Tag Archives: writer

ગુજરાતના આ વ્યક્તિએ બાળકો માટે કર્યું પોતાનું જીવન અર્પણ, કારણ જાણીને થશે ગર્વ

Kirit Goswami

બાળકો ભગવાનનું સ્વરૂપ છે આવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. આ જ ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી બેઠા છે જામનગરમાં રહેતા કિરીટ ગોસ્વામી જે વ્યવસાયે શિક્ષક છે . પરંતુ આજના ડીજીટલ યુગમાં જયારે બાળગીતો વિસરાઈ રહ્યાં છે અને બાળકોનું બાળપણ મોબાઈલની પાછળ વેડફાઈ રહ્યું છે ત્યારે કિરીટ ગોસ્વામીએ (Kirit Goswami) પોતાનું જીવન બાળગીતો લખવામાં અને બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન આપવા માટે અર્પણ કર્યું છે.

Kirit Goswami

કિરીટ ગોસ્વામીનું (Kirit Goswami) જીવન અને કવન

કિરીટ ગોસ્વામીનો જન્મ 4 ઑગસ્ટ,1975 ના રોજ જામનગરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ચેલા તાલુકા શાળા અને માધ્યમિક શિક્ષણ દેવરાજ દેપાળ હાઇસ્કૂલ, જામનગરથી લીધેલું છે. તેમજ તેમણે પોતાનું ગ્રેજ્યુએશન આર્ટસમાં ડીકેવી કૉલેજ, જામનગર ખાતેથી કરેલું છે. આ સાથે જ એમણે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી એમ.એ.નો અભ્યાસ કરેલો છે. ફક્ત એટલું જ નહીં આ ઉપરાંત કિરીટ ગોસ્વામી પાસે બી.એડ.ની પણ ડીગ્રી છે જે ડીજીટી કૉલેજ, અલીયાબાડાથી પ્રાપ્ત કરેલ છે. આટલો અભ્યાસ કર્યા બાદ કિરીટ ગોસ્વામીના મગજમાં આવેલા એક સુવિચારે તેમનું જીવન પરીવર્તીત કરી દીધું અને આજે લોકો એમને શ્રેષ્ઠ બાળગીતકારના નામથી ઓળખે છે.

Kirit Goswami

કિરીટ ગોસ્વામી ગુજરાતના સુપ્રસિદ્ધ બાળગીતકાર છે. અત્યારસુધીમાં એમના દ્વારા અસંખ્ય બાળગીતોની રચના કરવામાં આવી છે. જયારે કિરીટ ગોસ્વામીને બાળગીત લખવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે traveltoculture.com સાથે વાત કરતાં કિરીટ ગોસ્વામીએ કહ્યું કે “બાળગીત એટલા માટે લખું છું કારણ કે એ રીતે બચપણને હંમેશા તાજું રાખી શકાય છે. આ સાથે જ ફરીથી બાળક બનીને જીવન જીવવાનો અદ્ભુત લહાવો પણ લઇ શકાય છે.” કિરીટ ગોસ્વામી જણાવે છે કે બાળગીત લખવાની શરૂઆત આમ તો લગભગ કૉલેજકાળથી જ કરી હતી પરંતુ ત્યારબાદ 2000 ના વર્ષથી બાળગીત પર વધારે ફોકસ કર્યુ અને નક્કી કર્યું કે હવે મારું આ જીવન બાળકો માટે અર્પણ કરીશ.

Kirit Goswami

આજ સુધીના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારની યાદીમાં કિરીટ ગોસ્વામીનું નામ તો અવશ્ય લેવું જ પડે

ડીજીટલ યુગના આ સમયમાં કિરીટ ગોસ્વામીની કલમે કમાલ કરી બતાવી છે. એમની કલમથી એવા બાળગીતોની રચના થઈ છે જેના કારણે દલપતરામથી લઈને આજ સુધીના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારની યાદી બનાવવામાં આવે તો સુપ્રસિદ્ધ બાળગીતકાર કિરીટ ગોસ્વામીનું નામ તો અવશ્ય લેવું જ પડે. કિરીટ ગોસ્વામીના બાળગીતોની ખાસિયત એમની નાની રચનાઓને અને એમાં પણ ખાસ એની નાની પંક્તિઓ છે. હાથીભાઈ, ખિસકોલી, બિલાડી, કીડીબાઈ અને લાડુ જેવા બાળકોને ગમતા પાત્રો પર તદન નવીન રીતે કિરીટ ગોસ્વામીએ બાળગીતો લખ્યા છે. જે બાળગીતો બાળકોની સાથે એમના માતા-પિતા અને મોટાઓને પણ મનગમતા બન્યા છે. હાલના ડીજીટલ યુગને ધ્યાનમાં લઈને કીડીબાઈનું કમ્પ્યુટર જેવાં વિષયો પર પણ એમણે રચના કરેલી છે.

