રોયલ સવારી :અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

Udaybhai Jadav

ગુજરાતના અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળો ત્યારે તમને એવી રિક્ષામાં મુસાફરી કરવા મળે કે જે, ખાસ પ્રકારની સુવિધાઓથી ભરપુર હોય, એ સાથે અજાણ્યા હોવા છતાં મોંઘેરા મહેમાનની જેમ સ્માઈલી અને હાર્ટ જેવા ટેગ કપડાં પર લગાડીને સ્વાગત કરવામાં આવે અને મોઢા પર મોટું સ્મિત રાખીને રિક્ષાની રોયલ સવારી કરવા માટે આવકારવામાં આવે આ સાથે જ મુસાફરી દરમિયાન મેગેઝીન,છાપું,ફેન,મિનરલ વોટર સાથે નાસ્તાની લિજ્જત માણવા મળે તો કોઈ નવાઈ નહિ.

Udaybhai Jadav

11 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે એક હીરો ચલાવે છે શાનદાર રિક્ષા(Udaybhai Jadav)

કારણ કે, અમદાવાદમાં છેલ્લા 11 વર્ષથી ખાદી કુર્તો અને ગાંધી ટોપી પહેરીને ફરી રહ્યો છે એક હીરો કે જે પોતાની શાનદાર રિક્ષા સાથે અમદાવાદના લોકોને એમના મૂકામ પર પહોંચાડે છે.આટલી બધી સગવડ ભોગવવા બાદ જ્યારે લોકો એને ભાડા માટે પૂછે તો એ ફક્ત એટલું જ કહે છે કે ‘જે ઈચ્છા હોય એ આપી દો’.

આજની આ મોંઘવારીમાં આટલી સુવિધા મેળવ્યા પછી કોઈ એવું કહે કે ‘જે ઈચ્છા હોય એ આપી દો’ તો કોઈને પણ પચાવવું થોડું અઘરું પડે પરંતુ અમદાવાદનો આ હીરો છેલ્લા 11 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે રિક્ષા ચલાવે છે. જેનું નામ છે ઉદયસિંહ જાદવ…

આ યુનિક કન્સેપ્ટની શરૂઆત કઈ રીતે થઈ?

આ યુનિક કન્સેપ્ટની શરૂઆત વિષે જ્યારે ઉદયભાઈને (Udaybhai Jadav) પૂછવામાં આવ્યું તો એમને જણાવ્યું કે અમદાવાદમાં ચાલતા સેવા કેફે, કાલુપુર રામ રોટી જેવી સંસ્થા સાથે તે જોડાયેલા હતા અને એ જ સંસ્થાથી 2010માં તેમને પ્રેરણા મળી, આત્મમંથન કરતા તેમને વિચાર આવ્યો કે તે પણ પૈસાને મહત્વ આપવાને બદલે લોકોની સેવા કરશે અને એજ વિચારને અમલમાં લાવીને તેમને આ યુનિક કન્સેપ્ટથી રિક્ષા ચલાવવાની શરૂઆત કરી તેમનું ફક્ત એ જ માનવું છે કે મારી રિક્ષામાં બેસીને લોકોના મોઢા પર સ્મિત આવવું જોઈએ અને એટલા માટે જ એ બધાને પ્રેમ વહેંચવાનું કામ કરે છે.

ઉદયભાઈ જાદવની (udaybhai jadav) રિક્ષા બીજા કરતાં કઈ રીતે અલગ છે?

  • ઉદયભાઈની રિક્ષામાં લાયબ્રેરી, સોફ્ટબોર્ડ, ફેન,ડસ્ટબીન, લાઈટ જેવી ઘણી બધી સુવિધાઓ છે.
  • ઉદયભાઈ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવે છે. આ સાથે જ નાના બાળક માટેરિક્ષામાં રમકડાં પણ રાખવામાં આવ્યા છે.
  • રિક્ષામાં જ સત્ય અને અહિંસા નામના બે બોક્સ બનાવવામાં આવ્યા છે. જેમાં એક બોક્સમાં મિનરલ પાણીની બોટલ અને બીજા બોક્સમાં મુસાફરો માટે થેપલાં, પુરી, સુખડી, હાંડવા જેવો નાસ્તો રાખવામાં આવે છે.
  • રિક્ષા પર અલગ-અલગ પ્રકારનાં સૂત્રો લખીને લોકજાગૃતિનું કામ પણ ઉદયભાઈ દ્વારા કરવામાં આવે છે.
  • ગાંધીજીના જીવનથી પ્રેરણા લઈને બા-બાપુ સાથે જોડાયેલા અનેક પ્રસંગો પોતાની રિક્ષામાં ઉદયભાઈ એ કંડાર્યા છે.
  • આ ઉપરાંત રિક્ષામાં ‘અક્ષયપાત્ર’ નામની એક બોટલ રાખવામાં આવી છે જેમાં પોતાની રોજની કમાણીનો એક ભાગ જમાં કરવામાં આવે છે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની પાછળ વાપરવામાં આવે છે.
  • દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે ખાસ પ્રકારની હેરિટેજ ટુરનું આયોજન પણ ઉદયભાઈ દ્વારા કરવામાં આવે છે જેમાં મહેમાનોને ગાંધી આશ્રમ, હઠ્ઠીસિંગના દેરા, સિદી-સૈયદની જાળી, ભદ્રા ફોર્ટ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજ રોજા જેવા ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે અને સાથે સાથે અમદાવાદના વારસા વિશે પણ માહિતગાર કરે છે. આથી લોકો એમને “અમદાવાદનો રિક્ષાવાળાના” નામે ઓળખે છે.
  • આ સાથે એમના દ્વારા એક ઈકો ગાડી વસાવવામાં આવી છે જેમાં લોકોને બેસાડીને અમદાવાદની સફર કરાવે છે અને અમદાવાદના વારસાને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનું કામ કરે છે.એના માટે એમને એક ટુર પેકેજ બનાવ્યું છે. જેમની સેવા નજીવા ખર્ચે તેમના દ્વારા આપવામાં આવે છે. જેના માટે એમને આ હેરિટેજ ટુરને “સાબરમતિનો સારથિ” એવું નામ આપ્યું છે.
  • દેશ-વિદેશથી અમદાવાદને જાણવા અને માણવા આવતા લોકો ઉદયભાઈનો જ સંપર્ક કરે છે જેથી એમને અમદાવાદની તમામ માહિતી મળી રહે.

