જીતનાર આર્કિટેક્ટ નિમિત કામદાર અને કુ.શૈલી ત્રિવેદી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • નુપુર અગ્રવાલ – એક યુવાન વિદ્યાર્થીનીએ આ સંગ્રહાલયની વિન્ડો ડ્રેસિંગ માટે પોતાનો સમય અને કુશળતા દાન કરી છે.
  • ​દરેક શોકેસની બાજુમાં દાતાઓએ ઢીંગલી સાથે મોકલેલી અનન્ય સાંસ્કૃતિક અથવા પરંપરાગત માહિતી પરના ચિત્રો સાથે લેખન સ્ટેન્ડ છે.
  • દરેક ઢીંગલીને તેના રાષ્ટ્રઘ્વજ સાથે અને તે દેશના રોટરી ક્લબના ટેગ સાથે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે.
  • ​વ્યવસાયિક અને સામુદાયિક સેવાઓના ભાગરૂપે ઓક્ટોબર 2004થી મ્યુઝિયમ ખાતે ફોરેન લેંગ્વેજ લર્નિંગ સેન્ટર શરૂ કર્યું છે.
  • મ્યુઝિયમની લેન્ગવેજ લાયબ્રેરીમાં 40 થી વધુ વિદેશી અને 10 થી વધુ ભારતીય ભાષા વિદ્યાર્થીઓ દ્વારા શીખી શકાય છે. આ એક સ્વચાલિત કમ્પ્યુટર આધારિત ભાષા કેન્દ્ર છે.
  • આ મ્યુઝિયમ વિદેશમાં વ્યવસાયિક સંભાવનાઓ વિશેની માહિતી આપીને પુખ્ત વયના લોકોને પણ મદદ કરે છે.
 Dolls Museum Rajkot

આ મ્યુઝિયમને અનન્ય અને વિશિષ્ટ બનાવતી બાબતો

  • ​રોકિંગ ઝીબ્રા
  • ઇંગ્લેન્ડના સમરસેટ ડિસ્ટ્રિક્ટના રોટરી ક્લબ દ્વારા આ ઝીબ્રા બાળકોના સહયોગથી દાનમાં આપવામાં આવ્યું હોવાથી આ રોટરી ડોલ્સ મ્યુઝિયમનું ગૌરવ માનવામાં આવે છે. જેને “રાજ” નામ આપ્યું છે.
  • જે સ્ટીલ અને લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. તે 109 કિલો સુધીનો વજન ઊંચકી શકે છે.
  • ઇંગ્લેન્ડની શાળામાં ગણવેશ ન પહેરવા પર દંડિત કરવામાં આવે છે.
  • શાળાના બાળકોએ આ નિયમનો ભંગ કરીને ભંડોળ એકત્ર કરીને રોકિંગ ઝીબ્રા ખરીદ્યું છે.
  • રાજકોટ શિપમેન્ટ માટે સામાન પેક કરતી વખતે, બબલ બેગ અથવા અન્ય પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે, સમરસેટના બાળકોએ પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી પેકીંગ કરવાનું વિચારીને બાળકોએ તેમના લગભગ 1200 જેટલા નવા સોફ્ટ ટોયનું દાન આપ્યું છે.
  • આ સોફ્ટ ટોયનો ઉપયોગ રાજકોટની મુસાફરી દરમિયાન રોકીંગ ઝીબ્રાને વધુ રક્ષણ આપવા કરવામાં આવ્યો હતો.

  • સિનેમાથેક
  • મનોરંજન માટે જ્યારે તમે ઢીંગલીઓની દુનિયામાં છો, ત્યારે બાળકોને તેમના મનપસંદ કથાઓ, લોક વાર્તાઓ, કાર્ટૂન ફિલ્મો અને પરીકથાઓ જોવાની તક પણ તમને અહી મળશે.
  • જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર, વિશ્વની અજાયબીઓ, વિવિધ દેશો અને તેની સંસ્કૃતિઓ, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ જેવા વિષયો પર સામાન્ય જ્ઞાન આપતી બ્રિટાનિકા, ડિસ્કવરી ચેનલ, રાષ્ટ્રીય ભૂગોળ અને અન્ય મલ્ટિમીડિયા શૈક્ષણિક સીડીઓનો પણ મ્યુઝિયમ પાસે સંગ્રહ છે.જેનો ઉપયોગ સ્પેશિયલ સેશનમાં કરવામાં આવે છે.
  • માહિતી કિઓસ્ક
  • માહિતી કિઓસ્ક એ ટચ સ્ક્રીન કમ્પ્યુટર છે. જેમાં દેશ-વિદેશની માહિતી, વિદેશમાં વ્યવસાયિક તક, વિવિધ દેશના રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રધ્વજની માહિતી, ઢીંગલીઓ વિશેની માહિતી વગેરે બાબતો જાણવા મળે છે.
  • સોવેનીર શોપ
  • મ્યુઝિયમમાં સંભારણાંના ભાગરૂપે ખરીદી કરવા માટે સોવેનીર શોપ છે.
  • જેમાં ડોલ્સના સ્ટીકર, ટીશર્ટ, કીચૈન, પોસ્ટકાર્ડ, વિવિધ નકશા, કૉફી મગ, ઝંડા વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
  • રાનીજી કી ગુડિયા
  • રાજકોટના મહારાણી કાદંબરિદેવીને આ ઢીંગલી 11 વર્ષની ઉંમરમાં માતા પાસેથી ભેટમાં મળી હતી.
  • 37 વર્ષથી મહારાણી સાથે રહેલી આ ઢીંગલી મહારાણીના વિવાહ પછી તેમની સાથે જ સાસરે આવી હતી અને તેમની પુત્રી પણ આ ઢીંગલીથી રમી છે.
  • દુનિયાભરના લોકો આ ઢીંગલીને જુએ અને એની યોગ્ય જાળવણીના હેતુથી મહારાણીએ એમની ઢીંગલી મ્યુઝિયમને 16 જૂન, 2017માં દાન કરી હતી.
  • જેમાં રાજવી પરિવાર દ્વારા 8 કીમી લાંબુ સરઘસ કાઢવામાં આવ્યું હતું.
  • ઢીંગલીની શાહી સવારીમાં અનેક શાળાના વિદ્યાર્થીઓને જોડાયા હતા.
  • એક જીવતીજાગતી વ્યક્તિની જેમ ઢીંગલીને વિદાય આપવામાં આવી હતી.

Read This Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થા

મ્યુઝિયમનો સમય
સવારે 9:30 થી બપોરે 1:00 સુધી
બપોરે 3:30 થી સાંજે 8:00 કલાક સુધી


ખાસ નોંધ : મ્યુઝિયમ દર સોમવારે બંધ રહેશે.

ટિકિટનો દર
પુખ્ત લોકો માટે – Rs. 30
બાળકો – Rs. 30 (5 વર્ષથી વધુ વયના)
મોબાઈલ ફોટોગ્રાફી – Rs.30
પ્રોફેશનલ ફોટોગ્રાફી – Rs.100
NRI માટે – Rs.100
20થી વધુ વ્યક્તિના ગ્રુપ માટે – Rs.20

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

આલેખન – રાધિકા મહેતા