Kirit Goswami

છેલ્લા 20 વર્ષથી જામનગરમાં એકાકી જીવન પસાર કરે છે કિરીટ ગોસ્વામી (Kirit Goswami)

હાલમાં કિરીટ ગોસ્વામી જામનગર ખાતે હાઇસ્કુલમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કિરીટ ગોસ્વામી માતા-પિતાના અવસાન બાદ છેલ્લા 20 વર્ષથી જામનગરમાં એકાકી જીવન પસાર કરે છે. હાલ પરિવારમાં એક બહેન છે જે લગ્ન કરીને સાસરે છે. જયારે અમારા દ્વારા કિરીટ ગોસ્વામીને લગ્ન ન કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યુ ત્યારે એમણે કહ્યું કે પહેલા શોખ ખાતર બાળગીતો લખતો હતો. ત્યારબાદ એ વિષયમાં વધારે રૂચી પડતા તેના પર વિશેષ ધ્યાન આપવા લાગ્યો અને એ મારા માટે ક્યારે એક ધ્યેય બની ગયું એનો મને પણ ખ્યાલ નથી. બસ આ જ કારણસર મેં નક્કી કર્યું કે, ભગવાન દ્વારા મળેલો આ જન્મ તો માત્ર ને માત્ર બાળકો માટે જ સમર્પિત છે. એટલા માટે જ મેં લગ્ન ન કર્યા અને આજીવન બાળકો માટે જીવવાનું અને લખવાનું નક્કી કર્યું.

Kirit Goswami

450 થી વધારે બાળગીતો લખ્યા છે કિરીટ ગોસ્વામી (Kirit Goswami)

અત્યાર સુધીમાં કિરીટ ગોસ્વામીએ 450 થી વધારે બાળગીતો લખ્યા છે. આ સાથે કિશોર કથા, વિદ્યાર્થીલક્ષી સંવેદન કથાઓની પણ એમના દ્વારા રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતભરની શાળાઓમાં આશરે 120 જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ પણ એમના દ્વારા કરવામાં આવ્યા છે. માત્ર અહીંથી કિરીટ ગોસ્વામી અટકતા નથી માતૃભાષા અભિયાન દ્વારા જામનગર ખાતે દર મહિને બે વખત બાળકો માટે એક વિશિષ્ટ ‘બાળસભા’નું આયોજન અને સંચાલન પણ એમના દ્વારા કરવામાં આવે છે. આ સાથે કિરીટ ગોસ્વામી કહે છે કે ભવિષ્યમાં બાળગીત અને બાળસાહિત્યમાં યાદગાર કૃતિઓનું સર્જન કરવું એ જ મારું ધ્યેય છે. બાળકો માટે બાળગીતો લખતો હતો, હાલ પણ લખું છું અને આજીવન લખતો રહીશ એ જ મારું જીવન સૂત્ર છે.

Kirit Goswami
Kirit Goswami
Kirit Goswami
Kirit Goswami

કિરીટ ગોસ્વામીની વિશેષ વિગત

  • મોરારી બાપુ પ્રેરિત અસ્મિતા પર્વ – 2007 માં કાવ્યપાઠ
  • સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર દ્વારા એક ગઝલ સ્વરબધ્ધ કરીને ગાવામાં આવે છે (પ્રેમ કયાં પંડિતાઇ માગે છે)
  • ગુજરાતી મ્યુઝિક એપ. “જલસો” પર કાવ્યપઠન

Kirit Goswami
  • 50 જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન
  • જિલ્લાથી રાજ્યકક્ષાની માતૃભાષા સંવર્ધન તાલીમમાં તજજ્ઞ
  • જિલ્લાથી રાજ્ય કક્ષાની વિવિધ સાંસ્કૃતિક/લેખન વિષયક હરિફાઈમાં નિર્ણાયક
Kirit Goswami

કિરીટ ગોસ્વામી દ્વારા રચાયેલા બાળગીતનાં સંગ્રહો

  • એક એક ડાળખી નિશાળ – (2009)
  • ખિસકોલી ને કમ્પ્યુટર છે લેવું! – (2016)
  • એક બિલાડી બાંડી – (2018)
  • ગોળ ગોળ લાડુ – (2019)
  • કીડીબાઇનું કમ્પ્યૂટર – (2021)
      
Kirit Goswami
Kirit Goswami

કિરીટ ગોસ્વામીના કામની ગુંજ દુર-દુર સુધી ગુંજી રહે છે. સમાચારપત્રો, મેગેઝીનો, રેડિયો, ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી બધાએ એમના આ ઉમદા કામની નોંધ લીધી છે. આ જ કારણે આજે એ સેલીબ્રીટી બાળગીતકાર બની ગયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે 2019-20માં એક વિધાર્થીએ ગુજરાતી વિષયમાં પોતાની એમ.ફિલ.ની પદવી માટે લઘુશોધનિબંધ તરીકે “કિરીટ ગોસ્વામીની બાળકવિતાઓ : એક અભ્યાસને” રજુ કર્યો હતો. પોતાના કામની જેમ એમનો પ્રેમાળ, વિનમ્ર અને દયાળુ સ્વભાવ લોકોને એમના તરફ આકર્ષિત કરે છે.