ઉદયભાઈને પત્નીનો એક મિત્ર જેવો સાથ સહકાર મળ્યો છે

મોંઘવારીના સમયમાં આ રીતે સેવા કરીને ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું છે પણ તેના આ કામમાં તેમના પત્ની ખભેથી ખભો મેળવીને સહભાગી બને છે અને ઉદયભાઈ દ્વારા દિવસના અંતે જેટલા પણ રૂપિયા આપવામાં આવે એમાં તેમના પત્ની કરકસર કરીને ઘરનું ગુજરાન ચલાવી લે છે રિક્ષામાં રાખવામાં આવતો નાસ્તો પણ તેમના પત્ની દ્વારા જ બનાવી આપવામાં આવે છે.

ઉદયભાઈ જાદવ (udaybhai jadav) બીજા રિક્ષા ડ્રાઈવરથી કઈ રીતે અલગ છે?

  • ઉદયભાઈની રિક્ષામાં ઉપર જણાવેલી બધી જ સગવડતાઓ છે પણ આ સુવિધાઓ માટે એમના દ્વારા ક્યારેય પણ એમના કોઈપણ પેસેન્જર પાસેથી ભાડું માંગવામાં આવતું નથી.
  • સફરના અંતમાં હાથમાં એક બોક્સ થમાવી દે છે જેમાં લખ્યું હોય છે ‘Pay from your heart’ એનો મતલબ એવો કે મુસાફરને પોતાના દિલથી જે પણ મૂકવું હોય તે બોક્સમાં મૂકી શકે છે.
  • ઉદયભાઈ બીજા રિક્ષા ડ્રાઈવરથી એટલા માટે અલગ છે કારણ કે, તેના દિવસની શરૂઆત થતાં પહેલાં પેસેન્જરનું ભાડું તેમના તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ આવતાં પેસેન્જર તેના પછીનાં પેસેન્જરનું ભાડું ગિફ્ટ આપે છે અને બસ આ રીતે ઉદયભાઈની રિક્ષા ‘ગિફ્ટ ઇકોનોમીના’ મોડેલ પર ચાલે છે. પરંતુ જો કોઈ પેસેન્જર દ્વારા પૈસા ન આપવામાં તો પણ હસતાં મોઢે એમને એમના મુકામે પહોંચડવામાં આવે છે.
am

ઘણા સેલિબ્રિટી અને દીગજજો પણ આ રિક્ષાની સફર માણી ચૂક્યા છે

અમદાવાદના આ રિક્ષા ચાલકની રિક્ષામાં અમિતાભ બચ્ચન, કાજોલ, મોરારી બાપુ,પરેશ રાવલ, આશા પારેખ, ચેતન ભગત, ગુજરાતના મંત્રીઓ સહિત અનેક લોકોએ સફર કરી છે તેની રિક્ષામાં રાખેલી ફીડબેક બૂકમાં કાજોલ સહિત ઘણા બધા લોકોએ તેમના પ્રતિભાવ પણ લખેલા છે.બસ આ જ કારણથી ઉદયભાઈનો દીકરો પોતાના પિતાને સેલિબ્રિટી માને છે.

એમનો દીકરો કહે છે કે મારા પપ્પા પોતે જ એક સેલિબ્રિટી છે અને એમને ઘણા બઘી સંસ્થાઓ દ્વારા પોતાના આ યુનિક કામ માટે સન્માન કરવા અને લોકોને પ્રેરણા આપવા માટે બોલાવવામાં આવે છે.

Read Also :

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

ઉદયભાઈનું ફક્ત એ જ કહેવું છે કે મે પૈસા નહિ કમાયા પણ લોકોના દિલ જીતવાનું અને વિશ્વાસ જીતવાનું જે કામ કર્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું અને આજીવન આ કામ કરતો રહીશ.ઉદયભાઈનો આ દ્રઢ આત્મવિશ્વાસ અને મહેનતને જોઇને traveltoculture.com ઉદયભાઈને Amazing Gujaratiનું બિરુદ આપતાં ગર્વની લાગણી અનુભવે છે.