Kirit Goswami
Kirit Goswami

                               
કિરીટ ગોસ્વામીના પ્રકાશિત બાળકાવ્યસંગ્રહો અને તેને મળેલા પારિતોષિકની વિગત

  • એક એક ડાળખી નિશાળ  (2009)
    ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
  • ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું! (2016 )
    અંજુ નરશી પ્રથમ પારિતોષિક
    ગુજરાતી સાહિત્ય પરિષદનું બાળ-કિશોર સાહિત્ય પારિતોષિક
  • એક બિલાડી બાંડી (2018)
    સ્વ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર
    અંજુ નરશી પ્રથમ પારિતોષિક
    ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
  • ગોળ ગોળ લાડુ (2019)
    ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
  • કીડીબાઇનું કમ્પ્યૂટર (2021)
Kirit Goswami

કિરીટ ગોસ્વામી રચિત વિદ્યાર્થીલક્ષી સંવેદન કથાઓ

  • ફૂલગુલાબી કિસ્સા (2010)
    કમિશનર ઑફ સ્કૂલ પુરસ્કાર
  • પતંગિયાની વાતો  (2013 )
    આદિત્ય કિરણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • નોખા  નિશાળિયા  (2014)
  • થોડાંક ગુલાબ (2018)
Kirit Goswami

કિરીટ ગોસ્વામી દ્વારા 2010 માં એક નાગાટોળી નામની કિશોર કથાની પણ રચના કરવામાં આવી છે. આ સાથે કિરીટ ગોસ્વામી દ્વારા રચિત કૃતિઓની ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની પાઠયપુસ્તકમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિરીટ ગોસ્વામીને એમના દ્વારા કરવામાં આવતા આ કાર્ય માટે અન્ય એવાર્ડ મળેલા છે.

કિરીટ ગોસ્વામીની પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ કૃતિઓ

  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 4 ના ગુજરાતી (દ્વિતીય ભાષા)ના પાઠયપુસ્તકમાં બાળકાવ્ય ” વાંદરા કરતા હૂપાહૂપ ” સમાવિષ્ટ
  • મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધોરણ – 6 ( બાલભારતી) માં ‘તારી મોજે’ કાવ્યનો સમાવેશ
  • મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક ધોરણ -5 ( સાહિત્ય પરિચય) માં  ‘હાથીભાઇને મોજ’ કાવ્યનો સમાવેશ
Kirit Goswami

Read Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

850 વર્ષ જૂનાં અને જમીનથી 150 ફૂટ ઊંચાઈએ આવેલાં આ કિલ્લાના 12 વર્ષ સુધી બંધ હતા મુખ્યદ્વાર, કારણ છે ચોંકાવનારું

ગાયો અને ખેડૂતો માટે ગુજરાતના આ ગોપાલે જે કર્યું એ જાણીને તમારી છાતી ગજ-ગજ ફૂલી જશે

કિરીટ ગોસ્વામીને મળેલ અન્ય પારિતોષિકની વિગત

  • ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ – (2016)
  • સેતુ જામનગર દ્વારા નગર રત્ન એવોર્ડ – (2016)
  • ભારતીય વિદ્યા ભવન દ્વારા બાળસાહિત્યકાર સન્માન – (2017-18)
  • માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2013)
Kirit Goswami
Kirit Goswami
  • વિદ્યા ગુરુ સાંદીપનિ એવોર્ડ – (2015)
  • રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ – (2001)
  • યશસ્વિતા એવોર્ડ – (2019)
  • ગુજરાત રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2020)
  • ‘અચલા’ એજ્યુકેશન ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2021)
  • સમગ્ર બાળસાહિત્ય સર્જન યાત્રા માટે અંજુ નરશી ગુર્જર બાળસાહિત્ય વૈભવ પુરસ્કાર – (2021)
Kirit Goswami
Kirit Goswami

46 વર્ષના કિરીટ ગોસ્વામીએ અત્યાર સુધીમાં બાળકો માટે જે કામ કરેલું છે એને કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. એમના આ કાર્યની સફર જોઇને એમના માટે અમને અને તમને પણ ચોક્કસથી એમના પર ગર્વ થશે. આગળ હજુ કિરીટ ગોસ્વામી નવું શું-શું કરશે એ જાણવાનો પણ એટલો જ ઉત્સાહ રહેશે. એમના દ્વારા કરવામાં આવતા આ ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય માટે traveltoculture.com કિરીટ ગોસ્વામીને “Amazing ગુજરાતી” કહીને બિરદાવે છે.